હાલ કાશ્મીરનું તે સ્થળ શંકરાચાર્ય મંદિરના નામે ઓળખાય છે

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૦
 
shankaracharya temple kas

કાશ્મીર અને આદ્ય શંકરાચાર્ય | Shankaracharya Temple Kashmir

 યુધિષ્ઠિર સંવત ૨૬૩૧માં જન્મેલા જગદગુરુ આદિશંકર ભગવદપદ કાશ્મીરમાં યુગાબ્દ ૨૬૬૨માં અદ્વૈત વેદાંતને સ્થાપિત કરવા માટેના રાષ્ટવાદી અભિયાનના એક ભાગ અંતર્ગત કાશ્મીરમાં આવ્યા હતા. તેઓની આ યાત્રાનું વિવરણ કાંચીપીઠમાં સંગ્રહાયેલ મહાવિજય શંકરવિજય પુસ્તકમાં મળે છે. વેદાંતમાં સંસ્થાપક મહાન શંકરને શારદાપીઠના ચોથા દ્વારને સ્થાપિત કરવાનું શ્રેય આપવામાં આવે છે. જ્ઞાનના કેન્દ્ર તરીકે પ્રખ્યાત આ પીઠ ન માત્ર કાશ્મીર, બલ્કે સમગ્ર ભારતમાં પોતાના વિષય આધારિત જ્ઞાન માટે પ્રસિદ્ધ હતી. આ પીઠમાં માનવને જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરનાર શારદાદેવીની પૂજા કરવામાં આવે છે.
 

shankaracharya temple kas 
 
સ્થાનિક કથા મુજબ જ્યારે આદિગુરુ શંકરાચાર્ય અને તેમના શિષ્યો અહીં જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભોજન બનાવવા માટે તેમની પાસે આગ લગાડવાની વ્યવસ્થા ન હતી ત્યારે એક વિદ્વાન પંડિતની એક નાની બાળકી તેમની પાસે આવી અને સૂકાં લાકડાં હાથમાં લઈ મંત્રો દ્વારા તેમાં આગ પેટાવી. આ જોઈ શંકરાચાર્યજી આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં એ નાની બાળકી સાથે તેઓએ લાંબો વાદ-વિવાદ કર્યો અને શંકરાચાર્યે શક્તિપૂજાના મહત્ત્વને સ્વીકારવું પડ્યું. તે બાળકીના જ્ઞાનથી પ્રભાવિત થઈ શંકરાચાર્યજીએ તેને માથે ઓઢવા માટે એક વિશેષ વસ્ત્ર આપ્યું, જેને તરંગ કહેવાય છે, જેમાં બાંધેલા વાળને આવરણ આપતું એક લાંબુ વસ્ત્ર હોય છે, જે કુડલિની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જેને કાશ્મીરી સ્ત્રીઓ પોતાના લગ્નમાં પહેરે છે.
 

shankaracharya temple kas 
 
શંકરાચાર્યએ કાશ્મીરમાં જે સ્થાન પર બેસી સૌંદર્ય લહેરીની રચના કરી હતી, હાલ તે સ્થળ શંકરાચાર્ય મંદિરના નામે ઓળખાય છે. કાશ્મીરમાં જ આદિ શંકરાચાર્ય ગૌરીસ્તુતિની રચના કરી હતી. આજે પણ સ્થાનિક પંડિતો દ્વારા તેનું દૈનિક રીતે પઠન થાય છે. ચિદવિલાસીયા આલેખ અનુસાર શંકરાચાર્યજીએ મંડન મિશ્રની સાથે વાદ-વિવાદ પણ અહીં જ કર્યો હતો, જ્યાં શંકરાચાર્યજીમાં વિજયી થયા હતા અને મંડનને તેમના શિષ્ય બનાવ્યા હતા.