લંકીની - હનુમાનજી સાથે યુદ્ધ કરનાર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

lankini_1  H x
 
 
જામવંત દ્વારા હનુમાનજીને તેમની શક્તિ યાદ અપાવ્યા બાદ હનુમાનજી માતા સીતાની શોધમાં દરિયો પાર કરી લંકા જવા છલાંગ લગાવે છે. રાક્ષસી સિંહકાનાનો સંહાર કર્યા બાદ તેઓ લંકાના દ્વારે પહોંચે છે. તે સમયે લંકાની રક્ષા લંકીની નામની એક રાક્ષસી કરી રહી હતી. લંકાના પ્રવેશદ્વાર પર જ તેનો સુવર્ણમહેલ હતો. લંકીની રાવણની ખૂબ જ વિશ્ર્વાસુ અને માયાવી રાક્ષસી હતી. રાવણ પોતાના રાજકોષથી તેને માસિક વેતન આપતો હતો.
 
હનુમાનજી માયાવી લંકાનગરીમાં પ્રવેશવા માટે સૂક્ષ્મ રૂપ લઈ લંકામાં પ્રવેશવા જાય છે, પરંતુ માયાવી લંકીનીની નજર હનુમાનજી પર પડી જાય છે અને તે તેમને ધમકાવતાં કહે છે, હે વાનર, આમ મારો અનાદર કરી છાનો માનો લંકામાં કેમ પ્રવેશી રહ્યો છે ? મૂર્ખ, તું મને નથી જાણતો, જેટલા પણ ચોર છે તે તમામ મારું ભોજન છે. એટલે કે હવે તું પણ મારું ભોજન છે. હું તને ખાઈ જઈશ.
 
હનુમાનજી લંકીનીને પોતાનો પરિચય આપે છે અને પોતે માતા સીતાને શોધવા લંકામાં જઈ રહ્યા છે એમ કહેતાં લંકીની વધારે ક્રોધે ભરાય છે અને લંકાપતિ રાવણનો શત્રુ એ મારો શત્રુ કહી હનુમાનજીને યુદ્ધ માટે લલકારે છે અને તેમના પર પ્રહાર કરે છે. ના છૂટકે હનુમાનજીને પોતાના વિશાળ રૂપમાં આવવું પડે છે. લંકીનીને જોરદાર મુક્કો મારે છે. હનુમાનજીના પ્રહારથી લંકીની લોહીની ઊલટીઓ કરવા લાગે છે અને જમીન પર ચત્તીપાટ પડે છે. તે ઊઠે છે અને હનુમાનજીની હાથ જોડી માફી માગી હનુમાનજીને લંકામાં પ્રવેશવાની પરવાનગી આપે છે.