અથ શ્રી કાશ્મીર ઇતિહાસ કથા...

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૦

kashmir_1  H x
 
અનાદિકાળથી ભારતવર્ષની ઓળખ એક રાજકીય ભૂભાગથી વિશેષ સાંસ્કૃતિક રાષ્ટ તરીકેની રહી છે. તેથી અખંડ ભારતમાં સેંકડો રાજ્યો હોવા છતાં સૌને માટે ભારત પોતાનો જ અને એક જ દેશ લાગ્યો છે. આજે વામપંથીઓ પ્રેરિત ટુકડે-ટુકડે ગેંગ ભારતનું વિભાજન કરવા દેશભરમાં હિંસાચાર કરી રહી છે ત્યારે આપણે જાણી લેવું જો જોઈએ કે ભારતમાતાના મુકુટમણિ સમાન કાશ્મીરના રાજકીય ઇતિહાસનો આરંભ મહાભારત કાળથી થાય છે.
 

કાશ્મીર આ નામ મહર્ષિ કશ્યપના નામ ઉપરથી આવ્યું 

 
કાશ્મીર આ નામ મહર્ષિ કશ્યપ (Maharshi Kashyap )ના નામ ઉપરથી આવ્યું છે. કાશ્મીરનું બારામુલા મહર્ષિ વરાહમિહિરનું જન્મસ્થાન હતું. કાશ્મીરના સૌ પ્રથમ પ્રજાવત્સલ રાજા હતા ગોનંદ જે પોતે ભગવાન શ્રીકૃષ્ણના સંબંધી એવા જરાસંધના પારિવારિક સ્વજન હતા. જરાસંધે મથુરા ઉપર વારંવાર આક્રમણો કર્યાં હતાં. જરાસંધના સંબંધી હોવાને કારણે ગોનંદ પણ એકવાર જરાસંધની સહાયતામાં દોડી આવ્યા હતા. જરાસંધ અને ભગવાન શ્રીકૃષ્ણની સેનાઓ વચ્ચે થયેલા એ ભીષણ યુદ્ધમાં જરાસંધનો પરાભવ થયો હતો. એટલું જ નહીં એ યુદ્ધમાં કાશ્મીરના રાજા ગોનંદનો વધ થયો હતો. ગોનંદના વધ પછી કાશ્મીરનું રાજ્ય જરાસંધના પુત્ર દામોદરે સંભાળ્યું. જરાસંધે પુનઃ મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે દામોદર પિતાની સહાયતા કરવા દોડી આવ્યો હતો અને ગોનંદની જેમ દામોદર પણ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. જરાસંધ પુનઃ એકવાર પરાજિત થયો હતો.
 

મહાભારત અને કાશ્મીર | Mahabharata and Kashmir

 
યુદ્ધમાં દામોદરનો વધ થવાથી કાશ્મીરની રાજ્યસત્તા ભગવાન શ્રીકૃષ્ણે દામોદરની સગર્ભા પત્ની યશોમતીને સોંપી. આમ કાશ્મીરને પ્રથમ મહિલા શાસક પ્રાપ્ત થયાં હતાં. મહિલા સશક્તિકરણનાં બણગાં ફૂંકતા વામપંથીઓએ કાશ્મીરના સૌપ્રથમ મહિલા શાસક મહારાણી યશોમતીને આદર્શ માનવાં જોઈએ. આ યશોમતીની કૂખે જન્મેલા દામોદરના પુત્રને પણ ગોનંદ એ નામ આપવામાં આવ્યું ગોનંદ પ્રથમની જેમ જ આ ગોનંદ પણ અત્યંત પ્રજાવત્સલ અને પ્રતાપી રાજા હતો. ઉલ્લેખનીય છે કે મહાભારતના યુદ્ધ સમયે તે બાલ્યાવસ્થામાં હતો તેથી કાશ્મીરનું રાજ્ય એ યુદ્ધમાં જોડાયું ન હતું.
 

