કાશ્મીરમાં પાંચમીએ ‘પંદર ઑગસ્ટ’ | ડૉ. મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું... ૩૭૦મી કલમ નાબુદી પછી શું ?| વાંચો માત્ર પાંચ મિનિટમાં વિગતે અહેવાલ

    ૦૬-ઓગસ્ટ-૨૦૧૯

 
 
જાણે કેસર-ક્યારી કાશ્મીરમાં ૭૩મો સ્વાતંત્ર્યદિન દશ દિવસ વહેલો જ આવી ગયો ! એ સાથે જ ૭૨ વર્ષ સુધી ચાલેલું પ્રદીર્ઘ જેહાદી ખગ્રાસ ગ્રહણ પણ સમાપ્ત થયું છે ! આ યુગાંતરકારી મહાન વિજય માટે આસેતુ-હિમાચલ સુવ્યાપ્ત ભારતવર્ષની સવાસો કરોડ જનતા અને તેના જનનાયક શ્રી નરેન્દ્રભાઈ આપણાં અભિનંદનના અધિકારી છે. ગયા સપ્તાહે એકાએક શ્રી અમરનાથયાત્રા સ્થગિત કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આગામી ગંભીર ઓપરેશનના અણસાર તો આપી દીધા હતા. પરંતુ આજે પાંચમી ઑગસ્ટ, ૨૦૧૯ની સવાર જાણે કે સોનાના સૂરજ સાથે ઊગી ! જમ્મુ-કાશ્મીર - લદ્દાખ આજે ૭૨ વર્ષના સુદીર્ઘ અંતરાલ પછી જેહાદી નાપાક નાગચૂડમાંથી મુક્ત થઈ ! જળકમળ છાંડી જાને બાળા, સ્વામી (પાકિસ્તાન) અમારો જાગશે-જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે’ના ગાણાંગાતી દેશની બદનામ "ટુકડે-ટુકડે ગેંગ અને કથિત સેક્યુલર - લિબરલ ગેંગ આજે હાસ્યાસ્પદ અને અપ્રાસંગિક બની ગઈ છે ! એનડીએ સરકારે આજે એ કાળીનાગને નાથીને, કાશ્મીર સહિત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર-લદ્દાખને સાચા અને પૂરા અર્થમાં આઝાદ કરી દીધી ! હવે પીઓકેનું પણ શેષ ભારતવર્ષ સાથે પૂર્ણ વિલીનીકરણ કરીને, ‘કાશ્મીરથી ક્ધયાકુમારી’નું સરદાર સાહેબનું અધૂરું સ્વપ્ન સાકાર કરવાનું છે....
 

ડૉ. મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું...

