કુંભકર્ણ - રાવણનો ભાઈ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kumbhkarn_1  H
 
 

અલ્યા લંકેશ, આજે તને આ થયું છે શું ? હે ભાઈ, યુદ્ધભૂમિ પર હું ગયો નહિ, રામ-લક્ષ્મણને હણ્યા નહિ કે આવ્યો નહિ.

રોજેરોજ રાવણ રામની સામે હારી રહ્યો હતો. રાવણે અંતે પોતાના ભાઈ કુંભકર્ણની સહાય લેવાનો નિર્ણય કર્યો. કુંભકર્ણ કૈકસી અને વિશ્રવા ઋષિનો પુત્ર હતો. તેનામાં એક બ્રાહ્મણ જેવું તપોબળ અને રાક્ષસ જેવી માયાવી શક્તિઓ હતી. તેણે પોતાના ભાઈ રાવણ અને વિભીષણ સાથે બ્રહ્માને રીઝવવા મહાયજ્ઞ કર્યો હતો. તે બ્રહ્માજી પાસે નિર્દિવત્વમ્ એટલે કે દેવતાઓના નાશનું વરદાન ઇચ્છતો હતો. જેની જાણ દેવતાઓને થઈ જતાં દેવી સરસ્વતીએ તેની જીભ પર કાબૂ મેળવી લઈ નિદ્રાવત્વમ્ (નિદ્રા) બોલાવી દીધું અને બ્રહ્માજીએ તેને તથાસ્તુ કરી દીધું. રાવણે બ્રહ્માજીને આ વરદાન નથી, મારા ભાઈ માટે અભિશાપ છેનું કહી બ્રહ્યાજીને તેમના શબ્દો પરત લેવાનું કહ્યું. બ્રહ્માજીનું વરદાન ફોગટ ન જાય માટે બ્રહ્માજીએ છ માસની ઊંઘ અને છ માસ જાગતા રહેવાનું વરદાન આપ્યું. આમ કુંભકર્ણ છ માસ સુધી જાગતો અને છ માસ સુધી સતત ઊંઘ્યા કરતો હતો. રાવણે યૂપાક્ષ નામના પોતાના મહાઅમાત્યને એ જ વખતે બોલાવડાવ્યો. આજ્ઞા આપતાં કહ્યું : ‘હે સુહૃદ, મહામતિ કુંભકર્ણને યેન કેન પ્રકારેણ જગાડો. એના કાન પર રામે કરેલી ચડાઈની વાત નાખો.’
 
યૂપાક્ષ પોતાની સાથે બીજા કેટલાક અમાત્યો તથા કર્મચારીઓ લઈને કુંભકર્ણના મહેલે ગયો.
 
કુંભકર્ણ એટલે અઘોર નિદ્રામાં પડેલો કોઈ પર્વત જાણે. રાક્ષસોએ એના કાનમાં હાકોટા ને ઘાંટાઘાંટ કરવા માંડી : ‘હે મહાસમર્થ કુંભકર્ણ, જાગો જાગો, લંકા ઉપર ભય આવ્યો છે. હે મહાકાળ, હે રાક્ષસકુળના મહારક્ષક !...’
 
છેવટે કાન આગળ દુંદુભિના ગડગડાટ કર્યા. છતાંય કુંભકર્ણે પાસું સુધ્ધાં ન બદલ્યું.
 
થાકીને યૂપાક્ષે આ મહારાક્ષસના વિરાટ દેહ પર હાથી ચલાવ્યા. છેવટમાં હાથીઓને દારૂ પાઈને દોડાવ્યા ત્યારે જ એણે અડધી ઊંઘમાં સવાલ કર્યો : ‘કોણ છે ?... શું છે ?...’ આંખો પણ અડધીપડધી ઉઘાડી હતી.
 
યૂપાક્ષે કુંભકર્ણ આગળ રામે કરેલી ચડાઈની વાત કરી. રાવણે સીતાનું હરણ કર્યું હતું એ વાત કરી વેર થવાનું કારણ પણ આપ્યું. અંતમાં કહ્યું : ‘હે મહારાજ, રાવણરાય તમારા શરણે આવ્યા છે. તમારા સિવાય રાક્ષસકુળને કોઈ બચાવવા સમર્થ નથી.’
 
કુંભકર્ણ સફાળો બેઠો થયો : ‘લાવ, મારું ત્રિશૂળ લાવ, રામનો સંહાર કરીને પછી જ હું રાવણને મળીશ.’
 
યૂપાક્ષે હાથ જોડતાં કહ્યું : ‘હે મહારાજ, એકવાર રાવણરાયને મળો ને પછી આપ રણે ચડો.’
 
‘ભલે.’ કુંભકર્ણ રાવણના ભવન તરફ ચાલ્યો.
 
