આર્થિક રીતે ભાંગી પડેલું પાકિસ્તાન | ખાવાના ફાંફા તોય પરમાણુ યુદ્ધના હાકોટા !

    ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૯
 
 
ભારતની સામે નફરત ફેલાવીને, ભારતનો ભો બતાવીને પાકિસ્તાનના સત્તાધીશોએ પાકિસ્તાનની જનતાને જ નહીં, અમેરિકા જેવા દેશને પણ લૂંટ્યો છે. અત્યારે ગળાડૂબ દેવામાં રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સામે પરમાણુ યુદ્ધની ફિશિયારી મારે છે પરંતુ તેની હાલત એ છે કે ત્યાં તેની કચેરીનું રૂ. ૪૧ લાખનું વીજળી બિલ ભરવા પણ પૈસા નથી. ગધેડા વેચવા પડી રહ્યા છે !
 
પાકિસ્તાનમાં ગણિતના પેપરમાં પ્રશ્ર્ન પુછાયો. હસનની પાસે બે ટિફિન છે. તે એક ટિફિન મહેમૂદને આપે છે અને બીજું અલ્તાફને આપે છે. તો ધડાકાનું ક્ષેત્રફળ અને મૃતકોની સંખ્યા જણાવો.
 
આ કાલ્પનિક લાગતો પ્રશ્ર્ન પાકિસ્તાનની વાસ્તવિકતાની ખૂબ નજીક છે. જેણે ત્રાસવાદની જ ખેતી કરી હોય તેને પાકરૂપે પણ ત્રાસવાદ મળવાનો છે અને ખાડો ખોદે તે પડે તે કહેવતના ન્યાયે ભારતને હેરાન કરવાની નીતિ સ્વતંત્રતા પછી સતત રાખનાર પાકિસ્તાન આજે દેવાળિયું થવાના આરે પહોંચી ગયું છે.
 

ભ્રષ્ટાચાર અને ત્રાસવાદે કરી પાકિસ્તાનની આ હાલત

 
અનેક મુસ્લિમો એવાં સપનાં સાથે પાકિસ્તાનની માગણી લઈને નીકળ્યા હતા કે ભારતમાં અમને અન્યાય થશે. તેથી તેમણે અલગ પાકિસ્તાન માગ્યું. માઉન્ટબેટન-ગાંધી-નહેરુની કૃપાથી મળ્યું. પરંતુ તે પછી ત્યાં લશ્કરી અધિકારીઓ અને રાજકારણીઓએ કાશ્મીર અને હંસકર લિયા હૈ પાકિસ્તાન, લડ કે લેંગે હિન્દુસ્તાનના અફીણ પીવડાવીને ગજવા-એ-હિન્દના નામે સતત પોતાનાં ગજવાં જ ભર્યાં. પાકિસ્તાનના પૂર્વ વડાં પ્રધાન સ્વ. બેનઝીર ભુટ્ટો અને તેમના પતિ-પૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસીફ અલી ઝરદારી પર કાળાં નાણાં સ્વિસ બેન્કમાં છુપાવવાનો આરોપ લાગ્યો. આ દંપતીએ ૧.૩૭ કરોડ ડોલર (તે પણ ૧૯૯૭ની માહિતી પ્રમાણે) સ્વિસ બેન્કમાં છુપાવ્યા હતા. નવાઝ શરીફે બેનઝીર ભુટ્ટોના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી તો નવાઝ શરીફને ત્યાંના સર્વોચ્ચ ન્યાયાલયે ઈમરાન ખાનની અરજી પર પનામા કેસમાં જેલની સજા કરી.
 
ભારતનાં ઇન્દિરા ગાંધીની જેમ પાકિસ્તાનમાં પણ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પણ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. ૧૯૭૪માં ચોથી પંચવર્ષીય યોજના રદ કરી નાખી. આના લીધે રાજકીય દખલ વધી ગઈ અને ભ્રષ્ટાચારના દરવાજા ખૂલી ગયા. ભારે મિકેનિકલ ઉદ્યોગોમાં સ્ટાફ વધુ પડતો હતો અને ઉત્પાદકતા તળિયે. પરિણામે ભુટ્ટોના સમયમાં ૨૫.૪ કરોડ રૂપિયાની ખોટ ગઈ. ૧૯૭૬માં પાકિસ્તાનમાં કેટલાક મુઠ્ઠીભર લોકોએ દેશના અર્થતંત્રના દિશા-નિર્દેશ પર કબજો જમાવીને વિશાળ સંપત્તિ એકઠી કરવા માંડી.
 
