ખડ્ડા - આજની ટૂંકી વાર્તા । ‘કલ, સુબહ મૈં ઈસકો ગાડ આઉંગા, જીતના પ્યાર કરના હૈ, કર લે...’

    ૨૭-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

gujarati varta_1 &nb
 
મહંમદ હુસેનની બીવીને ગર્ભ રહ્યો ત્યારથી જ એ બેટાનાં સપનાંઓ જોવા લાગ્યો હતો. પણ બીવીને પ્રસૂતિ થઈ ત્યારે મહંમદ હુસેનના બધાં જ સપનાંઓ ચકનાચૂર થઈ ગયાં. એની બીવીએ દીકરીને જન્મ આપ્યો હતો. મહંમદ હુસેનના ગુસ્સાનો પાર ના રહૃાો. એ વખતે સોનોગ્રાફી મશીનો હતાં નહીં કે એણે ચેક કરાવ્યું હોય. જો હોત તો એણે દીકરીને ગર્ભમાં જ મારી નાંખી હોત. પણ એ સમયે એ સમય જેવા રિવાજો હતા. ઘણી જગ્યાએ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો તો રણપ્રદેશમાં રહેતા લોકોને ત્યાં દીકરી જન્મે તો એને દૂર રણમાં જઈ ખાડો ખોદીને દાટી દેવાનો રિવાજ હતો. મહંમદ હુસેનને કોઈ પણ ભોગે દીકરી નહોતી ખપતી પણ બીવીની ઇચ્છાને કારણે જેમ તેમ કરી એણે પાંચ વર્ષ કાઢી નાંખ્યાં. પછી એક દિવસ એણે નક્કી કરી નાંખ્યુ કે દીકરી તો ખર્ચાનો ખાડો કરાવે છે. હવે એને પતાવી દીધે જ છૂટકો. અને એક દિવસ એણે એની બીવીને કહ્યું, ‘કલ, સુબહ મૈં ઈસકો ગાડ આઉંગા, જીતના પ્યાર કરના હૈ, કર લે...’
 
બીવીએ ઘણી આનાકાની કરી. પણ મહંમદ હુસેને એની એક વાત પણ ના સાંભળી. બીજા દિવસે સવારે એ બેટીને લઈને નીકળી પડ્યો. એક હાથમાં દીકરી અને બીજા હાથમાં પાવડો લઈને એ દૂર ને દૂર ચાલવા લાગ્યો. નિર્જન વિસ્તાર શોધતાં શોધતાં બપોર ચડી ગયા.
 
એક અવાવરુ જગ્યાએ જઈ એણે દીકરીને પાસે બેસાડી અને ખાડો ખોદવા લાગ્યો. ગરમી ખૂબ હતી. મહંમદને પરસેવો વળી રહૃાો હતો. પરસેવામાં રેબઝેબ જોઈને બાજુમાં બેઠેલી દીકરી ઊભી થઈ અને એના ડ્રેસના પાલવથી એણે એના પિતાના કપાળનો પરસેવો લૂછી નાંખ્યો. પિતા એની સામે જોઈ રહ્યા. દીકરીએ કહ્યું, ‘અબ્બુજાન - આપ ફિકર મત કરો. આપ જબ તક ખડ્ડા નહીં ખોદ લેતે તબતક મૈં આપકા પસીના પોંછતી રહૂંગી’ અને મહંમદના હાથમાંથી પાવડો પડી ગયો. એ દીકરીને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે અલ્લાહની માફી માંગી અને દીકરીને લઈને ઘરે આવ્યો.