હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કટાક્ષ દ્વારા પાકિસ્તાનને ઉઘાડું પાડી દીધું

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૯

અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે કરેલો સંબોધનમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાઈ ગયા. મોદીએ આ સંબોધનમાં પોતાની સરકારની પ્રથમ પાંચ વર્ષની સિધ્ધીઓનો ઉલ્લેખ કર્યો. મોદીએ ઉજ્જવલા યોજના, જન ધન યોજના, સ્વચ્છ ભારત દ્વારા ભારત કઈ રીતે બદલાયું તેની વાત કરી પણ સૌથી મહત્વની વાત આતંકવાદ મુદ્દે કરી. મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં હુંકાર કર્યો કે, હવે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે. મોદીએ પાકિસ્તાનનો સીધો ઉલ્લેખ ના કર્યો પણ આડકતરી રીતે તેમણે પાકિસ્તાન સામે આખરી લડાઈનો સંકેત આપી જ દીધો.
મોદીએ બંધારણની કલમ 370 નાબૂદ કરીને આતંકવાદ સામે લડવાની દિશામાં કેવું નક્કર પગલું ભર્યું છે એ મુદ્દા પર પણ ભાર મૂક્યો. બંધારણની કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરના લોકો વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રહ્યા હતા. આ સ્થિતિનો લાભ આતંકવાદ અને અલગતાવાદની તાકતો ઉઠાવી રહ્યા હતા પણ બંધારણની કલમ 370 નાબૂદ થતાં હવે ભારતીય બંધારણે બીજાં લોકોને લોકોને જે અધિકાર આપ્યા હતા તે અધિકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને પણ મળી ગયા છે. તેના કારણે દેશ બદલાશે એ વાત પર પણ મોદીએ ભાર મૂક્યો.
 

 
મોદીએ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો કે, ભારત કાશ્મીરમાં જે કરી રહ્યો છે તેનાથી કેટલાક એવા લોકોને તકલીફ પડી રહી છે જે પોતાનો દેશ સંભાળી શકતા નથી. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને પોતાનો મુદ્દો બનાવ્યો છે. આ લોકો પોતાને ત્યાં આતંકને પોષે છે અને તેમને આખી દુનિયા ઓળખે છે. અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11ના કાવતરાખોરો હોય, એ બધા ક્યાંથી મળી આવે છે? મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાના સાથની પણ સરાહના કરીને ભારપૂર્વક કહ્યું કે, આ લડાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પ પૂરી મજબૂતાઈ સાથે ઊભા રહ્યા છે.
મોદીએ દેશની આ જ ભાવના પર લખેલી એક કવિતા પણ સંભળાવીને કહ્યું કે,
'વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હૌંસલોં કા મિનાર હૈ'