તંત્રીલેખ । આસામમાં માત્ર ૧૯ લાખ ઘૂસણખોરો, આખી કવાયત એળે ગઈ !

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
આસામમાં ઘૂસણખોરોની તપાસ બાબતનું એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ની જાહેરાત મુજબ ૩ કરોડ ૩૦ લાખ અરજીઓ પૈકી ૩ કરોડ ૧૧ લાખ ૨૧ હજાર અને ૪ વ્યક્તિઓ કાયદેસર નાગરિકત્વ ધરાવતી અને માત્ર ૧૯ લાખ ૭ હજાર જેટલા લોકો જ ઘૂસણખોરો તરીકે જાહેર થયા. એટલે કે કુલ વસ્તીના માત્ર ૬ ટકા લોકો જ ઘૂસણખોર છે. આ આંકડાઓ કોઈ પણ કાળે દેશને સ્વીકાર્ય ન હોઈ શકે. વાતની હદ તો એ કે આ ૧૯ લાખને ય હજુ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે. આવા કેસોમાં ૬૬ ટકા કિસ્સામાં વેરિફિકેશનમાં દસ્તાવેજો સાચા સાબિત થયા હોવાનું બને છે. જો એ રેશિયો જળવાઈ રહે તો આ ૧૯ લાખમાંથી ય હજુ ઘટીને આગલા ૧૨૦ દિવસમાં માત્ર ૬ લાખ લોકો જ ઘૂસણખોરો તરીકે જાહેર થઈ શકે છે. આટલા બધા લોકોની ફરીથી ઓળખ કરવાની કાર્યવાહી બાબતે ય કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોએ ફરી વિચારવું જોઈએ.
 

ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર

 
યાદ રહે કે અત્યાર સુધી થયેલી ચર્ચાઓમાં દેશના નેતાઓથી માંડીને અનેક લોકોએ મોટી સંખ્યામાં આસામમાં ઘૂસણખોરો હોવાનું કહેલું છે. ૬ઠ્ઠી મે ૧૯૯૭ના રોજ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી અને પીઢ સામ્યવાદી નેતા ઈન્દ્રજિત ગુપ્તાએ કહેલું કે આસામમાં એક કરોડની આસપાસ ગેરકાયદેસર ઘૂસણખોરો વસે છે. ૮મી નવેમ્બર ૧૯૯૮ના રોજ આસામના રાજ્યપાલ મેજર જનરલ એસ.કે. સિંહાએ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને આપેલા અહેવાલમાં ૪૦ લાખ બોગસ નાગરિકો અને ઘૂસણખોરોનો ઉલ્લેખ અને તેમનાથી રાષ્ટ્રને નુકસાનની વાત હતી તો ૧૪મી જુલાઈ ૨૦૦૪ના રોજ શ્રીપ્રકાશ જયસ્વાલ નામના કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ સંસદને કહ્યું હતું કે ૩૧મી ડિસેમ્બર - ૨૦૦૧ની સ્થિતિ મુજબ સમગ્ર ભારતમાં ૧ કરોડ ૨૦ લાખ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે, જેમાંથી ૫૦ લાખથી વધુ તો માત્ર આસામમાં જ છે. એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષે ય દસ વર્ષ પહેલાં કહેલું કે સમગ્ર દેશમાં ૩ કરોડ જેટલા ઘૂસણખોરો છે. આ અને આવી અનેક રજૂઆતો અને ૨૦૦૫ દાખલ થયેલી એક રિટ પિટિશનના સંદર્ભે જ સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ રચીને કવાયત આદરેલી, અને હવે આ કવાયતનું પરિણામ ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી થઈ છે.
 

 
 
આસામની સમસ્યાનાં મૂળ અને કુળ પણ જાણવા જેવાં છે. આ સમસ્યા મૂળ આઝાદી પહેલાંની છે. અંગ્રેજોના શાસન વખતે આસામમાં બહારથી આવીને અનેક લોકો વસેલા. પરિણામે આઝાદી બાદ ઘૂસણખોરોનો મુદ્દો ચર્ચાયો અને ૧૯૫૧માં વસ્તીગણતરી થઈ ત્યારે ઘૂસણખોરોનો ય પત્તો મેળવવા પ્રયત્નો થયા. ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા આસામના દરેક નાગરિકને આઈકાર્ડ આપવાનો નિર્ણય લેવાયો.
 

