બસ, ત્યારથી કહેવત પડી કે ‘હાથમાં દંડો, બગલમાં મોઈ, ‘હવેલી’ લેતાં ગુજરાત ખોઈ.’

    ૦૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kahevat katha_1 &nbs 
 
ગુજરાતી સાહિત્યમાં જે કહેવતો સાંપડે છે તેમાંની કેટલીક કહેવતો લોકસમાજમાં ઘટેલી ઘટનાઓ સાથે જોડાયેલી છે, તો કેટલીક કહેવતોનો સંદર્ભ ઐતિહાસિક પ્રસંગ સાથે જોડાયેલો જોવા મળે છે. ઉ.ત.
 
‘હાથમાં દંડો, બગલમાં મોઈ,
હવેલી લેતાં ગુજરાત ખોઈ.’
 
આ કહેવત મેં અને તમે સૌએ સાંભળી છે, પણ વિચાર કરીએ કે આ કહેવત આવી ક્યાંથી ? તો આપણને ભાગ્યે જ ખ્યાલ આવશે. મોઈ, દાંડિયો, હવેલી, ગુજરાત એ બધાનો સંદર્ભ ભાગ્યે જ સમજાશે. સ્વ. ડૉ. મંજુલાલ મજમુદાર આનો સંદર્ભ સમજાવતાં લખે છે કે હાથમાં દંડો એટલે સત્તાનો રાજદંડ ફાવે તેમ ઘુમાવનાર પૂનાના પેશ્ર્વાનો સૂબો, આબા શેલુકર. તે સને ૧૭૯૮ની સાલમાં અમદાવાદમાં આવેલો. એની ‘બગલમાં મોઈ’ એટલે શત્રુને મહાત કરવા અને તેને ભય ઉપજાવવા રાખેલું ગુપ્ત સાધન તે તેની બગલમાં રહી જાય’ અથવા સંતાડી રખાય એવી મોઈ. આમ આટઆટલી સત્તાવાળો રાજદંડધારી સૂબો રમતમાં ને રમતમાં ‘હવેલી’ લેવા જતાં ગુજરાત ખોઈ બેઠેલો. કહેવતમાં આવતી હવેલી એ સામાન્ય હવેલી નહીં પણ અમદાવાદમાં જૂના કાળે ભદ્રના કિલ્લાની અંદર આવેલાં મકાનોમાં જ્યાં ગાયકવાડનું થાણું હતું તે આજે ગાયકવાડની હવેલીના નામે ઓળખાય છે. આ હવેલી હસ્તગત કરવા માટે પેશ્ર્વાના સૂબા શેલુકરે એના પર આક્રમણ કર્યું. પરિણામે ગાયકવાડે તેના પ્રતિકાર ‚પે શેલુકરને આખા ગુજરાતની સૂબાગીરીમાંથી હાંકી કઢાવ્યો.
 
આ કહેવતની પાછળ રહેલી કથા પણ રસપ્રદ છે. આજનું ઐતિહાસિક નગર અમદાવાદ સને ૧૭૫૩માં મરાઠી હકૂમત નીચે આવ્યું. ‘સાલબાઈની સંધિ’ પ્રમાણે સને ૧૭૮૨ પછી ગાયકવાડ તરફથી એક પ્રતિનિધિ અમદાવાદમાં રહેતો હતો. આ સૂબાની નિમણૂક પેશ્ર્વા કરતા. ચોથ વગેરે ઉઘરાવવાના કામમાં બંનેના ભાગ અડધોઅડધ રહેતા, પરંતુ વહીવટની બાબતમાં ભદ્રના કિલ્લાનો ફક્ત એક જ દરવાજો ગાયકવાડને કબજે હતો.
 
સને ૧૭૯૮ની આ વાત છે. બાજીરાવ બીજો પેશ્ર્વા બન્યો. તેણે ગુજરાતના સૂબા તરીકે પોતાના દસ વર્ષની વયના નાના ભાઈ ચીમણાજીની નિયુક્તિ કરી. એ સગીર ભાઈના પ્રતિનિધિ તરીકે આબા શેલુકરને નીમ્યો. શેલુકર ગુજરાતની સૂબાગીરી સંભાળવા અમદાવાદ આવ્યો. એ વખતે અમદાવાદ ગાયકવાડ અને પેશ્ર્વાના સહિયારા અમલ હેઠળ હતું.
 
