ઇન્દ્રજિત - મેઘનાદ-રાવણનો પુત્ર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

indrajit meghnad,_1 
 

ઇન્દ્રજિત વાનરસેનામાં ભય પેદા કરવા બનાવટી સીતાજીને તેમનો ચોટલો પકડી ઢસડી લાવે છે અને તલવારથી સીતાજીનો શિરચ્છેદ કરે છે.

રામાયણ મહાગ્રંથમાં શ્રી વાલ્મીકિજીએ મેઘનાદ વિશે લંકાકાંડમાં વર્ણન કર્યું છે. મેઘનાદનું યુદ્ધ, રામ-લક્ષ્મણને નાગપાશથી બાંધવા અંગે મેઘનાદના પરાક્રમનું વિસ્તૃત વર્ણન આ લંકાકાંડમાં વાંચવા મળે છે. સાથે સાથે મેઘનાદના યજ્ઞનો ધ્વંસ, શ્રી રામ સાથે યુદ્ધ અને મેઘનાદના ઉદ્ધારનું વૃત્તાંત (કથા) લંકાનરેશ રાવણના પુત્ર તરીકે ઊપસી આવે છે.
 
શ્રી રામચરિતમાનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજીએ પણ મેઘનાદ વિશે રસમય વર્ણન કર્યું છે. લંકાપતિ દશાનન તથા મંદોદરીના આ લાડકવાયા પુત્રનું નામ મેઘનાદ હતું. તે પિતાની જેમ શિવભક્ત હતો. તે આદ્યશક્તિના રણચંડી સ્વરૂપમાંથી શક્તિ પ્રાપ્ત કરવા યજ્ઞ તથા તપ કરવામાં આસ્થાવાળો હતો. તેણે પોતાની યજ્ઞશાળા પણ વિકસાવી હતી. તે વિવિધ પ્રકારનાં શસ્ત્રોની પૂજા કરતો હતો. તેણે બ્રહ્માજીને પણ રીઝવ્યા હતા. પિતાની આજ્ઞાથી મેઘનાદે ઇન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. તેણે ઇન્દ્રરાજાને તેના નાગપાશ અસ્ત્રથી બાંધ્યા હતા તથા તેમને શ્રીલંકાના દરબારમાં પિતા સમક્ષ ઉપસ્થિત કર્યા હતા તેથી પરાક્રમી મેઘનાદનું બીજું હુલામણું નામ ઇન્દ્રજિત પડ્યું હતું.
 
શ્રીરામ - રાવણના યુદ્ધના પ્રથમ દિવસે રાવણના અગ્ર સેનાપતિઓ તેમના સાથી સૈનિકો સાથે વીરગતિને પામ્યા. રાવણને કલ્પના પણ ન હતી કે આ મનુષ્યધારી શ્રીરામ તથા તેની વાનરસેના પાસે નિપુણ યુદ્ધકળા હશે. રામની સેનાએ પ્રથમ દિવસે જ રાવણના દાંત ખાટા કરી નાખ્યા. તેથી રાવણનો મુખ્ય સેનાપતિ પ્રહસ્ત કહેવા લાગ્યો : ‘હે રાજેન્દ્ર, આવતીકાલે યુદ્ધ માટે મને આજ્ઞા આપો.’ તેની સાથે કુંભકર્ણના વીર પુત્રો કુંભ અને નિકુંભ પણ છાતી ઠોકતા યુદ્ધમાં જવા તૈયાર થયા. ખર રાક્ષસનો પુત્ર પણ પોતાના પિતાનું વેર લેવા શ્રીરામ સામે યુદ્ધે ચઢવા તૈયાર થયો. ત્યાં તો ઇન્દ્રજિત આવી ચઢ્યો. કાકા કુંભકર્ણના મૃત્યુ પછી પિતા રાવણ પણ ચિંતામગ્ન હતા. ઇન્દ્રજિતે પિતાને આશ્ર્વાસન તથા હિંમત આપતાં કહ્યું 
 