kashmir_1  H x  
 

પાંચ હજાર જેટલા બૌદ્ધ સાધુઓ તથા સો જેટલા બૌદ્ધ મઠો 

 
ગોનંદ દ્વિતીયના યશસ્વી શાસન પછી તેની અનેક પેઢીઓએ કાશ્મીર ઉપર રાજ્ય કર્યું હતું, પરંતુ તે પૈકી કોઈ પણ રાજા ગોનંદ જેટલા યશસ્વી ન હતા. પરિણામે ઈ.પૂ. ૨૩૨ પછી કાશ્મીર ઉપર સમ્રાટ અશોકનું આધિપત્ય પ્રસ્થાપિત થયું હતું. તે સાથે કાશ્મીરમાં બૌદ્ધ મતનો પ્રવેશ થયો. સમ્રાટ અશોક પછી કાશ્મીર ઉપર કનિષ્કનું શાસન આવ્યું. સમ્રાટ અશોકના કાળમાં કાશ્મીરમાં પ્રવેશેલા બૌદ્ધ મતનો વ્યાપ કનિષ્કે વધાર્યો. તેના પ્રયત્નોથી જ ચીન સહિત એશિયાના અન્ય ભૂભાગોમાં બૌદ્ધ મતનો પ્રસાર થયો હતો. વર્ષ ૬૩૧માં ચીની પ્રવાસી હ્યુ એન ત્સંગ ભારતની યાત્રાએ આવ્યો હતો ત્યારે તે કાશ્મીરનાં બૌદ્ધ તીર્થસ્થાનોનાં દર્શન કરવા માટે પૂરાં બે વર્ષ કાશ્મીરમાં રોકાયો હતો. તે સમયે કાશ્મીર ઉપર કાર્કોટ વંશના સ્થાપક સમ્રાટ દુર્લભવર્ધનનું શાસન હતું. એ શૈવપંથી રાજવીએ બૌદ્ધ મતાવલંબી હ્યુ એન ત્સંગનું સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સ્વાગત કર્યું હતું, એટલું જ નહીં, રાજ્યના અતિથિ તરીકે એ ચીની યાત્રીને તેની યાત્રામાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
હ્યુ એન ત્સંગે નોંધ્યું છે કે મહાન સમ્રાટ દુર્લભવર્ધનનું શાસન કાબૂલ સુધી વિસ્તર્યું હતું તથા તેના સામ્રાજ્યમાં પાંચ હજાર જેટલા બૌદ્ધ સાધુઓ તથા સો જેટલા બૌદ્ધ મઠો હતા. પરંતુ કાશ્મીરની આ ગૌરવગાથા વામપંથીઓએ પ્રયત્નપૂર્વક દબાવી રાખી હતી.
 

સમ્રાટ લલિતાદિત્યે ૩૭ વર્ષ સુધી કાશ્મીર ઉપર શાસન કર્યું  

 
સમ્રાટ દુર્લભવર્ધન પછી કાશ્મીર ઉપર કનોજનરેશ સમ્રાટ હર્ષવર્ધનનું સામ્રાજ્ય આવ્યું. તે કલાસાહિત્યનો અનુરાગી હોવાથી તેનો શાસનકાળ કાશ્મીરમાં સંગીત-સાહિત્ય ક્ષેત્રનો સુવર્ણયુગ ગણાય છે. સમ્રાટ હર્ષવર્ધન પછી તેટલા જ પ્રતાપી અને કલાપ્રેમી સમ્રાટ લલિતાદિત્યે ૩૭ વર્ષ સુધી કાશ્મીર ઉપર શાસન કર્યું હતું. અભિનવ ગુપ્ત તથા કલ્હણ જેવા સેંકડો સાહિત્યકારોની અજરામર કૃતિઓ આ સમયગાળામાં જ રચાઈ હતી.
 

વામપંથી ગેંગે આ સત્યને છુપાવી રાખ્યું 

 
ભૌગોલિક દૃષ્ટિએ કાશ્મીર વિદેશીઓ માટે પ્રવેશદ્વાર હોવાથી ઇસ્લામી આક્રમકો ત્યાં પ્રવેશ્યા અને મહાન સાહિત્યકાર કલ્હણની કર્મભૂમિ કલહભૂમિ બની ગઈ. આવા જ એક આક્રમણકારી શાહમીરે કાશ્મીરને ઘમરુોં હતું. તે જ સમયે વર્ષ ૧૩૨૦માં તુર્કસ્થાનથી આવેલા અત્યાચારી આક્રમક દુલાચાએ કાશ્મીરને પુનઃ ઘમરોળ્યું. તેણે હજારો હિન્દુઓને જીવતા બાળી નાખ્યા હતા. સ્ત્રીઓ-બાળાઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ બળાત્કાર કર્યા અને તેમને ગુલામ બનાવી દેવામાં આવ્યાં હતાં. વિશ્વનું સ્વર્ગ ગણાતા કાશ્મીરને તુર્કથી આવેલા મુસ્લિમ અત્યાચારીએ નર્કાગાર બનાવી દીધું હતું, પરંતુ વામપંથી ગેંગે આ સત્યને છુપાવી રાખ્યું છે.
 

