શ્રી હનુમાન - પવનપુત્ર - મહાબળવાન રામભક્ત

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

hanumana_1  H x
 
 

પ્રભુ ! આજ દિન સુધી આપે મને ક્યારેય અન્યાય કર્યો નથી. હું તો આ મુક્તાહારના મણકાઓમાં આપનાં દર્શન કરવા મથતો હતો.

 
શ્રી હનુમાનજીની જન્મકથા શ્રી રામના જન્મ સાથે સંકળાયેલી છે. અયોધ્યાના રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે ‘પુત્ર કામેષ્ટિ યજ્ઞ’ કર્યો હતો. કુલગુરુ વસિષ્ઠના આશીર્વાદથી આ યજ્ઞ સફળ થયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ બહાર આવ્યા. અગ્નિનારાયણે દશરથ રાજાને આ પ્રસાદ તેમની રાણીઓને આપવા કહ્યું. આ પ્રસાદથી કૌશલ્યાજીએ શ્રીરામને તથા સુમિત્રાજીએ લક્ષ્મણ અને શત્રુઘ્નને તથા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો, જ્યારે દશરથ રાજા આ પ્રસાદ કૈકયીને આપવા ગયા હતા ત્યારે કૈકયી અને રાજા દશરથ વચ્ચે વાદ-વિવાદ થાય છે. આકસ્મિક રીતે એક સમળી આ પ્રસાદનો એક પડિયો લઈ પવનના સપાટે આકાશમાં ઊડી જાય છે એ દરમિયાન અંજન પર્વતના શિખર પર પુત્રપ્રાપ્તિ માટે ખોળો પાથરી અંજનની માતા ભગવાન શંકરને રીઝવતાં હતાં. અંજની માતા પંચાક્ષર શિવમંત્રનો જપ કરતાં શિવજીને પ્રાર્થના કરતાં હતાં કે, ‘હે શિવજી, આપના જેવો મને દીકરો પ્રાપ્ત થાય.’ હવે પેલી સમળી આકાશમાં રાજા દશરથને અગ્નિ-નારાયણે જે પ્રસાદ આપ્યો હતો તે ઈશ્ર્વરકૃપાથી તેની ચાંચમાંથી નીચે પડ્યો. પવનદેવ આ પ્રસાદ શિવકૃપાથી અંજનીના ખોળામાં પધરાવે છે. અંજની શિવજીનો પ્રસાદ સમજી આ પ્રસાદને આરોગે છે, તેથી તેમને ગર્ભ રહે છે. નવ માસ પૂર્ણ થતાં ચૈત્રમાસની પૂર્ણિમાએ સૂર્યોદય સાથે તેજસ્વી પુત્રનો જન્મ થાય છે જે શ્રી હનુમાનજી. કહેવાય છે કે શિવજી પોતે અગિયારમા રૂદ્ર તરીકે શ્રી હનુમાનજી સ્વરૂપે પ્રગટ્યા હતા. તે પવનદેવની કૃપાથી પ્રગટ્યા હોવાથી શ્રી હનુમાનજી પવનસુતના નામથી પણ પુજાય છે.
 
બાલ હનુમાન રમત રમતા હતા ત્યારે, પૂર્વમાં ઊગતા લાલચોળ દડા સ્વરૂપે સૂર્યનારાયણને નિહાળે છે. તેમને થયું કે આ કોઈ ફળ છે તેમ સમજી પવનવેગે આકાશમાર્ગે છલાંગ લગાવી તેને ગળી ગયા. સર્વત્ર અંધકાર છવાઈ ગયો, તેથી દેવરાજ ઇન્દ્રએ આ બાલ હનુમાન પર વજ્રનો પ્રહાર કર્યો તેથી તેમનું હનુ (જડબું-દાઢી) તૂટી ગઈ ત્યારે પવનસુત હનુમાન તરીકે ઓળખાયા, તેથી પિતા પવનદેવ ઇન્દ્ર પર કોપાયમાન થયા. પવનદેવે કોપાયમાન થઈ ત્રણે લોકમાં વહેવાનું બંધ કર્યું. ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. બધા ઇન્દ્ર સહિતના દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ પવનદેવને વિનંતી કરતાં કહ્યું : ‘હે પવનદેવ ! હું તમારા પુત્રને વરદાન આપું છું કે તમારો આ પરાક્રમી પુત્ર યુદ્ધમાં અવધ્ય થશે. તે કોઈથી હણાશે નહિ. ઇન્દ્રના વજ્રપ્રહારને કારણે તેનું શરીર વજ્રનું બનશે. તે પૃથ્વીલોકમાં વજ્ર અંગબલી થશે.’ યુગો સુધી તમારો પુત્ર અજન્મા-અમર રહેશે.’ બ્રહ્માજીની વિનંતીથી પવનદેવ શાંત થયા. તેમણે પુત્રને ખોળામાં લીધો. સૂર્યનારાયણ હનુમાનજીના મુખમાંથી બહાર નીકા. સર્વત્ર પ્રકાશ ફેલાયો. પવનદેવ પણ ત્રણે લોકમાં લોકકલ્યાણ માટે પુનઃ વહેવા લાગ્યા. બાળકો હનુમાનજીના આ બાલસ્વરૂપને આજે પણ સદીઓ વીતવા છતાં આનંદથી માણે છે.
 