ઇષ્ટદેવ સૈં બલ રથ પાયઉં ।
સો બલ તાત ન તોહિ દેખાયઉં ॥
 
પિતાજી! મને મારા ઇષ્ટદેવ પાસેથી જે વરદાન અને દિવ્ય રથ મા છે તેની વાત હજી સુધી આપને કહી નથી. આવતી કાલે યુદ્ધમાં મારું પરાક્રમ જોજો. પિતાને આશ્ર્વાસન આપી મેઘનાદે યુદ્ધમાં જવાની તૈયારી કરી. માતા મંદોદરીની જેમ તેની પત્ની સુલોચનાએ પણ તેને કહ્યું હે લંકાનરેશ મહારાજ, રાવણ સીતાજીને શ્રીરામના ચરણોમાં સુપ્રત કરે, તથા આ સમાધાનથી આ યુદ્ધ ટળે અને શ્રીલંકા તથા પ્રજાનો વિધ્વંસ અટકે તેવો ઉપાય શોધો. ઇન્દ્રજિતને શાંત પાડવા તેમણે કહ્યું, તમે શ્રીરામ સામે યુદ્ધમાં ટકી શકશો નહીં. મને અમંગળ દેખાય છે. છતાં પત્ની સુલોચનાની અવગણના કરીને ઇન્દ્રજિત યુદ્ધમાં જાય છે.
 
શ્રીરામે રાવણ સામેના યુદ્ધમાં વાનરરાજ સુગ્રીવ તથા શ્રી હનુમાન સહિતના વાનર યોદ્ધાઓમાં શક્તિનો સંચાર કર્યો હતો તેથી તેઓ યુદ્ધમાં હંમેશા ઉત્સાહી રહેતા. તેમનામાં નિરાશા કે મૃત્યુનો ભય નહોતો. તેથી શ્રીરામ તથા તેમની સેનાનું મનોબળ તોડવા મેઘનાદ તરકટ રચે છે. તે માયાવી સીતાને પ્રગટ કરે છે. વાસ્તવમાં સીતાજી તો અશોક-વાટિકામાં શ્રીરામનું સ્મરણ કરતાં તેમની રાહ જોતાં બેઠાં હતાં. ઇન્દ્રજિત વાનર-સેનામાં ભય પેદા કરવા બનાવટી સીતાજીને તેમનો ચોટલો પકડી ઢસડી લાવે છે અને તલવારથી સીતાજીનો શિરચ્છેદ કરતાં મેઘગર્જના કરતો યુદ્ધમધ્યે વાનરસેનાને કહે છે, ‘જુઓ ! જેના માટે તમે યુદ્ધ કરો છો તે સીતાજી જ રહ્યાં નથી ! યુદ્ધ સમાપ્ત થયું. શ્રીરામ તથા તમે સર્વે પરાજય સ્વીકારી પરત ફરો!’
 
પણ ઇન્દ્રજિતના આ તરકટને મહાત્મા વિભીષણ ફોક કરતાં કહે છે, ‘હે પ્રભુ રામ ! આ તો મેઘનાદનું કપટ-તરકટ છે. સીતાજી તો અશોકવાટિકામાં સલામત છે.’ આ સાંભળી મેઘનાદ સતર્ક થઈ શ્રીરામનો સંહાર કરવા યજ્ઞ કરે છે. શક્તિ પ્રાપ્ત કરે છે. યુદ્ધમાં તેના અમોઘ બાણથી લક્ષ્મણને મૂર્છિત કરે છે. તેણે રામ-લક્ષ્મણને પાશુપાસ્ત્ર નાગપાશથી બાંધ્યા પણ હતા. શ્રી હનુમાનજી સંજીવની લાવે છે. લક્ષ્મણજી ભાનમાં આવે છે. બંને ભાઈ પાશમુક્ત થાય છે. ત્યાર બાદ શ્રીરામ ઇન્દ્રજિતના યજ્ઞનો ધ્વંસ કરી તેનો સંહાર કરે છે. આમ ઇન્દ્રજિત પિતા લંકાનરેશને શ્રીરામ સામેના યુદ્ધમાં મદદ કરતાં વીરગતિને પામે છે.