ભારતનો વૈશ્વિક સ્તરે દબદબો અને નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચૂક્યા છે તે કાલે આ રીતે સાબિત થઈ ગયુ છે

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૯

 

'હાઉડી મોદી'ની ભવ્ય સફળતા, મોદીના પ્રભાવનો પુરાવો

વિદેશની ધરતી પર આટલાં લોકો હાજર રહે એ ઘટના ઐતિહાસિક

 
અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે માત્ર ઐતિહાસિક ઈવેન્ટ 'હાઉડી મોદી' સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ કાર્યક્રમને મળેલી સફળતાએ એક તરફ ભારતના વૈશ્વિક સ્તરે વધેલા દબદબાનો લોકોને અહેસાસ કરાવ્યો તો બીજી તરફ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચૂક્યા છે તેનો પણ દુનિયાને અહેસાસ કરાવી દીધો. 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50,000થી વધુ ભારતીય-અમેરિકનો હાજર હતા અને આટલી મેદની ઐતિહાસિક કહેવાય. ભારતમાં ઘણા નેતાની ચૂંટણી સભામાં પચાસ હજાર લોકો એકઠાં થતાં નથી ત્યારે મોદીની સભામાં વિદેશની ધરતી પર આટલાં લોકો હાજર રહે એ ઘટના ઐતિહાસિક કહેવાય.
 

આવું પહેલીવાર બન્યું છે…

 
'હાઉડી મોદી' ઘણી બધી રીતે અનોખો રહ્યો. આ કાર્યક્રમમાં મોદીને જે સન્માન મળ્યું તે કોઈને પણ ઈર્ષા આવે તેવું છે. અમેરિકાના પ્રમુખ કોઈ બીજા દેશના વડાના અભિવાદનમાં હાજર રહ્યા હોય એવું પહેલી વાર બન્યું. મોદીના પ્રવચન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર ઉભા રહ્યા. અમેરિકાના પ્રમુખ દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ છે. કોઈ દેશના વડાપ્રધાન પ્રવચન કરતા હોય ને અમેરિકાના પ્રમુખ સ્ટેજ પર શ્રોતા બનીને ઉભા રહ્યા હોય એવું પણ પહેલી વાર બન્યું. ટ્રમ્પે તેમના પ્રવચનમાં ભારત-અમેરિકાના સંબંધો વિશે તો ઘણી વાતો કરી પણ પોતાના મોદી સાથેના સંબંધો વિશ પણ વાતો કરી. મોદીન તેમણે પોતાના મિત્ર ગણાવ્યા અને આ સન્માન આ પહેલાં અમેરિકાના પ્રમુખે કોઈને નથી આપ્યું.
 

ભૂતકાળમાં કોઈ ભારતીય વડાપ્રધાનને તો આવો આવકાર મળ્યો જ નથી

 

 
 
અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસે કોઈ દેશના વડાપ્રધાનનું સન્માન કરવા માટે પોતાના પ્રતિનધીમંડળને મોકલ્યું હોય એવું પણ પહેલી વાર બન્યું. અમેરિકાની કોંગ્રેસ વતી જોન કોર્નીન અને સ્ટેની હોયર સહિતના દિગ્ગજો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અમેરિકાની કોંગ્રેસના 20 પ્રતિનિધીએ મોદીનું અભિવાદન કરીને તેમને આવકાર્યા અને સન્માન આપ્યું. ભૂતકાળમાં કોઈ ભારતીય વડાપ્રધાનને તો આવો આવકાર મળ્યો જ નથી પણ વિદેશના અન્ય કોઈ વડાપ્રધાનને પણ આવો આવકાર નથી મળ્યો. અમેરિકાના 60 કરતાં વધારે સાંસદો આ સમારોહમાં હાજર રહ્યા અને એપણ એક ઈતિહાસ છે.
 

વિદેશમાં સભા કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે…

 
મોદીને ઈતિહાસ રચવાની આદત છે. આ ઐતિહાસિક સફળ કાર્યક્રમ પહેલાં મોદી ન્યૂયોર્ક, દુબઈ, લંડનમાં પણ આવા અત્યંત સફળ કાર્યક્રમ કરી ચૂક્યા છે. બલ્કે 'હાઉડી મોદી' કરતાં પણ વધારે સફળ કાર્યક્રમ મોદી કરી ચૂક્યા છે પણ અત્યારે જે માહોલ છે તે માહોલમાં મોદીને આ સન્માન મળે એ મોટી વાત છે. મોદીએ પહેલી વાર વડાપ્રધાન બન્યા પછી 2014માં પહેલી વખત અમેરિકાના પ્રવાસ વખતે ન્યુ યોર્કના મેડિસન સ્ક્વેર ખાતે પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું ત્યારે 20,000થી વધુ ભારતીયો હાજર રહ્યા હતા. મોદીએ ઓગસ્ટ 2015માં દુબઈમાં 50,000થી વધુ ભારતીયોને સંબોધન કર્યું હતું.
 
