નશાખોરીનું વિષચક્ર - મેગાસીટીની ઝાકઝમાળથી ગામ-સીમના અંધારા સુધી

    ૧૩-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

drugs_1  H x W:
 
સુશાંતસિંહનું કમોત હવે ફક્ત તેના પરિવાર અને સીબીઆઈના સંબંધિત તપાસ અધિકારી પૂરતું સીમિત થઈ ગયું છે. રિયા ચક્રવર્તીથી શરૂ થયેલી ડ્રગ્સની તપાસમાં હવે દીપિકા પાદુકોણનો પ્રવેશ થઈ ચૂક્યો છે. સિનેમાનો પડદો હોય કે રંગમંચ.. ટેલિવૂડ પર આવતી સિરિયલો હોય કે ટીઆરપી ભૂખી ન્યૂઝ ચેનલો.. સર્વત્ર જે વેચાતું હોય તે જ વહેંચવાની હોડ લાગેલી છે. સિનેજગતની વાત કરીએ તો અહીં બધું જ આભાસી છે. કથા, પટકથા, અભિવ્યક્તિનું મૂલ્યાંકન જ્યાં અભિનય પર અવલંબિત હોય ત્યાં દૂર દૂર સુધી વાસ્તવિકતાનું કોઈ વજૂદ રહેતું નથી. નશાખોરીની કોઈ ત્વરિત અનુભૂતિ હોય તો તે આભાસી સંકલ્પનાઓનું નિર્માણ છે. નશો કર્યા પછી વ્યક્તિ જે નથી તેના ભ્રમમાં ખોવાતો હોવાનું તથ્ય વિજ્ઞાન પ્રમાણિત છે. નૈતિક મૂલ્યો અને ચરિત્રના ભારતીય માપદંડ સાથે જે ક્ષેત્રને કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી તે ફિલ્મજગતને નશાના દૂષણથી મુક્ત કરાવવું એ આ દેશની પ્રાથમિકતા હોઈ શકે જ નહીં. કોઈ તાતી જરૂરિયાત હોય તો તે સ્વર્ણિમ ભારતની યુવા પેઢીને નશાખોરીના નર્કમાં ધકેલી દેવા દિવસ-રાત કાર્યરત વિદેશી કાવતરા સામે સતર્ક થઈ તેને નિષ્ફળ બનાવવાનું છે.
  

વિશ્ર્વનાં ડ્રગ્સ ઉત્પાદનનાં કેન્દ્રો

 
આપણા સૌના વહાલા ભારત દેશમાં ધીમી પણ ખૂબ જ મક્કમ ગતિએ ભરડો લઈ રહેલા નશાખોરીના વિષચક્રની અંતરંગ વાતો જાણવા અને સમજવા જેવી છે. સમગ્ર વિશ્ર્વમાં ડ્રગ્સ ઉત્પાદનના ક્ષેત્રમાં ૩ ભૂખંડ વર્ગીકૃત થઈ પંકાયેલા છે. અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન ગોલ્ડન ડ્રેસન્ટથી ઓળખાય છે. ગોલ્ડન ટ્રાયેન્ગલમાં થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મ્યાનમાર અને મલેશિયાનો સમાવેશ છે. જ્યારે ત્રીજો ભૂખંડ ફ્લોરિડા, વેનેઝુએલા, ઉરુગ્વે, કોસ્ટારિકા અને મેક્સિકો લેટિન અમેરિકાથી ઓળખાય છે. આ ત્રણ વર્ગીકૃત ભૂખંડો સમગ્ર વિશ્ર્વમાં હેરોઈન જેવી ખતરનાક ડ્રગ્સના ઉત્પાદનમાં ઓતપ્રોત છે. ભારતની સરહદે નેપાળ અને ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર તથા મધ્યપ્રદેશ પણ નશીલા પદાર્થોના ઉત્પાદન ક્ષેત્રે પોતાનું હેસિયત પ્રમાણેનું વજૂદ ધરાવે છે. ભૌગોલિક દૃષ્ટિએ જુઓ તો આપણા દેશની એક તરફ ગોલ્ડન ડ્રેસન્ટ અને બીજી તરફ ગોલ્ડન ટ્રાયેન્ગલના મુખ્ય હેરોઈન ઉત્પાદકો ભરડો નાંખીને બેઠેલા છે.
 