આબા શેલુકર સમર્થ સૈનિક અને શૂરવીર સેનાપતિ હતો. સાથોસાથ રંગરાગનો પણ ભારે રસિયો હતો. એમ કહેવાય છે કે શહેરમાં જ્યારે સવારી સાથે એ પ્રવેશ કરતો ત્યારે પોતાના હાથીની આગળ મજૂરોને માથે પાટ ઊંચકાવી, તેના ઉપર ચાલતી સવારીએ ‘મુજરાનાચ’ થતો ને એ જોતો.
 
શેલુકરને અમદાવાદમાં આવ્યાને થોડો સમય થયો એટલામાં એના સમર્થક નાના ફડનવીસ અને દોલતરાવ સિંધિયાએ એને કેદ પકડ્યો. આ કેદમાંથી મુક્તિ મેળવવા માટે શેલુકરે દસ લાખ ‚પિયા આપવાનું કબૂલ કર્યું. હવે આ શેલુકર કેદમાં હતો તે દરમિયાન પેશ્ર્વાએ વડોદરાના ગોવિંદરાવને, શેલુકરના તાબામાં જે મુલક હતો તેનો કબજો લઈ લેવાનો હુકમ કર્યો. પેશ્ર્વા સરકારના હુકમ પ્રમાણે ગાયકવાડ પેટલાદ મહાલ સર કરવાને ગયા, પરંતુ એ વખતે શેલુકર સાથે ગાયકવાડને સારાસારી હોવાથી શેલુકર વતી ગાયકવાડ વચમાં પડ્યા, અને પેશ્ર્વાઈ ફરીથી શેલુકરને આપવા માટે તેમને દસ લાખ ‚પિયાનો દંડ ગોવિંદરાવ ગાયકવાડે પોતાના પ્રધાન રાવજી અપાજી મારફત પેશ્ર્વાને ભરવાનું કબૂલ કર્યું. રાવજી પ્રધાને દસ લાખની રકમની બાંહેધરી પેટે પેટલાદ મહાલના તારણ તરીકે કબજો માગ્યો. રાવજીએ આ મહાલ પોતાના ભાઈ બાબાજીને સોંપ્યો.
 
આબા શેલુકરને આ રીતે ગાયકવાડે ધીરેલા દસ લાખ રૂપિયા વડે પોતાની મુક્તિ મેળવવી પડી હતી. આથી આ દંડની રકમ જેમ બને તેમ વહેલી ભરપાઈ થઈ જાય તો સારું એવો વિચાર એના મનમાં હમચીકૂંડું ખૂંદવા મંડાણો. આથી એણે કડક અમલ ચલાવવા માંડ્યો. લીલા ભેગું સૂકું બળવા માંડ્યું. વેપારીઓ જોડે વસવાયાને પણ એણે દંડવા માંડ્યા. આથી શેલુકરની સાથે ગાયકવાડનું શાસન પણ વગોવાવા લાગ્યું.
 
શેલુકરની દંડ ઉઘરાવવાની પદ્ધતિ ગરીબ લોકોને માટે ત્રાસજનક થઈ પડી. લોકોને ડગલે ને પગલે વેરો ભરવો પડતો. સામાન્ય માનવી પાસેથી પણ મારીકૂટીને વેરો વસૂલ કરાતો. દિ’ આખો કાળી મજૂરી કરનાર માનવીની મોટા ભાગની આવક તો વેરાની પાછળ વેડફાઈ જતી. આ વાતની જાણ થતાં લાલા હરખચંદ નામના શાહુકારના દિલમાં માનવતાનું ઝરણું ફૂટ્યું. આ ઉદાર શાહુકારે એક લાખ રૂપિયા સામટા આપીને શહેરના લોક પાસેથી એક વરસ સુધી બિલકુલ વેરો વસૂલ ન કરવાનું કબૂલ કરાવ્યું હતું.
 
