શું પાકિસ્તાન તૂટવાની કગાર પર છે ?

    ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
આ લેખનું શીર્ષક વાંચી વાચકને થોડુ આશ્ર્ચર્ય થશે, પણ એ હકીકત છે કે પાકિસ્તાનનો જન્મ જ અકુદરતી હતો અને તેના જન્મની સાથે જ તેના વિસર્જનનાં બીજ પણ વવાઈ ચૂક્યાં હતાં. થોડી હકીકતો જોઈએ...
 
૧. જ્યારે પાકિસ્તાન રચવાની વાત ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચર્ચાઈ ત્યારે લૉર્ડ વેવેલે કહ્યું હતું કે, 'India is one. How can I divide it ?'
 
૨. જ્યારે કોંગ્રેસની કાર્યકારીણીએ ૧૫ જૂન, ૧૯૪૭ના રોજ પાકિસ્તાનનો સ્વીકાર કર્યો ત્યારે મહંમદઅલી ઝીણા અત્યંત આશ્ર્ચર્યપૂર્વક બોલી ઊઠ્યા હતા - 'oh, my God !' ઝીણાને વિશ્ર્વાસ જ ન હતો કે તેમની માંગણી મુજબ તેમને એક અલગ દેશ મળશે. ઝીણા તો દાદાગીરી અને અવળચંડાઈ કરી મુસ્લિમો માટે વધુમાં વધુ અધિકારો, જોગવાઈઓ અને સવલતો જ ઇચ્છતા હતા.
 
૩. પાકિસ્તાન બન્યા પછી જ્યારે ઝીણા કરાંચી ગયા તો શહેરમાં પ્રવેશતી વખતે પોતાના પર્સનલ સેક્રેટરીને કહ્યું, ‘મારા જીવતેજીવ અમને પાકિસ્તાન મળશે તેની કલ્પના પણ મેં કરી ન હતી.’
 
પાકિસ્તાનની રચના તો થઈ ગઈ પણ ટૂંક સમયમાં જ ઝીણાને પાકિસ્તાનની રચનાની નિરર્થકતા સમજાઈ ગઈ હતી. તેમના મૃત્યુ પહેલાં તેમણે પોતાના અંગત વકીલમિત્ર આગળ કહ્યું હતું કે, 'Pakistan is greatest bunder in my life. ભારતના હાઈકમિશનર શ્રી પ્રકાશજી ઝીણાને મળવા માટે ગયા ત્યારે પોતાની આ ઐતિહાસિક ભૂલની તેમણે નિખાલસતાપૂર્વક કબૂલાત કરી હતી.
 
૪. સન ૧૯૫૪માં પૂર્વ પાકિસ્તાન (એટલે હાલના બાંગ્લાદેશ)ના મુખ્યમંત્રી બનેલા ફઝલૂલ હક કલકત્તા આવ્યા હતા. તેઓ પશ્ર્ચિમ બંગાળના તે વખતના મુખ્યમંત્રીને મળ્યા હતા ત્યારે તેમણે ભારતના વિભાજનથી પેદા થયેલાં દુષ્પરિણામોની ચર્ચા કરી હતી. ભાગલાની પોકળતાની વાત પણ તેમણે ખુલ્લા દિલે કરી હતી.
 
પાકિસ્તાન બનતાં તો બની ગયું પણ તે ક્યારેય પોતાની રાષ્ટ્રીયતા સિદ્ધ કરી શક્યું નથી. પાકિસ્તાનમાં જાતીયતા છે પણ રાષ્ટ્રીયતા નથી. પાકિસ્તાન વિશે એવું કહેવાય છે કે It is a state without Nation. ઇસ્લામના આધારે પાકિસ્તાન બની તો ગયું પણ ઇસ્લામ પાકિસ્તાનને એક રાખી શક્યું નથી. પાકિસ્તાન તૂટવાની પહેલી ઘટના બની ૨૧ માર્ચ, ૧૯૭૧ના દિવસે. સન ૧૯૭૧માં જનરલ યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાનને કચડી નાખવા માટે લશ્કર ઉતાર્યું. દસ લાખ કરતાં પણ વધારે બંગાળીઓની હત્યા કરવામાં આવી. અંતે ભારતને આ યુદ્ધમાં ઝંપલાવવાની ફરજ પડી. યુદ્ધમાં પાકિસ્તાન હાર્યું. પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોને ભારતીય લશ્કરે કેદ કર્યા. આખરે પાકિસ્તાન તૂટ્યું અને બાંગ્લાદેશ નામનો તદ્દન નવો દેશ પૃથ્વીના નકશા પર ઊપસી આવ્યો. આમ પાકિસ્તાનના તૂટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ.
 