ભારતમાં ડ્રગ્સ એક્ટ

 
અંગ્રેજોનું શાસન હતું ત્યારે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ૧૯૩૦ અમલી હતો. દેશ આઝાદ થયો તેનાં ૩૮ વર્ષ પછી એ કાયદો રદ કરાયો અને તેના સ્થાને એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ અસ્તિત્વમાં આવ્યો. આ કાયદાની કલમ ૧૮માં અફીણ તથા કલમ ૨૦માં ભાંગ અને ગાંજો આ દેશમાં પ્રતિબંધિત થયાં. આ કાયદાની કલમ ૨૨ પ્રમાણે મનપ્રભાવી દ્રવ્ય એટલે કે સાયકોટ્રોપિક શ્રેણીમાં એમ.ડી. ડ્રગ્સ પણ કાયદાની વ્યાખ્યામાં પ્રતિબંધિત થઈ. સમયાંતરે ૧૯૮૮, ૨૦૦૧ અને છેલ્લે ૨૦૧૪માં જરૂરિયાત પ્રમાણે કેટલાક સુધારા-વધારા આ કાયદામાં કરાયા છે. ડ્રગ્સ પકડાય ત્યારે થતી કાર્યવાહી પકડાયેલા જથ્થાની માત્રા પ્રમાણે નાની, મધ્યમ અને વ્યાપારિક એમ ત્રણ શ્રેણીમાં વિભાજિત છે. ચરસ, હસીસ, કોકેઈન, ગાંજો, હેરોઈન, અફીણ, મોર્ફિન, કોડિન અને એમ.ડી. ડ્રગ્સ, એમ.ડી.-એમ.એ. (મ્યાઉ મ્યાઉ) આ પ્રત્યેકમાં વજનની દૃષ્ટિએ ધારાધોરણો જુદાં જુદાં છે. પોલીસ કે સંબંધિત કોઈ પણ એજન્સી ડ્રગ્સ પકડે ત્યારે પકડાયેલા ડ્રગ્સના જથ્થાને ધ્યાનમાં રાખી કેસ બનાવે અને ત્યારબાદ રિમાન્ડ સુધીની કાર્યવાહી પછી પકડાયેલા આરોપી જેલ હવાલે થયા બાદ ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ થાય. અહીં નોંધપાત્ર બાબત એ છે કે, ડ્રગ્સ ગમે તે શ્રેણીની પકડાઈ હોય સજાની જોગવાઈ જથ્થાના પરિપ્રેક્ષમાં એકસમાન છે. જો નાનો જથ્થો છે તો એક વર્ષની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દંડ. જો મધ્યમ જથ્થો છે તો ૧૦ વર્ષ સુધીની સજા અને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ અને જો વ્યાપારિક જથ્થો છે તો ૧૦ વર્ષથી વધુ અને ૨૦ વર્ષ સુધીની સજા અને ૧ લાખથી ૨ લાખ સુધીની સજાનાં પ્રાવધાન છે.
 

drugs_1  H x W: 

એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત નોંધાયા છે અધધ કેસ

 
એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુના સંદર્ભે ચાલતી અદાલતી કાર્યવાહીની આંકડાકીય વિગતોનો ચિતાર પણ અહીં અનિવાર્ય બને છે. ૨૦૧૪ના પ્રારંભે દેશની અદાલતોમાં એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત નોંધાયેલા ૧.૧૮ લાખ કેસ હતા, જેમાં તે વર્ષે નવા ૩૯૦૧૬ કેસનો ઉમેરો થતાં આ સંખ્યા ૧,૫૭,૩૭૫ પર પહોંચી હતી. તેની સામે ફક્ત ૧૯,૪૧૪ કેસમાં આરોપો પુરવાર થયા હતા અને ૧,૩૦,૯૭૫ કેસની કાર્યવાહી ચાલુ હતી. અર્થાત્ ૨૦૧૫માં ૫૦,૮૦૦ અને ૨૦૧૬માં ૫૦,૩૯૪, ૨૦૧૭માં ૫૬,૪૦૦ અને ૨૦૧૮માં ૬૦,૧૨૦ નવા કેસો ઉમેરાયા. પ્રતિ બે વર્ષે થયેલા મૂલ્યાંકન પ્રમાણે ૨૦૧૬ના અંતમાં ૧,૯૯,૪૧૨ કેસની ટ્રાયલ ચાલી. ૨૫,૭૮૨ કેસમાં આરોપો પુરવાર થયા અને ૧,૬૨,૨૬૫ કેસ ચાલવા પર બાકી હતા. ૨૦૧૮ના અંતમાં દેશની અદાલતો પર એન.ડી.પી.એસ.ના કેસનું ભારણ ૨,૩૪,૮૯૭એ પહોંચ્યું હતું. જે પૈકી ૨૮,૩૩૩ કેસમાં આરોપીઓને ગુનેગાર સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ રહ્યો હતો. ૨૦૧૯ની શરૂઆતે ૧,૯૬,૩૧૫ કેસ અદાલતોમાં પેન્ડિંગ હતા. આ દ્વિવર્ષીય મૂલ્યાંકન પ્રમાણે નિર્દોષ છૂટેલા અને એક કે બીજા કારણોસર ફેસલ થયેલા કેસની વિગતો બાદ કરતાં અદાલતોમાં નિર્ણયની પ્રતીક્ષાએ પ્રક્રિયા આધીન કેસની ટકાવારી ૮૩ ટકાથી ઉપર જોવા મળે છે.
 
