નવા ટ્રાફિક નિયમોના કારણે લોકોમાં આ એક જોરદાર બદલાવ આવ્યો છે…

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
દેશના લોકો મુશ્કેલીમાં છે. પણ મુશ્કેલી મોટી નથી. સરકાર તેમનો જીવ બચાવવા માંગે છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે સરકાર જીવ ખાઈ રહી છે. આપણે અત્યાર સુધી પાનના ગલ્લે ખૂબ ગપ્પા માર્યા. અમેરિકા, લંડન જેવા દેશોની ચોક્ક્સાઈ અને સ્વચ્છતાની વાતો પણ કરી. આપણા દેશમાં કાયદા ઘણાં પણ અમલ ક્યાં? આવું કહી સરકારની મશ્કરી પણ કરી. પણ લાગે છે કે કેન્દ્ર સરકારને આપણી આ વાતો સમજાઈ ગઈ છે. એટલે જ સૌથી પહેલા સ્વચ્છનું અભિયાન ચલાવ્યું અને હવે લોકોમાં ટ્રાફિક સેન્સ લાવવા ભયંકર દંડ અભિયાન ચલાવ્યું છે.
 
આમાં સરકાર તરફી અને જનતા તરફી એમ બન્ને તરફથી દલિલો મળી રહી છે. જે ખોટી પણ નથી લાગતી. સરકાર કહે છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં લોકોને વાંધો શું છે? દેશમાં વર્ષે દોઢ લાખ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે જે ચિંતા જનક છે. વાત તો સાચી છે. અકસ્માતમાં કોઇ મરવું ન જોઇએ. અકસ્માત ન થવા જોઇએ. જનતાએ કાયદાનું બરોબર પાલન કરવું જોઇએ. આવું દેશની મોટા ભાગની જનતાનું માનવું પણ છે. પણ તેમના મનમાં થોડા પ્રશ્નો પણ છે.
 
જેવા કે,….તમે રાતો રાત કાયદો લાવ્યા. હવે રાતો રાત શું કરવું? લોકોને લાયસન્સ જોડે રાખવું જ છે, હેલ્મેટ પહેરવું જ છે. આરસી બૂક જોડે રાખવી જ છે, વીમો પણ રાખવો જ છે અને પીયુસી પણ કઢાવવું જ છે. આ બધા કાગળીયા વાહન ચલાવતી વખતે જોડે રાખવા એ વાહન ચાલકનું કામ છે પણ આ કાગળીયા વાહન ચાલકને યોગ્ય સમયે તેનો સમય જરા પણ ન બગડે તે રીતે તેની સુધી પહોંચાડવા એ સરકારનું કામ છે. જે યોગ્ય રીતે થઈ રહ્યું નથી. સરકારે આના પર ધ્યાન આપવું જોઇએ. એવું ય નથી કે સરકાર ધ્યાન આપી રહી નથી. આપી જ રહી છે પણ જનતાની મુશ્કેલી તેનાથી દૂર થતી દેખાતી નથી. સારા રસ્તાથી લઈને સરકારી કાગળીયા બનાવવાની સુવિધા સરકાર જો સરળ કરી આમે તો લોકોને કાયદાનું પાલન કરવામાં જરા પણ વાંધો લાગતો નથી.
 
હવે જુવો લોકો પાસે વાહન હોવા છતાં બસમાં જવું પડે છે. એ વાત સાચી કે લોકોએ પબ્લિક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ વધું કરવો જોઇએ પણ આ રીતે ડરના કારણે કરવો પડે તો? સરકારના ટ્રાફિકના કડક કાયદા પછી લોકો પબ્લિક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કેમ કે તેમની પાસે સમય નથી. વાહન ચલાવવા માટે જે જરૂરી દસ્તાવેજો જોઇએ છે તે રાતો રાત નીકળી શકે છે પણ તે નીકળી શકે તેવી સુવિધા નથી માટે લોકો દુવિધામાં છે. હવે કાગળિયા ન મળે ત્યાં સુધી શું કરવાનું? યાતો દંડ ભરો યા તો જરૂરી કાગળિયા ન કઢાવી લો ત્યાં સુધી ગાડી ચલાવવાનું બંધ કરી દો. પણ હાલ તો લોકો ઉપાય શોધી લીધો છે.
 
લોકો હવે AMTS-BRTSનો સહારો લેવા લાગ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન જે ઘટ્યું અને તેના જે આંકડા સામે આવ્યા છે તે જોવા જેવા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ પેસેન્જર્સે સરકારી બસો દ્વારા અવર-જવર કરી છે. અરે આટલી મોટી સંખ્યા વેકેશન દરમિયાન પણ જોવા મળતી નથી. નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાંથી અંદાજિત 27 લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. બીજી તરફ છેલ્લા 8થી 10 વર્ષમાં સૌથી વધારે 8 લાખથી વધારે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. બીજી બાજુ આ નવા નિયમો આવ્યા પછી ગયા સોમવારે જ 80 હજારથી વધારે પ્રવાસીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી છે.
 
ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. અહીં પણ યોગ્ય સુવિધા લોકોને મળી રહે તે માટે પડકાર ઉભો ન થાય તો સારું. બાકી પર્યાવરણ માટે આ વાત સારી જ છે કે લોકો વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. નવા ટ્રાફિક નિયમોના કારણે લોકોમાં આ એક જોરદાર બદલાવ આવ્યો છે…બદલાવ સારો છે. પણ સરકાર અને જનતાએ બન્નેએ હવે જાગૃત થવાની જરૂર તો છે. દરેક પક્ષ પોતાની જવાબદારી સમજે તો લાગે છે કે દેશનું ભલુ જ થશે…બાકી બધા જ ટ્રાફિક નિયમો પળવા જ જોઇએ.