લવ-કુશ - ભગવાન શ્રીરામના પુત્રો

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

lov kush_1  H x

 

લવ-કુશ ટાંચાં સાધનો વચ્ચે પણ ધનુર્વિદ્યામાં નિપુણ થયા. અન્ય કલાઓમાં પણ તેઓ કુશળ હતા.

માનવીમાં રહેલા ઉત્તમ ગુણોને નારી સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવે છે. આજે ભારતીય નારીની પ્રગતિ આસમાને અડી રહી છે એના મૂળમાં સીતા છે. સમર્પણ અને સૌહાર્દનું પ્રતીક એટલે સીતા. રામ એટલે વાત્સલ્યમૂર્તિ. એ બંનેના ઉત્તમ ગુણો લવ અને કુશમાં ઊતરી આવ્યા છે.
 
૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્યામાં આગમન બાદ સીતા ગર્ભવતી હતાં. શંકાના કારણે શ્રીરામે સીતાનો ત્યાગ કર્યો. પરંતુ ખાસ વાત કે પતિ રામે સીતાનો ત્યાગ નથી કર્યો પણ રાજા રામે સીતાનો ત્યાગ કર્યો છે. સીતા વાલ્મીકિના આશ્રમમાં આશ્રય લે છે. લવ અને કુશને જન્મ આપે છે. બાળપણથી બંને બાળકોમાં પિતાની ઓજસ્વિતા વર્તાય છે. એમનામાં પિતાની ઓળખ મેળવવાની ઝંખના દેખાય છે પણ એમાં પીડાનું પોત નથી વણાતું. મહાન પિતાના સંતાન હોવાનો ભાર બહુ વસમો હોય છે.
લવ-કુશ માત્ર સીતાના સંતાનો હતા એમ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. મહાબલી જનકરાજાની પુત્રી, રાજાધિરાજ રામની પત્ની અને દિગ્વિજયી રાજા દશરથની પુત્રવધૂનો ભાર એક બાજુ મૂકી સીતાએ હાથે ખાંડેલું અનાજ ખવડાવી ખંતથી લવ-કુશને મોટા કર્યા. મહેનત કરીને સઘળી વિદ્યા પ્રાપ્ત કરાવી.
 
અયોધ્યામાં શ્રી રામ અશ્ર્વમેઘ યજ્ઞનું આયોજન કરે છે. તેમના દ્વારા છૂટો મૂકાયેલો અશ્ર્વ ફરતો ફરતો ઋષિના આશ્રમમાં આવી ચડે છે અને ત્યાં રમતા લવ-કુશ એ ઘોડાને પકડીને બાંધી દે છે. રામને ખબર પડે છે કે કોઈ ઋષિ કુમારોએ તેમના અશ્ર્વને બંદી બનાવી લીધો છે. આ સાંભળી શ્રીરામ તેમના સૈનિકોને લવ-કુશને સમજાવવા મોકલે છે. પણ તેઓ માનતા નથી. આથી રામ તેમને દંડિત કરવાનું કહે છે, પરંતુ લવકુશના બાણ સામે તેમનું સૈન્ય અને લક્ષ્મણ સહિતના તમામ ભાઈ અને હનુમાન પણ પરાજિત થાય છે. છેવટે રામ યુદ્ધ મેદાનમાં ઉતરે છે, પરંતુ યુદ્ધનું કોઈ જ પરિણામ આવતું નથી. આ ઋષિકુમારોની બહાદુરી જોઈ શ્રીરામ તેમને યજ્ઞમાં સામેલ થવાનું આમંત્રણ આપે છે. જ્યાં જઈ લવકુશ રામકથા અને માતા સીતાની વ્યથા કથા ગાઈ સંભળાવે છે. આ સાંભળી શ્રી રામ સમજી જાય છે કે લવ અને કુશ તેમના જ સંતાનો છે. તેઓ માતા સીતાને આદર સહિત મહેલમાં લઈ આવવાની આજ્ઞા કરે છે. માતા સીતા લવ-કુશને શ્રીરામને સોંપી ધરતીમાં સમાઈ જાય છે. સમય જતા ભગવાન શ્રીરામ પણ રાજપાઠ છોડી સરયૂમાં જળ સમાધિ લેવાનું નક્કી કરતા દક્ષિણ કૌશલ પ્રદેશ એટલે કે છત્તીસગઢ રાજ્યનો કુશને રાજા બનાવવામાં આવે છે અને ઉત્તર કૌશલનું રાજ લવને આપવામાં આવે છે.
 
લવ-કુશ ટાંચાં સાધનો વચ્ચે પણ ધનુર્વિદ્યામાં નિપુણ થયા. અન્ય કલાઓમાં પણ તેઓ કુશળ હતા. રામે મોટા પુત્ર કુશને કોશલ દેશના કુશ્ર્વતી નગરી અને નાના પુત્ર લવને ઉત્તરમાં પંજાબનું રાજ્ય આપ્યું હતું. લવને બે પત્નીઓ હતી, જેમાં એકનું નામ સુમતિ અને બીજીનું નામ કન્જાનના હતું. આ પત્નીઓથી લવને પાંચ પુત્રો થયા હતા, જેના મુખ્ય વંશ તરીકે લવરાણાઓનો ખ્યાતિ ધ્વજ ફરકાવ્યો હતો. લવવંશી મહારાજા કન્કસેનની આઠમી પેઢીએ શિલાદિત્ય થયો. આ રાજા વલ્લભીપુરમાં આવેલા પવિત્ર સુર્યકુન્ડને લીધે અજેય ગણાતો હતો.
 
ઐતિહાસિક તથ્યો અનુસાર કુશ દક્ષિણ કૌશલ અને લવે લવપુરી નગરની સ્થાપના કરી હતી. ઉપરાંત અયોધ્યામાં પ્રથમ વખત ભગવાનશ્રી રામનું મંદિર પણ તેમણે જ બંધાવેલું.