દુનિયામાં રૂ. ૩૦ લાખ કરોડનો નશાનો કારોબાર, દેશની ૨૦% વસતીને તેની લત આખી દુનિયામાં માદક પદાર્થોનો ગેરકાયદે કારોબાર વાર્ષિક ૩૦ લાખ કરોડ રૂપિયાનો છે. જ્યારે નેશનલ ડ્રગ ડિપેન્ડેન્ટ ટ્રીટમેન્ટ, એઈમ્સનો ૨૦૧૯નો રિપોર્ટ જણાવે છે કે એકલા ભારતમાં જ ૧૬ કરોડ લોકો દારૂનો નશો કરે છે. રિપોર્ટ મુજબ લગભગ ૧.૫ કરોડ મહિલાઓ દેશમાં દારૂ, અફીણ અને કેનાબિસનું સેવન કરે છે. દર ૧૬ પૈકી એક મહિલાને દારૂની એવી લત છે કે તેના વિના તે રહી નથી શકતી. રિપોર્ટ મુજબ દેશની લગભગ ૨૦ ટકા વસતી (૧૦-૭૫ વર્ષ વચ્ચે) જુદા જુદા પ્રકારના નશાની લપેટમાં છે. દેશમાં સિન્થેટિક ડ્રગ્સ સ્મેક, હેરોઈન, આઈસ, કોકેઈન, મારિજુઆના વગેરેનો ઉપયોગ વધ્યો છે. ચાલો, આ રિપોર્ટમાં દેશ અને દુનિયામાં નશાનો ઉપયોગ અને તેનાં ગંભીર પરિણામો વિશે જાણીએ.

ગુજરાતના આંકડા ચેતવણી સમાન છે

 
૨૦૧૪માં નારકોટિક્સ ડ્રગ એક્ટ (NDPS) અંતર્ગત ૪૩,૨૯૦ કેસ દાખલ થયા હતા. જેમાં સૌથી વધુ પંજાબમાં ૧૬,૮૨૧, ઉત્તર પ્રદેશમાં ૬૮૧૦, મહારાષ્ટમાં ૫૯૮૯, તમિલનાડુમાં ૧૮૧૨, રાજસ્થાનમાં ૧૩૩૭, મધ્યપ્રદેશમાં ૧૦૨૭ તો સૌથી ઓછો કેસ ગુજરાતમાં ૭૩ તથા સિક્કિમમાં ૧૦ નોંધાયા હતા. જો કે આ આંકડા ઘણા જૂના છે. નશાનો આ રાક્ષસ ધીરે ધીરે હવે આપણા ગુજરાતને પણ તેના ભરડામાં લઈ રહ્યો છે. એક નિવૃત્ત પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૨૦ લાખ કિલોથી પણ વધુ ગાંજો બહારના રાજ્યોમાંથી આવે છે. એક કિલો ગાંજાના પત્તા પાંચથી છ હજાર રૂપિયાના ભાવે મળે છે. જે હવે ખાસ પ્રકારના કાગળમાં સિગરેટ બનાવીને ફિલ્ટર સાથે પીવામાં આવે છે. ઓરિસ્સાથી આવતા ગાંજાનું હોટસ્પોટ વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ જેવા રેલવે સ્ટેશનો છે.
 

