જન્મ જયંતી વિશેષ | ભારતનો પહેલો ધ્વજ બનાવનાર ક્રાંતિકારી નારી મેડમ કામા

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
 
ભારતની આઝાદી માટે જે સન્નારીઓએ લડત આપી તેમાં મેડમ કામાનું નામ મોખરે છે. ૨૪મી સપ્ટેમ્બર, ૧૮૬૧ના રોજ મુંબઈના પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પિતા સોરાબજી પટેલ પ્રતિષ્ઠિત વેપારી હતા. તેઓ પ્રખર દેશભક્ત હતા. તેમના નવ સંતાનોમાં કામા લાડલી દીકરી હતી. તેઓ ‘મુન્ની’ કહીને બોલાવતા. કામાને એલેક્ઝાન્ડ્રા પારસી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવી. ‘કામા’ હંમેશા દરેક વિષયમાં પ્રથમ ક્રમાંકે આવતી. ભણવાની એટલી તાલાવેલી હતી કે જ્યાં સુધી શાળાનું હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી જમવા પણ ન બેસતી. તેની તેજસ્વિતાને કારણે બધા શિક્ષકોની તે લાડકી વિદ્યાર્થિની બની ગઈ હતી. તેણે અનેક ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. બાળપણથી જ દેશભક્તિના સંસ્કારથી કામા ઓતપ્રોત હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે જેવા ક્રાંતિકારીઓની કથાઓ તેને રોમાંચિત કરી મૂકતી. તેને પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની અદમ્ય ઇચ્છા હતી.
 
ઈ.સ. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે ભીકાયજી કામાને લાગ્યું હવે ટૂંક સમયમાં આઝાદીનું સપનું પૂરું થશે. તેમણે માત્ર ૨૪ વર્ષની ઉંમરે તેમાં ઝંપલાવ્યું. ભીકાયજીએ આઝાદીની લડતમાં મહિલાઓને સંગઠિત કરવાનું બીડું ઝડપ્યું. ભીકાયજીનાં તેજાબી ભાષણોથી બધા આકર્ષાતા.
 
પિતાજી ઇચ્છતા હતા કે દીકરી લગ્ન કરીને ઠરીઠામ થાય. રુસ્તમ કામા નામના એક સંપન્ન યુવાન સાથે ભીકાયજીનાં લગ્ન થયાં. પતિ સામાજિક કાર્યકર્તા હોવા ઉપરાંત પાશ્ર્ચાત્ય સંસ્કારોથી રંગાયેલા હતા. તે અંગ્રેજ શાસનનો ચાહક હતા. આ બાજુ ભીકાયજીની નજરે અંગ્રેજો ભારતનું શોષણ કરનાર રાક્ષસો હતા. તેઓ ભણેલાગણેલા હોવા છતાં દગાબાજ અને નીતિ વગરના હતા.
 
આ જોઈ અંગ્રેજોના અંધભક્ત એના પતિ ‚સ્તમે પત્ની ભીકાયજીને ચેતવણી આપી કે તે સ્વતંત્રતાની લડતથી દૂર રહે. પતિનાં બંધનો અને નારાજગીની પત્ની ભિકાયજી પર કોઈ અસર થઈ નહીં. તેને મન અંગ્રેજોની ગુલામીમાંથી ભારતમાતાની મુક્તિ એ જ સર્વોપરી ભક્તિ હતી.
 
આ અરસામાં મુંબઈમાં પ્લેગનો ભયાનક રોગ ફેલાયો. લોકો ટપોટપ મરવા લાગ્યા. મેડમ કામા દર્દીઓની સેવામાં લાગી ગયાં. દર્દીઓની સેવા કરતાં તેઓ પણ રોગનો શિકાર બન્યાં. છેવટે તબિયત થોડી સુધરી પણ શરીરમાં અશક્તિ રહી ગઈ. મિત્રો અને સગાંઓએ તેને હવાફેર કરવા માટે વિદેશ જવાની સલાહ આપી. એ સમયે લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા. દાદાભાઈ નવરોજી તે સમયે ભારતના અગ્રણી સ્વતંત્ર સેનાની હતા.
 

 
 
મેડમ કામાએ તેમના અંગત સચિવ તરીકે કામ કર્યું. મેડમ કામા ભારત પરત ફરવાનો વિચાર કરતાં હતાં ત્યાં તેમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ. તેમની ઓજસ્વી વાણીથી મેડમ કામા પ્રભાવિત થયાં. મેડમ કામા પણ ક્રાંતિકારી બની ગયાં અને તેજસ્વી ભાષણો આપવા લાગ્યાં. તેમનાથી નારાજ થઈને અંગ્રેજ અધિકારીઓએ સૂચના આપી કે તેઓ ભારત પાછાં ચાલ્યાં જાય પણ મેડમ કામાએ ચેતવણીની કોઈ પરવા કરી નહીં. ભારતમાંથી અંગ્રેજોને હટાવવા વિશ્ર્વના બીજા દેશોનું પણ ધ્યાન દોરવું જોઈએ. તેમ તેઓ માનતાં.
 
