વીમા કંપનીએ ત્રણ રૂપિયાની કમીના કારણે રૂ. ૯.૫૦ લાખનો દાવો નકાર્યો પછી ગ્રાહકે શું કર્યુ તે જાણવા જેવું છે

    ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 

જાગો ગ્રાહક જાગો અખિલ ભારતીય ગ્રાહક પંચાયત

વીમા કંપનીઓ ગ્રાહકને વીમો લેવા માટે જાત જાતની લાલચ, પ્રલોભનો અને વળતર માટે વાતો કરતી હોય છે, પરંતુ એકવાર જ્યારે મેડિકલ ઇન્સ્યુરન્સની વિધિ પૂરી થાય છે પછી આવી કંપનીઓ પોતાનું પ્રોત પ્રકાશતી હોય છે. નાની બાબતોમાં ગ્રાહકની પોલીસીમાં ભૂલો કાઢવી અને તેને કઈ રીતે વળતર આપવાના સમય પર રદબાતલ કરી દેવી એમાં પારંગત અને કુશળ હોય છે.
 
આવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવેલ છે, જેમાં નિયમિત રીતે પ્રીમિયમ ભરેલ હોવા છતાં પણ ફ્યુચર જનરલ ઇન્ડિયા લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીએ માત્ર ૩ ‚પિયા નથી ભર્યા એ કારણથી ગ્રાહકનો રૂ‚. ૯.૫૦ લાખનો દાવો રદ કરી નાંખ્યો.
આ કિસ્સામાં ગ્રાહકે ઉપરોક્ત વીમા કંપનીનો લાઈફ કવરેજ માટે વીમો લીધેલ છે અને ત્રણ પ્રીમિયમ નિયમિત ભર્યા પછી ૨૦૧૦માં પ્રીમિયમની ગણતરીમાં ભૂલ થવાના કારણે સર્વિસ ટેક્ષ ભરવાનું રહી ગયું. કંપનીએ રૂ‚. ૩૪૦ ઓછા ભરેલ છે એવું જણાવતાં તુરતં જ ગ્રાહકે પેમેન્ટ કરેલ. પછી કંપનીએ એવું કહીને ગ્રાહકની પોલિસી બંધ કરી દીધી કે તમોએ રૂ‚. ૩.૦૦ સર્વિસ ટેક્ષ પેટે ઓછા ભરેલ છે.
 
૨૦૧૦માં જ ગ્રાહકનું મૃત્યુ થાય છે અને તેની પત્ની જ્યારે ગ્રાહક અદાલતમાં જાય છે ત્યારે વીમા કંપનીએ એવી દલીલ કરી કે ગ્રાહકની પોલિસી બંધ છે, કેમ કે સર્વિસ ટેક્ષ પેટે ૩.૦૦ રૂપિયા ઓછા ભરેલ છે. સાત વરસ પછી જિલ્લા ગ્રાહક ફોરમે નવ ટકા વ્યાજ સાથે વીમા કંપનીને રૂ‚. ૯.૫૦ લાખ મૃતકની પત્નીને ચૂકવવાનો આદેશ આપ્યો.
 
પરંતુ વીમા કંપનીએ આ ચુકાદાને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ પડકાર્યો. તે સંદર્ભે બે વરસ બાદ ચુકાદો આપ્યો કે વીમા કંપની માત્ર ૩.૦૦ રૂપિયાના કારણથી, ગ્રાહકની પોલિસીને રદબાતલ કરી શકે નહિ. કંપનીનો ઇરાદો માત્ર ને માત્ર ગ્રાહકને વળતર કેમ ન ચૂકવવું પડે તે છે, જે ચલાવી લેવાય નહીં. આ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચનો ચુકાદો હાલમાં જ આવેલ છે. હવે જોવાનું એ રહે છે કે ચાલક વીમા કંપની આ ચુકાદાને ઉપર ‘નેશનલ ગ્રાહક પંચ’ સમક્ષ લઈ જાય છે કે નહીં.
ઉપરોક્ત કેસમાં ગ્રાહકને ન્યાય માટે ઓછામાં ઓછા સાત વરસ રાહ જોવી પડી છે. આનું મુખ્ય કારણ એક પક્ષે એકલો ગ્રાહક રહી જાય છે અને સામે પક્ષે વીમા કંપની અનુભવી વકીલોની ફોજ ઉતારે છે. આપણે એક કે બીજી રીતે ગ્રાહક છીએ તેથી પ્રત્યેક ખરીદીમાં ખૂબ જ સાવધાન રહીએ અને નાની નાની બાબતો પર ધ્યાન આપીએ.
 
- જયંત કથીરિયા