ગુજરાતને વિકાસની ડ્રાઈવિંગ સીટ પર બેસાડનારા કેશુભાઈ પટેલની વિદાઈ

    ૨૯-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

keshubapba_1  H
 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઈ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. કેશુભાઈ પટેલનું આજે 92ની વયે નિધન થયું છે.  થોડા સમય પહેલા કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો આથી કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા. કોરોના તેમના મજબૂત ઇરાદા સામે ટકી શક્યો નહી. કોરોનાને તો તેમણે માત આપી પણ લાંબી ઉમર અને તેના કારણે થતી બિમારીના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે.
 
હજી 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું અવસાન થયું હતું. કેટલાક દિવસથી તેમને ફેફસાં અને હૃદયની તકલીફ રહેતી હતી આથી જ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
 
બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. તેમનું આખું જીવન સંઘર્ષમય રહ્યું. શરૂઆતમાં તેઓને અનાજ દવાની ઘંટી હતી, પછી તેઓ રજનીતિમાં આવ્યા અને સફળ મુખ્યમંત્રી સુધીની સફર કરી. ગુજરાતમાં ભાજપને ઉભુ કરવામાં કેશુબાપાનોં સિંહફાળો રહ્યો છે. તેમની સાથે કામકરી ચૂકેલા અનેક વડિલો કહે છે કે તે સમયે આવી સુવિધાઓ ન હતી. જનસંઘની સભા કરવા જવું હોય તો સાયકલ લઇને જવું પડતું. કેશુબાપાએ સભાઓ કરવા ગામે-ગામ સાયકલ વડે પ્રવાસો કર્યા હતા.
 

keshubapba_1  H 
 

લાલિયાદાદાને લાકડીથી ફટકાર્યો અને જનસંધમાંથી પહેલી ચૂંટણી જીત્યા

 
બાપાનો મિજાજ સરળ હતો પણ કોઇની સાથે અન્યાય થતો હોય તો તેઓ મદદ માટે પહેલા દોડી જતા. આવો જ એક કિસ્સો યાદ કરીએ તો તે સમયે રાજકોટમાં કેશુબાપા સંઘની શાખામાં જતા હતા. એક દિવસ સંઘની લાકડી લઇ કેશુબાપા સાઇકલ પર શાખાએ જવા નીકળ્યા. ત્યારે તે વિસ્તારમાં આવતા એક બજારમાં કોઇ લાલિયાદાદાનો ખૂબ ત્રાસ હતો. હવે જ્યારે કેશુબાપા ત્યાંથી નીકળ્યા તો તેમણે જોયું કે આ લાલિયાદાદા એક ગરીબ માણસને નિર્દયતાથી માર મારી રહ્યો હતો. કેશુબાપાથી આ જોવાયું નહી. તેમણે સાયકલ સ્ટેન્ડ પર ચડવી અને પાસે રહેલી લાકડીથી લાલિયાદાદાને ખૂબ ફટકાર્યો. એટલો માર્યો કે તેને ત્યાંથી ભાગી જવું પડ્યું. આ ઘટના પછી રાજકોટના લોકોએ બાપાને ખભે બેસાડી બજારમાં સરઘસ પણ કાઢ્યું હતું. આ ઘટના પછી એ વિસ્તારમાં બાપાને બધા માનથી જોવા લાગ્યા. તેમનું વર્ચસ્વ અહીં વધવા લાગ્યુ અને અહીંથી કોર્પોરેટરની ચૂંટણી પણ જીતી ગયા. મહત્વની વાત એ છે કે લાલિયાદાદા તો થીક પણ તેમણે લતિફના એરિયામાં જઈને કે જ્યા તે સમયે પોલીસ પણ જતા વિચાર કરતી, કેશુબાપાએ ત્યાં જઈને લતિફને પણ પડકાર્યો હતો.
 

એકલે હાથે ભાજપને 121 બેઠકો અને ગુજરાતમાં સરકાર બનાવી

 
1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચૂંટણી લડાઇ અને ભાજપ-જનતા દળની સંયુક્ત સરકાર પણ બની. પણ પછી ૧૯૯૫માં ભાજપે કેશુબાપાના નેતૃત્વમાં ગુજરાતમાં એકલા હાથે વિધાનસભાની ચૂંટણ લડી અને ભાજપને ૧૨૧ બેઠકો પર જીત મળી. ગુજરાતમાં ૧૨૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતીની સરકાર રચાઈ અને કેશુબાપા આ સરકારના મુખ્યમંત્રી બન્યા.
 

મુખ્યમંત્રીકાળ દરમિયાન કુશળ વહીવટકર્તા સાબિત થયા

 
શ્રી કેશુભાઈ પટેલ 14 માર્ચ, 1995થી 21 આક્ટોબર, 1996 અને 4 માર્ચ, 1998થી 6 આક્ટોબર, 2001 સુધી બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. તેઓ તેમનાં બંને વખતના મુખ્યમંત્રીકાળ દરમિયાન કુશળ વહીવટકર્તા સાબિત થયા હતાં. તેઓએ રાજ્યમાં ગુંડાગીરી નાબૂદ કરવા ‘પાસા’ (pasa) જેવો કડક કાયદો બનાવ્યો પરિણામે અચ્છા અચ્છા ગુંડાઓ સીધા દોર થઈ ગયા હતાં. તેઓએ ગોકુળગ્રામ યોજના શરૂ કરી તંત્રને ગ્રામલક્ષી બનાવ્યું, જેની નોંધ સમગ્ર દેશમાં એક નવતર પ્રયોગ તરીકે લેવાઈ.
 

keshubapba_1  H 
 
તેઓએ વનવાસી અને બક્ષીપંચની કન્યાઓને મફત સાયકલ આપતી સરસ્વતી સાધના નામની યોજના શરૂ કરી હતી, જેના પરિણામે કન્યા કેળવણીમાં વધારો થયો. તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતા લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિનાં નાણાંકીય લાભો આપ્યાં. નર્મદા યોજના અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં અસરકારક રજૂઆત કરી ચૂકાદો ગુજરાતની તરફેણમાં લેવડાવ્યો. પરિણામે બંધની ઊંચાઈ 85 મીટરથી વધારી 90 મીટર સુધી લઈ જવાની પરવાનગી મળતા નર્મદાના નીર ગુજરાતમાં વહેતાં થયાં.
 
તેમના શાસનમાં ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયાં. તેઓએ 25 ટકા લોકફાળાથી રાજ્યભરના 1 હજાર જેટલા જૂના તળાવો ખોદાવી ઊંડા કર્યા, તેઓએ મહી - પરીએજ, કોતરપુર, રાસ્કા, વગેરે પાણી યોજના થકી રાજ્યના આંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડ્યા.
 
તેઓએ ખેડૂતોને હકપત્ર અને નાગરિકોને અધિકાર પત્ર રાહત દરે અનાજ વિતરણની યોજના અમલમાં મૂકી. તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું.