જટાયુ - રામસેવક પક્ષીરાજ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

jatayu_1  H x W
 

જટાયુની આ મદદથી સીતાજીમાં પણ શક્તિ આવે છે. બંને જણ રાવણનો સામનો કરે છે. યુદ્ધમાં રાવણનો મુગટ ભોંયભેગો થાય છે.

રામાયણ મહાગ્રંથમાં પક્ષીરાજ જટાયુને વીર યોદ્ધા તરીકે વર્ણવ્યા છે. એક વૃદ્ધ પક્ષી પણ નિઃસહાય સ્ત્રીને અપહરણકર્તાના બંધન-ત્રાસમાંથી છોડાવવા કેવું બલિદાન આપે છે તેનું બેમિસાલ ઉદાહરણ છે. જટાયુના ત્યાગ અને બલિદાનની વીરગાથા રામાયણકથાનું પાન કરતા કથાકાર અને શ્રોતાઓની આંખમાં આંસુ લાવ્યા વિના રહેતી નથી.
 
લંકાપતિ રાવણ સાધુના વેશે સીતાજીનું અપહરણ કરી ચાર ઘોડાવાળા રથમાં બેસાડી દક્ષિણ દિશામાં જઈ રહ્યો હોય છે ત્યારે, જટાયુ તેમની તીક્ષ્ણ દૃષ્ટિથી આ દૃશ્ય જુએ છે. તેમને સીતાજીની સહાય માટેની ચીસો સંભળાય છે. આ સાંભળી જટાયુ પોતે વૃદ્ધ હોવા છતાં દુષ્ટ રાવણનો સામનો કરે છે. જટાયુની આ મદદથી સીતાજીમાં પણ શક્તિ આવે છે. બંને જણ રાવણનો સામનો કરે છે. યુદ્ધમાં રાવણનો મુગટ ભોંયભેગો થાય છે. રાવણનું બાણ તથા તીર પણ ભાંગી જાય છે. સાધુવેશમાંથી મૂળવેશમાં આવેલા રાવણનાં આભૂષણો પણ વેરવિખેર થઈ યુદ્ધભૂમિમાં પડે છે. રાવણ પણ પક્ષીરાજ જટાયુની લડાયક શક્તિથી ભયભીત થાય છે. રાવણને લાગ્યું કે, આ વૃદ્ધ પક્ષી જરૂર સીતાજીને છોડાવશે. સીતાજીને લંકામાં લઈ જવાની મારી મુરાદ અધૂરી રહેશે. જટાયુ તેની પાંખો વડે રાવણ પર સતત પ્રહાર કરે છે. જટાયુ તેમની મજબૂત ચાંચ વડે રાવણને પડકારે છે. પક્ષીરાજ જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ ખેલાય છે. આમ રાવણ સાથે યુદ્ધ કરતાં જટાયુ વૃદ્ધાવસ્થાને કારણે થાકી જાય છે. લાગ જોઈને રાવણ તેની તલવાર ખેંચી જટાયુની બંને પાંખો કાપી નાખે છે. જટાયુ લોહીલુહાણ થઈ નિસ્તેજ થઈ જમીન પર પડે છે. ત્યાર બાદ રાવણ સીતાજીને તેના માયાવી રથમાં બેસાડી દક્ષિણ દિશામાં લંકા તરફ આકાશમાર્ગે ચાલ્યો જાય છે. સીતાજી પણ આ રથમાંથી પોતાનાં આભૂષણ તથા ચિહ્નો આકાશમાંથી નીચે નાખે છે.
 
સોનાવર્ણી મૃગ બનેલ માયાવી રાક્ષસ મારિચનો સંહાર કરી શ્રીરામ, લક્ષ્મણને લઈ પર્ણકુટિરમાં આવે છે. ત્યાં સીતાજી ન હતાં, તેથી સીતાને શોધવા આસપાસના જંગલમાં બેબાકળા થઈ તપાસ કરે છે. સીતાની તપાસમાં આગળ ઘોર જંગલમાં જાય છે. ત્યાં લક્ષ્મણને કોઈ પક્ષીની ચીસો સંભળાય છે. જાણે કોઈ વિશેષ સૂચના આપવાની ન હોય ! આ પક્ષીના અવાજની દિશામાં બંને ભાઈ જાય છે. જોયું તો એક વૃદ્ધ પક્ષીની બંને પાંખો કોઈએ કાપી નાખી છે. લોહીલુહાણ થઈ જમીન પર પડેલ જટાયુમાં વાચા આવે છે. જટાયુ સીતાજીના અપહરણ તથા તેમની રાવણના પાશમાંથી છૂટવાની સ્થિતિનું વર્ણન કરે છે. જટાયુ પોતાનો પરિચય આપતાં કહે છે, ‘હે પ્રભુ ! તમારી રાહ જોવા માટે મેં મારા પ્રાણ ટકાવી રાખ્યા છે. સીતાજીને બચાવવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ વૃદ્ધાવસ્થાને કારણે એ રાક્ષસ સામે મારું કંઈ ચાલ્યું નહીં. તેણે મારી બંને પાંખો કાપી નાખી છે. તે સીતાજીનું હરણ કરી આકાશમાર્ગે વિમાનમાં બેસી દક્ષિણ દિશામાં ગયો છે.’ બસ, આટલું કહેતાં જટાયુનું પ્રાણપંખેરું ઊડી ગયું.
 
લક્ષ્મણ વ્યાકુળતાથી મૃતક પક્ષીને મૂકી આગળ વધવા ઉતાવળ કરતો હતો ત્યાં શ્રીરામે તેને થોભાવતાં કહ્યું, ‘હે ભાઈ ! આ વીર પક્ષીરાજ જટાયુના આપણે અંતિમ સંસ્કાર કરીએ.’ શ્રી રામની સૂચનાથી લક્ષ્મણ આસપાસમાંથી લાકડાં લાવી ચિતા તૈયાર કરે છે. શ્રીરામે અરણીના લાકડામાંથી અગ્નિ પ્રગટાવ્યો. બંને ભાઈઓએ ભારે હૃદયથી કલ્પાંત કરતાં, જટાયુના મૃતદેહને ચિતા પર મૂક્યો. રામે તેમાં અગ્નિ મૂક્યો. જટાયુના આ હૃદયદ્રાવક અંતિમ સંસ્કારથી લક્ષ્મણનું હૃદય ભરાઈ આવ્યું. લક્ષ્મણે કહ્યું, ‘ભાઈ ! હે પ્રભુ, જટાયુ તો ધન્ય થઈ ગયા. કારણ કે આપણા ધર્મિષ્ઠ પિતા દશરથ પણ તમારા હાથે અંતિમ સંસ્કાર પામ્યા નથી. એ સંસ્કાર વીર પક્ષીરાજ જટાયુ પામ્યા છે.’
 
ત્યાર બાદ શ્રીરામ અને લક્ષ્મણે ગોદાવરી નદીમાં સ્નાન કર્યું. ગોદાવરીના પવિત્ર જળથી જટાયુને અંજલિ આપી. આ વીર બલિદાનીની સૂચના પ્રમાણે બંને ભાઈ સીતાની શોધમાં દક્ષિણ દિશામાં ચાલી નીકા. ગોસ્વામી તુલસીદાસજીએ પણ શ્રીરામચરિત માનસના અરણ્યકાંડમાં પક્ષીરાજ જટાયુના રાવણ સામેના યુદ્ધ તથા વીરબલિદાનનું અદ્ભુત વર્ણન કર્યું છે.