જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦નો ઉદય અને અસ્ત । વાંચો માત્ર ૨ મિનિટમાં...

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૦

article 370_1  
 
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક દિવસો પહેલાં ઇતિહાસનો એક નવો અધ્યાય લખાઈ ગયો. સંઘીય સંવિધાનમાંથી વિવાદાસ્પદ કલમ ૩૭૦ને રદ કરવામાં આવી. આ કલમ સંઘીય સંવિધાન અને જમ્મુ-કાશ્મીરની વચ્ચે દીવાલ બનીને આડી આવતી હતી. સંવિધાનથી દેશના નાગરિકોને જે અધિકાર મળતા હતા, તે આ કલમને લીધે જમ્મુ-કાશ્મીરમાં નહોતા મળી શકતા. આ કલમની આડમાં તેનો લાભ ઉઠાવીને શેખો, સૈયદો, પીરજાદાઓ, મુફ્તીઓ, મૌલવીઓ અને મીરવાયજોએ કબજો જમાવી દીધો હતો અને સત્તાનો ઉપયોગ લોકહિત માટે નહીં, પરંતુ પોતાના સમુદાયનાં હિતો માટે કરતા હતા. રાજ્યને મળનારા બજેટનો મોટો હિસ્સો એ થોડાક પરિવારો અને તેમનાં સગાંસંબંધીઓના ખિસ્સામાં ચાલ્યો જતો હતો. આને ખૂબ ચાલાકીપૂર્વકનું સત્તા-વ્યવસ્થાનું અપહરણ કહી શકાય. આ એક નવા પ્રકારની તાનાશાહી હતી, જેમાં અન્ય કાશ્મીરીઓને લૂંટવામાં આવતા હતા, અને તેમને કલમ ૩૭૦ના ડ્રગ એડિક્ટ બનાવીને ખબર પણ પડવા દેવાતી નહોતી. આ લઘુ સમુદાય જાણતો હતો કે જો સામાન્ય કાશ્મીરીઓ ૩૭૦ની કલમના નશામાંથી બહાર આવી જશે તો તે આ ટોળકીનાં કરતૂતોથી વાકેફ થઈ જશે અને તેમના હાથમાંથી સત્તા છીનવી લેશે.
 
કલમ ૩૭૦ હતી તો અસ્થાયી પણ કોંગ્રેસ સરકારે પોતાના વ્યવહારથી તેને સ્થાયી બનાવવાની કોશિશ કાયમ ચાલુ રાખી હતી. એ યાદ રાખવું જોઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સોનિયા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. પંડિત નહેરુ તો નેશનલ કોન્ફરન્સને જમ્મુ-કાશ્મીરમાં આવેલી કોંગ્રેસની શાખા છે તેમ કહેતા હતા. એટલા માટે ઘણાં વર્ષો સુધી પ્રદેશમાં કોંગ્રેસની શાખા જ ખોલવામાં નહોતી આવી. પાછળથી નેશનલ કોન્ફરન્સનો એક વખત કોંગ્રેસમાં વિલય પણ થઈ ગયો હતો. એટલા માટે કલમ ૩૭૦ને ચાલુ રાખવામાં કોંગ્રેસનો પણ તે જ સ્વાર્થ હતો, જે શેખો-સૈયદોના સમૂહનો સ્વાર્થ હતો. આ ચક્કરમાં શેખો-સૈયદોને બાદ કરતાં બાકીના નાગરિકો પિસાઈ રહ્યા હતા. રાજ્યમાં ૧૨ જનજાતિઓ છે, જેમને આ શેખો-સૈયદોએ કોઈ જ અધિકારો આપ્યા નથી, જ્યારે દેશનાં અન્ય રાજ્યોમાં આ જનજાતિઓને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળતો હતો. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આ જનજાતિઓ માટે કોઈ સીટ આરક્ષિત નથી. આ જ સ્થિતિ અનુસૂચિત જાતિઓની પણ છે. તેમની હાલત તો અમાનવીય છે. દલિતોને જે રાજ્યનિવાસી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, તેમાં લખ્યું છે કે તેઓ કેવળ સફાઈ-સેવકનું કામ કરી શકે છે. દલિતોના અધિકારો માટે બાબાસાહેબ આંબેડકર જીવનભર સંઘર્ષ કરતા રહ્યા અને સંવિધાનમાં તેમને માટે દરેક પ્રકારના અધિકાર પ્રાપ્ત કરાવ્યા, પરંતુ જમ્મુ-કાશ્મીરની સરકાર દલિતોને તે અધિકાર આપવા માટે તૈયાર નહોતી. એટલું જ નહીં, તે જન્મના આધાર પર કામની એક નવી વર્ણવ્યવસ્થા તૈયાર કરી રહી હતી, જેનો શિકાર ત્યાંનો દલિત સમાજ બની રહ્યો હતો.