શ્રી રામ સીતાજીની શોધમાં નીકળે છે ત્યારે કિષ્કિંધાનાં જંગલોમાં શ્રીરામ અને હનુમાનજીનું પ્રથમ મિલન થાય છે. શ્રી હનુમાનજી રામચંદ્રને ઓળખે છે, શ્રી રામ હનુમાનજીને ઓળખે છે. શ્રી રામ તથા પવનસુત હનુમાનજીના મિલાપની કથા પણ રસમય તથા રોમાંચક છે. શ્રી રામ વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા બાંધે છે. હનુમાનજી શ્રી રામને મદદ કરી દુરાચારી વાલીનો વધ કરાવી સુગ્રીવને કિષ્કિંધા રાજ સોંપે છે, તેથી હનુમાનજી પણ સુગ્રીવનો પ્રાણપ્રિય મિત્ર બને છે.
 
શ્રી હનુમાનજી, સુગ્રીવના નેતૃત્વમાં નલ, નીલ, જાંબુવન જેવા અનેક વાનરયોદ્ધાઓને લઈ સીતાની શોધમાં દક્ષિણ દિશામાં ગયા ત્યાં સમુદ્ર દેખાય છે. શ્રી રામ તથા વાનરસેનાના યોદ્ધાઓએ હનુમાનજીને તેમની શક્તિ યાદ કરાવી. હનુમાનજીમાં સાગરકિનારે આ શક્તિ પ્રગટ થાય છે. હનુમાનજી સાગરોલ્લંઘન કરે છે. રામાયણમાં હનુમાનજીના સાગરોલ્લંઘન વખતે જે વિવિધ ઘટનાઓ બને છે તેનું રસમય વર્ણન પણ છે. હનુમાનજી શ્રીલંકામાં જઈ સીતાજીને શોધે છે. લંકાપતિ રાવણને શ્રીરામના દૂતસ્વરૂપે શક્તિનો પરિચય આપી લંકાદહન કરી પરત શ્રીરામ પાસે આવી સીતાજીની ભાળનું વિસ્તૃત વર્ણન કરે છે. રામાયણમાં શ્રી રામ-રાવણના યુદ્ધમાં હનુમાનજીની ભૂમિકા પણ અગ્રેસર રહી છે. હનુમાનજી હંમેશાં શ્રી રામના મૂકસેવક રહ્યા છે. શ્રી લક્ષ્મણ જ્યારે ઇન્દ્રજિતના વજ્રબાણથી મૂર્છિત થાય છે ત્યારે તેમને સજીવન કરવા સંજીવની જડીબુટ્ટી સાથે હનુમાન ઋષભ અને કૈલારક નામના શિખરવાળા પર્વતને ઊંચકી રણમેદાન મધ્યે આવે છે.
 
આમ લક્ષ્મણને સજીવન કરવામાં ય હનુમાનનો મહત્ત્વનો ફાળો છે. ચૌદ વર્ષ વનવાસ ભોગવી શ્રી રામ અયોધ્યા પધારે છે, ત્યાં તેમનો રાજ્યાભિષેક થાય છે. તે વેળાએ સૌને યોગ્યતા પ્રમાણે ભેટ-સોગાદ અપાય છે. શ્રી રામ હનુમાનજીને બોલાવી સીતાના ગળાનો મુક્તાહારની ભેટ આપે છે, પણ આ શું? સૌના આશ્ર્ચર્યની વચ્ચે હનુમાનજી આ માળાને તોડી તેના મણકાઓને નિહાળે છે. શ્રી રામને પણ હનુમાનના આ વહેવારથી આશ્ર્ચર્ય થાય છે. તેમણે હનુમાનને કહ્યું : હે ભક્ત-શિરોમણિ પવનસુત, આ શું ? ભેટ આપવામાં મારાથી કંઈ અન્યાય તો થયો નથી ને ?’ આ સાંભળી હનુમાનજીએ કહ્યું : ‘પ્રભુ ! આજ દિન સુધી આપે મને ક્યારેય અન્યાય કર્યો નથી. હું તો આ મુક્તાહારના મણકાઓમાં આપનાં દર્શન કરવા મથતો હતો, પણ એમાં આપનાં દર્શન થયાં નહિ, તેથી તેમને નિરર્થક સમજી ભોંય પર ફેંકી રહ્યો છું.’ સીતાજીને પણ તેમના મુક્તાહારની ભેટ ન સ્વીકારી તેથી હનુમાનજી માટે લાગણી દુભાઈ. તેમણે લાગણીસભર શબ્દોથી હનુમાનને કહ્યું : ‘હે પરાક્રમી બજરંગબલી ! તમે શ્રી રામના સૌથી પ્રિયપાત્ર છો. તમે એમને ક્યાં શોધો છો ?’
 
હનુમાનજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું : ‘હે માતા ! જ્યાં શ્રી રામ ન હોય તેવી જગતની કોઈ વસ્તુ મને પ્રિય નથી. શ્રી રામ તો સદાયે મારા હૃદયમાં બિરાજમાન છે, હે માતા ! શ્રી રામ-સીતાની જોડી મારા હૃદયમાં બિરાજમાન છે.’ આમ કહી હનુમાનજીએ છાતી ચીરી-પહોળી કરી તેમના હૃદયમાં બિરાજમાન શ્રી રામ-સીતાનાં દર્શન કરાવ્યાં. શ્રી હનુમાનજી સાત ચિરંજીવ પાત્રોમાં હયાત છે. એવું મનાય છે, જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં ત્યાં શ્રી હનુમાનજી કોઈ ને કોઈક સ્વરૂપે હાજર રહી રામકથાનું રટણ કરતા હોય છે.