તંત્રીલેખ । નવો ટ્રાફિક એક્ટ : કાયદાથી ડરશો નહીં, સન્માન કરો !

    ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
દેશમાં પહેલી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં આવ્યો. બધાં રાજ્યોમાં તેનું અમલીકરણ અને ગુજરાતમાં ય ૧૬મી સપ્ટેમ્બરથી લાગુ. જો કે ગુજરાતે દંડની માંડવાળની રકમમાં ઘટાડો કર્યો છે, કર્ણાટક-ઉત્તરાખંડે ય આવી વાત કરી છે અને પ. બંગાળમાં મમતા બેનર્જીએ રાજ્યમાં નવા કાયદાના અમલનો ઇન્કાર કરી દીધો છે, પરંતુ અન્ય રાજ્યોમાં નવા કાયદા મુજબ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગુરુગ્રામમાં એક ટ્રેક્ટરચાલકને ટ્રાફિકના ૧૦ નિયમોના ભંગ બદલ ૫૯૦૦૦નો દંડ, ઓડિશાના ભૂવનેશ્ર્વરમાં એક રિક્ષાચાલકને ગાડીના કાગળોના અભાવે ૪૭૫૦૦નો દંડ, એક સ્કૂટીચાલકને ૨૫૦૦૦ દંડ વગેરે ટોક ઓફ ધી ટાઉન બન્યા. નવા ટ્રાફિક એક્ટ મુજબ આ પ્રકારના જંગી દંડની જોગવાઈ કરાઈ છે.
 
ચાણકયએ કહ્યું છે કે, ‘જ્યારે પ્રજા રાજ્યના નિયમોનું ઉઘાડેછોગ ઉલ્લંઘન કરવામાં શરમ ના અનુભવે ત્યારે રાજાએ રાજદંડ ઉગામવો જ પડે.’ ચંદ્રકાન્ત બક્ષી ય વારંવાર કહેતા કે, ‘રાજદંડના ઉપયોગ વિના પ્રજા સીધી ન ચાલે.’ ટ્રાફિકમાં જે દંડની જોગવાઈ છે એ ૩૦ વર્ષ જૂની છે. ત્રીસ વર્ષ પહેલાં ટ્રાફિકના ભંગ બદલ ૧૦૦ રૂપિયા દંડની જોગવાઈ હતી. આજે ય એ જ દંડ રહે તે કેટલું યોગ્ય ? શ્રી નીતિન ગડકરી કહે છે, ‘આ કાયદાનો હેતુ સરકારની આવક વધારવાનો નથી, પણ માર્ગ અકસ્માતમાં મરતા લોકોને બચાવવાનો છે. લોકોએ આ કાયદાથી ડરવાની બિલકુલ જરૂર નથી, તેનું સન્માન કરવાની જરૂર છે.’
 
દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોનાં મોત થાય છે. ૩ લાખથી વધારે લોકોના હાથ-પગ ભાંગે છે અકસ્માતોમાં ૭૮ ટકાથી વધારે મોત ડ્રાઇવરોની ભૂલ અને બેદરકારીને પરિણામે અને બાવન ટકાથી વધારે અકસ્માતો માત્ર સ્ટેટ કે નેશનલ હાઈવે પર જ થાય છે. એમાંય મરનારા લોકોમાં ૧૮થી ૩૫ વર્ષની વયના યુવાનો હોય ત્યારે ચોક્કસ જ ટ્રાફિક નિયમોના કાયદા અંગે વિચારણા કરવાની જરૂર હતી જ. કેટલાક લોકોએ આ કાયદાને મનસૂફીમાં ખપાવ્યો પણ લોકોનો જીવ બચાવવો એ સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે.
 