 
જે રીતે આજે સવારે કેન્દ્રીય કેબિનેટ મળી અને તુરંત જ સંસદ સત્ર ચાલુ હોઈ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યસભામાં આજની ઐતિહાસિક ઘોષણા કરી. એનાથી સમગ્ર દેશ સાનંદાશ્ર્ચર્ય સાથે હર્ષોલ્લાસ અનુભવી રહ્યો છે, જાણે દિવાળી પણ ત્રણેક મહિના વહેલી આવી ગઈ ! મોદીજીએ ‘અફઝલખાનવધ’ કરીને, અર્વાચીન શિવાજી જેવી ચપળતા, લક્ષ્ય-વેધિતા અને ચાણક્યતુલ્ય રાજપુરુષોચિત રાજનયિક કૌશલ્યની પરાકાષ્ઠા પ્રગટ કરી છે ! ભારતવર્ષના ગણતાંત્રિક રાષ્ટ્રીય ઇતિહાસ પરથી પં. નહેરુજીની દેવાળિયા કાશ્મીર નીતિ-રીતિના આખરી અવશેષને ધ્વસ્ત-નષ્ટભ્રષ્ટ કરી નાખ્યો છે ! તો "જ્હાં હુએ બલિદાન મુખર્જી વહ કાશ્મીર હમારા હૈ ! જો કાશ્મીર હમારા હૈ, વહ કાશ્મીર બચાના હૈ...! એ સૂત્રોચ્ચાર કેવળ ચૂંટણી નારો નહીં પરંતુ તેને બલિદાની રક્તની લાલિમાથી શ્રૃંગાર સજાવી, કાશ્મીરની કલંક કાલીપાને ધોઈ નાખી છે ! સ્વાભાવિક જ કાશ્મીર ઘાટીના એ તમામ પાકિસ્તાનપરસ્તો માટે આજે જાણે ‘ઇદ મુહરમ્’ બની ગઈ !’ મહેબૂબા મુફ્તિએ આપેલી ગીધડ ભપકી કે : "ધારા ૩૫-એ ને જો કાશ્મીરમાંથી હટાવાશે તો તિરંગા ધ્વજને કાંધ આપનાર કોઈ બચશે નહીં. અને કાશ્મીર મુસ્લિમ મેજોરિટી મુલ્ક છે. વ. વ. અનાપશનાપ ઉદ્ગારો કરનાર મહેબૂબા મુફ્તિને કોણ સમજાવે કે ? તો પછી સંપૂર્ણ ભારતવર્ષ એ હિન્દુ મેજોરિટી મુલ્ક છે અને મુસ્લિમ લીગના બ્લેક મેઈલિંગથી બનેલ અલગ મઝહબી પાકિસ્તાન રચાયા પછી શેષ ભારતવર્ષ અને અગાઉનું અખંડ ભારત પણ હિન્દુબહુલ મુલ્ક જ હતો, અને રહેશે... પરંતુ કમનસીબે નહેરુવાદી સેક્યુલર ગેંગ દ્વારા એવી તો શકુનિ ચાલ ખેલવામાં આવી કે હિન્દુસ્તાનમાં જ ‘હિન્દુ’ શબ્દ જાણે કે આપરાધિક બની રહ્યો અને એક ખાસ મઝહબી જમાતના તુષ્ટીકરણને ‘સેક્યુલરિઝમ’નું રુડું ‚પાળું નામ અપાયું ! પરંતુ આજના આ ઐતિહાસિક નિર્ણય સાથે જ ભારતવર્ષનું ગણરાજ્ય અને કાશ્મીર-ઘાટી સહિત સંપૂર્ણ ભારતીય રાષ્ટ્ર - રાજ્ય સાચા અને પૂરા અર્થમાં સ્વાભિમાની સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ‘સ્વયમેવ મૃગેંદ્રેતા’ની સિંહગર્જના સાથે આળસ મરડી ઊઠી રહ્યું છે. આવું બની શક્યું તેની પાછળ બે સદીઓની સુદીર્ઘ સંઘર્ષગાથા અને રાષ્ટ્રસાધના રહેલી છે. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહાયોગી શ્રી અરવિંદ, લાલ-બાલ-પાલ, સાવરકર, સુભાષ, શ્યામાપ્રસાદ મુખર્જીના આદર્શ-ચિંતન- સંઘર્ષ-સમર્પણને વરેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ૯૪ વર્ષની સુદીર્ઘ સ્વરાજ-સાધનાની અલખ આજે રંગ લાવી શકી છે ! ભારતીય ગણરાજ્ય-તેની સંસદીય લોકશાહીનાં ચારેય મહત્ત્વના પદો પર વિજયશાળી આરોહણ કરનાર સર્વશ્રી રામનાથ કોવિંદ, વેંકૈયા નાયડુ, નરેન્દ્રભાઈ મોદી અને ઓમ બિરલા સંઘ સ્વયંસેવકો છે અને એટલે જ, છેલ્લાં ૭૨ વર્ષથી જે વાત નામુમકિન - અશક્યવત્ લાગતી હતી, એ હવે "મોદી હૈ તો મુમકિન હૈ ! એ લોકવાયકા સાચી ઠરી રહી છે.
 

 
 

૩૭૦મી કલમ નાબુદી પછી શું ?

 
આ લખાય છે ત્યારે રાષ્ટ્રીયતાના એકમાત્ર આદર્શને વરેલું આપનું પ્રિય સાપ્તાહિક ‘સાધના’ પ્રેસ ઉપર જઈ રહ્યું છે. એટલે હાલને તબક્કે સંસદમાં પ્રસ્તુત થયેલ આજના આ ઐતિહાસિક પ્રસ્તાવની કાનૂની, સંવૈધાનિક અને રાજનૈતિક બારીકીઓ માટે વિશેષ વિવેચનને માટે સમય નથી. પરંતુ ટૂંકમાં કહેવું હોય તો...
ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રપતિશ્રી દ્વારા જારીત અધ્યાદેશ સંદર્ભમાં પ્રસ્તુત થયેલ આજનું આ બિલ જે સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા પછી, મહામહિમ રાષ્ટ્રપતિજી એના ઉપર દસ્તાખત કરશે એ સાથે જ...
 
(૧) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું બનેલું ભારતીય સંઘનું હાલનું ઘટક-રાજ્ય, એ કેન્દ્રશાસિત વિસ્તારમાં ‚પાંતરિત થશે.
 