કુંભકર્ણને નગરમાંથી પસાર થતો જોઈને લંકાનગરી આખીય ઉત્સાહને હિલોળે ચડી. સૌ કોઈ કુંભકર્ણનાં દર્શન કરવા ઊમટી પડ્યું. અગનના ગોળા સરખી કુંભકર્ણની આંખો જોઈને ખાતરી થઈ ગઈ : ‘રામ-લક્ષ્મણનો કોળિયો થયેલો જ સમજી લેવો !’
રાવણે કુંભકર્ણનું પૂજન કર્યું. પછી એણે કુંભકર્ણ માટે કવચ મંગાવ્યું. કુંભકર્ણ છેડાઈ ગયો : ‘અલ્યા, મારી તમે મશ્કરી કરો છો કે શું ? કુંભકર્ણને કવચ કેવું ?’
 
રાવણે એને શાંત પાડતાં કહ્યું : ‘હે અરિદમન, આ તો માત્ર શોભા અર્થે પહેરાવીએ છીએ.’
 
અંતે એને વિદાય આપતાં રાવણે કહ્યું : ‘હે મહાકાળ, તું રામ-લક્ષ્મણ સામે સાવધ રહીને યુદ્ધ કરજે. પેલા હનુમાનથી પણ તું બેદરકાર રહીશ નહીં.’
 
કુંભકર્ણ ખડખડાટ હસી પડ્યો. રાવણને એ કહેવા લાગ્યો : ‘અલ્યા લંકેશ, આજે તને આ થયું છે શું ? હે ભાઈ, યુદ્ધભૂમિ પર હું ગયો નહિ, રામ-લક્ષ્મણને હણ્યા નહિ કે આવ્યો નહિ. વાનરો તો બિચારા મારી હાકથી જ મરણશરણ થઈ જશે.’ ને ધમધમ પગલે ચાલતો થયો.
 
ગઢ ઊતરતાં જ કુંભકર્ણે હાક પાડી.
 
રણમેદાન પર આવી ઊભેલી વાનરસેના એ તરફ જોઈ જ રહી હતી. પહેલાં તો ડુંગર સરખા આ રાક્ષસને આવતો જોઈને બેબાકળી બની ગઈ. એકમેક તરફ જોવા લાગી. બોલવાના હોશ પણ ન હતા. ત્યાં તો કુંભકર્ણે ત્રાડ નાખી : ‘હા રે
રે ?...’
 
કુંભકર્ણની આ ભયંકર ત્રાડથી દિશાઓ કંપી ઊઠી. સમુદ્ર ખળભળી ઊઠ્યો. વાનરસેના ભાગવા લાગી.
કુંભકર્ણે વળી બીજી ત્રાડ નાખી. કહેવા લાગ્યો : ‘આવ્યો છું ’લ્યા વાનરો, હું કુંભકર્ણ.’’
 
વાનરોને ભાગી રહેલા જોઈને વિભિષણે સુગ્રીવને કહ્યું : ‘હે કપિરાજ, વાનરોને કહો કે આ તો રાવણે આવું પૂતળું બનાવ્યું છે માટે તમે ડરો નહિ.’
 
સુગ્રીવે યૂથપતિઓને મોકલીને એ પ્રમાણે વાનરોના મનમાં વાત ઠસાવી.
 
છતાંય એ બધા રામ-લક્ષ્મણની પાછળ કેટલેય છેટે જ ઊભા રહ્યા. હનુમાન, અંગત જેવા હિંમતવાન યૂથપતિઓ જ આગળના ભાગમાં ઊભા હતા ને એ પણ બધા દિલમાં તો કાંપતા જ હતા. રામ-લક્ષ્મણે ધનુષના ટંકાર કરવા માંડ્યા, પણ કુંભકર્ણની ત્રાડ આગળ નગારાં આગળ પિપૂડી જાણે !
 
હનુમાન, અંગદ, નીલ વગેરેએ કુંભકર્ણ ઉપર મોટી મોટી શિલાઓનો વરસાદ વરસાવવા માંડ્યો. કુંભકર્ણે પોતાનું તાડ સરખું વિરાટ ત્રિશૂળ વીંઝવા માંડ્યું. શિલાઓના ચૂરેચૂરા કરવા માંડ્યા. કેટલીક વાર તો ગેડીથી ફટકારેલા દડાની જેમ શિલાઓ પાછી વાનરસેનામાં આવી પડતી. વાનરોનો કચ્ચરઘાણ કાઢી નાખતી. કુંભકર્ણરૂપી ઢાલની ઓથે રાક્ષસસેના પણ તાનમાં આવી આયુધો વીંઝી વાનરોનો કાફલો કાઢવા લાગી. બાણોનો વરસાદ પણ વરસતો હતો.
 
રામ-લક્ષ્મણને આ લોકોનાં બાણ સામે પણ વાનરોની રક્ષા કરવાની હતી.
 
