વૈદ્ય સુષેણ - રાવણના રાજવૈદ્ય જેમણે લક્ષ્મણની સારવાર કરી

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

vaidya sushen_1 &nbs
 

વિભીષણના મનમાં સંશય હતો કે સાચે જ સુષેણ વૈદ મદદ કરી રહ્યા છે કે પછી એ એમની અને રાવણની કોઈ ચાલ છે ?

ચંદ્રમાં છુપાયેલું હરણ દ્વિધામાં હતું. એનો પથ અને સમય નિશ્ર્ચિત હોવા છતાં આજે જાણે એના પગ થંભી જતા હતા. ચાંદની ચાંદને સ્પર્શીને શીતળ બની રહી હતી. આ સ્ત્રીઓ પણ અદ્ભુત હોય છે. કિરણ જ્યાં સુધી એના જનક સૂર્ય સાથે હોય છે ત્યારે એ ઉષ્મા આપે છે અને એની ચમક અનેરી હોય છે. પણ જેવી એ ચંદ્રના સંપર્કમાં આવે છે, શીતળ બની જાય છે. આજે પેલા હરણની દ્વિધાનું કારણ પણ બે સ્ત્રીઓ જ હતી. એક વીણાવાદન કરી અને હરણને રોકવા માંગતી હતી અને બીજી વાઘનું ચિત્ર બનાવીને હરણને ડરાવીને ભગાડવા માંગતી હતી. એવું તો શું થયું હતું કે જેથી આ બંને સ્ત્રીઓ જાગતી હતી? એક સ્ત્રી વાટિકામાં વૃક્ષ નીચે બેઠી હતી તો બીજી મહેલના બગીચામાં. બંને સતી હતી. પણ એ આવું શા માટે કરતી હતી? ચન્દ્રએ નાનકડી વાદળીને પૂછ્યું. વાદળી થોડીક સરકી અને બોલી તું ચાંદનીને જ પૂછ ને. એ તો દિવસે કિરણ સ્વરૂપે હાજર જ હતી. વાદળી આગળ સરકી ગઈ. જગતનાં બધાં તત્ત્વો પોતપોતાનું કર્તવ્ય નિભાવતાં હતાં તો પછી ચાંદને દ્વિધામાં રહેવાનું થોડું જ ફાવે? એણે ચાંદની તરફ નજર કરી અને પેલા હરણને પણ ઉત્કંઠા જાગી.
 
લંકાની ભૂમિ પર મહાબલી રાવણ સીતાજીને લઈને આવ્યો ત્યાર બાદ ઘણું બધું બદલાઈ રહ્યું હતું. બાકી હતું તો સીતાજીને પાછાં લઈ જવા માટે શ્રીરામ સેના લઈને આવ્યા હતા. યુદ્ધ હમેશાં વિનાશ અને વિષાદને જ જન્મ આપે છે. પણ હવે એ વિચારવાનો સમય ન હતો. ચાંદનીને આમ પણ યુદ્ધવિરામ પછી રિબાતા માણસો જોવા ગમતા ન હતા. પણ ચંદ્રના સવાલને એ ટાળી ન શકી, કારણ કે આજે ખરેખર કાંઈક ખાસ થયું હતું. ચાંદનીએ ચાંદનો હાથ પકડીને દબાવ્યો. આજે મેં શ્રી રામની આંખોમાં આંસુ જોયાં. ચાંદની ઉદાસ વદને બોલી. પેલા હરણે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. આજે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા. શ્રી રામની છાવણીમાં સોપો પડી ગયો. સાંજ ઢળતી હતી અને બધાના ધબકારા વધી રહ્યા હતા. વાનરો અને રીંછની સેના ચિંતિત હતી. જાંબુવાન જેમને ઔષધિનું શ્રેષ્ઠ જ્ઞાન હતું તે પણ પોતાની ક્ષમતા પર શક કરવા લાગ્યા હતા. હવે શું થશે? જેમની પાસે શ્રેષ્ઠ જ્ઞાન હોય એ વ્યક્તિ જો કાંઈ ન કરી શકે તો પછી શું કરવાનું? જામ્બુવાને લક્ષ્મણનો હાથ પકડીને ફરી વાર નાડી પરીક્ષણ કર્યું અને એક ભારે શ્ર્વાસ છોડીને માથું ધુણાવ્યું. શ્રી રામની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ ખરવાનાં શરૂ થઈ ગયાં. પોતાના હૃદયથી સહુથી નજીક એવા ભાઈની આવી દશા એમનાથી જોવાતી ન હતી. વિધિને વળી એવું તો શું સૂઝ્યું કે આવી પરિસ્થિતિ ઊભી કરી? જામ્બુવાને વિભીષણ તરફ જોયું અને પોતાની તરફ આવવા ઇશારો કર્યો. નીરવ શાંતિમાં સામાન્ય ચાલતાં પગલાનો અવાજ પણ અધીરાઈ વધારતો હતો. એ ધીરેથી કોઈ નામ બોલ્યા અને વિભીષણના ચહેરા પર આશ્ર્ચર્યચિહ્ન ચિતરાઈ ગયું. એણે સર્વ પ્રથમ તો નકારમાં માથું ધુણાવ્યું.
 