drugs_1  H x W: 
 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પ્રમાણે ગુજરાતનાં યુવાનોમાં ડ્રગ્સની આદત વધી ગઈ છે. યુવાનો પાર્ટીના બહાને ડ્રગ્સ લેતા હોય છે. હાલ ગુજરાતમાં ગાંદા બાદ ચરસ સૌથી સરળતાથી મળી રહે છે. ચાની કિટલીઓ પર ખાનગી રીતે ચરસના ગોળદાણા રાખેલા હોય છે.નાર્કોટિક્સ વિભાગ અમદાવાદના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ૧.૩૪૫.૮૯૬૫૩ કિલો ચરસ, ૨,૦૯૯,૮૧૬ કિલો હેરોઈન, ૧૪૧૦ કિલો બ્રાઉન સુગર તો ૬૪૨.૯૨૩ કિ. ગ્રા. ગાંજો પકડાયો છે.

બોલિવૂડ અને અંધારી આલમના સંબંધો

 
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં સીબીઆઈ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આ મામલે બોલિવૂડનાં અનેક રહસ્યો સામે આવી રહ્યાં છે. હવે આ કેસમાં રિયા ચક્રવતીના અંડરવર્લ્ડ કનેક્શનની વાતો પણ થવા લાગતાં ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર મામલે હવે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝ ૧૮ ઇન્ડિયા નામની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં છોટા શકીલે બોલિવૂડમાં અંડરવર્લ્ડની આજે પણ પકડ હોવાની વાત કહી છે અને કહ્યું છે કે, આજે પણ બોલિવૂડમાં ફિલ્મ-નિર્માણ માટે અમે પૈસા આપીએ છીએ. ડોન છોટા શકીલના આ નિવેદન બાદ ફરી એક વખત આખા બોલિવૂડને કઠેરામાં ઊભું કરી દીધું છે.
 
બોલિવૂડ અને અંડરવર્લ્ડના સંબંધો અને બોલિવૂડમાં અંડરવર્લ્ડની દખલઅંદાજીનો એક આખો ઇતિહાસ છે. યાદ કરો અબ્બાસ મસ્તાનની ફિલ્મ ચોરી ચોરી ચૂપ કે ચુપકેને. ફિલ્મ વખતે અભિનેત્રી પ્રીતિ ઝિંટાને દાઉદ ઇબ્રાહિમની ટોળી દ્વારા ધમકીઓ પર ધમકીઓ આપવામાં આવતાં તેણે આ મામલે અવાજ ઉઠાવ્યો હતો, ત્યાર બાદ પ્રીતિ ઝિંટાની કારકિર્દીનું શું થયું એ આપણે સૌ જાણીએ જ છીએ. એક સમયે અનુરાધા પૌંડવાલ અને ગુલશન કુમારની બોલિવૂડની તુતી બોલતી હતી, પરંતુ તેમનો ઝુકાવ હિન્દુ ધર્મના ધાર્મિક સાહિત્ય તરફ વળતાં અનુરાધા પૌંડવાલને કામ આપવાનું જ બંધ કરી દીધું હતું, જ્યારે ગુલશન કુમારની હત્યા કરી દેવાઈ હતી, જેમાં પણ ખાન બંધુઓનું નામ ઊછું હતું.
 
પાકિસ્તાનમાં રહેલા દાઉદ ગેંગના છોટા શકીલ અને શાહરૂખ ખાનની ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, બાદશાહ વગેરે ફિલ્મોના નિર્માતા ભરત શાહ વચ્ચેની ટેલિફોનિક વાતચીતની ૩૨ ટેપો બહાર પડતાં ખળભળાટ મચ્યો હતો. અંડરવર્લ્ડનો બોલિવૂડ સાથેનો સંબંધ છેક હાજી મસ્તાન અને કરીમ લાલાના સમયથી ચાલતો આવ્યો છે. બોલિવૂડમાં એક સમયે હાજી મસ્તાનની દખલ ખૂબ હતી. અંડરવર્લ્ડની દખલ ન માત્ર ફિલ્મોમાં પૈસા લગાવવા પૂરતી જ મર્યાદિત હતી, બલ્કે ફિલ્મની સ્ટારકાસ્ટથી માંડી સ્ટોરી અને ફિલ્માંકનમાં પણ અંડરવર્લ્ડની દખલઅંદાજી રહેતી હતી. માટે જ ફિલ્મોમાં ક્યારે પણ કોઈ મૌલવીને અધર્મી કે ખલનાયક તરીકે ચીતરાતો નહોતો જ્યારે પૂજારીનું ચરિત્રણ હંમેશા દાગદાર જ બતાવવામાં આવતું હતું. મંદિરોને અપમાનજનક, જ્યારે મસ્જિદો-દરગાહોને ગૌરવપૂર્વક જ બતાવવામાં આવતાં હતાં. મુસ્લિમ પાત્રને હંમેશાં ઇમાનનું પાક્કુ જ્યારે હિન્દુ સંત - પૂજારીને અંધશ્રદ્ધાળુ, લાલચુ બતાવવામાં આવતું હતું.
 