article 370_1   

પાકિસ્તાન માટે કલમ-૩૭૦ ધોરીનસ

 
કલમ ૩૭૦ સંઘીય સંવિધાનમાં પાછલા બારણેથી સામેલ કરવામાં આવી હતી. બાબાસાહેબ આંબેડકરે તો તેને હાથ સુધ્ધાં લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે તેને નહેરુએ તેમના મિત્ર ગોપાલસ્વામી આયંગર દ્વારા સંવિધાન સભામાં રજૂ કરાવી હતી. હકીકતમાં આ કલમ પંડિત નહેરુ અને તેમના મિત્ર શેખ મોહંમદ અબ્દુલ્લાના ષડયંત્રની નીપજ હતી. શેખ અબ્દુલ્લા નહેરુને બ્લેકમેલ કરતા હતા અને ભારતીય સંવિધાનની આડમાં જમ્મુ-કાશ્મીરને પોતાની જાગીરની જેમ ઉપયોગ કરવા માગતા હતા. આજ સુધી એ રહસ્ય જ રહ્યું છે કે નહેરુજી શેખ મોહંમદ અબ્દુલ્લા સામે શા માટે નમતા રહ્યા હતા ? જો થોડુ પાછળ જોઈએ તો કહી શકાય કે જમ્મુ-કાશ્મીરનું આ ષડયંત્ર નહેરુ, માઉન્ટબેટન દપતી અને શેખ અબ્દુલ્લા દ્વારા અલગ અલગ તબક્કાઓમાં પૂરું કરવામાં આવ્યું હતું.
 

article 370_1   
 
આ તરફ પાકિસ્તાનને આ કલમને ખૂબ આવશ્યકતા હતી. તે આ કલમની વ્યાખ્યાનું અર્થઘટન જમ્મુ-કાશ્મીરને ભારત અને પાકિસ્તાનની વચ્ચેનું વિવાદિત ક્ષેત્ર એવો કરતું હતું. હવે આ પ્રદેશ દેશના બીજા પ્રદેશો અથવા કેન્દ્રશાસિત ક્ષેત્રોના જેવો થઈ જાય છે ત્યારે પાકિસ્તાન માટે વિવાદની બાબત તો એટલી જ બાકી રહે છે કે ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાને ભારત પર સૈન્યનો મલો કરીને જમ્મુ-કાશ્મીરનો જે એક તૃતીયાંશ ભાગ કબજે કરી લીધો છે, તેની પર બંને દેશો આપસમાં વાતચીત કરે. અત્યાર સુધી પાકિસ્તાન અનુચ્છેદ ૩૭૦ની વ્યાખ્યા એમ કહીને કરતું હતું કે ભારત પોતે પણ જમ્મુ-કાશ્મીરને પોતાનો સ્થાયી હિસ્સો માનતું નથી. એટલા માટે તેણે પોતાના સંવિધાનમાં આ રાજ્યની વ્યવસ્થા માટે આ વિશેષ કલમ બનાવી હતી, અને ભારતનું સંઘીય સંવિધાન આ પ્રદેશ પર પૂરેપૂરું લાગુ પડતું નહોતું. હમણાં સુધી જમ્મુ-કાશ્મીર માટે એ વ્યવસ્થા હતી કે ત્યાંની ભૂગોળમાં સંસદ દખલ કરી શકતી નહોતી. બાકીના બધા પ્રદેશોનું પુનર્ગઠન થઈ શકતું હતું અને થતું પણ હતું, પરંતુ જમ્મુ-કાશ્મીરની ભૂગોળ માટે વિચારી પણ શકાતું નહોતું, પરંતુ કલમ ૩૭૦નું પ્રાવધાન બદલાઈ જવાથી સંસદને જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન અધિનિયમ પસાર કરીને તેને બે કેન્દ્રશાસિત ક્ષેત્રોમાં વહેંચી દીધા છે. હવે લદ્દાખ, ચંડીગઢ, દિલ્હી અને પુડ્ડુચેરીની જેમ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની રહેશે.
 
