અંગદ - રામભક્ત મહાપરાક્રમી

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

angada_1  H x W
 

માતા સીતાની શોધમાં વાનરસેનાનું નેતૃત્વ યુવરાજ અંગદે જ કર્યું હતું. રાવણને ત્યાં અંગદને બેસવા આસન પણ નથી અપાતું.

ભગવાન શ્રીરામની સેનામાં એકથી એક મહાવીર અને પરાક્રમી વીરો હતા. અંગદ તેમાંથી એક હતા. તે વાનરરાજ બાલી અને અપ્સરા તારાના પુત્ર તથા કિષ્કિંધાના રાજકુમાર હતા. શ્રીરામની સેનામાં હનુમાનજી, જામવંત અને અંગદ એમ ત્રણે પ્રાણવિદ્યામાં પારંગત હતા. આ પ્રાણવિદ્યાના બળે જ તેઓ જે ઇચ્છે તે કરી શકતા હતા.
 
અંગદના પિતા બાલિનો શ્રીરામે વધ કર્યો હતો. જ્યારે શ્રીરામે બાણ માર્યું તો બાલિ ઘાયલ થઈને જમીન પર પડ્યા. આ અવસ્થામાં જ્યારે પુત્ર અંગદ તેમની પાસે આવ્યો ત્યારે બાલિએ તેમને જ્ઞાનની મુખ્ય ત્રણ વાત જણાવી.
 
દેશકાલૌ ભજસ્વાદ્ય
ક્ષમમાણ: પ્રિયાપ્રિયે ।
સુખદુ:ખસહ: કાલે
સુગ્રીવવશગો ભવ ॥
 
અર્થાત્ દેશ, કાળ અને પરિસ્થિતિઓને સમજો, બીજી વાત કે ક્યારે, ક્યાં અને કેવો વ્યવહાર કરવો તેનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને ત્રીજી એ કે પસંદ-નાપસંદ, સુખ-દુ:ખને સહન કરવાં જોઈએ અને ક્ષમાભાવની સાથે જીવન વ્યતીત કરવું જોઈએ. આટલું કહીને બાલીએ પુત્ર અંગદને શ્રીરામના ચરણોમાં સેવક બનીને રહેવા જણાવ્યું.
 
માતા સીતાની શોધમાં વાનરસેનાનું નેતૃત્વ યુવરાજ અંગદે જ કર્યું હતું. સમ્પાતી પાસેથી સીતાજીના લંકામાં હોવાની વાત જાણીને વીર અંગદ સમુદ્ર પાર જવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ વાનરસેનાના નેતા હોવાને કારણે જામવંતજીએ તેમને અટકાવ્યા અને પછી હનુમાનજી લંકા ગયા. પછીની ઘટના તો સર્વવિદિત છે.
 
લંકા પહોંચ્યા પછી શ્રીરામે અંગદને દૂત બનાવીને રાવણ પાસે મોકલ્યા હતા. આમ કરવાનું કારણ એ હતું કે જો હનુમાનજીને ફરીથી દૂત બનાવીને મોકલવામાં આવે તો રાવણને એ સંદેશો જાય કે રામની સેનામાં માત્ર હનુમાનજી જ મહાવીર છે. તેથી એવી વ્યક્તિને દૂત બનાવીને મોકલવી જોઈએ જે હનુમાનજીની જેમ જ પરાક્રમી અને બુદ્ધિમાન હોય. અંગદ આવી જ વ્યક્તિ હતા તેથી શ્રીરામે તેમની પસંદગી કરી.
 
જ્યારે અંગદ લંકામાં રાવણ પાસે જાય છે ત્યારે એક દૂતને બેસવા આસન પણ નથી અપાતું. આથી અંગદે પોતાની પૂંછડી દ્વારા રાવણથી પણ ઊંચું આસન બનાવ્યું અને રાવણને પોતાના સ્વામીનો સંદેશો આપ્યો. ગોસ્વામી તુલસીદાસ કૃત મહાકાવ્ય શ્રીરામચરિતમાનસના લંકાકાંડમાં બાલિપુત્ર અંગદ રાવણની સભામાં રાવણને શીખ આપતાં જણાવે છે કે એવા કયા ૧૪ દુર્ગુણ છે જેના હોવાથી મનુષ્ય મૃતક સમાન બની જાય છે ? આ ૧૪ દુર્ગુણો જણાવતી ચોપાઈ છે :
 
