દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૧૯
 
 
 

 ગણેશચતુર્થી । ગણેશકથા । ગણેશ એક, ગાથા અનેક

શ્રીગણેશ સૌ પ્રથમ પુજાય છે. બુદ્ધિમાન છે. તે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી પણ છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં ગણેશજીના કથાનકમાંથી યુવાનોએ શીખવા જેવું છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. ૨ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂથઈ ગયો છે. યુવાનો ગણેશોત્સવની ઉજવણીમાં ડૂબી ગયા છે. ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...
 

શિવપુરાણ, વરાહપુરાણ, લિંગપુરાણ, બ્રવૈવર્ત પુરાણમાં ગણેશના જન્મની વિવિધ ગાથાઓ છે

 
શિવપુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું, તેમાં પ્રાણ પૂર્યા, પોતાની શક્તિ આપી અને તેને ‘ગણેશ’ નામ પણ આપ્યું. ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયાં. પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે, ‘હું સ્નાન કરવા જાઉં છું, આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો.’ ગણેશજી આજ્ઞાંકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા.
 
બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી, જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા. દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા. ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું.
 

 
 
ગણેશજીના વધના સમાચાર નારદજીએ પાર્વતીને આપ્યા. સમાચાર સાંભળી ક્રોધિત થયેલાં પાર્વતી શંકર પાસે આવ્યાં અને પોતાના પુત્રને જીવિત કરવાની માગ કરી. આથી પાર્વતીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી, પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેમને જીવિત જ‚ર કરી શકાય. શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો. શંકરજીના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું. શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શ‚આત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશનો પુન: જન્મ થયો.લિંગપુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે, ઋષિમુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને, તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રીગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વેસર્વા ગણેશને બનાવ્યા.
 
વરાહપુરાણ મુજબ સ્વયં ભગવાન શંકરે પંચ તત્ત્વોને ભેગાં કરી ગણેશનું સર્જન કર્યું હતું. ભગવાન શંકર ગણેશને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માગતા હતા, જ્યારે એક સુંદર અને આકર્ષણ ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશના ‚પ્ને લઈ ઈર્ષા પેદા થવા લાગી. દેવતાઓને લાગતું હતું કે હવે બધી જગ્યાએ ગણેશ જ આકર્ષણનું કેન્દ્ર બનશે. આથી દેવતાઓની વાતોનો તકાજો મેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનન જેવું કરી દીધું, જેથી ગણેશના સૌંદર્ય અને આકર્ષણને થોડું ઓછું કરી શકાય.
 
બ્રવૈવર્ત પુરાણ મુજબ પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શ્રીકૃષ્ણએ તેમના ગર્ભથી જન્મ લીધો. પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું. શનિ દેવ ત્યાં જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા કારણ કે શનિ દેવને તેમની પત્નીએ શાપ આપ્યો હતો કે જો તે કોઈને પણ જોઈને મુગ્ધ થઈ જશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે. તેમ છતાં શનિ દેવ જ્યારે ગણેશને આશીર્વાદ આપવા પહોંચ્યા અને ગણેશ સામે મુગ્ધભાવે જોતા જ રહ્યા તેથી ગણેશ પર શાપ્નો પ્રભાવ પડ્યો. પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી ગણેશજીને પુન: જીવિત કર્યા. બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ જ દુ:ખી થયાં, આથી દરેક દેવતાઓએ ગણેશને પોતાની અનન્ય શક્તિઓ આપી. ઇન્દ્રએ અંકુશ, વરુણે પાશ, બ્રાએ અમરત્વ, લક્ષ્મીજીએ રિદ્ધિ-સિદ્ધિ અને સરસ્વતીએ સમસ્ત વિદ્યા આપી ગણેશને દેવોમાં સર્વોપરી બનાવ્યા.
  

ગણેશોત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે.