હવે શેષ પાકિસ્તાન તૂટવાની કગાર પર દેખાય છે. એક વાત યાદ કરાવી લઈએ કે પાકિસ્તાન એક કૃત્રિમ દેશ છે. બલૂચિસ્તાનની મહિલા એક્ટિવિસ્ટ નેલા કાદરીએ આક્રોશપૂર્વક કહ્યું કે, ‘પાકિસ્તાન તો ટેસ્ટ ટ્યૂબ ક્ધટ્રી છે જેને અંગ્રેજોએ બનાવ્યો હતો’ પાકિસ્તાન એ લોકોને મળ્યું જે લોકોએ ક્યારેય પાકિસ્તાનની માંગણી કરી ન હતી. પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને પખ્તુનિસ્તાનના લોકો આઝાદીની ચળવળમાં મુસ્લિમ લીગ સાથે ન હતા. બલ્કે કોંગ્રેસ સાથે હતા. ૧૯૩૭માં પ્રાંતિક ચુનાવોમાં દેશના કુલ ૪૮૫ મુસ્લિમ નિર્વાચન ક્ષેત્રોની બેઠકોમાંથી મુસ્લિમ લીગને માત્ર ૧૦૮ બેઠકો જ મળી હતી. મુસ્લિમોથી ઊભરાતા બંગાળમાં મુસ્લિમ લીગને માત્ર ૩૭ બેઠકો મળી હતી. સિંધમાં માત્ર ત્રણ જ બેઠકો મળી હતી. પંજાબમાં માત્ર એક જ બેઠક મળી હતી અને પખ્તુનિસ્તાનમાં એક પણ બેઠક લીગને મળી ન હતી.
આજે આ ચારેય પ્રાંતોમાં અસંતોષ અને વિદ્રોહની આગ સળગી રહી છે. સૌ પહેલાં બલુચિસ્તાનની સ્થિતિ જોઈએ.
 

 વરિષ્ઠ નેતા અબ્દુલ સમદખાં

બલુચિસ્તાન ( Balochistan)

 
વરિષ્ઠ નેતા અબ્દુલ સમદખાં એ બલુચિસ્તાનમાં બલૂચ ચેતના જગાડી, જેના પરિણામે ઘણી મહત્ત્વની ઘટનાઓ ત્યાં બનવા લાગી.
 
૧. પાકિસ્તાનની રચના તો ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ થઈ પણ બલુચિસ્તાને પાકિસ્તાનની રચનાના ત્રણ દિવસ પહેલાં એટલે કે ૧૧ ઓગસ્ટના રોજ પોતાના દેશને સ્વતંત્ર જાહેર કરી દીધેલો, કારણ કે બલુચિસ્તાનને પાકિસ્તાન સાથે જોડાવું ન હતું. આ ઘટનાથી ઉશ્કેરાઈને ઝીણાએ ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ બલુચિસ્તાનમાં લશ્કર મોકલી સમદખાંને ધમકી આપી કે બલુચિસ્તાનને પાકિસ્તાનને મેળવી દેવાના કરાર પર સહી નહીં કરો તો તમારા ખાનદાનની સાથે તમને સાફ કરી નાખીશું. સમદખાંએ મજબૂરીથી જોડાણ તો કર્યું પણ આજ પર્યંત ૧૧ ઓગસ્ટના રોજ બલુચિસ્તાન પોતાનો આઝાદી દિન ઊજવે છે.
 
