દવાનું પડીકું – એક બોધપ્રદ વાત…

    ૦૭-ઓક્ટોબર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

gujarati varta_1 &nb
 
 

કોરોનાની આ મહામારીમાં દવાનું આવું પડીકું ડોકટર આપે તો કોરોનાનો રીકવરી રેટ વધી જ જાય

 
બે મિત્રો હતા. બંને ડાક્ટર. ડો. જયેશ અને ડો. મહેશ. બંનેનું દવાખાનું પાસપાસે જ હતું. બંને હોશિયાર પણ સરખા જ અને દવાઓ પણ સરખી જ આપે. છતાં ડો. જયેશના પેશન્ટ બહુ જ જલદીથી સાજા થઈ જાય અને ડો. મહેશના પેશન્ટને રોગ મટતાં થોડી વાર લાગે.
 
એક દિવસ બંને પાસે બે સરખા જ પેશન્ટ આવ્યા. સરખા જ રોગ અને સરખા જ સમયથી. બંનેના રીપોર્ટમાં રોગની માત્રા અને સમયગાળો પણ સરખાં જ હતાં. ડો. મહેશે ડો. જયેશ સાથે ચર્ચા કરી. બંને ડાક્ટરોએ પોતપોતાના પેશન્ટ્સને સરખી જ દવાઓ આપી.
 
બે મહિના પછી ફરીવાર ભૂતકાળ રીપોર્ટ થયો. ડો. જયેશનો પેશન્ટ 70 ટકા સાજો થઈ ગયો. એને પોણા ભાગનો આરામ આવી ગયો હતો. જ્યારે ડો. મહેશનો પેશન્ટ માત્ર 45 ટકા જ સાજો થઈ શક્યો.
 
ડો. જયેશે ડો. મહેશને પૂછ્યું, ‘દોસ્ત, આપણા બંનેના પેશન્ટ સરખા હતા. એમનો રોગ પણ સરખો હતો. આપણે બંનેએ એ બંનેને દવાઓનો ડોઝ અને પ્રકાર પણ સરખો જ આપ્યો. છતાં તારા પેશન્ટને 70 ટકા રાહત થઈ ગઈ જ્યારે મારા પેશન્ટને 45 ટકા જ રાહત થઈ એવું કેમ બન્યું ? મને આ ગણિત નથી સમજાતું.’
 
ડો. જયેશ મર્માળું હસ્યા, ‘એનો એક રાઝ છે દોસ્ત !’
 
‘શું રાઝ છે એ મને કહે... મારું મગજ કામ નથી કરતું. આવું બની જ કેવી રીતે શકે ?’ ડો. મહેશે ઉત્સુકતા દર્શાવી.
ડો. જયેશે રાઝ ખોલી નાંખ્યો, ‘દોસ્ત ! મેં તને પેશન્ટની ટ્રીટમેન્ટ કરતાં ઘણી વાર જોયો છે. તારું નિદાન એકદમ પરફેક્ટ હોય છે. તું જે દવાઓ આપે છે એ પણ એકદમ પરફેક્ટ હોય છે, પણ તું જ્યારે પેશન્ટના હાથમાં દવાનું પડીકું મૂકે છે ત્યારે એ માત્ર દવાઓથી જ ભરેલું હોય છે. એમાં ‘આશા’ નથી હોતી. જ્યારે હું કોઈ પેશન્ટને દવાનું પડીકું આપું ત્યારે એ પડીકામાં ‘આશા’ પણ બંધાવી આપું છું. હું એમને કહું છું કે, ‘આ દવા બહુ જ સારી છે. તમે બહુ જલદી સાજા થઈ જશો. ચિંતા ના કરશો.’ બસ, આટલા આશાવાદી શબ્દો આપણે આપેલી દવા કરતાંયે વધારે કામ કરે છે અને એ આશાને કારણે જ પેશન્ટના રોગમાં જલદી સુધારો થઈ જાય છે.’
 
ડો. જયેશની વાત સાચી હતી. ડો. મહેશે પેશન્ટોને સારામાં સારી દવા આપી હતી, પણ ક્યારેય આશાવાદી શબ્દો નહોતા કહ્યા. એ પછી એ પણ દવાના પડીકા સાથે આશા બંધાવી આપવા લાગ્યા અને એમના પેશન્ટ પણ બહુ જ જલદી રિકવર થવા લાગ્યા. આશા એ સારામાં સારી દવા પણ છે.
*****
 
આ આખીયે કમાલ આશાવાદની છે. ‘‘એ ફિલોસોફી આફ હ્યુમન હોપ’’ના લેખક જે. જે. ગુડફ્રેએ આશાવાદ વિશે સરસ વાત કરી છે કે, તમારી પાસે આશા હશે તો તમને તમારી જિંદગીમાં એ તમામ લક્ષ્ય દેખાશે જેને તમે પૂરાં કરી શકવા સક્ષમ હો એમ છો.
 
શક્ય છે કે તમારા જીવનમાં ખરાબ સમય પણ આવે. જેને કારણે તમારે તમારું લક્ષ્ય અડધેથી છોડવું પણ પડે. એવા સમયે જો તમારામાં આશાનું એક માત્ર કિરણ પણ બચ્યું હશે અને તમે એ કામ કરવા માટે સક્ષમ હશો તો આશાનું એ કિરણ તમને તમારાં લક્ષ્યો પાર પાડવામાં જરાય પીછેહઠ નહીં કરવા દે અને આખરે એક ઉત્તમ પરિણામ મળશે.’
 
રાજભોગ
 
સમાજ માટે આશાવાદી અને નિરાશાવાદી બંને માણસો કામના છે, કારણ કે આશાવાદી એરોપ્લેનની શોધ કરે છે અને નિરાશાવાદી પેરાશૂટની શોધ કરે છે.