જો કે ૧૯૯૩ના બોમ્બે બોમ્બ પ્લાસ્ટ બાદ મુંબઈમાં અંડરવલ્ડ પર તવાઈ આવતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ દેશ છોડવા મજબૂર થયો. ત્યારે લાગતું હતું કે બોલિવૂડમાંથી હવે અંડરવર્લ્ડનો પરદો પડી જશે, પરંતુ ત્યાર બાદ પણ દાઉદના ત્યાં યોજાતી પાર્ટીઓમાં બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓ તેની પાર્ટીની રોનક વધારવાના અહેવાલો આવતા રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમ અનિતા અયુબ, દાઉદ મંદાકિનીથી માંડી અબુ સલેમ મોનિકા બેદી સુધીના સંબંધો હંમેશા બોલિવૂડ અને અંડરવર્લ્ડના સંબંધોની ચાડી ખાધી છે. તો દાઉદ ઇબ્રાહિમ સાથેના અનિલ કપૂર, ગોવિંદાની તસવીર હોય કે પછી સંજય દત્ત અબુસલેમના સંબંધો જ્યારે જ્યારે આવા અહેવાલો અને તસવીરો બહાર આવે છે ત્યારે દેશનો સામાન્ય દર્શક જે આવા અભિનેતા-અભિનેત્રીઓને પોતાના આદર્શ માને છે તે પોતાને છેતરાયેલા અનુભવે છે. એ ત્યારે સમય છે બોલિવૂડમાંથી ડ્રગ્સની સાથે સાથે અંડરવર્લ્ડની ગંદકીને દૂર કરવાના અને બોલિવૂડનું ભારતીયકરણ કરવાનો..

ભારતમાં ડ્રગ્સનું બજાર

 
યુએન ઓફિસ ઓફ ડ્રગ એન્ડ કન્ટ્રોલના રિપોર્ટ મુજબ ૨૦૧૬માં આખી દુનિયાભરમાં સપ્લાય થનારા કુલ ગાંજાનો ૬ ટકા એટલે કે લગભગ ૩૦૦ ટન ગાંજો એકલા ભારતમાં જપ્ત કરાયો હતો. આટલું જ નહીં ૨૦૧૭માં આ માત્રા વધીને ૩૫૩ ટન થઈ ગઈ હતી. જ્યારે ચરસની વાત કરીએ તો ૨૦૧૭માં ૩.૨ ટન ચરસ સીઝ કરાયું હતું. નશાના કારોબારના સચોટ આંકડા તો ઉપલબ્ધ નથી પણ જુદી જુદી એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ માને છે કે ભારતમાં તેનો વાર્ષિક ગેરકાયદે કારોબાર લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનો છે.

દેશમાં તેને રોકવા માટે કાયદો

 
દેશમાં મુખ્યત્વે એનડીપીસી એક્ટ, ૧૯૮૫ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરાય છે. તેમાં નશીલા પદાર્થોનું સેવન કરવા, રાખવા, વેચવા કે તેમની આયાત-નિકાસ કરવી કે પછી તેના વેપારમાં કોઈની મદદ કરવા બદલ ગંભીર સજાની જોગવાઈ છે. જે-તે ગુના પ્રમાણે કાયદામાં સજા નિશ્ર્ચિત છે. આ કાયદા અંતર્ગત સરકાર કેસ ઝડપથી ચલાવવા વિશેષ અદાલતોની સ્થાપના કરી શકે છે. જે ગુનામાં ૩ વર્ષથી વધુ જેલ થતી હોય તેવા કેસોની ટ્રાયલ વિશેષ અદાલતોમાં હાથ ધરાય છે. આ પ્રકારના ગુનાના આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય છે. આ પ્રકારના ગુનાના આરોપી સામે કાયદા દ્વારા કડક હાથે કામ લેવાય છે.