હવે પહેલાંની કલમ ૩૭૦નું સ્વરૂપ બદલાઈ જવાથી ભાષાના આધાર પર પુનર્ગઠન થઈ જવાથી કાશ્મીરને લઈને પાકિસ્તાનની બધી વ્યાખ્યાઓ એક ઇતિહાસ માત્ર બની ગઈ છે. પાકિસ્તાનનું પોતાનું હિત એમાં જ હતું કે જમ્મુ-કાશ્મીર વિવાદિત હિસ્સો જ રહે. આ પરિસ્થિતિ ત્યાંના કેટલાક રાજનીતિક પક્ષોને અનુકૂળ આવતી હતી. હકીકતમાં જમ્મુ-કાશ્મીર વિવાદિત હિસ્સો હતો ત્યારે પાકિસ્તાનનાં રાષ્ટીય હિતો અને સામરિક હિતો માટે તે લાભદાયક હતું, પણ ભારત માટે આ સ્થિતિ ધીરે ધીરે આત્મઘાતી બનતી જઈ રહી હતી. એક આશ્ચર્યની બાબત એ પણ છે કે ભારતમાં કેટલાક રાજનીતિક પક્ષો જમ્મુ-કાશ્મીરને આ જ દૃષ્ટિથી નિહાળતા હતા.
 

પાકિસ્તાની રાડારાડને વિશ્વે ફગાવી

 
બધા જાણતા હતા કે ૩૭૦મી કલમના મામલે પાકિસ્તાન વિશ્વભરમાં રાડારાડ મચાવી મૂકશે. તેણે રાડારાડ મચાવી પણ ખરી. તેની એવી આશા હતી કે અમેરિકા અને બ્રિટન, જે કાયમ પાકિસ્તાનનો ઉપયોગ ભારતની વિરુદ્ધમાં પોતાનાં હિતો માટે કરતા હતા, તેઓ આ નવા મામલામાં તેની સહાય કરશે અને પાક.ને સમર્થન આપશે. પાક.ને આશા હશે કે અમેરિકા આજકાલ અફઘાનિસ્તાનમાં ફસાયેલી પોતાની પૂંછડીના છુટકારા માટે તાલિબાન સાથે વાટાઘાટ કરી રહ્યું છે. પૂંછડી છોડાવવામાં તેને પાક.ની જરૂર પડશે. એટલે પાક. તેની પર દબાણ વધારશે. પરંતુ બંને દેશોએ આપસમાં વાત કરવી જોઈએ આટલું કહી અમેરિકા ચૂપ રહ્યું. ઇંગ્લેન્ડ પણ સિમલા સમજૂતી અથવા દ્વિપક્ષીય રણનીતિની વાત કરીને અટકી ગયું, યુએઈએ તો સ્પષ્ટ કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. રશિયાએ પણ એમ જ કહ્યું. ચીન લદ્દાખના મુદ્દા પર કાંઈક બડબડાટ કરતું રહ્યું પણ આખરે તો એ પણ દ્વિપક્ષીય વાતચીત પર અટકી ગયું. એટલું જ નહીં, એક પણ અરબ રાષ્ટે આ બાબતમાં પાકિસ્તાનનું સમર્થન ના કર્યું. સંયુક્ત રાષ્ટ સંઘમાં આ મુદ્દો લઈ જવાની વાત પાક. કરે છે, પરંતુ ભૂમિગત હાલત જોઈને જરૂર કહી શકાય કે તે ત્યાં પણ એકલું પડી જશે. મોટા ઉપાડે વર્તમાન આંતરરાષ્ટીય રાજનીતિ કરવા અક્ષમ પાકિસ્તાન એકલું પડી ગયું છે.
 
