સામરિક દૃષ્ટિએ ભારત - પાકિસ્તાન કોણ-કોના પર ભારે?

    ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનના રાજ્ય સૈન્ય અને માધ્યમોથી માંડી સામાન્ય નાગરિક સુધી રીતસરનો યુદ્ધોન્માદ છવાયો છે. ચીલાચાલુ રાજકારણીઓથી માંડી મોટા સૈન્ય અધિકારીઓ પણ ભારત સાથે યુદ્ધ કરવાની ધમકીઓ ઉચ્ચારી રહ્યા છે. ક્યારેક એલઓસી પર પીઓકેમાં હજારો સૈનિકો ખડકી દે છે, તો ક્યારેક ગુજરાત સરહદ પર હલચલ વધારી દે છે. જો કે જાણકારો મુજબ પાકિસ્તાન ભલે હાલ ભારત સામે તલવારો લહેરાવી રહ્યું હોય, પરંતુ તે ભારત સાથે યુદ્ધ કરવાની ગુસ્તાખી ક્યારેય નહીં કરે, કારણ કે નાદારીના આરે આવી ઊભેલા પાકિસ્તાનને ખબર છે કે ભારત પર હુમલો કરવો આત્મહત્યા કરવા સમાન છે. છતાં પણ રખેને જેહાદને રવાડે ચડી પાકિસ્તાન ક્યાંક ભારત પર હુમલો કરી દે તો તે કેટલા દિવસ ભારત સામે ટકી શકશે. શું કહે છે ભારત અને પાકિસ્તાનની સામરિક શક્તિ ? આવો એક નજર કરીએ...

સેનાનું બજેટ કેટલું ?

 
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજીક સ્ટડીસ મુજબ ૨૦૧૮માં ભારતે સેના માટે બજેટમાં કુલ ૪ લાખ કરોડ ‚પિયા ફાળવ્યા હતા. એટલે કે દેશની જીડીપીના કુલ ૨.૧ ટકા ભાગ સુરક્ષા માટે ફાળવાયો હતો, જ્યારે પાકિસ્તાન દ્વારા ૧.૨૬ લાખ કરોડ પાકિસ્તાની ‚પિયા એટલે કે ભારતના લગભગ ૬૫ હજાર કરોડ રૂપિયા સૈન્ય માટે ફાળવવામાં આવ્યા હતા. જીડીપી મુજબ જોઈએ તો આ આંકડો પાકિસ્તાનના કુલ જીડીપીના ૩.૬ ટકા જેટલો થાય છે એટલે કે પાકિસ્તાન પોતાની જીડીપીના ભારત કરતાં પણ વધારે ભાગ હથિયારો પાછળ ખર્ચ કરે છે. છતાં પણ ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાન કરતાં અનેકગણું વધારે છે. આમ સૈન્ય બજેટમાં જ પાકિસ્તાન ભારત સામે ક્યાંય ટકતું નથી. હવે વાત સૈન્યશક્તિની.

કેટલી મોટી સેના ?

 
ઈંઈંજજ મુજબ ભારત પાસે ૧૨ લાખ જેટલા સૈનિકો છે. ૩૫૬૫ ટેન્ક, ૩૧૦૦ ઇનફ્રન્ટી ફાઇટિંગ વ્હીકલ, ૩૩૬ હથિયારોથી લેસ ગાડીઓ અને ૯૭૧૯ જેટલી તોપોથી લેસ છે. તેની સામે પાકિસ્તાન પાસે કુલ ૫.૬૦ લાખ સૈનિકો છે. એટલે કે ભારતના મુકાબલે અડધાથી પણ ઓછા. ટેન્કોની વાત કરીએ તો પાકિસ્તાન પાસે માત્ર ૨૪૯૬ ટેન્ક, ૧૬૦૫ હથિયારોથી લેસ ગાડીઓ અને ૪૪૭૨ જેટલી તોપો છે, જેમાંથી ૩૭૫ ઓટોમેટિક તોપ છે.
 

 

હવામાં કોણ કોના પર ભારે ?

 
હવાઈક્ષેત્રે વાત કરીએ તો ભારત પાસે કુલ ૮૧૪ લડાકુ વિમાનો છે, જ્યારે પાકિસ્તાન પાસે ૪૨૫ લડાકુ વિમાન છે. જો કે ભારતનાં મિગ ૨૧ વિમાન હાલ નિવૃત થયાં છે, છતાં ભારતે તેની અવેજમાં રાફેલ હવાઈ બેડામાં સામેલ કરી પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે.

નેવીમાં કોણ કેટલું આગળ ?

 
ભારતીય નૌસેના પાસે એક એયરક્રાફ્ટ કેરિયર, ૧૬ સબમરીન, ૧૪ ડેસ્ટ્રોયર્સ, ૧૩ ફિગેટ્સ, ૧૦૬ પેટ્રોલ વૈસલ અને ૭૫ જેટલા લડવામાં સક્ષમ એયરક્રાફ્ટ છે. આ સિવાય આ ક્ષેત્રમાં ભારતના સૈનિકોની સંખ્યા ૬૭,૦૦૦ છે, જેમાં મરીન અને નવલ એવિએશન સ્ટાફ પણ સામેલ છે, જ્યારે તેની સામે પાકિસ્તાન પાસે ૯ ફ્રિગેટ્સ, ૮ સબમરીન, ૧૭ પેટ્રોલ વેસલ અને ૮ લડવામાં સક્ષમ એવા એયરક્રાફ્ટ છે. પરમાણુ પનડુબ્બીની વાત કરીએ તો ભારત પાસે હાલ ‘આઈએનએસ’ અરિહંત પરમાણુ પનડુબ્બી છે. આ પ્રકારની પનડુબ્બીઓથી સજ્જ ભારત વિશ્ર્વનો છઠ્ઠો દેશ છે. જ્યારે તેની સામે પાકિસ્તાન પાસે એક પણ પરમાણુ પનડુબ્બી નથી.
  

