ગોળ ગોળ નહીં મને એક વાત નિશ્ર્ચિત રૂપે કહી દો કે કર્મ સારું કે સંન્યાસ સારો?

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૧૯   
 
 
 

કર્મસંન્યાસ એક અદ્ભુત અભિગમ 

 
ગીતા એ એક નહીં અનેક આધુનિક વિચારોની વહેતી ગંગા છે, એમાં જે પવિત્રતા છે, એ વહેવાની છે. એની પારદર્શિતા એ સ્પષ્ટ વિચારોની છે. આજે હું પાંચમા અધ્યાયના પ્રવેશદ્વારે ઊભો છું ત્યારે એક અનોખો શબ્દ સંભળાય છે. કર્મસંન્યાસયોગ. કર્મ અને સંન્યાસ બે નો મેળ કેવી રીતે પડે. જેણે કર્મ છોડ્યું એ તો સંન્યાસી કહેવાય છે. વ્યાખ્યાઓને નવા વાઘા પહેરાવે તે કૃષ્ણ છે. કર્મમાં સન્યાસ એટલે કર્મસંન્યાસ. અહીં બે પરિમાણો સમજવાનાં છે. એક, જે થાય છે તે થાય છે અને બીજો, જે થાય છે તે હું નથી કરતો. આ ‘હું’ ને ઓગાળવાની તરકીબનો અહીં ઉદ્ઘોષ છે. નરસિંહ મહેતા જે સહજતાથી, મારો નાથ જાણે કે હું કરું હું કરુ એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાસ તાણે, એની જે વાત કરે છે એના મૂળ આ પાંચમા અધ્યાયની વિચારપીઠિકામાં છે.
 
અર્જુન જ્યારે જિદ કરીને કહે છે, તન્મે બ્રૂહિ મે નિશ્ર્ચિતં... તમે ગોળ ગોળ નહીં મને એક વાત નિશ્ર્ચિત રૂપે કહી દો કે કર્મ સારું કે સંન્યાસ સારો. એકલું કર્મ પણ સારું નહીં, એકલો સંન્યાસ પણ નહીં, અર્જુન તારે માટે તો કર્મસંન્યાસ. કર્મ કરવાનું પણ સંન્યાસીની જેમ, એમાં આસક્તિ રાખ્યા સિવાય.
 
અહીં જેમ કર્મસંન્યાસ એવી એક અનોખી સંજ્ઞા પ્રયોજી છે તેવી જ નવતર સંજ્ઞા કહે છે, તે છે, ‘બ્રહ્મણિ આધાય’. જે બ્રહ્મને જાણીને કર્મ કરે છે, જે લિપ્ત થયા સિવાય કામ કરે છે તે જ સાચો સંન્યાસી અને સાચો કર્મયોગી છે. અગાઉ મેં બહુ વખત ‘આત્મરતિ’ની વાત કરી છે, પણ ગીતાના પાંચમા અધ્યાયના પ્રાંગણમાં જ્યાં ‘બ્રહ્મણિ આધાય’ જેવુ મહાસૂત્ર અધ્યાયનો પિણ્ડ બાંધતું હોય ત્યાં અહંને ઓગાળવાની એક મહામથામણનો એક બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રારંભ અહીં થઈ રહ્યો છે.
કર્મયોગીના જીવનમાં બે મહારોગ હોય છે, એક ‘ઈગો - મેનેજમેન્ટ’ અને બીજો પ્રોફેશનલ જેલસી (ઇર્ષ્યા). અહંકારનું પ્રદૂષણ રાગ જન્માવે છે. જગતનો સૌથી કદરૂપો માણસ પણ દર્પણમાં પોતાનો ચહેરો જોઈ આનંદ અનુભવે છે. આ અહંની મહત્તા અનેક સ્વરૂપે માણસને મદ-મત્સરની જાળમાં ફસાવે છે. ઇર્ષ્યા એટલે કે દ્વેષ જગતમાં ‘કોન્ફ્લિક્ટ’ જન્માવે છે.
 