એનસીબી શું છે, તે કેવી રીતે કામ કરે છે ?

 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી છે, જે ડ્રગ્સના કેસોની તપાસ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરે માદક પદાર્થોની તસ્કરી રોકવાનો છે. તે કસ્ટમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી/જીએસટી, રાજ્ય પોલીસ વિભાગ, સીબીઆઇ, સીઇઆઇબી તથા અન્ય રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરની ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કરે છે. હાલ આ એજન્સીમાં અંદાજે ૧ હજાર કર્મચારી છે. તેનું કામ કસ્ટમ્સ કોઓર્ડિનેશન કાઉન્સિલ, ઇન્ટરપોલ, યુએનડીસીપી, આઇએનસીબી, આરઆઇએલઓ જેવી આં.રા. એજન્સીઓ સાથે સંપર્કો બનાવવાનું પણ છે.
 

drugs_1  H x W: 

ગેરકાયદે ડ્રગ્સ મામલે ભારતની સ્થિતિ

 
ભારતમાં ઓપિઓડનો નશા તરીકે ઉપયોગ ગ્લોબલ અને એશિયન સરેરાશથી પણ વધુ છે. જોકે કેનબિસ, એટીએસ અને કોકેઈન જેવાં ડ્રગ્સના ઉપયોગનું ચલણ અહીં ઓછું છે.
 
- દુનિયાભરમાં નશાના કેટલાક ભયાવહ આંકડા ૨૭.૫ કરોડ લોકો દુનિયાભરમાં ગેરકાયદે રીતે નશો કરે છે.
- ૧૯.૨ કરોડ લોકો વિશ્ર્વમાં ગાંજાનો નશો કરે છે.
 
- ૩૩ લાખ લોકોનાં મોત વર્ષે નુકસાનકારક દારૂથી થાય છે.
 
- ૧.૧ કરોડ લોકો ઇન્જેક્શનથી નશો કરે છે, જેમાંથી ૧૩ લાખ HIV પોઝિટિવ. 55 લાખને હેપેટાઇટિસ-સી. ૧૦ લાખને HIV અને હેપેટાઇટિસ-સી બંને છે.
 
આ બધી જ વિગતો રજૂ કરવા પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે, સુશાંતસિંહ ડ્રગ્સના રવાડે ચડે કે રિયા તેને ડ્રગ્સના રવાડે ચઢાવે તે આ દેશની ચિંતા નથી. અભિનય અને મોડેલિંગના ક્ષેત્રમાં કારકિર્દીનો સમયગાળો ખૂબ ટૂંકો હોય છે. અમિતાભ બચ્ચન કે લતા મંગેશકર જેવું પ્રારબ્ધ બધાનું હોતું નથી. ડ્રગ્સના સેવનથી ભ્રામક ઊર્જા જળવાયેલી રહે, ભૂખ લાગે નહીં અને કૃત્રિમ ઊર્જા જળવાયેલી રહે તેવી માન્યતાએ આ ક્ષેત્રની રૂપસુંદરીઓ ડ્રગ્સની બંધાણી થતી હશે તેવું માનવાને એક સબળ કારણ છે. બાકી હતું તે સર્લિન ચોપડાએ કેટલાક ક્રિકેટરની પત્ની પર મેચ પછીની પાર્ટીમાં ડ્રગ્સ સેવનનું ગતકડું છોડી દીધું છે. મૂળ સમસ્યા સ્ટારડમ કે અતિ ધનાઢ્ય નબીરાઓના કુછંદની નથી, ભેંસનાં શિંગડાં ભેંસને ભારે. મૂળ પડકાર દેશની યુવા પેઢીમાં પ્રવેશી રહેલા નશાખોરીના દૂષણને નાથવાનો છે. મોટાં શહેરોમાં અને ખાસ કરીને એવાં શહેરો કે જ્યાં વ્યાપાર અથવા તો શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ વિશેષ છે ત્યાં યુવાધન નશાખોરીની અડફેટે ચઢી રહ્યું છે.