૩૭૦ની નાબૂદી અને લદ્દાખ કેન્દ્રશાસિત રાજ્ય બન્યા પછી લદ્દાખ હવે નવી ઊંચાઈઓ સર કરશે?!

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
લદ્દાખ અને કાશ્મીર, સંસ્કૃતિ, ધર્મ વગેરેની દૃષ્ટિએ એકબીજાથી સાવ જુદાં હોવા છતાં પણ લદ્દાખે માથે જે લદાતું તે ચલાવી લેવું પડ્યું છે જેમાંથી હવે તેઓ મુક્ત હશે. લેહ અને કારગીલ બન્ને લદ્દાખના જ જિલ્લા હોવા છતાં ય બન્નેમાં આસમાન-જમીનનો ફેર છે.
૩૭૦ની કલમ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરનું શું થઈ શકે એની પર અવિરત ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આ પરિવર્તનની જેટલી અસર થઈ છે એટલી જ અસર લદ્દાખ પર થઈ છે, પણ આ અસરો જુદી છે, લદ્દાખના સાંસદ ૩૪ વર્ષના જમયાંગત્સેરિંગનામગ્યાલે લદ્દાખની વાત જે જોશથી રજૂ કરી, કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી તેમાં તેમની ભારે પ્રશંસા થઈ. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાય તે માટે ૭૧ વર્ષથી સતત પ્રયત્નો ચાલુ હતા. તેમણે પોતાની રજૂઆતમાં લદ્દાખ કઈ રીતે કોરાણે મુકાઈ ગયું હતું, કઈ રીતે તેની જરૂ‚રિયાત પર ધ્યાન નહોતું અપાતું અને કઈ રીતે એક પડતર જમીનના ટુકડા તરીકે તેની ગણના થતી હતી તે આક્રોશપૂર્વક જણાવ્યું. કાશ્મીરને કારણે લદ્દાખને વિકસવા માટે જ‚રી મોકળાશ નહોતી મળતી અને લદ્દાખની સંસ્કૃતિ કલમ ૩૭૦ના બોજ હેઠળ ઢંકાઈને ભૂંસાવા માંડી હતી તેમ આ યુવા સાંસદે જણાવ્યું હતું.
 

 

અહીં શાળાઓમાં ફરજિયાત ઉર્દૂ ભાષા ભણાવાતી 

 
લદ્દાખનો વિસ્તાર જમ્મુ-કાશ્મીર બન્નેના ભેગા વિસ્તાર કરતાં મોટો હોવો છતાં તથા ભૌગોલિક રીતે જુદો હોવા છતાંય ત્યાંની જ‚રિયાતોની ગણના ન કરાતી. ત્યાં શાળાઓમાં ફરજિયાત ઉર્દૂ ભાષા ભણાવાતી તો સરકારી ભાષા તરીકે પણ ઉર્દૂનો જ ઉપયોગ થતો આવ્યો છે. વળી અહીં જે પણ અધિકારી વગેરેનું પોસ્ટિંગ થતું તેઓ લદ્દાખની કામગીરીમાં બહુ રસ ન લેતા, અથવા તો લદ્દાખનાં પોસ્ટિંગને સજા ગણતા, કારણ કે અંતરિયાળ પ્રદેશ હોવાને કારણે લદ્દાખમાં બધી સવલતો આસાનીથી મળવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં અધિકારીઓની ઉદાસીનતાને કારણે લદ્દાખનાં લોકોમાં પણ અસંતોષ રહેતો. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના નેતૃત્વથી અસંતુષ્ટ લદ્દાખી પ્રજાને હવે લોકસભામાં પોતાનો પ્રતિનિધિ મૂકવાની તક મળશે. કાશ્મીરથી છૂટા પડેલા લદ્દાખ માટે હવે પોતાને ફાયદો થાય તેવા કાયદા પસાર કરાવવાનું સરળ થઈ પડશે જે પહેલાં શક્યું નહોતું.
 

કાશ્મીરના કારણે લદ્દાખને હેરાન થવાનું!? 