કાશ્મીરનો પ્રથમ મુસ્લિમ શાસક | Saduddin

 
કાશ્મીરને ભડકે બાળનારા તુર્કી આતંકી દુલાચાનો પ્રતિકાર કરવાને બદલે ત્યાંનો રાજા સહદેવ ભાગી ગયો. તેથી તેના વીર સેનાપતિ રામચંદ્રે રાજ્યની ધુરા સંભાળી, પરંતુ લદાખના બૌદ્ધ શાસક રિન્ચાનાએ રાજા રામચંદ્રનો વિશ્વાસઘાત કરીને તેની હત્યા કરી અને કાશ્મીર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું, તથા શાહમીરને પોતાનો મંત્રી બનાવ્યો. તે સાથે જ કાશ્મીર ખીણના ઇસ્લામીકરણના કાળા ઇતિહાસનો આરંભ થયો, કેમ કે શાહમીરે બૌદ્ધ રાજા રિન્ચાનાને વટલાવીને તેનું સદઉદ્દીન એવું મુસ્લિમ નામ આપ્યું. આ સદઉદ્દીન એ જ કાશ્મીરનો પ્રથમ મુસ્લિમ શાસક બન્યો.
 

સેંકડો મંદિરોને ધ્વસ્ત કરી ત્યાં મસ્જિદો બની

 
બૌદ્ધમાંથી વટલાઈને મુસ્લિમ બનેલા સદઉદ્દીનના મૃત્યુ પછી થોડાં વર્ષો સુધી ચાલેલી કાશ્મીરમાં રાજકીય અસ્થિરતાના અંતે છળકપટથી શાહમીરે ગાદી હસ્તગત કરી. તેણે શમ્સુદ્દીન નામ ધારણ કરીને કાશ્મીરની પૂર્વ મહારાણી કોટારાણી સાથે લગ્નનું તરકટ કરીને તેની હત્યા કરીને પોતાના બધા જ રાજકીય શત્રુઓને મીટાવી દીધા. કટ્ટર મુસ્લિમ શમ્સુદ્દીનના વંશજો પણ કટ્ટર મુસ્લિમ શાસકો હોવાથી વિશેષ કરીને ખીણપ્રદેશોમાં ઇસ્લામિક પરંપરાઓનો ઝનૂનપૂર્વક અમલ થતો હતો. તેના એક વંશજ સિકદર (૧૩૮૯-૧૪૧૩) એટલો બધો ક્રૂર હતો કે તેણે વટલાઈને મુસ્લિમ ન બનનારા હજારો હિન્દુઓની હત્યા કરાવી હતી અને સમગ્ર રાજ્યમાં મંદિરો ખંડિત કરવાનું પાપ આચર્યું હતું. તેની આ પાપલીલા હિંસાચારનો અંત કાશ્મીરના પ્રાચીન એવા માર્તંડ મંદિર ઉપર કરેલા આક્રમણ સમયે થયેલા દૈવી ચમત્કારથી આવ્યો હતો. તે એટલો ઝનૂની હતો કે તેણે હિન્દુઓ ઉપર જજીયા વેરો નાંખ્યો તથા તિલક કરનારાઓને આકરી શિક્ષા ફટકારતો. તેણે કાશ્મીરનાં બધાં જ પુસ્તકોને દાલ સરોવરમાં ડુબાડી દઈને જ્ઞાનના ભંડારોનો નાશ કર્યો હતો. તેના આતંકથી ભયભીત નહીં બનીને નહીં વટલાયેલા હજારો બ્રાહ્મણોની તેણે ક્રૂર હત્યા કરાવી હતી. આવા મૃત હિન્દુઓની જનોઈનું વજન પૂરા ૭ મણ થયું હતું. સેંકડો મંદિરોને ધ્વસ્ત કરી ત્યાં મસ્જિદો બની. આવા અત્યાચારી શાસક સિકદર વિશે વામપંથીઓ એક અક્ષર બોલતા નથી.
 

kashmir_1  H x  

ગુરુ તેગબહાદુરે અત્યાચારી ઔરંગઝેબને પડકાર ફેંક્યો 

 
હિંસાચારી સિકદરનો પુત્ર જૈનુલબિદ્દીન તેના પિતા જેટલો અત્યાચારી ન હતો. તેના મૃત્યુ પછીના ૧૨૦ વર્ષ સુધી શિયા-સુન્ની વચ્ચે સત્તાસંઘર્ષ ચાલતો રહ્યો. તે પછી વર્ષ ૧૫૪૦માં મિર્ઝા હૈદરે કાશ્મીર ઉપર આક્રમણ કરીને ત્યાં મોગલ સલ્તનતનું શાસન સ્થાપ્યું. અકબરના શાસનમાં કાશ્મીરમાં શિયા-સુન્ની સત્તાસંઘર્ષનો અંત આવ્યો. અકબર પછી સત્તા સંભાળનારા જહાંગીર અને શાહજહાંના સમયગાળામાં પ્રમાણમાં શાંત રહેલું કાશ્મીર અૌરંગઝેબના ઝનૂની આતંકથી પુનઃ અત્યાચારોનો ભોગ બન્યું. છત્રપતિ શિવાજી મહારાજથી સતત ભયભીત રહેતા ક્રૂર ઔરંગઝેબના કાશ્મીર સૂબેદાર ઇફ્તિખારખાને કાશ્મીરના હિન્દુઓ ઉપર પાશવી અત્યાચારો કર્યા હતા. આ મુસ્લિમ આતંકથી બચવા કાશ્મીરના હિન્દુઓ નવમા શીખ ગુરુ તેગબહાદુરજીના શરણે ગયા હતા. આથી ગુરુ તેગબહાદુરે અત્યાચારી ઔરંગઝેબને પડકાર ફેંક્યો કે તું મને વટલાવીશ તો જ કાશ્મીરના બધા હિન્દુઓ મુસ્લિમ થશે. અન્યથા તારે હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા નહીં.
 