અમેરિકાના સાન જોસમાં સપ્ટેમ્બર 2015માં મોદીના સંબોધન વખતે પણ 20 હજારથી વધુ ભારતીયો હાજર રહ્યા હતા. નવેમ્બર 2015માં મોદી બ્રિટન ગયા ને વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધન કર્યું એ કાર્યક્રમમાં તો 60 હજાર લોકો હાજર રહ્યા હતા. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરૂન મોદી સાથે એક મંચ પર હાજર હતા. વિદેશમાં મોદીના કોઈ કાર્યક્રમમાં સૌથી વધુ 60 લોકો હાજર રહેવાનો રેકોર્ડ એ રીતે વેમ્બલીનો છે.
 

ભારત હવે અમેરિકા માટે સૌથી મોટો મિત્ર છે તેનો પણ આ પુરાવો છે.

 
આ રેકોર્ડ જોતાં મોદીની સભામાં આટલી હાજરી નવી વાત નથી પણ પાકિસ્તાન સતત ભારત સામે દુષ્પ્રચાર કરે છે એ માહોલમાં આ સન્માન મળવું એ મોટી વાત છે. પાકિસ્તાન મોદીને ખલનાયક ચિતરવામાં કોઈ કસર છોડી નથી રહ્યું. આ માહોલમાં સમગ્ર અમેરિકા આપણી પડખે ઉભું રહે એ મોટી વાત છે. અમેરિકા ભૂતકાળમાં ઈઝરાય સિવાય બીજા કોઈ દેશની પડખે આ રીતે ઉભું રહ્યું નથી. ભારત હવે અમેરિકા માટે સૌથી મોટો મિત્ર છે તેનો પણ આ પુરાવો છે.
 

 
 

મોદીનો આવો પ્રભાવ કેમ છે? વાંચો આ પ્રસંગ સમજાય જશે

 
મોદીનો આવો પ્રભાવ કેમ છે અને આટલી જબરદસ્ત લોકપ્રિયતા કેમ છે તે સવાલ ઘણાંને સતાવે છે. આ સવાલનો જવાબ એ છે કે, મોદી માત્ર વાતો કરવામાં નથી માનતા પણ કામ કરવામાં માને છે. આ વાતનો પુરાવો અમેરિકામાં બનેલી એક સાવ નાનકડી ઘટના છે.
અમેરિકાના એક સપ્તાહના પ્રવાસની શરૂઆત મોદીએ ગયા શનિવારે કરી હતી. મોદી 'હાઉડી મોદી' મેગા ઈવેન્ટ માટે જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા ત્યારે ભારત ખાતે અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર, ભારતીય રાજદૂત હર્ષ શ્રૂંગલા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હાજર હતા. એ વખતે એક અમેરિકન અધિકારીએ મોદીને આવકારતાં ફૂલોનો બૂકે આપ્યો હતો. આ બૂકેમાંથી એક ફૂલ નીચે પડી ગયું હતું. બધાના આશ્ચર્ય વચ્ચે મોદીએ પોતે નીચા નમીને જમીન પરથી આ ફૂલ ઊઠાલી લીધું હતું.
મોદી પોતાના સિધ્ધાંતોમાં કેટલા પાકા છે તેનો આ ચેષ્ટા દ્વારા પુરાવો આપ્યો ને લોકોએ આ વાતને વધાવી લીધા. સ્વચ્છતા અંગેના તેમની આ જાગૃતિથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મોદીએ સાફ મેસેજ આપ્યો કે, ભારતની બહાર પણ સ્વચ્છતા અંગે સંપૂર્ણપણે જાગૃત રહે છે અને તેઓ સ્વચ્છતા અંગે માત્ર વાતો જ નથી કરતાં તે માટે કામ પણ કરે છે.
 

 
 

વિશ્વ માટે મોદી મહત્વના…

 
નરેન્દ્ર મોદી વિશ્વ માટે કેટલા મહત્વના છે અને મોદીની નાનામાં નાની હિલચાલ પણ મીડિયા અને લોકોની નજરથી છૂપી રહેતી નથી તેનો તો આ ઘટના પુરાવો છે જ પણ સાથે સાથે લોકો તેમનામાંથી તરત જ પ્રેરણા મેળવે છે તેનો પણ આ ઘટના પુરાવો છે. ભારતે ભૂતકાળમાં મહાત્મા ગાંધી જેવા મહાન નેતા પેદા કર્યા હતા કે જેમણે સમગ્ર વિશ્વને એક નવો રસ્તો બતાવ્યો. બલ્કે આજે પણ બતાવી રહ્યા છે. મોદી પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે. ગાંધીજીના આદર્શોને અપનાવીને તે પણ પોતાના સિધ્ધાંતોનું દૃઢતાથી આચરણ પણ કરે છે.