તે પછી ઝિયા ઉલ હક નામના લશ્કરી વડા આવ્યા. તેમણે એક પંચ રચ્યું જેણે ખાનગીકરણ કરવાની તરફેણ કરી, પરંતુ માત્ર ત્રણ ઉદ્યોગો જ મૂળ માલિકને સોંપાયા, જેમાંનો એક નવાઝ શરીફનો ઇત્તેફાક ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રિઝ હતો. શરીફને ઝિયા સાથે સારા સંબંધ હોઈ તેમની આ તરફેણ કરાઈ તેવું પાકિસ્તાનનાં રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.
 
વર્ષ ૨૦૧૨માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે અંદાજ આપ્યો કે પાકિસ્તાને વર્ષ ૨૦૦૮-૨૦૧૩માં બેનઝીર ભુટ્ટોના પક્ષ પીપીપીની સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર, કરચોરી અને કુશાસનના કારણે રૂ. ૮૫૦૦ અબજ ગુમાવી દીધા.
 
આ જ રીતે કટ્ટરવાદ અને ત્રાસવાદના કારણે પણ ઔદ્યોગિક ક્ષેત્રે જે હરણફાળ તો છોડો, પા-પા પગલી ભરવી જોઈએ તે પણ પાકિસ્તાને ભરી નહીં. અમેરિકા તરફથી કે અન્ય દેશો તરફથી જે નાણાં મળતાં તે નાણાંનો ઉપયોગ લશ્કરી અધિકારીઓ કે રાજકારણીઓ પોતાની સમૃદ્ધિ વધારવામાં કરતા રહ્યા. વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાનની સેનાએ તેના છ અધિકારીઓને ભ્રષ્ટાચાર માટે કાઢી મૂક્યા હતા.
 
આ જ વર્ષે જુલાઈમાં પાકિસ્તાનના ઉપલા ગૃહ સેનેટને માહિતી અપાઈ હતી કે પાકિસ્તાનનાં સૈન્યદળો ૨૦ અબજ ડોલરની ૫૦ વ્યાવસાયિક કંપનીઓ ચલાવે છે જેમાં પેટ્રોલ પંપથી માંડીને વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટ, બેન્ક, બેકરી, શાળા, યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. એમ કહીએ તો ખોટું નહીં કે પાકિસ્તાનનો તમામ વેપાર સેનાના હાથમાં છે. અને તમે જોયું હશે કે અત્યાર સુધી ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાનના મોટાંમોટાં રાજકારણીઓનાં નામો બહાર આવ્યાં પરંતુ સેનાના મોટા અધિકારીઓનાં આવ્યાં નથી, કારણ કે પાકિસ્તાનની સેનાના હાથમાં જ રાજકારણથી માંડીને વેપાર સુધી, બધાં ક્ષેત્રની દોરી રહી છે.
 

ભારતનો ભો દેખાડીને લૂંટતા રહ્યા

 
સેના ભારતનો ભય દેખાડી દેખાડીને પોતાના હાથમાં સત્તાની ચાવી રાખે છે. અંગ્રેજોને પહેલેથી જ ખબર હતી કે ભારત સ્વતંત્ર થતાં સમયે ભલે ગરીબ હોય પરંતુ તે ટૂંક સમયમાં જ પરિશ્રમથી ફરીથી મહાસત્તા બની જશે. આથી જ ભારતના બે ભાગલા તેણે કરાવ્યા અને ભાગલા પછી પાકિસ્તાનને રમકડાની જેમ ચાવી ભરી ભારત સામે જેમ કોઈ શ્ર્વાનને છુટ્ટો મૂકે તેમ મૂકતા રહ્યા.
 
અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘના દળોને કાઢવા પણ અમેરિકાને પાકિસ્તાનની ગરજ હતી. આથી તાલિબાનનું સર્જન થયું. તાલિબાન માટે પાકિસ્તાનને જે નાણાં મળતાં હતાં તે નાણાંમાંથી ભારતવિરોધી ત્રાસવાદી સંગઠનોનું પણ સર્જન થયું. પરંતુ આ નાણાં પૂરેપૂરાં આ કાર્યમાં વપરાતાં હશે? જરા પણ નહીં. એટલે ભારતનો ભય પાકિસ્તાનની જનતાને જ નહીં, પરંતુ અમેરિકા (અને હવે ચીન)ને પણ પાકિસ્તાન દેખાડતું રહ્યું. અત્યારે પણ તે યુદ્ધનો ભય દેખાડે છે, કારણ કે તેને ખબર છે કે પાકિસ્તાનમાં ચીનનું રોકાણ છે. વળી, તાલિબાનો સાથે વાતચીત માટે અમેરિકાને પાકિસ્તાનનો ખપ છે. આમ, પાકિસ્તાનની સેના ભારતનો ભો (ભય) દેખાડીને પાકિસ્તાનની જનતાને અને અમેરિકાના સત્તાધીશોને ઉલ્લુ બનાવતા રહ્યા જે તાજેતરના ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રમુખને સમજાયું છે અને એટલે તેમણે પાકિસ્તાનને અપાતી સહાયમાં મોટો કાપ મૂક્યો છે.
 