સેક્યુલર વામપંથીઓ જે સત્ય ઉજાગર કરવામાં પાપ સમજે છે તે સત્ય એ છે કે દિલ્હીના ચાંદની ચોકમાં દિવસો સુધી પાંજરે પૂરી રાખવામાં આવેલા મહાન ગુરુ તેગબહાદુર ઉપર કટ્ટર મુસ્લિમ ઔરંગઝેબે પ્રતિદિન અત્યાચારો કરીને તેમને વટલાવવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. અંતે માનવતાના રક્ષણાર્થે ગુરુ તેગબહાદુર આતંકીઓના હાથે વીરગતિ પામ્યા હતા. બલિદાનની આ ઉજ્જ્વળ પરંપરા ગુરુ તેગબહાદુરના મહાન પુત્ર દશમેશ ગુરુ ગોવિંદસિંહે પણ આગળ વધારી. હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમના ચારેય પુત્રો મુસ્લિમ અત્યાચારીઓના હાથે વીરગતિ પામ્યા હતા. તે પછી અહમદશાહ અબ્દાલી તથા અફઘાની આતંકીઓએ પણ કાશ્મીરના હિન્દુઓ ઉપર અત્યાચારો કર્યા હતા.
 

તો તિબેટ આજે ભારતનો ભૂભાગ હોત ! 

 
આમ મહાભારત કાળથી આરંભાયેલા કાશ્મીરના ભવ્ય અને ગૌરવમય ઇતિહાસના અંતિમ ચરણમાં ઝનૂની અને અત્યાચારી હાજી કરીમખાન, અસદ ખાન અને જબ્બારખાન એ ત્રણ અત્યાચારીઓએ હિન્દુઓ ઉપર અસહ્ય અત્યાચારો કર્યા હતા. પરંતુ વર્ષ ૧૮૧૯માં મહારાજા રણજીતસિંહે અત્યાચારી જબ્બારખાનને હરાવીને કાશ્મીર ઉપર માનવીય શાસનની પુનઃ સ્થાપના કરી. તે પછીના હિન્દુ શાસકોએ કાશ્મીરને પુનઃ સ્વર્ગ બનાવ્યું દીધું. આ શાસકોમાં શીખ સૂબેદાર કૃપારામ તથા ડોગરા શાસક ગુલાબસિંહ પ્રજાવત્સલ રાજા તરીકે પ્રસિદ્ધ છે. મહારાજા રણજીતસિંહના વીર સેનાપતિ જોરાવરસિંહે કાશ્મીરની સીમાઓ લદાખ અને બાલ્ટિસ્થાન સુધી વિસ્તારી તિબેટ ઉપર તેઓ વિજયધ્વજ લહેરાવવામાં સફળ થાય તે પૂર્વે જ પ્રચંડ હિમવર્ષામાં ઇતિહાસના એક પરાક્રમી સેનાપતિનું મૃત્યુ થયું. જોરાવરસિંહ જીવિત રહ્યા હોત તો તિબેટ આજે ભારતનો ભૂભાગ હોત !
 
પરાક્રમી મહારાજ રણજીતસિંહની વિજયગાથાઓ પછીનો કાશ્મીરનો ઇતિહાસ આપણી આંખો સમક્ષ છે. પં. નહેરુના અવિચારી અને અણધડ નિર્ણયોને પગલે પુનઃ ઔરંગઝેબ યુગમાં ધકેલાયેલા કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા જેવા કટ્ટરવાદી નેતાઓનું પ્રભુત્વ રહ્યું હતું. ઇતિહાસનું પણ પુનરાવર્તન થતું રહે છે. એ સત્ય આપણે ઓગસ્ટ ૨૦૧૯માં ઉજાગર થતું જોયું છે. લાગે છે કે ઔરંગઝેબ કાલીન કાશ્મીર પુનઃ મહારાજા રણજીતસિંહના યુગના સ્વર્ગ બનવાના માર્ગે અગ્રેસર થઈ રહ્યું છે.
 
 - જગદીશ આણેરાવ