૨. બલુચિસ્તાનને આઝાદ કરવા ત્યાં બલુચ લિબરેશન આર્મી સક્રિય છે. ૧૯૪૮, ૧૯૫૮, ૧૯૬૦ અને ૧૯૭૦ના વર્ષોમાં પાકિસ્તાન વિરુદ્ધ ચાર વાર બળવા થયા. સામે પાકિસ્તાનનું લશ્કર આજ દિન સુધી બલુચો પર બર્બર અત્યાચારો કરી રહ્યું છે. પાકિસ્તાની લશ્કરના અત્યાચારોને કારણે અહીં ૨૫ હજાર કરતાં વધારે લોકો ગુમ થયા છે. અહીં સેંકડો સામૂહિક કબરો છે.
અબ્દુલ સમદખાં પછી અકબર બુગતીએ લડતનાં સૂત્રો સંભાળ્યાં. પણ પાકિસ્તાની લશ્કરે સન ૨૦૦૬માં અકબર બુગતી પર મિસાઈલ હુમલો કરી બુગતી અને તેના અનેક સાથીદારોને મારી નાખ્યા. આમ છતાં આઝાદીની આગ ત્યાં ઠરતી નથી.
મહંમદ અલી ઝીણા બલુચિસ્તાનમાં જ્યાં જ્યાં રહ્યા હતા અને જ્યાં તેમનાં સ્મારકો હતાં તે તમામ સ્મારકોને બલૂચીઓએ તોડી નાખ્યાં છે. આજે પણ ત્યાંની શાળાઓમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાતું નથી, પરંતુ બલુચિસ્તાનનું પોતાનું રાષ્ટ્રગીત ગવાય છે.
 
હાલમાં અકબર બુગતીના પૌત્ર બ્રહ્મદાગ બુગતીએ લડતનાં સૂત્રો પોતાના હાથમાં લીધાં છે. સ્વિત્ઝર્લેન્ડના જીનિવામાં સપ્ટેમ્બરમાં ચાલી રહેલી UNHRC (માનવ અધિકાર સંસ્થા)માં બલૂચ માનવ અધિકાર અંગે ઉગ્ર રજૂઆત થઈ હતી. બલુચિસ્તાનના નેતા બ્રહ્મદાગે અપેક્ષા વ્યક્ત કરી છે કે ભારતે જે રીતે બાંગ્લાદેશને આઝાદ કર્યો તે રીતે બલુચિસ્તાનને આઝાદ કરવા મદદ કરે.
 
૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ સ્વાતંત્ર્ય દિને મોદીજીએ બલુચિસ્તાનના અધિકારો માટેની વાત કરી તો બલુચિસ્તાનમાં ઠેર ઠેર ત્રિરંગા લહેરાવાયા હતા. સાથે સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ બાળવામાં આવ્યા હતા. આમ બલૂચિસ્તાન તૂટુંતૂટું થઈ રહ્યું છે.

બીજો પ્રાંત પખ્તુનિસ્તાન (Pashtunistan)

 
૧૯૨૮માં સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાને પખ્તુનિસ્તાનમાં પખ્તુન ચેતના જગાડી. આઠમી સદી સુધી પખ્તુનો હિન્દુ હતા. તે બાદ તેઓ બૌદ્ધ બની ગયા. તે પછી ૧૧મી સદીમાં તૂર્કીનાં આક્રમણોના કારણે પખ્તુનો મુસલમાન બની ગયા.
 

