મિશન ચંદ્રયાન – ૨ નિરાશ થવાની જરૂર નથી મિશન ૯૫ ટકા સફળ રહ્યું છે

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
રશિયા અને અમેરિકા જેવા અતરિક્ષ ક્ષેત્રના ખેરખાંઓ પણ અનેક પ્રયત્નો પછી ચંદ્રની સપાટી સુધી પહોંચી શક્યા છે અને ભારતે તેના પહેલા પ્રયત્ને જ મંગળયાન અને ચંદ્રયાન ૧ ને સફળ બનાવ્યું છે. માટે નિરાશ થવાની જરૂર નથી ૨૧મી સદીમાં ભારત અંતરિક્ષ ક્ષેત્રે અવ્વલ રહેવાનું છે….
 
૭ સપ્ટેમ્બર ૨૦૧૯….આ દિવસ ભારત માટે ખૂબ મહત્વનો રહ્યો. એટલા માટે આ દિવસે આખી દુનિયાની નજર ભારત પર હતી અને ભારતની નજર આકાશ તરફ એટલે કે ચંદ્ર તરફ હતી. ભારતનું મિશન ચંદ્રયાન-૨ ૪૭ દિવસના લાંબા પ્રવાસ પછી આ દિવસે ચંદ્રની ધરતી પર પગ મૂકવાનું હતું. ભારતનું સ્વદેશી ચંદ્રયાન-૨ બસ ચંદ્રની ધરતી પાસે પહોંચી જ ગયુ હતુ પણ માત્ર ૨.૧ કિલોમીટર દૂર રહી ગયું. ઑર્બિટરમાંથી નીકળેલું વિક્રમ પેલોડ ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કીમી દૂર હતું ને તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનમાં ત્રણ ખંડ છે – ઑર્બિટર (2379 કિલોગ્રામ, આઠ પેલોડ), વિક્રમ (1471 કિલોગ્રામ , ચાર પેલોડ) અને પ્રજ્ઞાન (27 કિલોગ્રામ, બે પેલોડ). ઑબિટર હાલ પણ ચંદ્રની પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ ઑર્બિટરમાંથી વિક્રમ લેન્ડર છૂટુ પડીને ચંદ્ર પર ઉતરવાનું હતું અને ત્યાર પછી આ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન પેલોડ ચંદ્રની જમીન પર ઉતરી ૫૦૦ મિટર જેટલું ચાલવાનું હતુ અને તે ચંદ્રનો એક દિવસ અને આપણો એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ સુધી ચંદ્રની સપાટી પર સંશોધન કરવાનું હતું. પણ આ શક્ય બન્યુ નથી.
 

 
 

૯૫ ટકા મિશન સફળ…

 
ભારતના આ સંપૂર્ણ સ્વદેશી મિશન ચંદ્રયાન – ૨ ને નિષ્ફળ ગણવું કે સફળ એ હાલ ચર્ચાતો વિષય છે. પણ આ ચર્ચા એ લોકો જ કરી રહ્યા છે જે ભારત વિરોધી છે અથવા જેને ચંદ્રયાન – ૨ ના મિશન વિષે અધૂરી માહિતી છે. જો તમે આખા મિશન પર ધ્યાન આપો તો મિશનનો અંતિમ તબક્કો જ આપણા ધાર્યા પ્રમાણે નથી પસાર થયો. બાકી મિશન આપણા પ્રમાણે જ આગળ વધ્યુ છે. આ સફળતા જ છે. ઇસરોનું ઓફિસિયલ સ્ટેટમેન્ટ પણ એ જ કહે છે. ઇસરોનું પણ માનવું છે કે ચંદ્રયાન-૨ મિશનને ૯૫ ટકા સફળ માનવામાં આવે….
 