જૌં અસ કરૌં તદપિ ન બડાઈ ।
મુએહિ બધેં નહીં કછુ મનુસાઈ ॥
કૌલ કામબસ કૃપિન બિમૂઢા ।
અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા ॥
સદા રોગબસ સંતત ક્રોધી ।
બિષ્ણુ બિમુખ શ્રૃતિ સંત બિરોધી ॥
તનુ પોષક નિંદક અધ ખાની ।
જીવન સવ સમ ચૌદહ પ્રાની ॥
 
રાવણ નીતિજ્ઞ હોવાની સાથે સાથે ભેદનીતિ પણ સારી જાણતો હતો. તેણે અંગદને કહ્યું કે, બાલી મારો મિત્ર હતો. આ રામ-લક્ષ્મણે તેમનો વધ કર્યો છે અને ખૂબ જ લજ્જાની વાત છે કે તું તેમની સેવા કરે છે અને તેમનો દૂત બનીને આવ્યો છે.
અંગદે કહ્યું, મૂર્ખ રાવણ! તારી વાતોથી માત્ર એ લોકોના મનમાં ભેદ પેદા થઈ શકે છે જેમની શ્રીરામ પ્રત્યે ભક્તિ નથી. મારાં પિતાએ જે કર્યું હતું તેનું તેમને ફળ મળ્યું. તું પણ થોડા દિવસો પછી જઈને યમલોકમાં તારા મિત્રના સમાચાર પૂછજે.
 
આગળના વાર્તાલાપમાં અંગદે પ્રાણવિદ્યાની ક્રિયા કરીને પોતાનો પગ જમીન પર સ્થિર કર્યો અને કહ્યું કે તમારી સભામાંથી કોઈ પણ મારા પગને તેના સ્થાનથી થોડો પણ દૂર કરશે તો હું માતા સીતાનો ત્યાગ કરીને શ્રીરામને પાછા અયોધ્યા લઈ જઈશ. રાવણની સભાના એક પછી એક શૂરવીરો આવે છે, પણ અંગદનો પગ હલાવી પણ શકતા નથી. રાવણપુત્ર ઇંદ્રજીત પણ પોતાનું પરાક્રમ બતાવી શકતો નથી. છેલ્લે જ્યારે રાવણ ઊભો થઈને આવે છે ત્યારે અંગદ પોતાનો પગ હટાવતાં રાવણને કહે છે કે, મારા ચરણોનો સ્પર્શ કરવો નિરર્થક છે. જો તું મારા પ્રભુ શ્રીરામના ચરણસ્પર્શ કરીશ તો તારું કલ્યાણ થઈ શકે છે. આટલું કહેતાં અંગદ રાવણની છાતીએ પગથી પ્રહાર કરે છે. આ દરમિયાન રાવણનો મુગટ જમીન પર પડી જાય છે. અંગદ તે મુગટને લાત મારીને શ્રીરામની શિબિર તરફ ફેંકે છે. મુગટ શ્રીરામના ચરણોમાં પડતાં જ સૌને અંગદના પરાક્રમની જાણ થાય છે અને રાવણને પણ પરચો મળી જાય છે. લંકાયદ્ધમાં પણ અંગદનું શૌર્ય અદ્વિતીય હતું. લાખો રાક્ષસો તેમના હાથે યમલોક સિધાવ્યા હતા.
 
લંકાયુદ્ધ બાદ શ્રીરામ અયોધ્યા પરત ફરે છે. પછી જ્યારે કપિ નાયકોને વિદાય આપતાં આપતાં તેઓ અંગદ પાસે આવે છે ત્યારે અંગદની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે કહ્યું, નાથ! મારા પિતાએ મૃત્યુ પામતી વખતે મને તમારા ચરણોમાં સમર્પિત કર્યો હતો. તેથી તમે મારો ત્યાગ ન કરો. તમારા ચરણોમાં પડ્યો રહેવા દો. આટલું કહીને તેઓ શ્રીરામના ચરણોમાં પડે છે. શ્રીરામ અંગદને ઊભા કરીને ભેટી પડે છે. તેમણે પોતાનાં વસ્ત્રાભૂષણો અંગદને પહેરાવ્યાં. તેમણે અંગદને સમજાવ્યા અને છેવટે અંગદ મન મારીને કિષ્કિંધા પાછા ફરે છે.