આટલું જ નહીં, આ ભયના કારણે પાકિસ્તાનનું સંરક્ષણ અંદાજપત્ર દેશનાં સંસાધનોને ખાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાન એવા ૨૦ દેશોમાં હતું જે સૌથી વધુ ખર્ચ સેના અને સંરક્ષણ પાછળ કરે છે. પાકિસ્તાનના રાજકારણી હોય કે સેનાના અધિકારી, મોટા ભાગનાં સંતાનોને વિદેશમાં ભણવા મોકલાય છે. ભારતને કબજે કરવા ત્રાસવાદીઓ ઊભા તો કર્યા પણ તેમના જલસા માટે, તેમની હેઠળના નિર્દોષ યુવાનોને પ્રશિક્ષણ માટે, દારૂગોળા અને શસ્ત્ર માટે તો નાણાં જોઈએ ને? આમ, પાકિસ્તાનમાં ઈસ્લામ પંથના શાસન - શરિયાના શાસનથી ખરેખર શું લાભ થયો તેવો પ્રશ્ર્ન આજે ત્યાંની જનતા પૂછી રહી છે.
 

પાકિસ્તાનની જનતાની પીડા

 
પાકિસ્તાનની એક વૃદ્ધાનો વિડિયો યૂ ટ્યૂબ પર છે. તેમાં તે કહે છે કે શૌચ પછી ધોવા માટે પાણી નથી. કેવી રીતે આ દેશમાં અમે રહીએ? આપણને રમૂજ થાય પરંતુ આ વાસ્તવિકતા છે. માત્ર ભારત પ્રત્યે નફરત ફેલાવીને અને ભ્રષ્ટાચાર કરીને પાકિસ્તાનના સત્તાધીશોએ જનતાની શી હાલત કરી છે તે જુઓ.
 

મોહર્રમ પર દૂધ પેટ્રોલ કરતાં પણ મોંઘું!

 
મોહર્રમ જેવા તહેવાર પર સ્થિતિ એ હતી કે પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં દૂધ મોંઘું હતું. કરાચી અને સિંધમાં એક લિટર દૂધ રૂપિયા ૧૪૦માં વેચાયું.
 

બધું વેચવા કાઢ્યું પડ્યું છે, ગધેડા પણ!

 
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઈમરાન ખાને આવતાંવેંત વડા પ્રધાન નિવાસની મોંઘીમોંઘી ચીજો વેચવા કાઢવી પડી. ૧૦૨ સરકારી ગાડીઓ, સરકારી ભેંસો, હેલિકોપ્ટર, રેલવેની જમીન, આ બધું વેચવા કાઢવું પડ્યું. તમને નવાઈ લાગશે કે એક તરફ જનતા માટે શૌચ પછી સ્વચ્છતા માટે પાણી નથી ને બીજી તરફ, પાકિસ્તાનના સત્તાધીશોએ કેવાકેવા જલસા કર્યા. બીએમડબ્લ્યૂ, મર્સિડિઝ, લેન્ડ ક્રૂઝર, વગેરે તમામ મોંઘી અને ભવ્ય કારો ત્યાંના સત્તાધીશોની કારશ્રેણીમાં હતી. તે પણ બુલેટપ્રૂફ અને હથિયારો સાથે.
 
એ તો ઠીક, પણ ગત ફેબ્રુઆરીમાં સમાચાર હતા કે પાકિસ્તાને ચીનને ગધેડા નિકાસ કરીને પૈસા કમાયા. ગધેડાની ચામડીમાંથી મળતા જિલેટીનનો ઉપયોગ અનેક મોંઘી દવાઓમાં કરવામાં આવે છે.
 

ઈમરાનની ઑફિસનું વીજળીનું બિલ ચૂકવવા પણ પૈસા નથી !

 
હાલત એવી થઈ ગઈ છે કે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી દેતા વડા પ્રધાન ઈમરાન ખાનના કાર્યાલયનું વીજળીનું ૪૧ લાખ રૂપિયાનું બિલ ચૂકવવાના પૈસા પણ નથી. આના લીધે કાર્યાલયમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજળી બંધ કરી દેવાઈ છે.
 

વિદેશી રોકાણકારોને આકર્ષવા બેલે ડાન્સરોનો સહારો !

 
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ કરીને ૨૦૦૩થી મૂડીરોકાણ આકર્ષી વિકાસ કરી બતાવ્યો. આ રાહ પર ન માત્ર ભારતનાં પશ્ર્ચિમ બંગાળ જેવાં બીજાં રાજ્યો, પરંતુ પાકિસ્તાન પણ છે. તેણે અજરબૈજાનની રાજધાની બાકુમાં ખૈબર પખ્તૂનખ્વા ઇન્વેસ્ટમેન્ટ સમિટ આયોજી હતી. આ સંમેલનમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે બેલે ડાન્સરોના નૃત્યો રખાયાં હતાં. આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ જાતજાતની મજાક ઉડાવી હતી.
 

