ભારતીય સેનામાં જોડાવવા હિંમતનગરમાં લશ્કરી ભરતી મેળો યોજાશે : અરજદારોએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવું આવશ્યક

    ૦૯-ઓગસ્ટ-૨૦૧૯

 
 
• ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો લશ્કરી ભરતી મેળામાં ભાગ લઈ શકશે
• તા.૧૨ ઓગસ્ટ-૨૦૧૯ સુધી ઓન લાઇન અરજી કરી શકાશે
• તા. ૨૮મી ઓગસ્ટ થી ૯ સપ્ટેમ્બર-૨૦૧૯ સુધી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, હિંમતનગર ખાતે ભરતી મેળો યોજાશે
 
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો માટે આગામી સમયમાં હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. આગામી તા. ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જેના માટે અરજદારોએ ઓનલાઇન www.joinindianarmy.nic.in વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
 
લશ્કરી ભરતી કચેરી દ્વારા આગામી તા.૨૮ ઓગસ્ટ- ૨૦૧૯ થી ૯ સપ્ટેમ્બર-૨૦૧૯ દરમિયાન સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
આ લશ્કરી ભરતી મેળામાં સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સ્ટોરકિપર ટેકનિકલ, સોલ્જર ટ્રેડ્સમેન અને સિપોઈ ફાર્માની ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. સોલ્જર જનરલ ડ્યૂટી માટે ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ એટલે કે તા. ૧ ઓકટોબર-૧૯૯૮થી ૧ જૂલાઈ-૨૦૦૨ વચ્ચે જન્મેલા હોવા જોઈએ જયારે એકંદરે ૪૫ ટકા સાથે ધો.૧૦ મેટ્રિક પાસ હોવા જોઈએ. જેમાં દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ સાથે પાસ હોવા જરૂરી છે. શારીરિક લાયકાતમાં ૧૬૮ સે.મી. ઊંચાઈ, ૫૦ કિ.ગ્રા. વજન, ૭૭ સે.મી. છાતી (+૫ સે.મી. ફૂલવી જોઈએ.) જયારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ૧૬૨ સે.મી. ઊંચાઈ, ૪૮ કિ.ગ્રા. વજન, ૭૭ સે.મી. છાતી (+૫ સે.મી. ફૂલવી જોઈએ.) હોવી જોઈએ. અન્ય જગ્યાના ધારાધોરણો www.joinindianarmy.nic.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત શારીરિક યોગ્યતાના ધારાધોરણોમાં મહત્તમ ૧૬ કિ.મી. દોડ, ૧૦ પુલઅપ્સ, ઝીગ-ઝેગ બેલેન્સ અને ૯ ફૂટ લાંબી કૂદ નક્કી કરવામાં આવ્યાં છે.
 
ભરતીમેળાનું એડમીટ કાર્ડ ઉમેદવારના રજીસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર આગામી તા.૧૩ ઓગસ્ટ થી ૨૦ ઓગસ્ટ-૨૦૧૯ દરમિયાન મેઈલ કરવામાં આવશે, જેની પ્રિન્ટ સાથે લાવી જરૂરી છે. ભરતી મેળામાં ઉમેદવારોએ નિયત કરેલી શારીરિક, મેડિકલ અને લેખિત કસોટીમાં પાસ થવું જરૂરી છે, તેમ રોજગાર અને તાલીમ નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.