પેલું હરણ પાછું થંભી ગયું. એ કોણ હશે? ચાંદનીએ ઊંડો શ્ર્વાસ લઈને વાત આગળ વધારી. સુષેણ વૈદ નામ સંભાળતાં જ ચંદ્રનું હૃદય પણ એક ધબકારો ચૂકી ગયું. લંકાના વૈદ અને એ પણ રાવણ માટે કામ કરનાર વ્યક્તિ. એના પર વિશ્ર્વાસ કરી શકાય ? પણ જાંબુવાન જાણતા હતા કે સુષેણ વૈદ સિવાય આ કાર્ય કોઈ નહિ કરી શકે. રાવણ ભલે ગુસ્સાવાળો હતો પણ એણે પણ શ્રી રામને બ્રાહ્મણ તરીકે પૂજા કરાવી હતી. જો રાજા કર્તવ્યનિષ્ઠ હોય તો એના રાજ્યમાં અન્ય વ્યક્તિઓ પણ એવી હોઈ શકે. પણ વિભીષણને ખબર હતી કે રાવણને ન ગમતું કરવાનાં પરિણામો કેવાં હોય છે. અને સુષેણ વૈદ તો પાછા સુગ્રીવની પત્ની તારાના પિતા સમાન હતા. બાલીની પત્નીએ બાલીના વધ પછી રિવાજ પ્રમાણે સુગ્રીવ સાથે લગ્ન કરવા પડ્યાં હતાં. પોતાના જમાઈ બાલીનો વધ કરનાર માણસને એ મદદ કરશે કે નહિ એ પણ એક દ્વિધા હતી. વળી ઝડપી નિર્ણય લેવો પણ જરૂરી હતો. જો સૂરજ ઊગી જાય તો યુદ્ધ શરૂ થઈ જાય અને લક્ષ્મણ વિના રાવણને કોઈ મારી શકે એવી ક્ષમતા ધરાવતું ન હતું. એક એક ક્ષણ અગત્યની હતી. વિભીષણને જે મૂંઝવણ હતી તે એણે રજૂ કરી. જામ્બુવાને દુનિયા જોઈ હતી. એમના મુખારવિંદ પર સ્મિત આવ્યું અને માત્ર એટલું બોલ્યા કે એમને બોલાવી તો જુઓ. રાવણ જેવા મહાન રાજા અને સુવર્ણનગરી લંકાના વૈદને બોલાવવા એ કાંઈ નાનીસૂની વાત થોડી જ હતી? એમના સન્માનમાં કોઈ ખોટ ન રહે એનું પણ ધ્યાન રાખવું જરૂરી હતું.
 
થોડાજ સમયમાં સુષેણ વૈદ લક્ષ્મણની બાજુમાં બેસીને નાડી પરીક્ષણ કરતા હતા. એમના ચહેરાનું તેજ એમના જ્ઞાનની ચાડી ખાતું હતું. વિશાળ કપાળમાં તિલક શોભતું હતું. આંખોમાં અનેરી ચમક હતી અને હાથ કમળ જેવા કોમળ હતા. કોઈ રાજાની છટાથી એ બેઠા હતા. એમનો અવાજ ધીરગંભીર હતો. આવા વૈદને જોતાં જ દર્દીને વિશ્ર્વાસ આવી જાય કે હવે એનું સ્વાસ્થ્ય સુધરશે જ. થોડા સમય સુધી બધાના શ્ર્વાસ રોકાઈ ગયા હતા. વાતાવરણમાં નીરવ શાંતિ હતી. વૈદ જાણે ભગવાન હોય એવું સન્માન પામે છે. પણ આ તો સુષેણ વૈદ હતા. એમના જ્ઞાન અને નિદાન બંનેમાં ઐશ્ર્વર્ય હતું. થોડી વારે એમના ચહેરા પર સ્મિત આવ્યું. એમણે શ્રીરામ સામે જોયું અને બોલ્યા. કોઈએ હિમાલય ગિરિમાળા સુધી જવું પડશે. એમની નજર હનુમાનજી પર પડી. જાણે વિશ્ર્વાસ વધ્યો હોય એ રીતે એમણે હનુમાનજીને સમજાવ્યું કે તમે દ્રોણગીરી પર્વત પર જાઓ. ત્યાં તમને કેટલાક ચમકતા છોડ દેખાશે. એમાંથી હું સમજાવું છું એવી ચાર પ્રકારની વનસ્પતિ લક્ષ્મણને જીવતદાન આપી શકશે. મૃત સંજીવની, વિશાલ્યકરણી, સંધાન્કારની અને સવર્નકરણી. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના હનુમાનજીએ વિદાય લીધી. બધાની નજર આકાશ તરફ હતી અને મનમાં એક ઇચ્છા હતી કે આજે રાત લાંબી ચાલે. અશોક વાટિકામાં સીતાજી સુધી આ સમાચાર પહોંચ્યા એટલે એમણે ચંદ્રની અંદરના હરણને રોકી લેવા વીણા વગાડવાનું શરૂ કર્યું. પણ મંદોદરી પણ સતી જ હતી ને ? એણે પોતાના કુળની રક્ષા માટે કાર્ય કરવાનું હતું. એણે વાઘનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું જેને જોઈને હરણ ડરીને ભાગી જાય. ચાંદનીએ એક ઊંડો શ્ર્વાસ લીધો. હવે ચાંદનીનું કાર્ય સમાપ્ત થઈ ગયું હતું. જે કાંઈ થઈ રહ્યું હતું એ બધાની નજર સમક્ષ હતું.
 
