ટાઈટલ : જમ્મુ-કાશ્મીર બિલ પર રાજ્યસભામાં ગૃહમંત્રીજી અમિત શાહે શું કહ્યું જાણો!

    ૦૫-ઓગસ્ટ-૨૦૧૯



 

આજે હું એક ઐતિહાસિક સંકલ્પ અને બિલ લઈને આવ્યો છું, જેના પર કેટલાક લોકો શંકા કરી રહ્યાં છે. ધારા ૩૭૦ હટાવવાથી રક્તપાત ખતમ થશે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ૪૧૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો ધારા ૩૭૦ ન હોત તો એ લોકોના જીવ ના જાત. જમ્મુ-કાશ્મીરમાં જે પાકિસ્તાની શરણાર્થી ગયા હતા તેઓને આજ સુધી નાગરિકતા મળી શકી નથી. દેશના બે પ્રધાનમંત્રી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ આપ્યા છે.
 
 મનમોહનસિંહ અને ગુજરાલજી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં શરણાર્થી ગ્રામપ્રધાન પણ નથી બની શકતા. ત્યાં દલિતવિરોધ, મહિલાવિરોધ અને આતંકવાદની જડ ધારા ૩૭૦ છે. ધારા ૩૭૦ના કારણે જમ્મુ-કાશ્મીરમાં આજ દિન સુધી ત્યાં બંધારણના આ સુધારા લાગુ થઈ શક્યા નથી. ત્યાં ૪૦ હજાર સરપંચોના અધિકાર ૭૦ વર્ષ સુધી છીનવવામાં આવતા રહ્યા છે. ત્યાં જે ગરીબી છે તેના માટે પણ ધારા ૩૭૦ જવાબદાર છે. કારણ કે કેન્દ્રના પૈસા ત્યાં સુધી પહોંચી જ શકતા નથી, કારણ કે ભ્રષ્ટાચાર રોકનારી સંસ્થાઓને ત્યાં એન્ટ્રી જ નથી, જેના મૂળમાં પણ ધારા ૩૭૦ જ છે. ઘાટીના વ્યક્તિને આઝાદી બાદ શું મળ્યું ? જમીનની કિંમત નથી વધી, કારણ કે ત્યાં કોઈ ખરીદાર જ નથી. કોઈ ત્યાં જમીન ખરીદી શકતું જ નથી. કાશ્મીર અને લદ્દાખને સમગ્ર દુનિયા સ્વર્ગ માને છે. પર્યટનને જેટલો વધારો થવો જોઈએ એટલો થયો નથી. ધારા ૩૭૦એ પર્યટનનો સંભાવનાઓને મર્યાદિત કરી દીધી છે.
 

 
 
ધારા ૩૭૦ને કારણે જમ્મુ-કાશ્મીરમાં ઓબીસીને આરક્ષણ મળી રહ્યું નથી. દલિતો, વનવાસીઓને રાજનૈતિક આરક્ષણ મળી રહ્યું નથી. આને જ કારણે માયાવતીજીની પાર્ટીએ પણ આ બિલનું સમર્થન કર્યંુ છે. કેટલાક પક્ષો એનજીઓ બ્રિગેટ આ બિલને કોર્ટમાં પડકારશે. પરંતુ એવી કોઈપણ કાયદાકીય તપાસથી આ બિલમાં કંઈપણ થવાનું નથી.

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને ભડકાવનારા નેતાઓનાં બાળકો લંડન અને અમેરિકામાં ભણી રહ્યા છે. પરંતુ તેઓ જમ્મુ-કાશ્મીરના આમબાળકોને ભણવા દેતા નથી. ધારા ૩૭૦ રહેતાં કાશ્મીરમાં આતંકવાદ ખતમ નહીં જ થઈ શકે.