સહ-અસ્તિત્વની સુંદરતાથી મઢેલી આ પૃથ્વી હવે સ્પર્ધાભાવનાથી પીડાય છે. સ્પર્ધામાં અહં અને દ્વેષને કારણે પર્વત, નદી, ઝરણાઓ અને પુષ્પોથી શોભતુ આ વિશ્ર્વ યુદ્ધમાં સપડાઈ જાય છે. મને અહીં ભારતીય વિચારના બે અતિ મહત્ત્વના સૂત્રો સ્મરણમાં આવે છે. ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્ત્વમસિ’. અહીં ‘અહં’ બ્રહ્માસ્મિ’ એટલે હું એ મહાન અસ્તિત્વના સારસર્વસ્વ તત્ત્વનો તેજકણ છું, એવી જાગ‚કતા. આ જગૃતિ એ જેમ એક શોધ છે, તેમ એક સાધના પણ છે. આત્મસાક્ષાત્કાર એ જેટલો શીખવવાનો વિષય છે એનાથી અનેકગણો વધારે અનુભવનો વિષય છે. હું એનો પ્રતિનિધિ છું, એ ભાવ દૈનંદિન જીવનમાં સહજતયા સાક્ષીભાવ જગવે છે. જ્યારે વ્યક્તિ પોતે જ બ્રહ્મભાવથી પોતાને જોતો થઈ જાય ત્યારે એને કોઈ બીજાનો અહં કોઈ હીનપણાની ગર્તામાં ધકેલી શકતો નથી.
 
સૂક્ષ્મ રીતે જોઈએ તો વ્યક્તિને આ સૂત્ર એક પ્રકારનો ગૌરવભાવ અનુભવાવે છે. આ અહંને ઓગાળવાની એક પ્રક્રિયા છે. એટલા માટે ભગવદ્ગીતા આવું જ એક બીજું સૂત્ર આપે છે, ‘ય: પશ્યતિ સ: પશ્યતિ’ આ રીતે જે જુએ છે એ જ જુએ છે. આ અધ્યાય દ્વારા કર્મને જોવાની દૃષ્ટિ બદલાઈ જતી હોય છે જેને કારણે કર્મ કરતી વ્યક્તિ કર્મમાં લપેટાતી નથી, એનો કર્તાભાવ પાતળો બની જાય છે. આ એક આત્મસાક્ષાત્કારની અવસ્થા છે. એક વખત કર્તામાં ‘હું’ નથી એવી સમજ વિકસે ત્યારે વ્યક્તિના જીવનમાં એક આધ્યાત્મિક નમ્રતા જન્મે છે. જાગૃતિ અને નમ્રતા એ જીવનની સુગંધ છે. તે પણ તુ જ છે ‘તત્ત્વમસિ’ એ એક જુદી જ ઊંચાઈ આપનાર છે. કોઈને કશું મળે ત્યારે તે તને જ મળ્યું છે તેવો અનુભવ કરવો એ એક ખૂબ જ અઘરી કહી શકાય તેવી સાધના છે. આ એક અર્થઘટન છે, દ્વેષને વિગલિત કરવા કોઈના પણ પ્રત્યે ઊભી થતી નેગેટિવ-લાગણીને ત્યાં જ દફનાઈ દેવાની તાકાત અને આવડત કઠિન માર્ગે મળતાં મીઠા ફળ છે. બીજાની સિદ્ધિને ‘મિકેનિકલી’ અભિનંદીને સોશિયલ જવાબદારી પૂરી કરીએ પણ એને કોઈ પૂર્વગ્રહની છાયા નડે એ પહેલાં જ પોઝિટિવ વિચારટ્રેક પર મૂકવામાંઆવે તો તત્ત્વમસિની અદ્ભૂત ભાવસૃષ્ટિનો અનુભવ થઈ શકે છે.
 
જે કંઈ થઈ રહ્યું છે એમાં કર્તાભાવને આ રીતે સસ્પેન્શનમાં રાખવો સહેલો નથી. કર્મમાં હું તો નિમિત્ત માત્ર છુ, અને એ પરબ્રહ્મના પ્રતિનિધિ તરીકે હું જે કંઈ કરું છું તે કરું છું. આ ભાવ જગાડવો એ જ આ અધ્યાયનો હેતુ છે. કર્મયોગો વિશિષ્યતે કહેનાર ભગવાન કર્મયોગી માટે એક કઠિન માર્ગ બતાવે છે. સાચા અર્થમાં કર્મયોગી થવું એટલે શુદ્ધ આનંદ અને શાશ્ર્વત શાંતિ પ્રાપ્ત કરવી...
 
ગીતાનો પાંચમો અધ્યાય
 
(૧) તન્મે બ્રૂહિ નિશ્ર્ચિતં
(૨) કર્મયોગી વિશિષ્યતે
(૩) ય: પશ્યતિ સ: પશ્યતિ
(૪) કુર્વન્નપિ લિપ્યતે