અહિરાવણ - રાવણનો ભાઈ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ahiravan_1  H x

શિબિરમાં રામ અને લક્ષ્મણ ખોવાઈ જવાની વાત વીજળીની ઝડપે ફેલાઈ ગઈ. શિબિરમાં તો હાહાકાર થઈ ગયો.

લંકાપતિ રાવણ બહુ જ દુઃખી હતો. તેના ઘણા વીર પુત્રો કે જેના પર તેને ખૂબ જ ગર્વ હતો તે બધા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા હતા. રાવણ શ્રી રામ અને લક્ષ્મણ પર વિજય મેળવવા માંગતો હતો. તેથી તેને પાતાળલોકમાં રહેતો અહિરાવણ યાદ આવ્યો. તેણે અહિરાવણને લંકા બોલાવી બધી જ વિગતો જણાવી. આથી અહિરાવણ એક દિવસ માયાથી વિભીષણનું રૂપ ધારણ કરીને રામ અને લક્ષ્મણને ઉપાડી લાવે છે. શિબિરમાંથી રામ-લક્ષ્મણ ગુમ થતાં હનુમાનજીને તેમને પાછા લઈ આવવાનું કામ સોંપવામાં આવ્યું. વિભીષણે તેમને કહ્યું કે, ‘અહિરાવણ નાગલોકમાં રહે છે.’ આથી હનુમાનજી તરત જ નાગલોક તરફ ચાલ્યા. રસ્તામાં થાકી જતાં તે એક વૃક્ષ નીચે બેસી ગયા. તે વૃક્ષ પર એક ગીધ જોડું રહેતું હતું. માદા ગીધ માતા બનવાની હતી, તેથી તેણીએ તેના પતિને માનવીનું માંસ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેની વાત સાંભળીને ગીધે કહ્યું, ‘‘અહિરાવણ રામ અને લક્ષ્મણને પાતાળલોકમાં લઈ ગયો છે. તે તેમની બલી આપવાનો છે. જો આપણું નસીબ સારું હશે તો આપણને તે માંસ મળશે. ગમે તે થાય તો પણ હું તારા માટે માંસ તો લઈ જ આવીશ.’’
 
વૃક્ષ નીચે બેઠાં બેઠાં હનુમાનજીએ આ બધી જ વાત સાંભળી લીધી. અને ખુશ થઈ અહિરાવણના નગરે પહોંચ્યા ત્યાં એક વાનરને દ્વારપાળના રૂપમાં જોયો. તે વાનરે હનુમાનજીને રોકીને કહ્યું, ‘‘જો તમે તમારું ભલું ઇચ્છતા હો તો અહીંથી ચાલ્યા જાવ. મારું નામ મકરધ્વજ છે. હું પવનપુત્ર હનુમાનનો પુત્ર છું.’’
 
તેની વાત સાંભળીને હનુમાનજી આશ્ર્ચર્યચકિત થઈ ગયા. અને કહ્યું, ‘મારો કોઈ દીકરો નથી.’
 
તેથી મકરધ્વજે જવાબ આપ્યો, ‘‘પિતાજી ! એકવાર તમે રાવણની લંકા સળગાવી દેવા માટે આવ્યા હતા. પછી તમે તમારી પૂંછડીની આગ બૂઝાવવા માટે સમુદ્રકિનારે આવ્યા હતા. ત્યારે તમે આખા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, ત્યારે તમારો પરસેવો સમુદ્રમાં પડ્યો હતો. તે સમયે સમુદ્રની એક માછલીએ તમારો પરસેવો પી લીધો હતો. તેથી તે માછલી ગર્ભવતી બની ગઈ હતી. પછી મારો જન્મ થયો. આ રીતે હું તમારો દીકરો છું. તેમજ હું અહિરાવણનો સેવક છું, તેની આજ્ઞાથી જ હું અહીં પહેરો દઈ રહ્યો છું.’’
 
મકરધ્વજની વાત સાંભળીને હનુમાનજીને બધી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું, ‘‘તું કહે છે તે વાત સાચી છે, પણ આ વખતે તું મારી મદદ કર. હું મારા સ્વામી રામ અને લક્ષ્મણની શોધમાં આવ્યો છું. તેઓ અત્યારે ક્યાં છે ?’’ પણ મકરધ્વજ ના માન્યો. આથી હનુમાનજીએ મકરધ્વજને ધક્કો મારીને અંદર જવાનો પ્રયત્ન કર્યો. તેથી મકરધ્વજે સામે પ્રહાર કર્યો. બંને વચ્ચે દ્વંદ યુદ્ધ થવા લાગ્યું. બેમાંથી કોઈ પણ ઓછા પડે એમ નહોતા. છેલ્લે હનુમાનજીએ મકરધ્વજને એક દોરડાથી બાંધી દીધા. બરાબર તે જ સમયે એક માલણ દેવીને ફૂલની ભેટ ધરવા આવી. હનુમાનજી ભમરો બનીને એક ફૂલ થકી દેવી પાસે પહોંચી ગયા. ભમરા બનેલા હનુમાનજીએ દેવીને પ્રણામ કર્યાં. દેવી ખુશ થઈને પૃથ્વીમાં સમાઈ ગયા. હનુમાનજી દેવીનું રૂપ ધારણ કરીને ત્યાં ઊભા રહી ગયા.
 
થોડીવાર પછી બલી આપવાનો સમય થઈ ગયો. અહિરાવણના આદેશથી રામ અને લક્ષ્મણને ત્યાં લઈ આવવામાં આવ્યા. તેઓને દેવીની સામે ઊભા રાખી દેવામાં આવ્યા. તેની આસપાસ અનેક પ્રકારનાં અસ્ત્રો-શસ્ત્રો લઈને બીજા રાક્ષસો પણ ઊભા હતા. અહિરાવણ રામ અને લક્ષ્મણને મારવા હજુ તો ઊભા થયા જ ત્યાં જ દેવી સ્વરૂપમાં રહેલા હનુમાનજીએ ભયંકર ગર્જના કરી. રાક્ષસગણ આવા ભયંકર અવાજથી ડરી ગયો. હનુમાનજીએ બીજીવાર ગર્જના કરી. પછી તેમણે વિકરાળ વાનર રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ કટારથી અહિરાવણનો વધ કર્યો. આ જોઈ બધા રાક્ષસો ભાગી ગયા અને હનુમાનજી રામ-લક્ષ્મણને લઈને નીકા. રસ્તામાં બાંધેલો મકરધ્વજ દેખાયો. હનુમાનજીએ તેના બંધન પણ ખોલી નાખ્યા. પછી હનુમાનજીએ મકરધ્વજને પાતાળલોકનો રાજા બનાવી દીધો.