ગાંધીજી - વિનોદવૃત્તિવાળો એકમાત્ર અનન્ય અપૂર્વ માણસ । વાંચો તેમના કેટલાંક પ્રસંગ

    ૦૨-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

gandhiji_1  H x
 
 
એક વાર એક અંગ્રેજે ગાંધીજીને પૂછ્યું કે જીવનમાં વિનોદવૃત્તિની જરૂર છે એમ આપ માનો છો ? ત્યારે ગાંધીજીએ જવાબ વાળ્યો હતો કે મારામાં વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત.
 
 

ગાંધીજીની હાસ્ય-વિનોદવૃત્તિના કેટલાક પ્રસંગો

 
- એક જાહેરસભામાં ગાંધીજીએ 125 વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજા દિવસે સરકારે એમની ધરપકડ કરી અને આગાખાન મહેલમાં એમણે 21 દિવસના ઉપવાસ કર્યા. તબિયત લથડી. માંદગીને લીધે સરકારે છોડી મૂક્યા. ત્યારે પં. મદનમોહન માલવિયાજીએ તાર કરીને એમને શુભેચ્છા પાઠવી કે, માનવજાત અને ભારતમાતાની સેવા કરવા પ્રભુ તમને સો વર્ષનું આયુષ્ય આપો. ગાંધીજીએ પત્ર લખ્યો કે, તાર મળ્યો પણ કલમના એક જ ઝટકે આપે મારા આયુષ્યમાંથી 25 વર્ષ કાપી નાંખ્યાં. ભલે, હવે એ વર્ષો આપના આયુષ્યમાં ઉમેરી દેજો.
 
- ખોરાક સંબંધી અનેક પ્રયોગો કરવામાં અને કોઈએ કર્યા હોય તો એના પરિણામ વિશે જાણવામાં ગાંધીજીને રસ હતો. એકવાર મદ્રાસથી એક ભાઈ આવ્યા જેમણે કાચા અન્નનો પ્રયોગ વર્ષો સુધી કર્યો હતો. એમણે અન્નની પ્રશંસામાં દૂધને સર્વથા ત્યાજ્ય ગણ્યું. એટલું જ નહીં, દૂધથી મનુષ્યની બુદ્ધિ પશુ સમાન થઈ જાય છે ત્યાં સુધી કહ્યું. બકરીના દૂધને પોતાના ખાસ ખોરાક તરીકે સ્વીકારી ચૂકેલા ગાંધીજીએ તરત જ પોતાના હાથની આંગળી માથા પર મૂકી શિંગડાં જેવો દેખાવ કર્યો અને બોલ્યા, જુઓ, જુઓ, મને પણ શિંગડાં ઊગવા લાગ્યાં.
 
 
 
- દક્ષિણમાં યાત્રા દરમિયાન એક બહેને ગાંધીજીને પોતાના ઘરેણાં ભેટ આપ્યાં. ગાંધીજીએ એમના પતિને પૂછ્યું કે તમે આ સંદર્ભે એમને સંમતિ આપી છે કે કેમ? પતિએ જણાવ્યું કે સંમતિ તો લીધી છે પરંતુ આ ઘરેણાં એનાં છે, એને ના પાડવાની મને સત્તા નથી. ગાંધીજીએ તરત જ એમની ઉંમર પૂછી. પતિએ કહ્યું, 30. તરત ગાંધીજીએ કહ્યું કે, તમારી ઉંમરે મારામાં આટલું શાણપણ ન હતું. એ જરા મોડું આવ્યું.
 
- આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે સાથે બીજા આશ્રમવાસીઓ પણ હતા. એવામાં, એમાંના એક, ડૉ. ગિલ્ડરની લગ્નતિથિ નિમિત્તે કેરીનો કરંડિયો આવ્યો. વાતવાતમાં કસ્તૂરબાએ ગાંધીજીને પૂછ્યું કે આપણાં લગ્નને કેટલાં વર્ષ થયાં? તરત જ ગાંધીજી બોલી ઊઠ્યા કે, બાને પણ પોતાનો લગ્નદિવસ ઊજવવો હોય એમ લાગે છે.
 