પાક.ને સહાયતા યા મદદ પહોંચાડનાર આ સમૂહને સોનિયા કોંગ્રેસનો પાકિસ્તાન સેલ કહેવામાં આવે છે. પોતાની ભાષામાં પાર્ટી કદાચ તેને પોતાનો આંતરરાષ્ટીય સેલ જ કહેતી હશે. પણ લાગે છે કે તેની પૂરી રણનીતિ આ સંકટકાળમાં કોઈ પણ પરિસ્થિતિમાં કલમ ૩૭૦ના મુદ્દે પાક.ને નિરંતર સહાય પહોંચાડતો રહ્યો છે, જેથી આંતરરાષ્ટીય ફલક પર નિરાશ થઈને કદાચ પાક. ૩૭૦નો મુદ્દો છોડી ના દે.
 
આ અભિયાનની શરૂઆત રાલે કરી. તેમને આ માટેની સહાય બી.બી.સી. ઇત્યાદિએ પ્રાપ્ત કરાવી. બી.બી.સી. આ વખતે પૂરી નિષ્ઠાથી અફવાઓ લગાવી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સ આ જ કામ પોતાના સંપાદકીય લેખો દ્વારા કરી રહ્યું છે.
 
પાક. જે સહાય માટે દુનિયાભરમાં કાકલૂદી કરી રહ્યું છે, અને જે તેને મળતી નહોતી, એ જ સહાયતા તેને ભારતના જ જૂના પક્ષ દ્વારા મળી. અંધ શું માગે ? બે આંખો. આજે પાક. સરકાર અને તેનું મીડિયા સોનિયા કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો ઢોલ વગાડીને દોહરાવી રહ્યાં છે.
 

જવાહરલાલ નહેરુ અને માઉન્ટબેટન દંપતીનું ષડયંત્ર

 
દરઅસલ ૩૭૦મી કલમ, પંડિત જવાહરલાલ નહેરુ, માઉન્ટબેટન દપતીના સંયુક્ત ષડયંત્રની નીપજ છે. માઉન્ટબેટન દપતી પૂરું કાશ્મીર પાક.ને સોંપી દેવા માટે રાજી હતું. તેમની રાજનીતિ બ્રિટનની ભવિષ્યની રાજનીતિ અને પાક.ના ભવિષ્ય સાથે સંકળાયેલી હતી. પણ તે વખતે તેમના રસ્તા વચ્ચે મહારાજા હરિસિંહ ચટ્ટાનની જેમ ઊભા રહ્યા હતા. હવે માઉન્ટબેટન દપતી પાસે માત્ર એક જ રસ્તો બચ્યો હતો. પાકિસ્તાન મલો કરીને તેને કબજે કરે અને ભારત તેનો વિરોધ ના કરે. આ રસ્તો સરળ હતો, કેમ કે એ વખતે પાકિસ્તાન અને ભારત-બંનેની સેનાના પ્રમુખ અંગ્રેજ હતા, અને બંને બ્રિટનનાં હિતોના રક્ષણ માટે નિષ્ઠાવાન હતા. તે વખતે બ્રિટનનું હિત પાકિસ્તાનને લાભ પહોંચાડવામાં અને ભારતના સ્થળમાર્ગને બાકીનું વિશ્વ, ખાસ કરીને મધ્ય એશિયાથી બંધ કરવામાં હતું. આ ત્યારે જ સંભવ હતું, જો જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહ્યું હોત. આ માટે પાકિસ્તાને કબાલીઓની આડમાં જમ્મુ-કાશ્મીર પર મલો કરી દીધો. અહીં સુધી તો બધું ઠીકઠીક ચાલ્યું, પરંતુ નહેરુ આનો વિરોધ ન કરે એ કેવી રીતે સંભવ હતું ?
 