 
 

નિરાશ ન થાવ, બની શકે ચંદ્રયાન ચંદ્ર પર પહોંચી ગયું હોય…

 
નિરાશ થવાની જરા પણ જરૂર લાગતી નથી. કેમ કે આપણું ઑર્બિટર આજે પણ ઇસરોના સંપર્કમાં છે અને તેના કહ્યામાં છે. આ એજ ઑર્બિટર છે જે ૨ સપ્ટેમ્બરના રોજ વિક્રમ અને પ્રજ્ઞાન ને લઇને ચંદ્ર તરફ આગળ વધ્યું હતું. તે ચંદ્રની પ્રદક્ષિણા આજે પણ કરી રહ્યું છે. ડેટા ભેગું કરી રહ્યું છે. નકશા તૈયાર કરી રહ્યું છે. ચંદ્રની સપાટીના ફોટા મોકલી રહ્યું છે અને જે વિક્રમ લેન્ડર છૂટું પડ્યું તેનો છેલ્લી ૧૫ મિનિટનો ડેટા અને તસવીર પણ મોકલી રહ્યું છે. શું થયું તેની ખબર તો આપણા વિજ્ઞાનીઓ આ ડેટા અને તસવીરોનું વિષ્લેષણ કર્યા પછી આપણી સમક્ષ મૂકશે. આવું ખૂદ ઇસરોના વડા સિવને કહ્યું છે.
આ બધાની વચ્ચે ઇસરોના પૂર્વ ડાયરેક્ટર ડી શશિકુમારનું એક આનંદ આપનારું બયાન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે “દુઃખી થવાની જરૂર નથી. સંપર્ક તૂટવાનો મતલબ એ નથી કે આપણું લેન્ડર વિક્રમ ક્રેશ થયું છે. ડેટા સામે આવે તેની રાહ જુવો. તપાસનો વિષય છે કે વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિગ થયું છે કે ક્રેશ લેન્ડિગ થયું છે? આપણે કઈ પર ધાર્યા વિના વિષ્લેશણ કરી એક નિર્યણ સુધી પહોંચવું જોઇએ. થોડી રાહ જુવો”
 
આ મિશન સાથે જોડાયેલા લોકોનું પણ માનવું છે કે મિશનની છેલ્લી ૨ મિનિટ સુધી બધું જ નોર્મલ હતું. ઓર્બિટરમાંથી વિક્રમ છૂટું પડ્યુ અને તે ચંદ્રની સપાટી પર જઈ રહ્યું હતું એ પણ સામાન્ય હતું. આ વિક્રમમાંથી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોલર ચંદ્રની સપાટી પર ચાલવાનું હતું. એટલે વિક્રમ માત્ર ૨.૧ કીમી દૂર અને તેનો સંપર્ક તૂટી ગયો એટલે બની શકે વિક્રમ ચંદ્ર પર પહોંચી પણ ગયું હોય. બસ આપણો માત્ર સંપર્ક તેની સાથે નથી.
 

 

વડાપ્રધાનની પ્રેરણાત્મક વાત…

 
આ તો થઈ એક આશાની વાત. પણ ઇસરોના વડા સિવન જે રીતે ભાવૂક થઈને વડાપ્રધાનને ભેટી પડ્યા અને વડાપ્રધાને તેમની પીઠ થપથપાવી એ દ્રશ્ય ધણું બધું કહી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ સારી વાત કરી. તેમણે કહ્યું કે હું અને દેશવાસીઓ ઇસરો અને આપણા વિજ્ઞાનીઓની સાથે છીએ. ઇસરોની સફળતાને તેને મેળવેલી અંતરિક્ષ જગતની સિદ્ધીઓને ભૂલવા જેવી નથી. ઇસરો અને ભારતના મહેનતુ વિજ્ઞાનીઓએ જ ભારતને અંતરિક્ષ જગતમાં નામના અપાવી છે. તેમણે કહ્યું કે વિજ્ઞાનમાં નિષ્ફળતા જેવી કોઇ વસ્તું હોતી નથી, વિજ્ઞાનમાં તો માત્ર પ્રયત્ન અને પ્રયોગ હોય છે.
ભારતની જેમ પહેલા પ્રયત્ને કોઇ સફળ થયું નથી
 