કોની પાસે કેટલાં પરમાણુ હથિયાર ?

 
ભારત અને પાકિસ્તાન બન્ને દેશો પાસે પરમાણુ હુમલા કરવા સક્ષમ મિસાઇલ્સ છે, ભારત પાસે આવી નવ પ્રકારની મિસાઇલ્સ છે, જેમાં અગ્નિ-૩ પણ છે. જે ૩૦૦૦ કિલોમીટરથી લઈ ૫૦૦૦ કિલોમીટર સુધી મારકક્ષમતા ધરાવે છે. જેની સામે પાકિસ્તાન પાસે પણ ૨૦૦૦ કિલોમીટર સુધીની મારકક્ષમતાવાળી મિસાઇલ્સ છે. પરમાણુ બોમ્બની વાત કરીએ તો આ આંકડો સાચો મળતો નથી, પરંતુ એક અનુમાન મુજબ ભારત પાસે ૧૩૦-૧૪૦ પરમાણુ બોમ્બ છે, જ્યારે પાકિસ્તાન પાસે ૧૪૦-૧૫૦ જેટલા પરમાણુ બોમ્બ છે.
 
બન્ને દેશો વચ્ચે તણાવ તેના ચરમ પર છે, પરંતુ પરમાણુ હુમલો કરવાની હિમ્મત પાકિસ્તાન ક્યારેય નહીં કરે, છતાં પણ જો યુદ્ધ થઈ જ ગયું તો ભારત પાસે ભલે પાકિસ્તાનની સરખામણીમાં ઓછા પરમાણુ બોમ્બ હોય, પરંતુ તેની તાકાત એટલી છે કે જો ભારત પાકિસ્તાનને નેસ્તોનાબૂદ કરવા પર ઊતરી આવ્યું તો પાકિસ્તાનનો એક પણ ખૂણો એવો નથી જે ભારતના કહેરથી બચી શકે. જો કે ભારતના દિલ્હી, કલકત્તા, મુંબઈ, બેંગલુરુ, જયપુર, ભોપાલ જેવાં શહેરો પર પણ પાકિસ્તાની મિસાઇલ્સનો ખતરો છે જ.
 

જો પરમાણુ યુદ્ધ થયું તો શું થશે ?

 
ભારત અને પાકિસ્તાન બન્ને પાસે એટલા મોટા પ્રમાણમાં પરમાણુ બોમ્બ છે જે બન્ને દેશોમાં ભારે તબાહી મચાવવા માટે પૂરતા છે. જો પરમાણુ યુદ્ધ થયું તો માત્ર એક જ અઠવાડિયામાં લગભગ ૨ કરોડ લોકો મૃત્યુ પામશે. જેમાંથી ૫૦ લાખ તો બળીને રાખ થઈ જશે અને વિશ્ર્વની અડધોઅડધ ઓઝોન પરત બરબાદ થઈ જશે. આ યુદ્ધની અસર માત્ર ભારત અને પાકિસ્તાન પર જ નહીં પડે, પરંતુ વિશ્ર્વના અનેક દેશો પર તેની ગંભીર અસરો પડશે. આ હુમલો એટલું રેડિએશન ફેલાવશે કે લોકો તડપી-તડપીને મરશે, જેની અસર આવનારાં અનેક વર્ષો સુધી રહેશે. પરમાણુ હુમલાને પરિણામે પેદા થયેલા ધુમાડાનો ગુબ્બારો એટલા પ્રમાણમાં હશે કે સૂરજનો તાપ પણ ધરતી પર પહોંચી શકશે નહીં. એટલે કે પરમાણુ શરદીથી વિશ્ર્વ થીજી જશે જેને પરિણામે વૃક્ષ છોડ સમાપ્ત થઈ જશે અને દુનિયાની મોટા ભાગની આબાદીને ભૂખે મરવાનો વારો આવશે. એક અંદાજ મુજબ આજ સુધી આતંકવાદને કારણે જેટલા લોકો મર્યા છે, પરમાણુ યુદ્ધમાં તેના કરતાં ૨૦૦૦ ગણા લોકો મૃત્યુ પામશે.
 
આમ, સમગ્ર રીતે જોઈએ તો સામરિક શક્તિમાં પાકિસ્તાનની હેસિયત ભારત સામે કશું જ નથી. જલ, થલ અને નભમાં પાકિસ્તાન ભારત સામે ચિત્રમાં જ નથી. માત્ર પરમાણુ શક્તિના જોરે તે આપણી સામે ઘૂરકિયાં કરી રહ્યું છે. પરંતુ અમેરિકન થિંક ટેન્કે તેની પરમાણુ શક્તિના દાવાની પણ હવા કાઢી નાખી છે. છતાં પણ જો તેણે ભારત સામે પરમાણુ હથિયાર ઉગામવાની કોશિશ કરી તો તેની પાસે બચાવવા માટે બાકી કંઈ જ રહેશે નહીં. બની શકે કે પાકિસ્તાનનો એ છેલ્લો જંગ હોય અને પાકિસ્તાન કદાચ દુનિયાના નકશા પરથી જ ગાયબ થઈ જાય.