- ગાંધીજી અરીસાની મદદ વગર પણ હજામત કરી શકતા. એક પત્રકારે એકવાર એમને પૂછી લીધું કે તમે અરીસામાં તમારું મુખ કેમ જોતા નથી? ગાંધીજીનો જવાબ તૈયાર જ હતો કે, "જે કોઈ મને મળવા આવે છે એ દરેક મારું મુખ જુએ છે, એટલે.”
- એકવાર ફરવા નીકળેલા ગાંધીજીને પત્રકારે પૂછ્યું કે તમે તો સંત છો. મૃત્યુ પછી આપને સ્વર્ગ જ મળશે, કેમ ખરુંને? ગાંધીજીએ પોતાના હાજરજવાબીપણાનો પરિચય આપતાં કહ્યું કે, સ્વર્ગ મળશે કે નર્ક એ તો હું ન કહી શકું પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યાં હોઈશ ત્યાં મારા સ્વાગત માટે પત્રકારોનું દળ તો ઉપસ્થિત હશે જ હશે.
 
- સમયપાલનમાં ગાંધીજી એકદમ ચુસ્ત હતા. એકવાર એક બેઠકમાં એમને એક લોકપ્રિય નેતાની પોણો કલાક રાહ જોવી પડી. તરત જ ગાંધીજીએ ટકોર કરી કે, જો હવે સ્વરાજ 45 મિનિટ મોડું આવશે તો એ માટે તમે જવાબદાર હશો.
 
- આશ્રમમાં બાળકો અનેકવાર ગાંધીજીને સવાલો પૂછતા. એક દિવસ એક બાળકે પૂછ્યું કે તમે અમારી સામે ભગવદ્ગીતાની વાત કરો છો. એમાં તો અર્જુનના એક શ્ર્લોકના સવાલનો ભગવાન શ્રીકૃષ્ણ આખા અધ્યાય તરીકે જવાબ આપે છે, અને અમે આખું પાનું ભરીને સવાલ પૂછીએ ત્યારે તમે માત્ર એક વાક્ય કે ક્યારેક એક શબ્દમાં પતાવો છો, એ વાજબી છે? ગાંધીજીએ તત્ક્ષણ જવાબ આપ્યો, ભગવાન શ્રીકૃષ્ણને તો એક જ અર્જુનને જવાબ આપવાનો હતો, અહીં તો તમે કેટલાં બધાં છો?
 
- એશિયાઈ પરિષદમાં તિબેટના પ્રતિનિધિઓ આવેલા. એમણે ગાંધીજીને કાંતેલી સૂતરની આંટી ભેટ આપી. એમણે એની માહિતી માગી ત્યારે ખબર પડી કે એ ચીનમાં જ વણાઈ અને કંતાઈ પણ છે. રેંટિયાના માધ્યમથી તૈયાર થયેલા આટલા બારીક સૂતરને જોઈ ગાંધીજીએ તરત જ કહ્યું કે હવે મારી ઉંમર લગ્ન કરવાની રહી નથી, તેમ છતાં આટલું બારીક જે છોકરીએ કાંત્યું હશે એની સાથે હું લગ્ન કરી લઈશ.
 
- સેવાગ્રામમાં ગાંધીજયંતી ઊજવાઈ રહી હતી. કેટલાક લોકો ગાંધીજી અને કસ્તૂરબા બેય માટે ભેટ લાવેલા. બહેનોએ જ્યારે સાડી ભેટ ધરી ત્યારે ગાંધીજીએ કહ્યું, હવે તમે મને સાડી પહેરાવવા ઇચ્છો છો કે શું? ત્યારે ખબર પડી કે એ ભેટ તો કસ્તૂરબા માટે હતી. તરત જ ગાંધીજીએ જવાબ વાળ્યો કે, "જન્મ જયંતી મારી અને ભેટ બાને ?”
 