કુંભકર્ણના વિરાટ હાથમાં વીંઝાઈ રહેલું ત્રિશૂળ જોઈને હનુમાનનો આત્મા કોપી ઊઠ્યો. લાગ સાધીને સીધા જ એ કુંભકર્ણના ખભા ઉપર જઈ ચીટકી ગયા. કુંભકર્ણ ત્રિશૂળ વીંઝવું રહેવા દઈને હનુમાનને ઉખેડવા ગયો. હનુમાન કૂદ્યા. કુંભકર્ણની ઢીલી પડેલી મૂઠીમાંથી ત્રિશૂળને આંચકી લીધું. દાંત ભીંસી કુંભકર્ણના એ તાડ સરખા ત્રિશૂળને બે કકડે કરી નાખ્યું. બેઉ કકડા વારાફરતી રાક્ષસસૈન્ય પર ભમભમાવ્યા. કેટલાય રાક્ષસોનો કચ્ચરઘાણ નીકળી ગયો.
 
હનુમાનના આ વીર કાર્યે વાનરોમાં હિંમત પ્રગટાવી.
 
પછી તો અંગદ, નીલ જેવા હિંમતવાન વાનરો કુંભકર્ણ ઉપર ઠેકડા જ ભરવા લાગ્યા. કાન, નાક ને બાવડાં ઉપર બચકાંબચકી કરવા લાગ્યા.
 
કુંભકર્ણ પાસે ત્રિશૂળ તો હવે હતું જ નહિ. પોતાના હાથ વીંઝવા માંડ્યા. લાંબા હાથે વાનરોને બાથમાં લેવા માંડ્યા. સીધા જ મોંમાં ઓરવા માંડ્યા.
 
શ્રી રામને આ વાતની જાણ થતાં તેમણે કહ્યું : ‘હે પ્રિય યોદ્ધાઓ, આ દુષ્ટ રાક્ષસ સામે હવે મને જ યુદ્ધ ચડવા દો. તમે કોઈ વચ્ચે પડતા નહિ.’
 
ધનુષનો ટંકાર કરી રામ હવે કુંભકર્ણને પડકાર પણ ફેંકવા લાગ્યા : ‘હે રાવણના બળવાન ભાઈ, આ તરફ આવ. હું દશરથનંદન રામ તને યુદ્ધ માટે પડકારું છું.’ કુંભકર્ણ હવે મરવા ઉપર જ બેઠો હતો. સીધો એ રામ તરફ ધસી આવ્યો. કેમ જાણે કોઈ નાક-કાન વગરનો મહા વિકરાળ કાળ પોતે જ મોં ફાડીને ન આવતો હોય !
 
અને પછી રામે એકવાર તો એ પર્વત સરખા રાક્ષસનો એક હાથ છેદી નાખ્યો.
 
કુંભકર્ણ હવે પાગલ થઈને ઘૂમવા લાગ્યો. એના હાથમાં જે આવ્યું એ રામ તથા સેના ઉપર ફેંકવા માંડ્યું. શિલા તો શિલા, હથિયાર તો હથિયાર, ને વાનર તો વાનર. અરે ઉન્માદને લીધે એક-બે રાક્ષસોને પણ જીવતા ને જીવતા રામ ઉપર ફંજેટ્યા !...
 
રામે પછી બીજો હાથ છેદી નાખ્યો. કુંભકર્ણ વંટોળ થઈને રામ તરફ આગળ વધ્યો. વાનરસેના ચીસાચીસ કરતી નાસવા લાગી. રામે એક પછી એક એમ બેઉ પગ છેદી નાખ્યા. છતાંય કુંભકર્ણ જમીન પર ઘસડાતો ઘસડાતો યંત્રમાંથી છૂટેલા ગોળા પેઠે રામ ઉપર સીધો જ ધસી આવ્યો. ને છેવટે રામે કુંભકર્ણનું માથું છેદી બાણ ઉપર ચડાવીને લંકા ઉપર જ સીધું ફેંક્યું.
 
પર્વતનું કોઈ શિખર જાણે ઊડતું જતું હોય તેમ કુંભકર્ણનું માથું લંકા તરફ જવા લાગ્યું. ને જે બુરજ પર ઊભો રહીને રાવણ યુદ્ધ નિહાળતો હતો, એ જ બુરજ આગળ જઈને જોરથી એ ઝીંકાઈ પડ્યું. પોતાના આ મહાબળવાન ભાઈનું માથું આમ પગ આગળ આવી પડેલું જોઈને રાવણ રોમ-રોમ કંપી ઊઠ્યો. માત્ર માથું ન મળે કાન કે ન મળે નાક સુધ્ધાં ! ભયને લીધે રાવણ આંખો મીંચી ગયો. થરથર ધ્રૂજતો એ બુરજ પરથી ઊતરી ગયો.