  અબ્દુલ ગફારખાન
 
આઝાદીની ચળવળ દરમિયાન અહીં મુસ્લિમ લીગનો એટલો બધો વિરોધ હતો કે ૧૯૩૭માં થયેલી ચૂંટણીમાં મુસ્લિમ લીગને વિધાનસભાની એક પણ બેઠક મળી ન હતી. ૧૯૪૬માં અહીંના પઠાણોએ અખંડ ભારત માટે મત આપ્યા હતા. અબ્દુલ ગફારખાને પખ્તુનિસ્તાનને ભારતમાં જોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે નહેરુજીને પત્ર લખ્યો હતો કે, ‘પંડિતજી, આપ હમે પાકિસ્તાની ભેડિયોં કો ક્યૉં સોંપ રહે હો ?’ ગફારખાને ૧૯૪૭માં આત્મનિર્ણયની માંગ કરી હતી. પણ નહેરુજીએ તેમની કોઈ વાતનો સ્વીકાર કર્યો ન હતો, અને પખ્તુનિસ્તાનની ઇચ્છા વિરુદ્ધ તેમને પાકિસ્તાનમાં રહેવું પડ્યું હતું.
અબ્દુલ ગફારખાનની આત્મકથા (હિન્દી પોકેટબૂક, જી.ટી. રોડ, શાહદરા, દિલ્હી-૩૨નું પ્રકાશન)માં તેમણે લખ્યું છે કે પહેલાં અહીં સિકંદર આવ્યો. પછી ચંગેઝ આવ્યો, પછી આરબો આવ્યા, તે પછી મોગલો અને તે બાદ ફિરંગીઓ (અંગ્રેજો) આવ્યા. પરંતુ ફિરંગીઓએ અમારાં ઘરોને લૂટ્યાં નથી પણ પાકિસ્તાની ઇસ્લામી સરકારે અમારાં ઘર લૂટી લીધાં. ફિરંગીઓના જમાનામાં અમારા સમાચારપત્રો અને જલસા બંધ કર્યા ન હતા પણ પાકિસ્તાની સરકારે તે બંધ કર્યા. ફિરંગી સરકાર પખ્તુનોની મહિલાઓનું અપહરણ કરતી ન હતી પણ પાકિસ્તાની સરકારે તે પણ કર્યું. જે વખતે ચારસદ્દામાં પઠાણ નર-નારીઓ જુમ્માની નમાજ અદા કરવા પોતાના માથે કુરાન મૂકીને મસ્જિદમાં પ્રવેશી રહી હતી. તે સમયે પાકિસ્તાની સરકારે મશીનગનોથી તેમના પર ગોળીઓ ચલાવી હતી. અબ્દુલ ગફારખાનને ૧૪ વર્ષ સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા.

ત્રીજો પ્રાંત ‘સિંધ’ (Singh)

 
હાલમાં અહીં બે આંદોલનો ચાલી રહ્યાં છે. (૧) મૂળ વતની સિંધીઓનું અને (૨) ભારતથી આવેલા મુસલમાનોનું. ૧૯૪૭માં થયેલા ભારત વિભાજન પછી ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત મુંબઈ પ્રાંત, રાજસ્થાનના સંખ્યાબંધ મુસ્લિમો સિંધમાં વસ્યા હતા. આ બધા માટે મોહાઝીર (નિર્વાસિત) શબ્દ વપરાય છે. પાકિસ્તાનની રચના અમે કરી છે તેવું કહેનાર આ મોહાઝીરોની જબરજસ્તીથી સિંધી પ્રજા ત્રાસી ગઈ. મોહાઝીરોએ પ્રથમ કરાંચી કબ્જે કર્યું અને કરાંચીના સિંધીઓને ગામડાંઓમાં ધકેલી દીધા. મોહાઝીરોએ સિંધી ભાષાને બદલે ઉર્દૂ થોપવા જબરજસ્તી કરવા માંડી. કરાંચી યુનિવર્સિટી પર મોહાઝીરોએ કબજો જમાવી દીધો. સિંધી છોકરીઓની છેડતી થવા લાગી, પરિણામે સિંધી અને મોહાઝીરો વચ્ચે ખુલ્લો ટકરાવ શરૂ થઈ ગયો.
 

 અલ્તાફ હુસૈન
 
 
પંજાબીઓના વર્ચસ્વને કારણે પાકિસ્તાનની રાજધાની કરાચીથી ખસેડી રાવલપિંડી અને તે પછી ઇસ્લામાબાદ લઈ જવામાં આવી. સિંધમાંથી ચૂંટાયેલા વડાપ્રધાન ભુટ્ટોને ફાંસી અપાઈ. તે બાદ તેમની પુત્રી બેનઝીર ભુટ્ટોને પણ ગોળીથી વીંધી નંખાઈ. આના પરિણામે સિંધીઓમાં રહેલી વેદના પ્રગટી ઊઠી. સિંધીઓને અન્યાય થાય છે તેવો ભાવ વેગ પકડતો ગયો છે. પરિણામે સિંધમાં ‘જિયે સિંધ’નું આંદોલન શરૂ થયું. સિંધી પ્રોફેસર શેખ અય્યાઝે ‘જિયે સિંધ’ કવિતા લખી. જેમાં ‘જિયે સિંધ’ ‘જિયે હિન્દ’ લખાયું હતું. આ કાવ્ય સિંધી જનમાનસની વેદના પ્રગટ કરતું પ્રેરક ગીત બની ગયું. જિયે સિંધનું આંદોલન ઉગ્ર બની આઝાદીની લડતમાં પલટાઈ શકે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના કાયદા મંત્રી દ્વારા કરાંચીમાં કલમ ૧૪૯ (૪) લાગુ કરી કરાંચીને કેન્દ્રશાસિત કરવાનો પ્રયત્ન કર્યો. તો બિલાવલ ભુટ્ટોએ આક્રોશપૂર્વક નિવેદન કર્યું છે કે, ‘જો તમે અમારા પર જુલમ કરતા રહેશો તો અગાઉ બાંગ્લાદેશ બન્યું તેમ સિંધ પણ અલગ દેશ બની જશે.’
 