(૨) લદ્દાખ ક્ષેત્ર અલગથી કેન્દ્રશાસિત ક્ષેત્ર બની રહેશે. જેને પોતાની વિધાનસભા નહીં હોય, પરંતુ ત્યાં સ્થાનિક પ્રશાસન માટે અલગથી જોગવાઈ હશે. (ચંડીગઢ, આંદામાન, દીવ-દમણની તરાહ ઉપર)
 
(૩) ૩૭૦મી કલમ અંતર્ગતની તમામ જોગવાઈઓ રદ થતાં જ સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ રાજ્યનો કથિત સ્પેશ્યલ સ્ટેટ્સ વિશેષ દરજ્જો દૂર થશે અને આ સમગ્ર ક્ષેત્ર પણ શેષ ભારતના અન્ય ઘટકોની જેમ જ ભારતવર્ષનો બરાબરનો હિસ્સો બની રહેશે...
 
(૪) કલમ ૩૫-એ જેવી અમાનવીય-ભેદભાવયુક્ત જોગવાઈઓ દૂર થશે અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ક્ષેત્રમાં શેષ ભારતના નાગરિકો પણ વિના રોકટોક નિવાસ, વ્યવસાય સાથે સંપત્તિના માલિક બની શકશે. આજે આ કાળા કાયદા થકી ત્યાંના નાગરિકો એવા પુરુષો રાજ્ય બહાર વિવાહ કરે તો તેમના બાળકોને સંપત્તિ વ. નો અધિકાર રહે છે. પરંતુ રાજ્ય બહાર વિવાહ કરનાર મહિલાના બાળકો એ તમામ અધિકારોથી વંચિત રહી જતાં હતાં !
 
(૫) ૧૯૪૭માં જ કાશ્મીર ઉપરના પાકિસ્તાની આક્રમણ સાથે જ રાજ્યના તત્કાલીન મહારાજા શ્રી હરિસિંહજીએ શેષ ભારતવર્ષ - ભારતીય સંઘમાં તેમના જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ક્ષેત્રના દેશી રજવાડાનું વિલીનીકરણ કરવા માટે કરાર કરી દસ્તખત કરેલા એ સાથે જ જાંબાઝ ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાખોરોને કાશ્મીર ઘાટીમાંથી સંપૂર્ણપણે ખદેડવાની ઐતિહાસિક ભૂમિકાનો પ્રારંભ કરેલો પરંતુ આપણી વિજયવાહિની સેનાના હાથપગમાં એક તરફી યુદ્ધવિરામની જંજીરો નહેરુજીએ જકડી દીધી અને કાશ્મીર પરના પાકિસ્તાની આક્રમણ સંદર્ભમાં, બિનજ‚રી રીતે મામલો યુનોમાં લઈ જવાનું દુ:સાહસ કર્યંુ. પરિણામે કાશ્મીર નામની "સમસ્યા પેટ ચોળીને પીડા ઊભી કરનારી બની રહી ! પં. નહેરુજીની વિફળ-વંધ્ય કાશ્મીર નીતિ (અનીતિ)ને મોદી સરકારે એક ઝાટકે ધ્વસ્ત કરી !
 

 
 

"ઓપરેશન કાશ્મીરમાં ભારે કુનેહ...

 
આ ઐતિહાસિક નિર્ણય એ ઘણું મોટું અને જોખમોથી ભરપૂર ઓપરેશન હોઈ, તેની પૂર્વતૈયારી ઘણી જ બારીકાઈથી અને સંપૂર્ણ કૂટનીતિક રણકૌશલ્યથી કરવામાં આવી. ગયા સપ્તાહે જ શ્રી અમરનાથ યાત્રાને એકાએક અટકાવીને, કાશ્મીરમાંના તમામ પર્યટકોને પરત જવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી. તેમાં કથિત ગંભીર આતંકી ઘટનાના ઇનપુટ્સની વાત કહેવામાં આવી. પરંતુ પ્રધાનમંત્રી મોદીજીએ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદ સહિત સર્વ ભેજાબાજોને કામે લગાડ્યા. ભારતીય સેનાની પણ સલાહ લેવામાં આવી. હજારોની સંખ્યામાં સૈનિક અર્ધસૈનિક દળો અને સ્થાનિક પોલીસને ‘સ્ટેન્ડ ટુ’નો આદેશ અપાયો.
 