 
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના તંગ વાતાવરણને કારણે લદ્દાખમાં ક્યારેય અશાંતિ નથી પ્રસરી. છતાંય કાશ્મીરમાં તણાવ પેદા થાય તો લદ્દાખ વગર કારણે પંગુ થઈ જતું. જનજીવન સામાન્ય હોય છતાંય શ્રીનગર નિર્ણય લે તો લદ્દાખમાં શાળા-ઓફિસિઝ બંધ કરવા પડતાં. સાંસ્કૃતિક દૃષ્ટિએ સાવ જુદા પડતા લદ્દાખના જિલ્લા લેહમાં બૌદ્ધ ધર્મને અનુસરનારા બહુમતીમાં છે, તો અન્ય જિલ્લા કારગિલમાં મુસલમાનોની સંખ્યા વધારે છે. લદ્દાખી બુદ્ધિસ્ટસને એ વાતની રાહત થઈ છે કે અત્યાર સુધી લદ્દાખમાં નીતિ, રાજકારણ બધું જ કાશ્મીરને કેન્દ્રમાં રાખીને થતું, જે હવે બદલાશે. લદ્દાખ અને કાશ્મીર, સંસ્કૃતિ, ધર્મ વગેરેની દૃષ્ટિએ એકબીજાથી સાવ જુદાં હોવા છતાં પણ લદ્દાખે માથે જે લદાતું તે ચલાવી લેવું પડ્યું છે, જેમાંથી હવે તેઓ મુક્ત હશે. લેહ અને કારગીલ બન્ને લદ્દાખના જ જિલ્લા હોવા છતાંય બન્નેમાં આસમાન-જમીનનો ફેર છે. કારગિલના લોકોને લાગે છે કે હંમેશાથી બૌદ્ધ બહુમતી ધરાવતા લેહને જ મહત્ત્વ અપાયું છે અને કારગિલની સદંતર અવગણના થઈ છે. કારગિલમાં રહેનારાઓને, કેન્દ્ર શાસિત લદ્દાખનો ભાગ બનવામાં લગીરેય રસ નહોતો અને માટે જ પોતાનો વિરોધ નોંધાવવા કારગિલ બંધનું પાલન પણ કરવામાં આવ્યું હતું. કારગિલમાં વસનારાઓને કાશ્મીર સાથે હંમેશા વધારે લગાવ રહ્યો છે. કારગિલ અને લેહ વચ્ચે સરકારના નિર્ણય અંગે જે મતભેદ છે તે તો સમય આવ્યે ઉકેલાશે તેવી આશા રાખી શકાય. કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયા પછી લદ્દાખના રહેવાસીઓ ખુશ તો છે જ, પરંતુ તેમને પોતાનાં સ્થાનિક અર્થતંત્રની ચિંતા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશનું લેબલ લદ્દાખનું ભલુ કરશે 

 પ્રમાણમાં નાનો સમુદાય ધરાવતું રાજ્ય હોવાને કારણે લદ્દાખ ક્યારેય પોતાનો અવાજ ઊંચો નથી કરી શક્યું. અત્યાર સુધી જેઓ ત્યાંના રાજકારણ, સાંસ્કૃતિક તાણાવાણા કે મહત્ત્વાકાંક્ષાઓને જાણતા જ નહોતા તેવા લોકોએ લદ્દાખ સાથે મનફાવે તેવો વહેવાર રાખ્યો છે. છેલ્લા બે દાયકામાં લદ્દાખમાં વસનારાઓની માનસિકતા બદલાઈ છે. તેમને આગવી મહત્ત્વાકાંક્ષા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશનું લેબલ લદ્દાખમાં વસનારાઓને પોતાની રાજકીય ઓળખનો એકડો ઘૂંટવામાં મદદ‚રૂપ થશે. લદ્દાખની નવી પેઢી પોતાની આગવી શૈલીમાં, પોતાના રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને રાજકીય અને આર્થિક ક્ષમતાઓને વિસ્તારશે. લદ્દાખના લોકો નવા દરજ્જાને પગલે હવે પોતાનું હિત અને પ્રગતિ સાધવા માગે છે. આશા રાખીએ કે તેઓ તેમ કરવામાં સફળ રહે.