આવું જ બીજું એક આંદોલન અહીં ચાલે છે જેનું નામ છે મુત્તાહિદ કોમી મુવમેન્ટ (MQM). આ આંદોલન ભારતમાંથી આવેલા અને પાકિસ્તાનમાં સ્થિર થયેલા મુસલમાનો ચલાવે છે. પાકિસ્તાનની રચના થયે ૭૨ વર્ષ થઈ ગયા છતાં પણ ભારતથી આવેલા મુસલમાનો પાકિસ્તાનમાં હજી શરણાર્થી છે. પાકિસ્તાનના મુસ્લિમો આ બધાને પોતીકા માનતા નથી. ૧૯૫૮ સુધી મોહાઝીરોનો અહીં દબદબો હતો પણ અયુબખાન આવ્યા પછી મોહાઝીરોનો દબદબો ઘટવા માંડ્યો. ૧૯૯૦થી મોહાઝીરો અને સ્થાનિકો વચ્ચે શેરીલડાઈઓ શરૂ થઈ ગઈ. ૧૯૯૨થી પાકિસ્તાનમાં Clean up ઓપરેશન શરૂ થયું. આ ઓપરેશનમાં નમાજ પઢતા મોહાઝીરો ઉપર બોંબ ફેંકાયા. મોહાઝીરો પર થતા અત્યાચારો સામે ઉર્દૂ ભાષી અલ્તાફ હુસેને છાત્ર આંદોલન શરૂ કર્યું. જે પાછળથી MQM મુતાહિદ કોમી મુવમેન્ટ નામનો રાજકીય પક્ષ બની ગયો. ધોંસ વધતાં અલ્તાફહુસેન લંડન ભાગી ગયો. અલ્તાફે વિદેશમાં જઈ નિવેદન કર્યું કે ‘અમે મોહાઝીરો પાકિસ્તાન લઈને આવ્યા છીએ. જો અમારે પાકિસ્તાનમાંથી જવું પડશે તો પાકિસ્તાન પાછું લઈને જઈશું.’ અલ્તાફ હુસેન પાકિસ્તાનને દુનિયાનું કેન્સર ગણાવે છે. તાજેતરમાં વિશ્ર્વનું ધ્યાન દોરવા વોશિંગ્ટનમાં દેખાવો કર્યા હતા MQMના રેહાન ઇબાદતે વ્હાઇટ હાઉસ સામે દેખાવો કરી કહ્યું, ‘અમારા સમુદાયનો નરસંહાર થઈ રહ્યો છે માટે અમને મદદ કરો.’ આ સમાચાર તા. ૯/૪/૨૦૧૯ના દિવ્ય ભાસ્કરમાં પણ છપાયા હતા.

પંજાબ (Punjab) 