પાકિસ્તાન તરફી પરિબળો મહેબૂબા મુફ્તિ, ઓમર અબ્દુલ્લા જેવા તકવાદી આગેવાનો અને હુર્રિયત સહિતના અનેક પાકપરસ્ત આગેવાનોને તેમનાં ઘરોમાં જ નજરબંધ કરી દેવાયાં. શાળા-કોલેજો સહિત અનેક જાહેર સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. શ્રીનગરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો.. કાશ્મીર ઘાટી સહિત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર - લદ્દાખ ક્ષેત્રમાં આપણા જાંબાઝ સૈનિકોને બખ્તર બંધ ગાડીઓ સાથે તૈનાત કરાયાં - આ રીતે પૂરી પૂર્વતૈયારી પછી જ, આ ગંભીર "ઓપરેશન કાશ્મીર શ‚ કરાયું.
 
આજે સંસદમાં રાજ્યસભામાં જે દૃશ્યો સર્જાયાં તે મોદી સરકારની ‘રાષ્ટ્રહિત સર્વોપરી’ નીતિને રંગ આપનાર બની રહ્યાં. મોદીજીએ ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને રાજ્યસભામાં ૩૭૦મી કલમની સંપૂર્ણ નાબૂદી સહિતની મહત્ત્વની શકવર્તી જોગવાઈઅવાળું બિલ રજૂ કરવાનું કહીને મોદીજીએ એક જ કાંકરે અનેક પક્ષીઓને નિશાન પર સફળતાથી લઈ જાણ્યાં ! અને એટલે જ તો રાજ્યસભામાં બસપા, આમ આદમી પાર્ટી, બિજુ જનતાદળ, વાય.એસ.આર. કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ ગૃહમંત્રીશ્રીના પ્રસ્તાવને આવકારીને રાજ્યસભામાં પ્રસ્તાવ પસાર કરાવવાના મોદી સરકારના શકવર્તી નિર્ણયને સરળતા કરી આપી. એ મુજબ પ્રસ્તુત ખરડો ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતોથી પસાર થઈ શક્યો.
 
જો કે ધારણા પ્રમાણે જ કોંગ્રેસના ગુલાબ નબી આઝાદ, તૃણમૂલના ડેરેક એબ્રોઈ વ. આગેવાનોએ પ્રસ્તુત બીલ વિરુદ્ધ અનાપશનાપ ઉચ્ચારણો કરી, તેમના અરાષ્ટ્રીય ચહેરાને જ પેશ કર્યા !
 

રાષ્ટ્ર વિઘાતક નહેરુનીતિનું દફન...

 
આજના આ ઐતિહાસિક નિર્ણયયુક્ત પ્રસ્તુત બિલ ઉપરની સંસદની ચર્ચા સમગ્ર દેશવાસીઓ માટે ભારતીય રાષ્ટ્રીયતાની સાચી સમજ માટે ઉપકારક સિદ્ધ થઈ રહેશે. એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન (અલગ સંવિધાન, બે વડાપ્રધાન, બે ધ્વજ) માટેની નહેરુ-અબ્દુલ્લા શકુનિ-શતરંજ ચાલનો આજના આ ઐતિહાસિક નિર્ણય થકી ભારે ફિયાસ્કો થયો છે ! શેખ અબ્દુલ્લા કે જેમણે પ્રારંભમાં "મુસ્લિમ કોન્ફરન્સ શ‚ કરેલી. પછી તેણે "નેશનલ કોન્ફરન્સનું મહોરું પહેરીને લોકોને ઉલ્લુ બનાવવાના પ્રયાસો કર્યા ! પરંતુ તેમનો અસલી ચહેરો અને તેમના પરિવારનો અસલી રંગ ઓમર અબ્દુલ્લાના હમણાંનાં વિધાનોએ દેખાડી દીધો છે ! મહેબૂબા, ઓમર અબ્દુલ્લા જેવા છદ્મવેશીઓ બેનકાબ થઈ રહ્યા છે ! તો કથિત સેક્યુલરિઝમનો અચંળો ઓઢી ફરનાર કોંગ્રેસ પાર્ટીના ગુલામ નબી આઝાદની અસલિયત પણ આ સાથે જ ઉજાગર થઈ છે. ગુલામ નબી આઝાદે તો જાણે કે બોખલાહટમાં તેમનું મનોસંતુલન ગુમાવ્યું છે. તેમણે ઉચ્ચાર્યંુ : "મોદી સરકારે કાશ્મીર‚પી મસ્તકને છેદી નાખ્યું છે. જનતંત્રની હત્યા કરી છે. પરંતુ ઇતિહાસ ગવાહ છે કે કાશ્મીર ઘાટીને "સમસ્યામાં અને આતંકવાદમાં ફેરવી નાખવા માટે પં. નહેરુજીથી લઈ કોંગ્રેસની હાલની નેતાગીરી જ જવાબદાર છે.
 