આમ છતાં શેલુકરે દેવું પાછું વાળવાની થયેલી શરતો બાબતમાં અનેક વાંધા કાઢવા માંડ્યા. આથી અણીના વખતે મદદ કરનાર ગાયકવાડના રાવજી તથા સેનાપતિ બાબાજીના મન શેલુકરે ઊંચા કરાવ્યાં. કાગળ સંતાડીને વડોદરા પહોંચ્યો અને ગાયકવાડને જાણ કરી. ગાયકવાડે શેલુકરને પકડીને પૂના પાછો મોકલવા માટેની પરવાનગી મેળવી. પૂનાથી પરવાનગી મળતાંની સાથે જ ગાયકવાડે પોતાના સૂબા શિવારામ ગારદી સાથે અમદાવાદ ભણી ફોજ રવાના કરી. ગાયકવાડી ફોજ અમદાવાદ શહેરમાં આવી. ચોકીદારોએ સૂબા શેલુકરને ખબર આપી, પણ રંગરાગ અને નાચગાનની મહેફિલમાં રત એવા શેલુકરે ઝાઝું ધ્યાન આપ્યું નહીં. ગાયકવાડી લશ્કરે તોપોનો તાશીરો બોલાવ્યો. શેલુકરના સૂબેદારોને ફોડ્યા. જમાલપુરના દરવાજેથી પ્રવેશીને લશ્કર માણેકચોકમાં આવ્યું. આ વાતની જાણ થતાં શેલુકર જાણે કે ઊંઘમાંથી સફાળો બેઠો થયો. એણે હુકમ કર્યો : ‘ભદ્રના દરવાજા બંધ કરો અને ત્રણ દરવાજા પર લશ્કરના માણસોને મૂકી દ્યો.’ આટલી વ્યવસ્થા કરીને શેલુકરે રંગરાગની મહેફિલ પાછી શરૂ કરાવી દીધી.
 
પરિણામ એ આવ્યું કે આ ભાઈઓએ ગાયકવાડને શેલુકરની સામે ઉશ્કેર્યા અને અમદાવાદમાંથી પેશ્ર્વાનો કાંટો કાઢી નાખવા સલાહસૂચના આપી. પેશ્ર્વાને ઠેકાણે ગાયકવાડની આગવી સત્તા જમાવવાની લાલચ પણ ગાયકવાડને બતાવી.
સને ૧૮૦૦માં નાના ફડનવીસ પૂનામાં મૃત્યુ પામ્યા. શેલુકરનો આધારસ્તંભ તૂટી પડ્યો. પૂના તથા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ ગાયકવાડ માટે વિશેષ અનુકૂળ બનવા લાગી. આ તરફ શેલુકરે અમદાવાદમાંથી ગાયકવાડને ભગાડી મૂકવાનો મનસૂબો ઘડ્યો, પરંતુ આ માથાભારે સૂબો પેશ્ર્વાને પણ ગણકારતો નહીં. આથી પેશ્ર્વા પણ તેના પર નારાજ હતા. દર વર્ષે નિયમિત ખંડણી મોકલ્યા કરતો ને પોતાની મરજી મુજબ વર્તતો. આથી કોઈ એનું નામ લેતું નહીં.
 
આવા ડહોળાયેલ વાતાવરણની વચ્ચે શેલુકરે સત્તાના મદમાં ‘ગાયકવાડની હવેલી’ પર ચઢાઈ કરી. હવેલી લઈ લીધી. આ બાબતની જાણ વડોદરાના ગાયકવાડને ન થાય તેની કાળજી રાખીને કડક બંદોબસ્ત ગોઠવ્યો.
 
અહીં ત્રણ દરવાજા આગળ આરબ લશ્કરે ગાયકવાડના સૈન્યનો સહેજ અટકાવ કર્યો પરંતુ શેલુકરના સરદારોને ગાયકવાડના લશ્કરે ફોડ્યા હતા. એવી માહિતી મળતાં જ આરબોએ લડવાનો ખોટો ખોટો ડોળ કરીને બંદૂકો ફોડી. શિવરામ ગારદીએ કારંજમાં આવી ભદ્રની ફોજોને વટાવીને લાલ દરવાજેથી બધા ભદ્રમાં દાખલ થયા.
 
