તો આ કારણે નીતિન ગડકરીએ ટ્રાફિક નિયમો તોડવા બદલ આટલો બધો દંડ વધાર્યો છે

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
૧લી સપ્ટેમ્બરથી દેશમાં જે બની રહ્યું છે તે આજ પહેલા ક્યારેય બન્યું નથી. ટ્રાફિક નિયમો તોડવા બદલ દોઢ લાખનો , ૫૦ હજારનો મેમો લોકોને ફટકારવામાં આવી રહ્યો છે. એટલે સુધી કે તેની બાઈક કે સ્કૂટી ૧૦ હજારની હોય પણ ટ્રાફિક પોલીસે મેમો ૪૭ હજારનો બનાવી તેને આપી દીધો હોય. દેશમાં ઘણા લોકો છે જે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગેના દંડમાં જે વધારો કરવામાં આવ્યો છે તેને યોગ્ય ગણે છે પણ ઘણા એવા લોકો પણ છે જેને આ ગમ્યું નથી. આ સંદર્ભે થોડો વિરોધાભાશ છે પણ તેનો જવાબ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આપવાની કોશિશ કરી છે.
 

દંડ વધારવાની જરૂર કેમ પડી?  

 
તેમણે કહ્યું કે આ દંડ વધારવાની જરૂર કેમ પડી? ટ્રાફિક નિયમ તોડવા બદલ માત્ર ૧૦૦ રૂપિયા દંડ થતો જે આજનો કાયદો નથી. આજથી ૩૦ વર્ષ પહેલા આ ૧૦૦ રૂપિયાનો દંડ ભરવાનો કાયદો બનાવાયો હતો. હવે જરા વિચારો આજથી ૩૦ વર્ષ પહેલા ૧૦૦ રૂપિયાની કિંમત કેટલી હશે…આજે ૩૦ વર્ષ પછી દંડની આ કિંમત વધવી જોઇએ કે નહી? લોકો આરામથી ૧૦૦ રૂપિયાનો દંડ ભરી નીકળી જાય છે. શું આ યોગ્ય છે? લોકોનું કાયદા પ્રત્યે ડર અને સમ્માન હોવું ખૂબ જરૂરી છે.
 
ગડકરીએ કહ્યું કે આ કાયદાનો હેતુ સરકારની આવક વધારવાનો નથી પણ માર્ગ અકસ્માતમાં માર્યા જતા લોકોનો જીવ બચાવવાનો છે. દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ દોઢ લાખ લોકો મોતને ભેટે છે. ૩ લાખ લોકોના હાથ-પગ એક્સિડન્ટના કારણે તૂટી જાય છે. દેશમાં થતા એક્સિડન્ટના કારણે દેશની જીડીપી પર બે ટકા જેટલો ફરક પડે છે. એક્સિડન્ટમાં મરનારાઓની સંખ્યા આખી દુનિયામાં ભારતની સૌથી વધુ છે. આ મરનારા લોકોમાં ખૂબ મોટી સંખ્યા ૧૮ થી ૩૫ વર્ષના યુવાનોની હોય છે. શું આ દેશ માટે કે મૃત્યુ પામનારના પરિવાર માટે મોટુ નુકશાન નથી? લોકોનો જીવ બચાવવો મારી પ્રાથમિકતા છે અને હું પાંચ વર્ષમાં ૫૦ ટકા લોકોનો જીવ બચાવીને જ રહીશ.
 

સમજી વિચારીને જ નિર્ણય કર્યો છે 

 
ગડકરીએ કહ્યું કે આ કોઈ રાજકીય વિષય નથી. કેન્દ્ર સરકારે બધાની સલાહ લઈને અને સંસદમાં ચર્ચા કર્યા પછી આ કાયદો બનાવ્યો છે. અકસ્માત ઘટાડવા અને લોકોનો જીવ બચાવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની છે. રાજ્યોએ રાજકીય દબાણમાં આવ્યા વિના પોતાની જવાબદારી અંગે સમજી વિચારીને જ નિર્ણય કર્યો હશે. ગડકરીએ કહ્યું કે લોકોનો જીવ બચાવવો એ તેમનું પ્રથમ કર્તવ્ય છે. પરંતુ માત્ર તેમનું એકલાનું નથી. તેમાં બધાનો સહયોગ જોઈએ.
 
 
આ વીડિઓ જોવો તમને ગમશે...