૧૯૦૭માં જર્મનીના સ્ટુટગર્ટ ખાતે સમાજ-વાદીઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું હતું, જેમાં મેડમ કામાને પણ આમંત્રણ મળ્યું હતું. તેમાં તેમણે સૌ પ્રથમ વાર ભારતીય ધ્વજ ફરકાવ્યો અને કહ્યું, ‘ભારતમાં અંગ્રેજ શાસન ભારતીયો માટે ઘોર અપમાનજનક છે અને ભારતના સર્વનાશનું સૂચક છે. દરેક સ્વતંત્રતાપ્રેમીએ તેઓની મુક્તિ માટે સહકાર આપવો જોઈએ. તેમણે એ પણ કહ્યું કે, મને દુ:ખ એ છે કે મારી પાસે મારા દેશનો રાષ્ટ્રધ્વજ નથી પણ કંઈ વાંધો નથી. આ ભારતની સ્વતંત્રતાના પ્રતીક સમો ધ્વજ છે. જે દેશ માટે જીવન સમર્પિત કરનાર યુવાનોના લોહીથી પાવન બનેલ છે. હું આહ્વાન કરું છું કે આ ભારતીય ધ્વજને પ્રણામ કરો અને ધ્વજના સહાયક બનો.’
 
આ ધ્વજમાં લીલો, લાલ અને કેસરી રંગની ત્રણ પટ્ટીઓ હતી. સૌથી ઉપરના લીલા રંગના પટ્ટામાં આઠ ખીલેલાં કમળ અંકિત થયેલાં હતાં. વચ્ચેના કેસરી ભાગમાં વંદે માતરમ્ શબ્દો લખેલા હતા અને નીચે લાલ પટ્ટામાં સૂર્ય અને ચંદ્ર અંકિત થયેલા હતા.
 
ફ્રાંન્સમાં પણ તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભાષણો કર્યાં હતાં. તેથી અંગ્રેજ સરકારે ફ્રેન્ચ સરકારને કામાને સ્વદેશ મોકલવા કહ્યું, આ સમયે સાવરકરજી પેરિસ આવ્યા હતા. ત્યાં તેમની તબિયત બગડી. મેડમ કામાએ તેમની ખૂબ સારવાર કરી, પરિણામે સાવરકર સાજા થયા.
 
૧૯૧૪માં પ્રથમ વિશ્ર્વયુદ્ધ શરૂ થતાં મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટેની ગતિ તેજ કરી દીધી. તેમના પર ભારે પ્રતિબંધો લાદવામાં આવ્યા. યુદ્ધ પૂરું થતાં તેમના પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કામા ફરીથી પેરિસ પાછાં ફર્યાં અને રાજકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ બની ગયાં. આખા વિશ્ર્વમાં રહેતા ભારતીયો અને ભારતની આઝાદી માટે લડનારા લાખો લોકો તેમનું માર્ગદર્શન મેળવતા. આ સમયે તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. સતત દોડધામ અને સંઘર્ષભરી જિંદગીને લીધે તેમની તબિયત કથળવા લાગી. તેમની ઉપર પણ ૭૦ની વય વટાવી ગઈ હતી. તેમની ઇચ્છા હતી કે જીવનના અંતિમ દિવસો ભારતમાતાના ખોળામાં વીતે. તે માટે તેમણે અંગ્રેજ સરકારની અનુમતિ માંગી. પરંતુ અંગ્રેજ સરકારે શરત મૂકી કે જો કામા ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી દૂર રહે તો જ ભારત પરત ફરી શકે. તેમને તો ભારત આવવું હતું. મિત્રોનો આગ્રહ પણ હતો. તેમણે શરત સ્વીકારી અને પરત ભારત આવ્યાં. ૩૫ વર્ષ ભારતમાં અને ૩૫ વર્ષ વિદેશમાં ગાળી જ્યારે તેઓ ભારત પરત આવવા નીકળ્યાં ત્યારે રસ્તામાં જ બીમાર પડી ગયા.
 
૧૯૩૫માં મુંબઈ પહોંચ્યાં ત્યારે તેમને સીધા પેટીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સતત આઠ મહિના સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ તા. ૧૩ ઓગસ્ટ, ૧૯૩૭ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી.
 
તેમના મૃત્યુનાં અગિયાર વરસ પછી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી.
 
દેશ માટે જીવન જીવી ક્રાંતિની મશાલને સતત પ્રજ્વલિત રાખનાર મેડમ ભીકાયજી કામા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં અમર નાયક બની ગયાં.