આ પ્રાંત પાકિસ્તાનનો સૌથી મોટો અને વગદાર પ્રાંત છે. અહીં પણ ઉર્દૂનો વિરોધ છે. અહીંના મુસ્લિમો પંજાબી ભાષા બોલે છે. પંજાબની રાજ્ય ભાષા પંજાબી છે, ઉર્દૂ નહીં. વધુ પડતા વર્ચસ્વને કારણે પંજાબે આખા પાકિસ્તાન પર ભરડો લીધો છે તેવું ચિત્ર પાકિસ્તાનમાં ઊભું થયું છે. લશ્કરમાં ૮૦% લોકો પંજાબી છે તેવી રીતે સરકારી નોકરીઓમાં પણ પંજાબીઓનું પ્રમાણ ઘણું બધું છે. એવું લાગે છે કે પાકિસ્તાનના બાકીના ત્રણ પ્રાંતોના લોકો કરતાં પંજાબીઓનો વટ છે. આઝાદી બાદ ૭૨ વર્ષના શાસનકાળમાં કુલ ૧૧ વડાપ્રધાનો થયા. તેમાં પખ્તુનિસ્તાનના એક, બલુચિસ્તાનના પણ એક, સિંધના ત્રણ જ્યારે પંજાબના છ લોકો વડાપ્રધાન બની શક્યા. ભુટ્ટો અને બેનઝીરની હત્યામાં પણ પંજાબીઓનો હાથ ત્યાંના લોકોને દેખાયો છે. સમગ્ર અર્થતંત્ર પર પણ પંજાબી ઉદ્યોગકારોનો જબરજસ્ત પ્રભાવ છે, પરિણામે પંજાબ બાકીના ત્રણ પ્રાંતોના લોકોની ઇર્ષાનું કેન્દ્ર બની ગયું છે.

પાક. કબજાનું ભારતીય કાશ્મીર - POK

 
પાકિસ્તાનને આ પ્રદેશમાં વિકાસ કરવામાં જરા પણ રસ નથી, કારણ કે જો ભારત આ પ્રદેશ લઈ લે તો કરેલું રોકાણ વ્યર્થ જાય. ત્યાં લોકો ભારે ગરીબીમાં જીવે છે. ત્યાં પર્યટનની શક્યતા છે પણ રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણની સુવિધાથી વંચિત આ પ્રદેશનો કોઈ વિકાસ થયો નથી. ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં શિયા મુસ્લિમો છે. ત્યાં પાકિસ્તાની સરકાર પંજાબી મુસ્લિમોને વસાવી સ્થાનિકોને લઘુમતીમાં મુકવા પ્રયાસ કરે છે. સરકારી નોકરીઓમાં બહારના મુસ્લિમોને નોકરીએ રખાય છે. બળજબરીથી ત્યાંના મુસ્લિમોને ભારતવિરોધી જિહાદમાં જોડવામાં આવે છે. તાજેતરમાં જ POKના સ્થાનિક મુસ્લિમોને LOC પર વસાવવા દબાણ કર્યાના સમાચાર છે.
 

 
 
POKના મુસ્લિમો પાકિસ્તાનનો વિરોધ કરે છે તો પાકિસ્તાની જવાનો તેમના પર અમાનુષી ત્રાસ ગુજારે છે. થોડા સમય પહેલાં CNN ચેનલ પર એક વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેમાં આઝાદીની માંગ કરતા POKના મુસ્લિમોને બોલતા બતાવાય હતા કે, ‘અમે કાશ્મીરી છીએ. અમારે પાકિસ્તાનમાં ભળવું નથી.’ માત્ર એક જ સપ્તાહ પહેલાં જ AajTak ચેનલ પર POKના લોકો પર ગુજારાતા ત્રાસ બાબતે નાગરિકો સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા કે... ‘યે જો દહશત ગર્દી હૈ, ઉસકે પીછે વર્દી હૈ... યે જો ગુંડાગર્દી હૈ, ઉસકે પીછે વર્દી હૈ... ટેરરિસ્ટ હૈ, ટેરરિસ્ટ હૈ, યે પાકિસ્તાન ટેરરિસ્ટ હૈ... દિખતા નહીં ઈમરાનખાન, કૈસા અત્યાચારી પાકિસ્તાન.’ તાજેતરમાં જ ત્યાં યોજાયેલી ઈમરાનખાનની રેલી ફ્લોપ ગઈ હતી.
વધુ ગંભીર બાબત એ છે કે પાકિસ્તાનમાં ઇસ્લામના નામે અંદરોઅંદર કાપાકાપી ચાલે છે. પાકિસ્તાન માત્ર ઇસ્લામિક નહીં પણ સુન્ની મુસ્લિમ સ્ટેટ બનવા તરફ જઈ રહ્યું છે. તેથી ત્યાં શિયા, દાઉદી, ઇસ્માઈલી, અહમદિયા, કાદીયાણી, ખોજા, સૂફી, સુધારાવાદીઓ ખતરામાં જીવી રહ્યા છે. તેમની મસ્જિદો પર સુન્ની મુસ્લિમો હુમલા કરે છે. રમજાનમાં શિયા મુસ્લિમોના તાજિયા પર હુમલા થાય છે અને મસ્જિદોમાં શિયા મુસ્લિમોનાં લોહી રેડાય છે.
 