 
ગણેશ-જન્મ પછી ગણેશોત્સવની શરૂઆત પણ રોચક છે. તમે જાણો છો ગણેશોત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે. એક સમયે ગણેશોત્સવથી લોકોમાં આવેલી એકતાએ બ્રિટિશરોને ચિંતામાં નાખી દીધા હતા. સૌ પ્રથમ પેશવાઓએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યું હતું. એવું કહેવાય છે કે કસ્બા ગણપતિના નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપ્ના શિવાજીનાં માતા જીજાબાઈએ કરી હતી. ત્યાર પછી લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવ્યો. લોકમાન્ય ટિળકના આ પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી. ગણેશપૂજાને ટિળકજીએ સાર્વજનિક મહોત્સવમાં ફેરવી. ગણેશોત્સવને માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી જ સીમિત ન રાખી તેને આઝાદીની લડાઈ, અસ્પૃશ્યતા અને ઊંચનીચના ભેદ દૂર કરવા અને સમાજને એકત્રિત કરવા તથા સામાન્ય વ્યક્તિનું જ્ઞાન વધારવાનું એક માધ્યમ બનાવ્યો. ટિળકજીએ 1893માં ગણેશોત્સવને સાર્વજનિક ‚પ આપ્યું. વીર સાવરકરજીએ ગણેશોત્સવ વિશે લખ્યું છે કે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડાઈ માટે થઈ રહ્યો છે એવી વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ હતી. પછી નાગપુર, વર્ધા, અમરાવતી વગેરે શહેરોમાં પણ ગણેશોત્સવે આઝાદીનું નવું જ આંદોલન છેડી દીધું. અંગ્રેજો પણ આનાથી ગભરાઈ ગયા.
રોલેટ સમિતિના રિપોર્ટમાં આ બાબત ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે ગણેશોત્સવ દરમિયાન યુવાનોની ટોળીઓ અંગ્રેજ શાસન વિરોધી ગીતો ગાતી ગાતી શહેરમાં ફરે છે, શાળાનાં બાળકો પત્રિકાઓ વહેંચી રહ્યાં છે. આ પત્રિકામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવવાની વાત છપાતી હતી. વીર સાવરકર, લોકમાન્ય ટિળક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરિસ્ટર જયકર, રેંગલર પરાંજપે, પંડિત મદન મોહન માલવીય, મૌલીચંદ્ર શર્મા, બરિસ્ટર ચક્રવર્તી, દાદાસાહેબ અને સરોજિની નાયડુ જેવા રાષ્ટ્રીય નેતા ગણેશોત્સવમાં ભાષણો આપતાં હતાં. આઝાદી પહેલાંથી ગણેશોત્સવનું મહત્ત્વ રહ્યું છે. વર્તમાનમાં માત્ર મહારાષ્ટ્રમાં જ 50 હજાર કરતાં પણ વધારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. આ ઉપરાંત ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે.
 
એવું કહેવાય છે કે એક કાળે ગણેશોત્સવ જાપાન, ચીન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલાયા અને સુદૂર મેક્સિકોમાં પણ મનાવાતો હતો.
 

 
 

ગણેશ વિવાહ : બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ

 
કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા-પિતા પાસે ગયા. માતા-પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો. આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે કોઈ વ્યક્તિ માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્ર્વકર્માજીની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીનાં લગ્ન થયાં.
 

 
 

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર

 
કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતનીરચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્રાએ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા. વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે.
 

 
 

ગણેશજીનાં અનેક વાહનો...

 
એક માન્યતા અનુસાર ગણેશનું સ્વ‚પ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.
  

ઉંદર તેમનું વાહન કઈ રીતે બન્યો?

 
એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા.
મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય. પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે.
 

 
 

વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી

 
શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શ‚આત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહિ આવે. આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો આકાર અને તેમનાં અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે.
 
ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ. વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન‚પી મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક, અણિયાળી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી કામ લો. ગણેશજીનું લાબું નાક (સૂંઢ) હમેશાં આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક-વિતર્કમાં નંબર વન છે. તેનું કતરણ દુનિયામાં બેજોડ છે. મૂષકના આ ગુણે જ તેને ગણપિતનું વાહન બનાવ્યો છે. આ જ રીતે ગણેશજીનું આંતરિક રૂપ પણ એટલું જ પ્રેરણાદાયી છે.