મોદી સરકારને તેના આજના શકવર્તી ઐતિહાસિક નિર્ણય માટે લાખ લાખ અભિનંદન ! જેહાદી ટુકડે-ટુકડે ગેંગની મોદી સરકાર વિરુદ્ધની અનેક ગાલીગલોચો "શિશુપાલની સો ગાળોમાં ફેરવાઈ ગઈ છે ! મોદીજીએ કાશ્મીર ઘાટીમાં જ પનપની રહેલી આ "શિશુપાલ માનસિકતાનો "સંપૂર્ણ શિરચ્છેદ કરીને, જગત-ચોકમાં બુલંદ સ્વરે પ્રસ્થાપિત કરી આપ્યું છે કે : ‘યહ મોદી હૈ... ગુસ્તાખી અગર બઢ ગઈ, તો લેને કે દેને પડ જાયેંગે !’
 

જનતંત્ર, કાશ્મિરિયત અને માનવતાનું સંરક્ષણ-સંવર્ધન

 
ભારતવર્ષની કોટિ-કોટિ જનતાના આશીર્વાદ અને વ્યાપક જનસમર્થનથી બીજી વખત પણ સરકાર બનાવવામાં સફળ થનાર મોદીજીએ આજનું આ ઐતિહાસિક પગલું ભરીને કાશ્મીર સહિત સમગ્ર ભારતવર્ષમાં એક મેસેજ આપ્યો છે. પાકિસ્તાન પ્રેરિત ભાડૂતી તત્ત્વોએ દુનિયાના જન્નત ગણાતા કાશ્મીરને જહન્નમમાં ફેરવી નાખેલું. મહેબૂબા-ઓમર અબ્દુલ્લા - ગુલામ નબી આઝાદ જેવાઓના વક્તવ્યોમાં "જમ્મુરિયત, કાશ્મીરીયત, ઇન્સાનિયતની વાતો શયતાન બાઈબલની વાતો કરતો હોય એવી લજ્જાસ્પદ-હાસ્યાસ્પદ બાબત બની રહેલ છે ! કાશ્મીર ઘાટીના પાંચ-સાત વગદાર પરિવારોએ ભારતની કેન્દ્ર સરકારની અબજોની ઉદાર ગ્રાંટની દાયકાઓ સુધી લૂંટ ચલાવી છે. પોતાના સંતાનોને વિદેશોમાં ભણવા મોકલીને કાશ્મીર ઘાટીના છોકરાઓના હાથમાં પથ્થરો પકડાવી દીધા છે અને તેમને મોતના મુખમાં પણ ધકેલ્યા છે અને આતંકવાદીઓની છદ્મ મદદ કરીને અનેક સૈનિકો અને બેકસૂર નાગરિકોની હત્યાઓ થવા દીધી છે. તેમાં ઇન્સાયનિત ખરી ?! એ જ રીતે કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો, સૂફીપંથીઓ અને આમજનતા-જે કાશ્મીરિયતની સાચી પહેચાન હતી, પરંતુ કાશ્મીર-ઘાટીને પાકિસ્તાન પ્રેરિત જેહાદીઓ તેને ‘આઝાદ’ નહીં, પરંતુ જેહાદી વહાબી ઇસ્લામી સત્તાના "ગુલામ બનાવવા મેદાને પડ્યાં છે ! આવા બદનામ લોકોને કાશ્મીરિયતનું ઉચ્ચારણ કરતાં લાજ શરમ ખરી કે નહીં ?! એ જ રીતે જે છાપેલ કાટલ જેવા કાશ્મીર ઘાટીના બેપાંચ પરિવારોએ દાયકાઓ સુધી ચૂંટણીઓમાં ગોરખધંધા કરીને સત્તા મેળવી અને સત્તામાં રહી કાશ્મીરીઓને જ લૂંટ્યા અને સંપૂર્ણ ભારતવર્ષ સાથે દગાબાજી કરી ! આવા બદનામ ચહેરાઓ જ્યારે ‘જમ્મુરિયત’ની લોકતંત્રની વાત કરે ત્યારે રમુજ થાય છે !
 
અંતમાં કહી શકાય કે મોદી સરકારે અટલજીના ત્રણેય સિદ્ધાંતો : લોકતંત્ર, કાશ્મીરિયત સાથે માનવતા - ભારતીયતા અને ભારતીય રાષ્ટ્રની લાજ લૂંટાતી બચાવી છે !
 
વંદે માતરમ્ !
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક