શું જૂની દિલ્હીની સાથે હિન્દુઓનો સંબંધ કદાચ ઇતિહાસ બની જશે ?

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
જૂની દિલ્હીના અનેક વિસ્તારોમાં હિન્દુઓની વસતી સતત ઘટી રહી છે. પહેલાં હિન્દુઓ અહીં જ રહેતા અને વ્યાપાર પણ અહીં કરતા. હાલ, મોટા ભાગના હિન્દુ વ્યાપારીઓ આ વિસ્તાર છોડી અન્યત્ર પલાયન કરી ગયા છે. પરિણામે અહીં માત્ર વ્યાપાર બચ્યો છે, હિન્દુ નહીં. આમ થવાનાં અનેક કારણોમાં મુખ્ય કારણ ધાર્મિક ઉન્માદ છે. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ.
 

આટલી બધી પોલીસ કેમ છે ? 

 
તે દિવસે ખરા બપોરે લગભગ બે વાગ્યા હશે. હૌઝકાજી (જૂની દિલ્હી)થી લાલકૂવા તરફ જતા રસ્તા પર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ભીડ એટલી કે પગપાળા ચાલનારા લોકોના ખભા પણ એકબીજા સાથે અથડાતા હતા. હર કોઈ પરસેવાથી રેબઝેબ હતું. આવી હાલતમાં માથે સામાન ઉઠાવી ચાલતા મજૂરો અને રિક્ષાચાલકની હાલતની વાત જ ન પૂછશો. સડકની બંને બાજુએ થોડા-થોડા અંતરે સુરક્ષાકર્મી ઊભા હતા. સિરકિવાલનમાં એક દુકાનદાર કમલકાંત શર્મા પોતાની દુકાનમાંથી બહાર નજર કરી રહ્યા હતા. મારી નજર તેમની નજર સાથે મળી અને મારા પગ સહજ રીતે અટકી ગયા. તેઓએ મને પીવા માટે પાણી આપ્યું. અમારી વચ્ચે કેટલીક વાતો થઈ. આટલી બધી પોલીસ કેમ છે ? એ પૂછતાં તેઓએ કહ્યું. આ પહેરો તો કેટલાય દિવસથી છે. ‘ખબર નથી પડતી કે નાની-નાની વાતો પર લોકો મોટા વિવાદ કેમ ઊભા કરી દે છે. તેને કારણે કરોડો ‚રૂપિયાનું નુકસાન થાય છે.’
 

દુર્ગા મંદિર પર હુમલો કરી મંદિરમાંની અનેક પ્રતિમાઓ ખંડિત કરી 

 
તેમનો ઇશારો ૩૦ જૂનની રાત્રે ‘લાલકૂવા’ વિસ્તારમાં બનેલી ઘટના તરફ હતો. તે રાત્રે પાર્કિંગને લઈ એક હિન્દુ અને મુસલમાન વચ્ચે ઝઘડો થયો. બાદમાં મુસલમાનોની ઉગ્ર ભીડે અહીંના દુર્ગા મંદિર પર હુમલો કરી મંદિરમાંની અનેક પ્રતિમાઓ ખંડિત કરી દીધી, ત્યારથી જ આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ હતી. જોકે હવે મંદિરમાં પ્રતિમાઓની પુન: પ્રાણપ્રતિષ્ઠા કરી દેવાઈ છે, પરંતુ ઘટનાએ અનેક સવાલો તો પેદા કરી જ દીધા છે.
 

 
 

મંદિર પર હુમલો શું કામ કરવામાં આવ્યો ?  

 
આવો જ સવાલ છે કે, નાની અમથી વાત પર મંદિર પર હુમલો શું કામ કરવામાં આવ્યો ? આનો જવાબ આપતાં નવસંવત આયોજન સમિતિ ચાંદની ચોકના અધ્યક્ષ સુશીલકુમાર જૈન કહે છે કે, ‘જે મંદિર પર હુમલો થયો હતો તેની આજુબાજુ પહેલાં હિન્દુઓની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. હવે આખો વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો બની ગયો છે. હિન્દુઓ માત્ર ચાર-પાંચ ટકા જ બચ્યા છે અને તેઓને પણ અહીંથી ભગાવવાની કોશિશો થઈ રહી છે. આ ષડયંત્રના ભાગ‚પે જ મંદિર પર હુમલો થયો હતો, જેથી કરીને હિન્દુઓમાં ડર ફેલાય અને ત્યાંથી મકાનો - દુકાનો વેચીને પલાયન કરી જાય.’
તેમની વાતો પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે આ વિસ્તારમાં હિન્દુઓની આબાદી કેમ ઘટી રહી છે, પરંતુ આ સિવાય પણ અન્ય કેટલાંક કારણો છે જેને કારણે હિન્દુ અહીંથી પલાયન કરી રહ્યા છે.
 

મોટાભાગની ગલીઓ હવે મુસ્લિમ બાહુલ્ય બની ગઈ છે 

 
કમલકાંત શર્મા કહે છે કે, ‘મારી ઉંમર ૬૦ વર્ષ છે, મારો જન્મ અહીં જ થયો છે અને ઉછેર પણ અહીં જ થયો છે, પરંતુ હવે હું મારાં બાળકોને અહીં રાખવા માંગતો નથી, માટે નોઈડામાં રહું છું. માત્ર ધંધા માટે આવું છું અને સાંજે પરત ચાલ્યો જાઉં છું.’ તેમનાં બાળકોને અહીં કેમ રાખવા માંગતા નથી ? તેનો જવાબ આપતાં તે કહે છે, ‘આ વિસ્તાર સાંકડો છે. સામાન્ય રીતે ઘર પણ નાનાં છે, પરિવાર વધતાં જ તેમાં રહેવામાં તકલીફ પડે છે, માટે લોકો બહાર નીકળી રહ્યા છે.’ તેઓ એમ પણ કહે છે કે, ‘અહીંનું વાતાવરણ પણ એવું બની ગયું છે કે હિન્દુ પોતાને અહીં સુરક્ષિત અનુભવતો નથી. આ જ કારણે હિન્દુઓ અહીંથી પલાયન કરી રહ્યા છે.’ આ કારણે લાલકૂવા વિસ્તારની મોટાભાગની ગલીઓ હવે મુસ્લિમ બાહુલ્ય બની ગઈ છે. મોટાભાગના દુકાનદારો હિન્દુ છે પરંતુ અહીં રહેનારાઓમાં ૯૫ ટકા મુસલમાન છે. આવી જ પરિસ્થિતિ ચિતલીકબર, ઈદગાહ, ચિતલાગેટ, સઈવાલાન, બલ્લીમારાન, પાયવાલાન, દરિયાગંજ વિસ્તારોની છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ વિસ્તારમાં મુસ્લિમો બહુમતીમાં આવી જાય છે ત્યારે ગેરમુસ્લિમોનું જીવવું હરામ થઈ જાય છે.
 

હિન્દુઓને પરેશાન કરવા માટે તેમનાં ઘરોની સામે જ બકરાં, મરઘાં કાપવામાં આવે છે 

 
સામાજિક કાર્યકર્તા પ્રકાશ ગુપ્તા કહે છે કે, ‘અહીં હિન્દુઓને પરેશાન કરવા માટે તેમનાં ઘરોની સામે જ બકરાં, મરઘાં કાપવામાં આવે છે અને મંદિરોને પણ અપવિત્ર કરવાની કોશિશો થાય છે. વિરોધ કરવા પર મુસ્લિમોની ભીડ હિન્દુઓ પર ટૂટી પડે છે અને તેવું જ ૩૦ જૂનના રોજ થયું.’ આ વિસ્તારોમાં હિન્દુઓની વસ્તી ઘટવાથી સુશીલકુમાર જૈન ખૂબ જ ચિંતિત છે. તે કહે છે કે, ‘જો હિન્દુઓનું પલાયન આ રીતે જ ચાલતું રહ્યું તો દિલ્હી-૬ અને દિલ્હી-૨ સંપૂર્ણ રીતે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર બની જશે.’ તે એમ પણ કહે છે કે પારિવારિક, સામાજિક અને વિષમ સ્થિતિના કારણે પણ હિન્દુઓ આ વિસ્તાર છોડી રહ્યા છે. તે કહે છે કે, આ વિસ્તારોમાં બિલ્ડર લોબી સક્રિય બની છે અને તેમને રાજનૈતિક સંરક્ષણ મળેલું છે. તે લોકો મોં માંગી કિંમત આપી ઘર-જમીન ખરીદી રહ્યા છે અને હિન્દુઓ અહીં સુરક્ષિત નથી માટે તેઓ જ તેમને ઘર-જમીન વેચી રહ્યા છે, જેને મુસલમાનો ખરીદી લે છે.
 

 
 

રાત્રે ભયંકર સન્નાટો હોય છે 

 
પુસ્તકોના બજાર માટે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ ‘નઈ સડક’ની પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ત્યાં માત્ર દિવસે જ્યારે બજાર ભરાય છે ત્યારે જ રોનક લાગે છે. રાત્રે ભયંકર સન્નાટો હોય છે. અહીં મોટી બિલ્ડિંગો બની ગઈ છે. પહેલાં લોકો તેમાં રહેતા અને વ્યવસાય કરતા, જેમાં મોટેભાગે હિન્દુઓ હતા, પરંતુ હવે એવું નથી. તેઓ સવારે અહીં આવે છે અને સાંજે પરત ચાલ્યા જાય છે. જેનો ફાયદો આજુબાજુ રહેતા મુસ્લિમો ઉઠાવે છે અને ઘૂસપેઠ કરી રહ્યા છે. ‘નઈ સડક’ વિસ્તારમાં વરસોથી રહેતા રહેલા સંદીપ બુમરાહ કહે છે કે, ‘પહેલાં અહીં એક બિલ્ડિંગમાં ૯૦-૯૦ લોકો રહેતા હતા, જેમાં અહીં કામ કરતા લોકો પણ રહેતા હતા. આજે આખા વિસ્તારમાં થઈને પણ ૯૦ લોકો નથી રહેતા. દિવસે અહીં ચાલવા માટે પણ જગ્યા નથી હોતી, જ્યારે રાત પડતાં જ આખો વિસ્તાર સૂમસામ થઈ જાય છે, માત્ર અસામાજિક તત્ત્વો જ ફરતાં હોય છે. આવનાર સમયમાં આ તત્ત્વો અહીંના બજાર પર પણ કબજો કરી લેશે.’
 

૫૦ જેટલાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં છે 

 
આ વિસ્તારને વ્યવસાયિક કેન્દ્ર બનાવવા માટે ૫૦ જેટલાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં છે. જે વિસ્તારમાંથી હિન્દુઓ ચાલ્યા જાય છે, ત્યાંનાં મંદિરો બંધ થઈ જાય છે, જેને જમીનમાફિયા યેન-કેન પ્રકારેણ પોતાના કબજામાં લઈ રહ્યા છે. રામદ્વારા (કટરાનીલ), હનુમાન મંદિર (રંગમહલ), હનુમાન મંદિર (નાઈવાડા), હનુમાન મંદિર (નઈ બસ્તી, નયા બાઝાર) જેવાં મંદિરો પર આજે ઇમારતો બંધાઈ ચૂકી છે. લાલકૂવાના ફરાશખાનામાં પહેલાં અનેક મંદિરો હતાં. આજે ત્યાં ચાર-પાંચ જ મંદિરો બચ્યાં હતાં. તેના પર પણ જમીનમાફિયાઓનો ડોળો છે. ખારી બાવલીના પૂર્વનિવાસી અને સમાજસેવી શુભેશ શર્મન આ વિસ્તારમાં ઘટી રહેલ હિન્દુ વસતીને મોટો ખતરો ગણાવે છે. તે કહે છે કે, ‘સમગ્ર વિસ્તારમાં ગલીએ ગલીએ પહેલાં અનેક મંદિરો હતાં. વ્યવસાયીકરણને કારણે ગલીઓ સાંકડી થતી ગઈ અને હિન્દુઓ અન્ય સ્થળે પલાયન કરતા ગયા. તેમની જગ્યાએ અહીં મુસલમાનો આવી ગયા. પરિણામે મંદિરોની દેખરેખ પણ યોગ્ય રીતે થઈ રહી નથી. હવે એ મંદિરો પર જમીનમાફિયાઓનો કબજો છે.’ ત્યાંના કેટલાક લોકો માને છે કે, પરિસ્થિતિ બદલાઈ શકે છે. અમન સમિતિ લાલકૂવાના મુખ્ય સચિવ તારાચંદ સકસેના ઉર્ફ બિટ્ટુ પણ આમાંના એક છે. તે કહે છે, ‘હિન્દુ ધૈર્ય રાખે અને ખુદની સંપત્તિ વેચતા પહેલાં વિચારે, તેઓ કાંઈ ભૂલ તો નથી કરી રહ્યા ને ? આ વિચાર જ પરિસ્થિતિ બદલી શકે છે.’
 
હિન્દુઓ સાથે વાતચીત બાદ એક નિષ્કર્ષ નીકળે છે કે ત્યાં હિન્દુઓ હવે પોતાના પર થઈ રહેલા અત્યાચાર સામે જ અવાજ ઉઠાવવાની સ્થિતિમાં રહ્યા નથી. જ્યાં સુધી તે વિપરીત પરિસ્થિતિને સહન કરી શકે છે ત્યાં સુધી તે ત્યાં છે, બાકી જૂની દિલ્હીની સાથે હિન્દુઓનો સંબંધ કદાચ ઇતિહાસ બની જશે.
 
- અરૂણકુમાર સિંહ