૧૯૭૯-૮૦ પછી સૌથી ખરાબ સ્થિતિ

 
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તો રાજકારણીઓ- સેના અધિકારીઓ દ્વારા લૂંટના કારણે ખરાબ હતી જ પરંતુ ભારતના અભિનંદનને છોડવાના કારણે ભારતના પાકિસ્તાનપ્રેમી બુદ્ધુજીવીઓને જે ઈમરાન ખાન નોબેલના શાંતિ પુરસ્કારના હકદાર લાગતા હતા તે ઈમરાન ખાનના એક વર્ષના શાસનમાં, દેશની આર્થિક ખોટ ઇતિહાસની સર્વાધિક ૮.૯ ટકા પર પહોંચી ગઈ! ત્યાંના અંદાજપત્રમાં આર્થિક ખોટ ૧૯ ખર્વ ‚પિયા હોવાનું અનુમાન લગાવાયું હતું. પાકિસ્તાનના આર્થિક સર્વેક્ષણ મુજબ, આ ખોટ ૧૯૭૯-૮૦ પછી સૌથી ખરાબ છે.
 

ક્યાં રાજા ભોજ ને...

 
અને આમ છતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન, જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમ નિરસ્ત થયા પછી ઍરસ્પેસ બંધ કરીને કે વેપાર બંધ કરીને ભારત સાથે યુદ્ધના હાકોટા પાડી રહ્યા છે! પરંતુ વાયુ સીમા બંધ કરવાથી કે વેપાર બંધ થવાથી વધુ નુકસાન તો પાકિસ્તાનને જ થઈ રહ્યું છે. ત્રાસવાદીઓને મદદ કરવાનું બંધ ન કર્યું હોવાથી પાકિસ્તાન ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની અશ્ર્વેત સૂચિમાં મુકાઈ જાય તેવી સંભાવના છે. તો તો પાકિસ્તાનની સ્થિતિ ઓર કફોડી થઈ જશે.
પાકિસ્તાન ભારત સાથે બાથ ભીડવા જાય છે પરંતુ એકેય ક્ષેત્રમાં ભારત સાથે તેની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં પાકિસ્તાનનું જીડીપી ૨૫૪ અબજનું હતું. તે જ સમયગાળામાં ભારતનું જીડીપી ૨૮.૪ ખર્વ અર્થાત્ ૨.૮૪ ટ્રિલિયન ડોલર હતું. આનો અર્થ એ થયો કે ભારતનું અર્થતંત્ર પાકિસ્તાનથી ૧૧ ગણું વધારે છે. ત્યાં મોંઘવારી પણ બેકાબૂ છે. ટમેટાં, બટેટાં, દૂધ બધું જ મોંઘું મળી રહ્યું છે.
 
પાકિસ્તાન છેલ્લાં દસ વર્ષમાં વિદેશી સંસ્થાઓ પાસેથી ૩૦ હજાર કરોડ ડોલરનું વિદેશી દેવું લઈ ચૂક્યું છે. ભારતની એ સ્થિતિ છે કે તાજેતરમાં રશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના સુદૂર પૂર્વ ભાગના વિકાસ માટે ૧ અબજ ડોલરની લોન આપવાની જાહેરાત કરી!
 

ભારત માટે આ સ્થિતિ કેવી?

 
પાકિસ્તાન આ સ્થિતિમાં ચીનનું પૂરેપૂરું ખંડણી રાજ્ય બની જાય કે પછી આર્થિક સંકટથી જનતાનું ધ્યાન બીજે દોરવા ભારત સાથે યુદ્ધ કરી બેસે તે પહેલાં ત્યાંની જનતાની મુશ્કેલીઓ-અસંતોષનો અવાજ વિદેશમાં દરેક દેશમાં પહોંચે તેવી કોઈક વ્યવસ્થા ભારત કરી શકે તો સારું રહે. ભારતે ત્યાંના માનવ અધિકારોથી વંચિત બલોચ હોય કે ગિલગિટ-બાલ્ટીસ્તાન કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના લોકોના અવાજનું વાહક બનવું જોઈએ. ભારતને બોત્તેર-બોત્તેર વર્ષથી કનડતા પાકિસ્તાન‚પી ગૂમડાનું કાયમી ઑપરેશન કરી નાખવાની આ ઉત્તમ તક છે.
 
-જયવંત પંડ્યા 
 
 
તમને આ વીડિઓ જોવો ગમશે...