gandhiji_1  H x 
 
- એકવાર એક અંગ્રેજે ગાંધીજી વિશે વ્યંગમય કવિતા લખીને વાંચવા આપી. ગાંધીજીએ કવિતા ફાડીને કચરાટોપલી ભેગી કરી એ પહેલાં એમાં ખોસેલી પિન કાઢી લીધી. અંગ્રેજે કહ્યું કે એ કવિતામાં તમારા માટે કામનું છે ત્યારે ગાંધીજીએ તરત જ કહ્યું કે, ‘જે કામનું હતું એ મેં કાઢીને સાચવી લીધું છે.’
 
- બકિંગહામ મહેલમાં રાજા જ્યોર્જ સાથે ગાંધીજીની મુલાકાત હતી. એમના હંમેશના પોશાકમાં પોતડીભેર એ તો રાજાને મળવા ચાલ્યા ત્યારે એક પત્રકારે પૂછ્યું કે આવા પોશાકમાં તમને શાહી મહેલમાં પ્રવેશતાં મૂંઝવણ કે ખચકાટ થતો નથી? ત્યારે ગાંધીજીએ તરત જ ઉત્તર વાળ્યો કે, ‘અમને બંનેને ચાલે એટલાં કપડાં પહેરીને પહેલેથી રાજા તો ત્યાં બેઠા જ છે, પછી શેની મૂંઝવણ?’
 
- એકવાર આશ્રમમાં કોઈ મહેમાન આવવાના હતા. પણ રસોડાનું બધું કામ પરવારીને કસ્તૂરબા આરામ કરી રહ્યાં હતાં. એમને ખલેલ ન પડે એટલે ગાંધીજીએ આશ્રમનાં છોકરા-છોકરીઓને રસોઈનું કામ સોંપ્યું. વાસણના અવાજથી કસ્તૂરબા જાગી ગયાં અને કામમાં જોડાઈ ગયાં. પછી આ બાબતે વાત નીકળી ત્યારે કસ્તૂરબાએ પ્રેમથી ફરિયાદ કરી ત્યારે ગાંધીજીએ કહ્યું કે, ‘આવે વખતે મને તમારી બહુ જ બીક લાગે છે, એ શું તમને ખબર નથી, બા ?’
 
- એકવાર એક પ્રખ્યાત વિદેશી હસ્તરેખાશાસ્ત્રી ગાંધીજીને મળવા આવ્યો. એણે ગાંધીજીનો હાથ જોવાની માગણી કરી. ગાંધીજીએ તરત જ કહી દીધું કે, ‘હજુ મેં મારી મૂઠી કોઈની સમક્ષ ખોલી નથી.’
 
- એકવારે એક જોશીએ ગાંધીજી વિશે ભવિષ્ય ભાખ્યું કે ગાંધીજી 100 વર્ષ જીવશે. અંતેવાસીઓમાંથી કોઈકે આ બાબતે એમનો મત પૂછ્યો ત્યારે ગાંધીજીએ કહ્યું ‘હવે મારે એમને સાચા ઠેરવવા 100 વર્ષ જીવવું પડશે.’
 
- ગાંધીજી પદ્મજા નાયડુને એમની તબિયત વિશે લગભગ નિયમિત પત્ર લખતા અને ખોરાક, દવા વગેરે બાબત વિશે પુછાવતા. એક દિવસ પદ્મજાને એની નાની બહેને પૂછ્યું કે ગાંધીજીને દરરોજ પ્રેમપત્ર લખવાનો સમય ક્યાંથી મળે છે? પદ્મજાએ આ વાત ગાંધીજીને લખી અને પ્રત્યુત્તર આવ્યો કે, ‘એ સ્પષ્ટ છે કે એ કોઈની સાથે પ્રેમમાં પડી નથી, કારણ કે તમે પ્રેમમાં હો ત્યારે પ્રેમપત્ર લખવાનો સમય તમને હંમેશા મળી રહે છે.’
 

gandhiji_1  H x 
 
- ગાંધીજીની તબિયત સારી-નરસી રહેતી. મિત્રોની ચિંતા દૂર કરવા એક મિત્રને પત્ર લખ્યો કે, ‘મારી તબિયત ચંદ્રમાની કળા જેવી છે વધે છે અને ઘટે છે. માત્ર અમાવસ્યામાંથી છટકી જાય છે.’
 