ભારતનું મંગળ મિશન યાદ છે ને? પહેલા જ પ્રયત્ને ભારત મંગળ સુધી પહોંચી ગયું છે અને ચંદ્રયાન ૨ માં પણ પહેલા જ પ્રયત્ને ભારત ચંદ્રની આટલી નજીક પહોંચી ગયું છે. આ એક સિદ્ધી જ છે. આવી સિદ્ધી બીજા કોઇ દેશના નામે નોંધાઈ નથી. અમેરિકા, રશિયા કે ચીનના નામે પણ નહી. તમને જણાવી દઈએ કે ચંદ્ર સુધી પહોંચવાના શરૂઆતના સંળગ ૧૦ મિશન નિષ્ફળ ગયા હતા. અંતરિક્ષ જગતમાં અમેરિકા અને રશિયાનો પહેલેથી દબદબો રહ્યો છે. તે આ ક્ષેત્રે ખૂબ આગળ છે. પણ મજાની વાત એ છે કે વર્ષ ૧૯૫૮ થી ૧૯૭૬ સુધી રશિયાએ ૩૩ જેટલા ચંદ્ર તરફ વધવાના મિશન કર્યા હતા જેમાંથી તેને ૨૬માં નિષ્ફળતા મળી છે. અમેરિકાની વાત કરીએ તો વર્ષ ૧૯૫૮થી ૧૯૭૨ સુધીમાં અમેરિકાએ ચંદ્ર સંદર્ભના ૩૧ મિશન કર્યા છે કેમાંથી તેને ૧૭ મિશનમાં નિષ્ફળતા મળી છે. હમણા જ એપ્રિલમાં ઇઝરાઈલે પણ ચંદ્રયાન મોકલ્યું હતું પણ ૪ એપ્રિલે ચંદ્રની કક્ષામાં આવવાની સાથે તે ક્રેશ થઈ ગયું હતું. તે ચંદ્રથી ૧૦ કીમી દૂર હતું અને સળગી ગયું.
 

 
 

ખૂબ ઓછો ખર્ચ અને અમૂલ્ય અનુભવ

 
હવે જરા વિચારો ભારતે આ ચંદ્રયાન – ૨ દ્વારા શું મેળાવ્યું છે. અને એ પણ પહેલા પ્રયત્ને. અંતરિક્ષ ક્ષેત્રે ખૂબ ઓછા ગણાય એટલા ખર્ચે એટલે કે માત્ર ૯૮૭ કરોડ રૂપિયામાં ચંદ્રયાન – ૨ મિશન કરવામાં આવ્યું અને ૯૫ ટકા આ મિશન સફળ રહ્યું છે. જરા વિચારો હોલીવૂડની ફિલ્મોનું બજેટ પણ આજકાલ ૧૦૦૦ કરોડ કરતા વધારે હોય છે. પણ માત્ર ૯૮૭ કરોડ રૂપિયામાં આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા. આ ભારતની શક્તિ છે. ભારતનું મગલ મિશન સફળ રહ્યું, ચંદ્રયાન – ૧ પણ સફળ રહ્યુ અને ચંદ્રયાન – ૨ પણ ૯૫ ટકા સફળ રહ્યુ છે. અતંરિક્ષ જગતનો એક વિશાળ અનૂભવ હવે ભારત પાસે છે. અને અનૂભવ શ્રેષ્ઠ શિક્ષક છે. આ અનૂભવ જ એક દિવસ ભારતના માનવસહિતના યાનને મંગળ પર કે ચંદ્ર પર પહોંચાડશે. બાકી તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ચંદ્રપર પગ મૂકવા ૨૪ જેટલા વિજ્ઞાનીઓએ પ્રયત્ન કર્યો છે અને તેમાંથી માત્ર ૧૨ વિજ્ઞાનીઓ જ ચંદ્રપર “મૂનવોક” કરી શક્યા છે એટલે ચંદ્રની ધરતી પર પગ મૂકી શક્યા છે. આ ૧૨ વિજ્ઞાનીઓમાંથી ૩ આજે પણ જીવિત છે……