વિભીષણના મનમાં સંશય હતો કે સાચે જ સુષેણ વૈદ મદદ કરી રહ્યા છે કે પછી એ એમની અને રાવણની કોઈ ચાલ છે ? વિભીષણનું મન કળી ગયા હોય એમ વૈદ હસ્યા. બધાની સામે નજર ફેરવીને બોલ્યા કે ઈશ્ર્વરે દરેક વ્યક્તિને કોઈ એક કાર્ય માટે નીમ્યા છે અને એટલે જ એમનું નિર્માણ કર્યું છે. જ્યારે વ્યક્તિ એના કર્તવ્યને ભૂલી સ્વાર્થ તરફ ભાગે છે ત્યારે તેનું પતન થાય છે. હું જ્યારે વૈદની ભૂમિકામાં હોઉં ત્યારે મને માત્ર અને માત્ર મારું કર્તવ્ય દેખાય છે. એમાં મને કોઈ સ્થળ, કાળ, સંબંધો, માયા કે ભય નડતાં નથી. હું જેમની ચિકિત્સા કરું છું એના માટેનું મારું કર્તવ્ય હું બરાબર જાણું છું. મારા રાજાની હું ચિકિત્સા કરું છું. એ મારા જ્ઞાન અને મારા અનુભવના કારણે મારી સાથે જોડાયેલા છે. એમને વફાદાર રહેવું એ પણ મારું કર્તવ્ય છે, પણ જ્યારે કોઈ વ્યક્તિને મારી જરૂર હોય તો હું એને ના ન પડી શકું. લક્ષ્મણને સ્વસ્થ કરવા એ મારી જવાબદારી છે. અને હું એના માટે પ્રતિબદ્ધ છું. જાણે કોઈ પહાડની ગુફામાંથી આવતો હોય એવા પ્રભાવશાળી અવાજે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. બધાની નજર એમના સન્માનમાં ઝૂકી ગઈ. હવે રાહ હતી હનુમાનજીના આવવાની.
 
અરે, આ તો આખો પહાડ લઈ આવ્યા. હનુમાનજીને આવતા જોઈને ચંદ્રથી સ્વગત બોલી જવાયું. હનુમાનજી જડીબુટ્ટીને પારખી શકતા ન હતા અને સમય ઓછો હતો. તેથી જ એમણે આવો નિર્ણય લીધો હતો. હનુમાનજી આવ્યા અને તુરંત જ સુષેણ વૈદે જડીબુટ્ટીઓને પારખી એમાંથી દવા બનાવવાનું શરૂ કરી દીધું. કોઈ કલાકાર આકૃતિ બનાવવામાં મગ્ન બની જાય એમ જ એ પણ પોતાના કાર્યમાં ખોવાઈ ગયા હતા. પીઢ દેખાતા વૈદ એક બાળકની માફક પૂરા ભાવ સાથે પોતાનું કાર્ય કરી રહ્યા હતા. એમને કામ કરતા જોવા એ પણ એક લહાવો હતો. એમણે એક પાન પર લેપ બનાવીને લગાવ્યો. થોડા સમય સુધી બધા એમને જોવામાં મગ્ન હતા. અને દૂર ક્યાંક પેલો સૂરજ બહાર નીકળવાની રાહ જોતો હતો. જો આ જડીબુટ્ટીની અસર ન થઈ તો? ઘણાબધા સવાલો હતા. બધાની નજર વૈદ પર હતી અને એ પોતાનું કાર્ય કર્યે જતા હતા. ચન્દ્રમાં છુપાયેલ હરણને આ બધું જોવું હતું. પણ વૈદના શબ્દો સાંભળ્યા બાદ એને પણ પોતાના કર્તવ્ય વિષે સાચું જ્ઞાન થયું હતું. થોડી જ વારમાં લક્ષ્મણે શરીર હલાવી ઊંહકારો કર્યો. સમગ્ર સેનામાં હર્ષની લાગણી ફેલાઈ. વૈદના મુખારવિંદ પર જાણે વિજયપતાકા ફરફરતી હતી. શ્રીરામને વંદન કરી એમણે રજા માંગી. સૂર્યનું પહેલું કિરણ એમના મુખારવિંદની શોભા વધારી રહ્યું હતું. આવા મહાન વૈદને સ્પર્શીને જાણે એ પોતે પણ ધન્યતા અનુભવતું હતું.