ભુટ્ટોએ ૧૯૭૪માં અહમદિયા કોમને બિન-મુસ્લિમ જાહેર કરી, પરિણામે ૪૦ લાખ અહમદિયા મુસ્લિમો ભયમાં આવી પડ્યા છે. તેઓ મતદાર યાદીમાં, પાસપોર્ટમાં, ઓળખપત્રોમાં શાળા-કોલેજ સર્ટિફિકેટોમાં પોતાને મુસ્લિમ લખાવી શકતા નથી એટલું જ નહીં આ લોકો મક્કા હજ કરવા પણ જઈ શકતા નથી. આમ સુન્ની સિવાયના તમામ મુસ્લિમોને હવે પાકિસ્તાન વિશેનો ભ્રમ તૂટી ગયો છે.
 
બેલ્જિયમની વિશ્ર્વપ્રસિદ્ધ સંસ્થા (ICJ) ઇન્ટરનેશનલ ક્રાઈસીસ ગ્રુપે થોડા સમય પહેલાં પાકિસ્તાનની સ્થિતિ વિશે Secterian Conflicts in Pakistan નામે એક વિશેષ અભ્યાસપત્ર પ્રગટ કર્યું હતું. આ રિપોર્ટમાં એક સ્ફોટક વિધાન છે કે Religious extremism threatens to erode the foundation of the state and society. ICGના રિપોર્ટના શબ્દો ટાંકીએ તો Sectarian violence in Pakistan is also about Islam v/s Islam.
 
ગાંધીનગર ખાતે ૧૪ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ફ્રાન્સના પત્રકાર ક્રિસ્ટોફર જેફરલોટ કે જેઓ દક્ષિણ એશિયાના રાજકીય પ્રવાહોના વિશેષજ્ઞ છે. તેમણે The Pakistan Paradox વિષય પર આઈ.આઈ.ટી. કોલેજમાં પ્રવચન આપતાં કહ્યું કે, પાકિસ્તાન રાજકીય રીતે પડી ભાંગવાને આરે છે. અફઘાનિસ્તાનમાંથી નાટોના દળો પાછાં ખેંચાય તો અફઘાન તાલિબાનો ઇસ્લામાબાદ સર કરવાની તૈયારી કરશે અને જો આમ થશે તો પાકિસ્તાનના ટુકડે ટુકડા થઈ જશે. આમ પાકિસ્તાન તૂટવાની શક્યતાઓ વધતી જાય છે, પણ જિજ્ઞાસાનો વિષય એ છે કે પાકિસ્તાનના વિખરાઈ જવાની દિશા, પ્રક્રિયા અને ભવિષ્ય કેવાં હશે.
 
કેટલાંક લોકો પાકિસ્તાનના તૂટવાની શક્યતાનો ઉપહાસ કરતાં કહે છે, "Pakistan is a Settled fact. એમાં કોઈ જ પરિવર્તન હોઈ જ ન શકે.’ પરંતુ જગતનો ઇતિહાસ એમ કહે છે કે આ દુનિયામાં કશું જ Settled fact નથી. કાળના પ્રવાહમાં રોમન સામ્રાજ્ય ક્યાં જતું રહ્યું ? વિશાળ ઓટોમન તુર્કી સામ્રાજ્યનો કેમ વિલય થયો ? નવ ખંડોમાં શાસન કરતું બ્રિટિશ સામ્રાજ્ય કેમ સંકોચાઈ ગયું ? બૃહદ ભારત પણ કેમ વિભાજીત થઈ ગયું ? દુનિયાના નકશા પર ક્યારેય ન હતા એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેવી રીતે ઉપસી આવ્યા ? આ ઘટનાઓના સંકેત કોઈ સમજાવી શકશે ?
 
વિશેષજ્ઞો એવું માને છે કે સૌ પ્રથમ બલુચિસ્તાન તૂટશે. ભારતમાં આ પ્રાંત ભળે પણ ખરો. નહીં તો તે ઈરાનમાં ભળી જશે, કારણ કે ઈરાન અને બલુચિસ્તાનની ભાષા, સંસ્કૃતિ, ભૂગોળ એકબીજાને અનુરૂપ છે. બલુચિસ્તાનનો એક ભાગ આજે પણ ઈરાનમાં છે.
 
