કૈકસી અને વિશ્રવા - રાવણનાં માતા-પિતા

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

Vishrava, Kaikesi_1 
 

આપણું રાજ અને સ્વાભિમાન પાછું મેળવવા માટે એક એવા સપૂતની જરૂર છે જેનામાં બ્રાહ્મણનું તેજ હોય અને રાક્ષસોનું બળ હોય.

રાક્ષસોમાં હેતિ અને પ્રહેતિ બે ભાઈ હતા. પ્રહેતિ તપસ્યા કરવા માટે ચાલ્યો ગયો. જ્યારે હેતિનો વિવાહ ભયા નામની રાક્ષસકન્યા સાથે થયો, જેનાથી વિદ્યુતકેશ નામના પુત્રનો જન્મ થયો. વિદ્યુતકેશને સુકેશ નામનો મહાપરાક્રમી પુત્ર થયો અને એ સુકેશને માલ્યવાન, સુમાલી અને માલી નામના ત્રણ મહાપરાક્રમી પુત્ર થયા. આ ત્રણેય ભાઈઓએ બ્રહ્માજીની આકરી તપસ્યા કરી વરદાન મેળવી લીધું કે, અમારા ત્રણેય ભાઈઓને ક્યારેય કોઈ જુદા ન પાડી શકે અને કોઈપણ પરાજિત ન કરી શકે. બ્રહ્માજીના વરદાનથી આ અસુર ભાઈઓ નિર્ભય બની ગયા અને પૃથ્વી પર હાહાકાર વર્તાવવા લાગ્યા અને તેઓએ વિશ્ર્વકર્માને ધમકાવી તેમના માટે એક ભવ્ય નગર બનાવવાનું કહ્યું. વિશ્ર્વકર્માએ લંકાપુરીની વાત કરી તેઓને રવાના કર્યા. સુવર્ણનગરી લંકાને જોઈ આ ત્રણેય ભાઈઓ ખૂબ જ આનંદિત થઈ ગયા અને લંકાને પોતાનું ઠેકાણું બનાવી ત્યાં જ રહેવા લાગ્યા. માલ્યવાનથી વજ્રમુષ્ટિ, વિરુપાક્ષ, દુર્મુખ, સુપ્તધન, યજ્ઞપ્રકોપ, મત્ત અને ઉન્મત નામના પુત્રો થયા. સુમાલીના પ્રહસ્ર, અકમ્પન, વિકટ, કાલિકામુખ, ધુમ્રાક્ષ, દંડ સુપાર્શ્ર્વ, સંહનાદિ, પ્રધસ અને ભારકર્ણ નામના પુત્રો થયા. આ તમામ અસુરપુત્રો અત્યંત બળવાન અને પરાક્રમી હોવાની સાથે સાથે ભારે અધર્મી હતા. ઋષિ-મુનિઓ તેમને દીઠા ગમતા નહોતા માટે તેઓ ઋષિ-મુનિઓ પર ત્રાસ વર્તાવવા લાગ્યા. તેઓના અત્યાચારથી ત્રાહિ-ત્રાહિ ઋષિ-મુનિગણ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા ત્યારે તેઓએ તે તમામ અસુરપુત્રોનો વિનાશ કરવાનું વચન આપ્યું.
 
આ વાતની જાણ રાક્ષસોને થતાં તેઓએ સંગઠિત થઈ માલીના સેનાપતિત્વમાં ઇન્દ્રલોક પર આક્રમણ કરી દીધું. ભગવાન વિષ્ણુએ પોતાનાં શસ્ત્રો દ્વારા રાક્ષસસેનામાં હાહાકાર મચાવ્યો અને સેનાપતિ માલી સહિત અનેક રાક્ષસ યોદ્ધાઓનો સંહાર કર્યો. માલ્યવાન તેમની મદદે આવ્યો, પરંતુ તે પણ ભગવાન વિષ્ણુના હાથે માર્યો ગયો. બાકી બચેલા રાક્ષસો સુમાલીના નેતૃત્વમાં લંકા છોડી પાતાળલોકમાં ભાગી ગયા અને લંકા પર કુબેરનું રાજ્ય સ્થાપિત થયું. રાક્ષસોના વિનાશથી દુઃખી અને પોતાના રાજને પાછું મેળવવા માટે સુમાલીએ પોતાની પુત્રી કૈકસીને કહ્યું, આપણું રાજ અને સ્વાભિમાન પાછું મેળવવા માટે એક એવા સપૂતની જરૂર છે જેનામાં બ્રાહ્મણનું તેજ હોય અને રાક્ષસોનું બળ હોય અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તારાં લગ્ન કોઈ મહાતેજસ્વી બ્રહ્મર્ષિ સાથે થાય અને હાલ પરમ પરાક્રમી વિશ્રવા આ માટે શ્રેષ્ઠ છે. માટે તું ગમે તેમ કરી વિશ્રવાથી સંતાન પેદા કર અને અસુરોના ડૂબતા વંશને બચાવી લે. પિતાની આજ્ઞાથી કૈકસી વિશ્રવા ઋષિ પાસે ગઈ અને પોતાની મોહક અદાઓથી લલચાવવા લાગી. કેટલાક સમય સુધી તો ઋષિએ તેને અવગણી પરંતુ છેવટે તે કૈકસીની મોહમાયામાં આવી જ ગયા અને આશ્રમના ઋષિકુમારોની નારાજગી છતાં કૈકસી સાથે વિવાહ કરી લીધા. કૈકસી અને વિશ્રવા મુનિથી રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખા અને વિભીષણ નામનાં સંતાનો થયાં.
 
અન્ય એક કથા મુજબ કૈકસી કપટપૂર્વક ઋષિ વિશ્રવા સાથે વિવાહ કરી લે છે, પરંતુ જ્યારે વિશ્રવા ઋષિને જાણ થાય છે કે કૈકસી એ અસુરકન્યા છે અને દેવતાઓ સાથે બદલો લેવા માટે અને લંકામાં અસુર વંશને આગળ વધારવા માટે તેમની સાથે વિવાહ કર્યા છે ત્યારે તે કૈકસીને શ્રાપ આપે છે કે તારા તમામ પુત્રોનો વિનાશ થશે. આ શ્રાપથી ભયભીત કૈકસી વિશ્રવાના પગમાં પડી પોતાના વંશ માટે ભીખ માંગે છે, ત્યારે વિશ્રવા તેને વચન આપે છે કે આપણો એક પુત્ર સદાચારી અને ધર્માત્મા થશે. તે લંકામાં તારા કુળને આગળ વધારશે અને એ પુત્ર એટલે વિભીષણ, જેને રાવણ બાદ લંકાની રાજગાદી મળી હતી.