પશ્ર્ચિમી દેશોનું અનેક બાબતોએ અનુકરણ કરતી પ્રજાએ ત્યાંના ટ્રાફિક નિયમો બાબતે અનુશાસન, કાયદા અને દંડની જોગવાઈઓ જાણવા જેવી ખરી. ગાડી ચલાવતાં હાથમાં મોબાઈલ રાખી વાત કરનારને ૩૦૦ ડોલર દંડ, લાલ લાઈટ હોય ને પસાર થઈ જાય તો ૪૦૦ ડોલર દંડ (કદાચ તો એક્સિડન્ટમાં મોતને જ ભેટે), સ્ટોપ લાઈન પર ઊભા ન રહેનારને ૨૫૦ ડોલર દંડ અને હાઈવે (ફ્રી વે) પર ગાડી ઊભી રાખી તો ૨૫૦ ડોલર દંડ. સીટ બેલ્ટ ગાડીમાં બેઠેલ બધાએ પહેરેલ હોવો જ જોઈએ વગેરે... દરેક ગુનાનો રેકોર્ડ કોમ્પ્યુટર દ્વારા લાયસન્સ હિસ્ટ્રીમાં જાય. ૪ ગુના પછી આકરા દંડ અને ૮ પછી લાયસન્સ જપ્ત જેવા કાયદાઓ છે. પાઉન્ડ, ડોલર વગેરેનું રૂપિયામાં પરિવર્તન કરીએ તો અધધ...
 
વર્ષ ૨૦૦૦ બાદ દેશમાં સડકોની સંખ્યામાં ૩૯ ટકાનો વધારો થયો છે જેની સામે વાહનોની સંખ્યામાં ૧૫૮ ટકાનો વધારો થયો છે. ૧૯૫૦માં દેશમાં સડકોની લંબાઈ ચાર લાખ કિલોમીટર હતી જે અત્યારે વધીને ૫૫ લાખ કિલોમીટરથી ય વધુ છે, છતાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.
 

 
 
શહેર કે અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હિલર ઉપર બાળક સાથે પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલમાં મૂકવા જતી યુવાન સ્ત્રીઓને જુઓ તો બાળક તથા માતાની જિંદગી બચાવવા આ નિયંત્રણ જરૂરી લાગે. ગ્રામ્ય વિસ્તારમાં છાકટા થયેલા યુવાનોને મોટર સાયકલ પર બેલગામ હાઈવે પર દોડતા જુઓ તો તેની અને અન્ય વાહનચાલકોની માનસિક દશા તથા સ્ટ્રેસનો ખ્યાલ આવે. વાહન સુવિધા માટે છે, તણાવયુક્ત ડ્રાઇવિંગ માટે હરગિઝ નહીં. વિદેશોમાં લાયસન્સ માટે ટેસ્ટમાં ઉમેદવારની ૪૦-૫૦ બાબતે ડ્રાઇવિંગમાં ચકાસણી થાય પછી જ લાયસન્સ મળે છે. છતાંય ભૂલ બદલ આકરા દંડ, કારણ અન્ય લોકોના જીવનું ય જોખમ જ છે.
 
સરકારે કહેવાતા કડક કાયદાઓ તથા દંડની જોગવાઈ પછી તેની સુદૃઢ વ્યવસ્થાનું વધુ ધ્યાન રાખવું જરૂરી, જેથી પોલીસ-અમલદારો વગેરેને ભ્રષ્ટાચારની તક ન મળે અને ગુનાહિત માનસિકતાવાળા વાહનચાલકો ય થોડો દંડ રોકડામાં ભરી તામસી આનંદમાં ન રાચે.
 
ફૂટપાથ પરથી પૂરપાટ ઝડપે દોડતા ટુ-વ્હિલર, બીઆરટીએસમાંથી ભાગતી ગાડીઓ-મોટરસાયકલો, વીજળીવેગે લેન બદલતા વાહનચાલકો, અચાનક યુ ટર્ન લઈ ખોટી દિશામાં ભાગતા વાહનો, ઘેટાં-બકરાની જેમ માણસોને ભરીને ભાગતાં ટ્રેક્ટર્સ તથા રિક્ષાઓ, આમાંથી બિહામણાં દૃશ્યો ઊભા થતાં વાર નથી લાગતી માટે તેને ૨૦મી સદીમાં મૂકી, વાહનચાલકોએ સ્વ-અનુશાસિત થવું જ ઉત્તમ છે.
 
જાગૃતિ, પ્રામાણિકતા, ગંભીરતા બંને પક્ષે હશે તો જ અકસ્માતો ટળશે અને લોકોના જીવ બચશે. આ એક એવી સમસ્યા છે જેનો અંત માત્ર આકરા દંડથી નહીં પણ મજબૂત મનથી જ થશે. લોકોએ માનસિકતા ઘડવી પડશે. કાયદા કદી પ્રજાને રંજાડવા માટે હોય નહીં. લોકો વાહનો બાબતે વધારે ગંભીર બને, તકેદારી રાખે. કાયદાનું પાલન કરીને આપણી સફરને શાનદાર અને જાનદાર બનાવીએ.