પખ્તુનિસ્તાન પણ ભારત સાથે જોડાઈ શકે છે, નહીં તો તે અફઘાનિસ્તાન સાથે જોડાઈ જાય. અગાઉ અફઘાનિસ્તાનના બાદશાહ અમીર અમાનુલ્લાએ આક્રમણ કરી પખ્તુનિસ્તાનને કબજામાં લીધેલું. તેઓ માને છે કે અફઘાનિસ્તાન અને પખ્તુનિસ્તાન એક થઈ જાય તો પુશ્તુ ભાષા બોલતો એક મોટો દેશ બની જાય. સર ફ્રેશરે પોતાના પુસ્તક Land of Hindukushમાં લખ્યું છે કે પખ્તુનિસ્તાન વગર અફઘાનિસ્તાન અધૂરું છે.
 
માત્ર પંજાબ માટે એક કરતાં વધારે વિકલ્પો દેખાય છે. પહેલો વિકલ્પ છે કે તે ભારત સાથે જોડાઈ જાય. ભારત અને પાકિસ્તાનના બે પંજાબની સંસ્કૃતિ એક જ છે. બંને પંજાબના લોકો પંજાબી ભાષા બોલે છે. બન્ને ભાંગડા નૃત્ય કરે છે. બંનેની લોકકથાઓ લોકગીત અને સાહિત્યના વિષયો એક જ છે. પાકિસ્તાનના પંજાબમાં હીરરાંઝાની પ્રેમકથા ગવાય છે. પૂરણ ભગત અને કાદીરશાહની રચનાઓ બન્ને પંજાબ માણે છે. વૈશાખીનો ઉત્સવ બન્ને પંજાબમાં ઊજવાય છે. પશ્ર્ચિમ પંજાબના લોકો પોતાને પાકિસ્તાની ઓળખાવાને બદલે પંજાબી તરીકે ઓળખાવામાં ગર્વ કરે છે. યાદ કરો કે જ્યારે ભારત વિભાજન થયું ત્યારે પંજાબના નેતા સિકંદર હયાતખાને અને ખિજર હયાતખાને પંજાબના વિભાજનનો વિરોધ કર્યો હતો એટલું જ નહીં પંજાબને પાકિસ્તાનમાં ભેળવવાનો પણ વિરોધ કર્યો હતો. હવે આમ ન થાય તો બીજો વિકલ્પ એ બની શકે જે રીતે બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો તે જ રીતે પશ્ર્ચિમ પંજાબ અલગ સ્વતંત્ર દેશ બની શકે છે.
 
આ ઉપરાંત એક નવી શક્યતા પણ દેખાય છે. પાકિસ્તાનના તમામ ચાર પ્રાંતો ભારત સાથે જોડાઈ એક સમવાયતંત્ર બની શકે છે, જેમાં જોડાયેલા આ ચારેય પ્રાંતો USSRની જેમ Federal Stateનો દરજ્જો ભોગવી, ચોક્કસ પ્રકારની સ્વાયત્તતાની જોગવાઈ સાથે ભારતની પ્રભુ સત્તાનો સ્વીકાર કરી ભારતીય રાષ્ટ્રમાં સ્થાન મેળવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને જ્યારે...
 
# ભારતીય સર્વસમાવેશક ઉદાર વૃત્તિના દર્શન થાય.
# ભારતમાં રાષ્ટ્રવાદી, દેશભક્ત લોકોની સરકાર હોય.
# ભારત પાસે મજબૂત, દીર્ઘદૃષ્ટિવાળી અને સમર્થ નેતાગીરી હોય.
# ભારત પાસે અત્યાધુનિક સૈન્યશક્તિ હોય. # ભારતનો સર્વસાધારણ નાગરિક દેશપ્રેમી, સંગઠિત, એક મન અને એક નિર્ધારવાળો હોય.
 
જો આમ થાય તો પાકિસ્તાન નામનો દેશ કાળના પ્રવાહમાં દુનિયાના નકશા પરથી અદૃશ્ય થઈ જશે.