article 370_1   
 
માઉન્ટબેટન દપતી જાણતું હતું કે નહેરુ ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં સેના નહીં મોકલે, જ્યાં સુધી મહારાજા હરિસિંહ, નહેરુના મિત્ર શેખ મોહંમદ અબ્દુલ્લાને સત્તા નહીં સોંપી દે. નહેરુ ખરેખર આ વાત પર મક્કમ રહ્યા. એ વખતે માઉન્ટબેટન દપતીની ખુશીનો પાર નહોતો, પરંતુ મહારાજા હરિસિંહને રાજ્યના પ્રશાસક તરીકે જાળવી રાખીને માઉન્ટબેટન દપતીની રાજનીતિક ચાલનું પત્તું પણ કાપી નંખાયું. દેશની સેના જમ્મુ-કાશ્મીરમાં ગઈ અને તેણે વિપરીત પરિસ્થિતિઓમાં આક્રમણખોરોને ખદેડવાનું ચાલુ કરી દીધું. હવે માઉન્ટબેટનની આખી યોજના લટકતી રહી ગઈ. પરંતુ માઉન્ટબેટન દપતી નહેરુની સાથેના લાંબા સહવાસથી એટલું સમજી ગયું કે નહેરુજીની બે કમજોરીઓ હતી. પહેલી કમજોરી આંતરરાષ્ટીય અને બીજી કમજોરી હિન્દુ-મુસ્લિમના નામનું સેક્યુલરિઝમ. નહેરુ સાવ મામૂલી ઘરેલું પ્રશ્નને પણ આંતરરાષ્ટીય મુદ્દો બનાવીને બાળકોની જેમ ચગાવતા હતા અને ગૌરવ અનુભવવાનો થનગનાટ કરતા હતા. તેઓ મનોમન ઇચ્છતા હતા કે દેશવાસીઓ તેમને આંતરરાષ્ટીય સંગીતરૂપી નીતિઓના તાલ પર ઝૂમતા જુએ. માઉન્ટબેટન દંપતીએ તેમની આ કમજોરીનો લાભ ઉઠાવીને તેમને સમજાવ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન ઉઠાવીને સુરક્ષા પરિષદમાં લઈ જાય અને પરિષદને બતાવે કે જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદાસ્પદ પ્રશ્ન છે, અને સુરક્ષા પરિષદ તેનો નિર્ણય કરે.
 

નહેરુની કમજોરીનો લાભ

 
માઉન્ટબેટન દપતીએ કમજોરીની ક્ષણોમાં નહેરુને વિશ્વાસ અપાવ્યો કે ભારતનો પક્ષ આ બાબતે મજબૂત છે એટલા માટે સુરક્ષા પરિષદમાં ભારત જીતી જશે અને નહેરુની આંતરરાષ્ટીય પ્રતિભાને ચાર ચાંદ લાગી જશે. નહેરુ માઉન્ટબેટન દપતીની આ જાળમાં ફસાઈ ગયા અને સરદાર પટેલનો વિરોધ હોવા છતાં પણ આખો મામલો સુરક્ષા પરિષદમાં લઈ ગયા. સુરક્ષા પરિષદમાં બ્રિટનની સામ્રાજ્યવાદી તાકાત માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કોઈપણ રીતે ભારતીય સેના આગળ વધતી અટકી જાય, જેથી જમ્મુ-કાશ્મીરનું મહત્ત્વનું ક્ષેત્ર સામરિક ષ્ટિએ પાકિસ્તાનના કબજામાં રહેવા દેવામાં આવે. આ મુદ્દો ભવિષ્યની રણનીતિનો બ્રિટનનો હિસ્સો હતો, પરંતુ આ માટે નહેરુને સમજાવવા એ તો કદાચ માઉન્ટબેટન દપતી માટે પણ મુશ્કેલ હતું. આવા માહોલમાં માઉન્ટબેટન દપતીએ નહેરુને રમવા માટે તેમનું મનપસંદ એવું બીજું રમકડુ રમવા આપ્યું. હિંદુ-મુસ્લિમ એટલે કે સેક્યુલરિઝમનું રમકડુ. માઉન્ટબેટન દપતીએ નહેરુને સમજાવ્યું કે જમ્મુ-કાશ્મીર રાજ્ય મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ છે. જો મુસ્લિમો પોતે જ આવીને કહે કે તેઓ ભારતમાં રહેવા ઇચ્છે છે, તો નહેરુની કેટલી મોટી જીત થઈ કહેવાશે ? આ બાબત મહંમદઅલી ઝીણાના ગાલ પર તમાચા સમાન હશે અને નહેરુની આંતરરાષ્ટીય પ્રતિભા આકાશને આંબી જશે. નહેરુને વિશ્વાસ અપાવવા માટે આ બાબતે તેમણે શેખ મોહંમદ અબ્દુલ્લાને આગળ ધર્યા.
 
