કબંધ - ઇન્દ્રના વજ્રપ્રહારથી કુરૂપ બનેલ રાક્ષસ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kabandha_1  H x

હે રામ, મને એક ઋષિનો શાપ હતો. એમણે મને શાપમાંથી મુક્તિ આપતાં કહ્યું હતું કે રામના હાથે તારા હાથ કપાશે ત્યારે મુક્ત થઈને સ્વર્ગે જઈશ !

 
માતા સીતાનું હરણ થઈ ગયા બાદ રામ-લક્ષ્મણ વિહ્વળ થઈને તેમને શોધી રહ્યા છે. આમ સીતાજીને શોધવા બંને ભાઈઓ ચાલતા હતા ત્યારે અચાનક આગળ ચાલતા લક્ષ્મણ એકદમ થંભી ગયો. પાછળ આવતા રામ તરફ નજર નાખતાં કહ્યું : ‘મોટાભાઈ, આ કોઈક પગ તથા માથા વગરનું ભયંકર પ્રાણી લાગે છે. લાંબા લાંબા એના હાથ જુઓ, એના હાથમાં ત્રિશૂલ પણ કેટલું બધું મોટું અને ભયંકર છે !’
 
રામને પણ નવાઈ લાગી. એમણે કહ્યું : ‘ભાઈ, આ કોઈક રાક્ષસ જ લાગે છે. ત્રિશૂળના એક પાંખડામાં સિંહ પરોવેલો છે. બીજા પાંખડામાં હાથીનું માથું છે ને ત્રીજા પાંખડામાં હરણ વગેરે કેટલાંય પ્રાણીઓ પરોવેલાં લાગે છે.
 
વાતો કરતાં બેઉ ભાઈ જમણા હાથ પર વળી ગયા. કેટલેક ગયા પછી અસલના માર્ગ ઉપર આવી ઊભા. પાછા ફરી પેલા અઘોર રાક્ષસને જોવા લાગ્યા ત્યાં તો અચાનક બેઉ જણા પકડાઈ ગયા. જોયું તો પેલા રાક્ષસે જ પોતાના એ ભયંકર લાંબા હાથ વડે બેઉ ભાઈઓને બોચીમાંથી પકડી લીધા હતા.
 
રાક્ષસે પોતાના હાથ મોં તરફ વાળતાં કહ્યું : ‘હે મનુષ્યો, ઘણા વખતે મને આજે મનુષ્યનું માંસ ખાવા મળશે !’
 
રાક્ષસના હાથમાં જડબેસલાક પકડાયેલા લક્ષ્મણે જીવવાની આશા છોડી દીધી.
 
રામને અમૂંઝણ તો થતી જ હતી, પણ લક્ષ્મણની જેમ એમણે હિંમત છોડી ન હતી. ધીમેકથી એમણે લક્ષ્મણને કહ્યું : ‘હે વીર, આપણા હાથ છૂટા છે. કમરમાંથી હળવેક રહીને તલવાર કાઢો. જે રીતે પેલા વિરાધનો વધ કર્યો હતો એ રીતે આ દુષ્ટના હાથ પણ ખભા આગળથી તલવાર વડે છેદી નાખો. આપણને એ પોતાના મોંમાં મૂકવા જાય એ જ વખતે દાંત ભીંસીને ઘા કરવાનો.’
 
આ બંનેને વાતો કરતા જોઈને રાક્ષસે કહ્યું : ‘હે મનુષ્યો, મારું નામ કબંધ છે. તમે છૂટવાની આશા છોડી દો, પણ એ પહેલાં મને વાત તો કરો : આવા રૂપાળા તમે બંને ક્યાંથી આજે કબંધનો ખોરાક થવા આ અઘોર વનમાં આવી ચડ્યા છો ?’
 
રાક્ષસને વાતે વાળવા રામ પોતાની આખીય વાત કહેવા લાગ્યા.
 
રાક્ષસનું ધ્યાન વાતમાં પરોવાતાં રામે લક્ષ્મણને ઇશારો કર્યો. બેઉ ભાઈઓએ પોતપોતાની તલવારો તૈયાર તો રાખી જ હતી. એક સાથે કબંધના ખભા ઉપર વજ્રની જેમ ઘા કર્યો.
 
કબંધના બંને હાથ મૂળમાંથી છેદાઈ ગયા. લોહીનો ધોધ વહેવા લાગ્યો. રામ-લક્ષ્મણને તો હજીય હતું, આ રાક્ષસ ઊછળશે. ત્યાં તો કબંધ ઊલટાનો ખુશખુશાલ બની ગયો, કહેવા લાગ્યો : ‘ધન્ય હો રામ, લક્ષ્મણ, ધન્ય હો તમારા આગમનને.’
રામે એને ખુશ થવાનું કારણ પૂછ્યું.
 
કબંધે કહ્યું : ‘હે રામ, પહેલાં હું મહાબળવાન રાક્ષસ હતો, પણ ઇન્દ્ર સાથેની લડાઈમાં ઇન્દ્રે મને માથા ઉપર વજ્ર માર્યું. વજ્રના પ્રહારથી મારા પગ તથા માથું શરીરમાં પેસી ગયાં, પણ બ્રહ્માના વરદાનને લીધે હું મર્યો નહિ. મેં ઇન્દ્રને વિનંતી કરી : ‘‘હે દેવ, હું હવે ખાઈશ શું ?’’ એટલે ઇન્દ્રે મારા પર દયા કરીને મારા હાથ ખૂબ ખૂબ લાંબા કરી આપ્યા હતા. હે રામ, મને એક ઋષિનો શાપ હતો. એમણે મને શાપમાંથી મુક્તિ આપતાં કહ્યું હતું કે રામના હાથે તારા હાથ કપાશે ત્યારે મુક્ત થઈને સ્વર્ગે જઈશ ! હે રામ, તમે હવે મારા દેહનો અગ્નિસંસ્કાર કરવાની કૃપા કરો. તમે મને સીતાહરણની વાત કરી છે. એનો ઉપાય પણ હું તમને એ પછી દેખાડી શકીશ.’ આ સાથે જ કબંધનું શરીર મડદામાં ફેરવાઈ ગયું.
 
બેઉ ભાઈઓએ કબંધનો અગ્નિસંસ્કાર કર્યો. અડધી ચિતા બળી ત્યાં તો બળતામાંથી કોઈ એક દિવ્ય શરીર બહાર નીકું. આકાશમાં એ જવા લાગ્યું.
 
થોડેક ગયું ને એમના કાને અવાજ પડ્યો : ‘હે રામ, અહીંથી તમે પશ્ર્ચિમ દિશામાં પ્રયાણ કરો. થોડેક જશો ને મતંગ ઋષિનો આશ્રમ આવશે. આ આશ્રમમાં શબરી નામની એક તાપસી કેટલાય સમયથી તમારી રાહ જોઈ રહી છે. થોડીવારમાં અવાજ બંધ થયો અને બંને ભાઈઓ આગળ ચાલ્યા.