મતદારોની સંખ્યામાં ૮૯ ટકાનો અધધ વધારો થયો

 
૧૯૭૧માં ભારત પાકિસ્તાનના યુદ્ધની કૂખમાંથી બાંગલાદેશ જન્મ્યો અને પાકિસ્તાનીઓના ત્રાસથી બાંગ્લાદેશમાંથી શરણાર્થીઓ તરીકે લોકો ઘૂસ્યા અને વસી ગયા. ૧૯૭૧થી ૧૯૯૧ વચ્ચે આસામમાં મતદારોની સંખ્યામાં ૮૯ ટકાનો અધધ વધારો થયો. પછી ધીમે ધીમે ઘૂસણખોરોનો પ્રશ્ર્ન ઊભો થયો. આસામના રાજકીય પક્ષોએ સ્વાર્થ ખાતર બાંગ્લાદેશી ઘૂસણખોરોથી માંડીને નિરાશ્રિત રોહિંગ્યાઓને પણ મતબેંક સાચવવા મતદાર યાદીમાં સમાવી નાગરિક બનાવી દીધા. ઘૂસણખોરો આ રીતે દેશમાં ભળી ગયા તેમાં જે તે રાજ્યોની જે તે વખતની સરકાર જ દોષિત ગણાય. ૧૯૮૨માં મ્યાંમારમાં શરણાર્થીઓનો કાયદો બદલાતાં ૧૦ લાખ જેટલા રોહિંગ્યાઓ આસામમાં ઘૂસી આવ્યા અને ઘૂસણખોરીની સમસ્યા વકરી. સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ, પરિણામે આસામ ગણ પરિષદના નામે યુવાન વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું. ૧૯૮૫માં આંદોલનકાર સાથે આસામ સંધિ કરાર થયાં અને બિન ભારતીય નાગરિકોને મતદારયાદીમાંથી દૂર કરવાની સંમતિ અપાઈ. ૧૯૯૧માં રાજીવ ગાંધીના અવસાન બાદ બાદ આ કવાયત ધીમી પડી. ૨૦૦૫માં આસામના જાગૃત નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી, જેના ભાગરૂપે ૨૦૧૮માં ૪૦.૧થી વધારે લોકો ઘૂસણખોરો, નિરાશ્રિતો જાહેર થયા, જેની ખરાઈ કરવા માટે ૩૧ ઓગસ્ટ - ૨૦૧૯ સુધીનો સમય હતો અને આખરે ગત અઠવાડિયે તેમાંથી માત્ર ૧૯ લાખ ૭ હજાર લોકો જ ઘૂસણખોર સાબિત થયા.
 

 

આંતરરાષ્ટ્રીય દબાણ વગર દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે

 
ઘૂસણખોરીથી સમગ્ર દેશ અને ખાસ કરીને આસામમાં જે ત્રાસ, તોફાન, કામધંધાને અસર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તે જોતાં આ આંકડો મોટો હોવાની પૂરેપૂરી ખાતરી છે. વળી આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ તથા ભારત સરકાર સમક્ષ સૌથી મોટો પ્રશ્ર્ન ઘૂસણખોરોનું શું કરવું તે ઊભો થશે. આવા ઘૂસણખોરોને પાછા મોકલવાની વ્યવસ્થા બાબતે ઘણી બધી જુદા પ્રકારની વાતો ચાલે છે પણ ખરેખર તો તેમને પાછા મોકલવા બાબતે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ સરકારે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના, આંતરરાષ્ટ્રીય દબાણ વગર દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે. (જેમ ટ્રમ્પ સરકાર અમેરિકામાં આવી બાબતે કડક કાર્યવાહી કરે છે તેમ).
 

પારકા છોકરા લોટ ફાકે અને પોતાના ઘંટી ચાટે એવો ઘાટ

 
આ તો માત્ર આસામની વાત થઈ, પણ ઘૂસણખોરોની સમસ્યા તો આખાયે રાષ્ટ્રમાં છે. ભાજપના પશ્ર્ચિમ બંગાળના નેતાઓએ કહ્યું છે કે, મમતા દીદીના રાજમાં બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોને લીલાલહેર છે, તેમને દેશવટો આપો! મહારાષ્ટ્રમાં શિવસેનાએ આ જ માંગ કરી છે તો દિલ્હી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ય બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડવાની માંગ ઊઠી છે. ગુજરાતના સુરત જેવાં શહેરોમાં ય ઘૂસણખોરો મળી આવ્યા છે. બની શકે આવનારા દિવસોમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આવી માંગ આગ બનીને ઊઠે અને એ વાજબી પણ છે, કારણ કે આ ઘૂસણખોરો જે રીતે ધંધા-રોજગાર પર જામી પડ્યા છે એ જોતાં પારકા છોકરા લોટ ફાકે અને પોતાના ઘંટી ચાટે એવો ઘાટ થયો છે અને એ કોઈ કાળે ચલાવી લેવાય નહીં.
 

દેશને ઘૂસણખોરોથી મુક્ત કરો

 
આથી ઘૂસણખોરી અટકાવવા માત્ર આસામમાં જ નહીં સમગ્ર દેશમાં એનઆરસીનો અમલ જરૂરી. દેશ પોતાના નાગરિકો માટે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ ઊભી કરે છે, પરંતુ આવા ઘૂસણખોરોને કારણે વ્યવસ્થા ખોરવાઈ જાય છે, રાષ્ટ્રમાં બદીઓ પ્રવેશે છે અને દેશની છબી ખરડાય છે તેથી દેશના એકેએક વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. અન્યથા દેશની વસ્તી તો વધારે છે જ. તદ્ઉપરાંત આવા ઘૂસણખોરોને કારણે આંકડો ઓર વધશે અને રાષ્ટ્રની સંપત્તિ, છબી અને નાગરિકોને નુકસાન થશે. આ પ્રશ્ર્ન માત્ર સરકારનો નથી, દેશના નાગરિકો પણ આ માટે બુલંદ અવાજે કહે કે, દેશને ઘૂસણખોરોથી મુક્ત કરો.