- એકવાર ભરઉનાળે લૂઈ ફિશર ગાંધીજીને મળવા વર્ધાથી સેવાગ્રામ પહોંચ્યા ત્યારે પરસેવે રેબઝેબ હતા. તરત જ ગાંધીજીએ કહ્યું, ‘તમે એર-કન્ડિશન્ડ ટાંગામાં આવ્યા લાગો છો.’
 
- ગાંધીજીને સત્ય જેમ જેમ સમજાતુ ગયું એમ તેમના વિચારોમાં ફેરફારો થતા રહ્યા. એમની વાત સત્ય સાથે સુસંગત રહેતી છતાં સાથીઓ ક્યારેક વિમાસણમાં મુકાઈ જતા. એક સાથીએ એમને પૂછ્યું પણ ખરું કે એક જ મુદ્દે ગયા અઠવાડિયે તમે એક વાત કરી અને આ વખતે એનાથી તદ્દન જુદી જ વાત કેવી રીતે કહી શકો? ત્યારે ગાંધીજીએ સ્વીકાર્યું કે ‘ગયા અઠવાડિયા પછી હું કંઈક શીખ્યો છું.’
 
- એક પત્રકારે પૂછ્યું કે સ્વરાજ મળ્યા પછી તમારું સ્થાન ક્યાં હશે? ત્યારે ગાંધીજીએ કહેલું કે ‘લાંબી અને યોગ્ય રીતે ચઢેલી મારી રજા પર ઊતરી જવાનું મને ગમશે.’
 
- એક ભાઈએ પૂછ્યું કે તમે કાંતો છો શા માટે? ગાંધીજીનો જવાબ હતો, ‘સહનશીલતા કેળવવા માટે એ સારી અને મોટી કસરત છે. જ્યારે પત્ની ગુસ્સે હોય ત્યારે દલીલ ન કરતાં કાંતવા માંડો.’
એક વેળા ગાંધીજી એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યા. ગોરા હજામે તેમને પૂછ્યું, ‘કેમ, શું કામ છે ?’
"મારે વાળ કપાવવા છે,” ગાંધીજીએ કહ્યું.
"માફ કરજો, હું તમારી હજામત નહીં કરી શકું. જો હું કાળા હિંદીના વાળ કાપું તો મારે મારા ઘરાકો ગુમાવવાના થાય.” આમ કહી તેણે હજામત કરવાની ઘસીને ના પાડી, ને ના પાડવામાં તિરસ્કાર બતાવ્યો એ વધારાનો. આ અપમાન ગાંધીજીના દિલમાં ઊંડું ઊતરી ગયું. તેમણે વાળ કાપવાનો સંચો ખરીદી લીધો અને ઘરે આવી અરીસા સામે ઊભા રહી વાળ પોતાની મેળે જ કાપ્યા. દાઢી તો જાતે કરી લેવાય, પણ પોતાના વાળ જાતે કાપી લેવા એ મુશ્કેલ કામ હતું. તેમણે વાળ જેમતેમ કાપ્યા તો ખરા, પણ પાછળના વાળ કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. હંમેશની જેમ, બીજે દિવસે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ તેઓ કોર્ટમાં ગયા. તેમના જોકર જેવા વાળ જોઈ કોર્ટમાં મિત્રો પેટ પકડીને હસ્યા. "તારે માથે ઉંદર ફરી ગયા છે ?” એકે મશ્કરીમાં પૂછ્યું. ગાંધીજીએ તેને ગંભીરતાથી કહ્યું, ‘ના, મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે ? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધારે પ્રિય છે.’
 
- પરીક્ષિત જોશી