બરાબર આ ટાણે પૂનાના પેશ્ર્વાઈ સૂબા શેલુકર ચોપાટ ખેલી રહ્યા હતા. સોગઠાંબાજીનો રંગ બરાબર જામ્યો હતો. ત્યાં દરવાને આવીને ખબર આપી કે ગાયકવાડનું લશ્કર શહેરમાં દાખલ થઈ ગયું છે. શેલુકરે સોગઠી ઉડાડતાં જવાબ આપ્યો :
‘ભલે આવ્યું. આવવા દ્યો.’
 
લશ્કરે હવેલીને ઘેરી લીધી. દરવાને આવીને ફરી સમાચાર આપ્યા. ‘લશ્કર હવેલીમાં હમણાં પેસશે.’ ત્યારે શેલુકરે બેફીકરાઈથી એટલું જ કીધું : ‘ઘડીક ઊભા રહો. છેલ્લી સોગઠી મારવાની બાકી છે. પચ્ચીસ પાડું તો સોગઠી મરે ને બાજી જિતાઈ જાય.’
 
પણ શેલુકરના પચ્ચીસ ને બે પડવાને બદલે પચીસ ને ચાર પડ્યા. તેથી તેમની સોગઠીને પેલી સોગઠીથી બે ઘર આગળ મૂકવી પડી. ત્યાં તો ગાયકવાડી ફોજના સૈનિકો કટાક કટાક કરતા હવેલીની સીડી ચઢવા લાગ્યા. એવામાં સામાવાળાએ ‘ફરી’ પાડતાં શેલુકરની સોગઠી મારી. શેલુકર સૂબો હાર્યો ને રમત પૂરી થઈ. બીજી બાજુ એની સૂબાગીરીની બાજી પણ પૂરી થઈ.
 
શેલુકર ઊઠીને બહાર જોવા જાય છે તો ચારે તરફ લશ્કર વીંટળાઈ વળેલું જણાયું. સામનો કરવા માટે એણે કંઈ જ તૈયારી કરી નહોતી. એ હજુ કંઈ વિચાર કરે એ પહેલાં તો લશ્કરના સૂબાએ શેલુકરને આવીને પકડી લીધો. લુહારે આવીને એના હાથમાં ચાંદીની બેડીઓ પહેરાવી દીધી અને શેલુકરને બાબાજીને હવાલે કરી દીધો. આજની ઘડી ને કાલ્યો દિ.’
 
બાબાજીએ શેલુકરને વડોદરા મોકલ્યો. ત્યાંથી એને વલસાડની જેલમાં ખસેડવામાં આવ્યો. કેદમાં કેટલાંક વર્ષો ગાળ્યા પછી વળી અંગ્રેજ સરકારે શેલુકરને છોડાવ્યો, પરંતુ તેની બાકીની જિંદગી સામાન્ય માનવીની જેમ જ ગુજરી.
 
આમ પેશ્ર્વાના સૂબાને હાંકી કાઢી, ગાયકવાડ અમદાવાદના રણીધણી થઈ પડ્યા. છેક સને ૧૮૧૮માં પેશ્ર્વાની છેલ્લી હાર થઈ ત્યાર પછી અમદાવાદ અંગ્રેજોના હાથમાં ગયું અને બધી રાજખપટોનો અંત આવી ગયો.
 
આમ શેલુકરે ગાયકવાડની હવેલી ઉપર વગર વિચાર્યું આક્રમણ કર્યું એના પરિણામે તેના હાથમાંથી ગુજરાતની સૂબાગીરી ચાલી ગઈ. ઘોડે બેસવા જતાં હાથી ખોયો એવો એનો ઘાટ થયો. બસ, ત્યારથી કહેવત પડી કે
 
‘હાથમાં દંડો, બગલમાં મોઈ,
‘હવેલી’ લેતાં ગુજરાત ખોઈ.’