શેખ મોહંમદ અબ્દુલ્લા કહેતા હતા કે અમે બે રાષ્ટના સિદ્ધાંતની વિરુદ્ધ છીએ અને ભારતની સાથે રહેવા માગીએ છીએ. નહેરુ પ્રસન્ન થયા અને ઉદાર બનીને તેમણે યુદ્ધવિરામ જાહેર કર્યેા. સામરિક બાબતે મહત્ત્વનો ભૂભાગ પાકિસ્તાનના કબજામાં જ રહ્યો. પોતાનું કામ પતાવીને અને નહેરુના હાથમાં બે રમકડાં પકડાવી દઈને માઉન્ટબેટન દંપતી પોતાના વતનમાં જતાં રહ્યાં.
 
એ સ્પષ્ટ હતું કે માઉન્ટબેટન દંપતી જે રમકડાં નહેરુને આપી ગયાં હતાં, તેની તેઓ કુશળતાપૂર્વક યાદ અપાવતાં હતાં. તેઓ કહેતાં હતાં કે સુરક્ષા પરિષદમાં ભારત નિશ્ચિત રીતે જીતવાનું હતું, તેથી બાદમાં સંવિધાન જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થઈ જશે. એટલે કલમ ૩૭૦ અસ્થાયી છે.
 
જોકે શેખ મોહંમદ અબ્દુલ્લાએ આખા પ્રશ્નને હિન્દુ-મુસ્લિમના સૂરોમાં જ ગાવા માંડ્યો. નહેરુજીએ પણ પોતાની પ્રકૃતિ અને સ્વભાવ અનુસાર તેને હિન્દુ-મુસ્લિમનો પ્રશ્ન બનાવીને તથાકથિત સેક્યુલરિઝમના સૂરોમાં જોડી દીધો, જ્યારે આ પ્રશ્નની આસપાસ અનેક મુદ્દાઓ હોઈ શકે છે, પરંતુ હિન્દુ-મુસ્લિમની અવધારણા સાથે આ પ્રશ્નને કાંઈ લેવાદેવા નથી. ઇન્દિરા ગાંધી સમજી ગયાં હતાં કે તેમના પિતા જમ્મુ-કાશ્મીર બાબતમાં માઉન્ટબેટન દપતીના ષડયંત્રના શિકાર બની ગયા છે.
 
દીકરીએ પોતાના પિતાના આ પાપને કોઈ પણ રીતે ધોઈ નાખવું હતું. ઇન્દિરા ગાંધીને જેવો આ માટે પહેલો અવસર મળ્યો, તેમણે સિમલા સમજૂતીમાં જમ્મુ-કાશ્મીર ઉપરથી આંતરરાષ્ટીય સુરક્ષા પરિષદનો ઓછાયો દૂર કરી દીધો અને ત્યાર બાદ ૫મી ઓગસ્ટના રોજ મોદી સરકારે માઉન્ટબેટન દપતી અને શેખ મોહંમદ અબ્દુલ્લા દ્વારા શરૂ કરાયેલા આ રાષ્ટઘાતી પ્રકરણને કાયમ માટે સમાપ્ત કરી દીધું. થવું તો એ જોઈતું હતું કે ઇન્દિરા ગાંધીની વિરાસતને આગળ ધપાવતાં કોંગ્રેસે એનું સમર્થન કરવું જોઈતું હતું.
 
- કુલદીપચંદ અગ્નિહોત્રી