મંદોદરી - રાવણનાં પત્ની

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

mandodari_1  H
 

મંદોદરી વિલાપ કરતાં કહે છે, ‘મહારાજ લંકાપતિ ! હું આપને કહેતી હતી કે સતી સીતાજીને શ્રીરામને શરણે સોંપીને પાપમુક્ત થઈ જાઓ.

ભારતીય સંસ્કારોના રસાયણ એવા રામાયણ મહાગ્રંથમાં એક આદર્શ સતી નારીના પાત્રમાં મંદોદરીનું પાત્ર સમાજ તથા નારીશક્તિ માટે પ્રેરણાસ્રોત છે. મંદોદરીનો ઉછેર પિતા મયદાનવે કર્યો હતો, કારણ કે માતા હેમાદેવી મંદોદરીને છોડીને સ્વર્ગમાં ચાલ્યાં ગયાં હતાં. માતાની શીળી છાયા વિના મંદોદરીમાં દાનવકુળમાં જન્મ થવા છતાં માતાના ગર્ભના દૈવી સંસ્કારો હતા. પિતા મયદાનવે લંકાપતિ રાવણ સાથે મંદોદરીનાં લગ્ન કર્યાં, પણ આ લગ્નથી મંદોદરીને સુખ ન હતું. રાવણે મંદોદરીને પટ્ટરાણી બનાવ્યાં. રાવણની શક્તિ, પરાક્રમો, દિગ્વિજય વગેરે ગમે તેટલા સારા હોય પણ તે હંમેશાં મંદોદરીને સૂગ જ આપતાં. મંદોદરીનો શુદ્ધ, પવિત્ર આત્મા હંમેશા રાવણને સત્યના માર્ગે વાળવા મનોવ્યથા અનુભવતો હતો.
 
મંદોદરીએ આ મનોવ્યથા મહાત્મા વિભીષણને પણ સંભળાવી હતી. તેમણે કહ્યું હતું, ‘હે દાનવકુળમાં જન્મેલ મહાત્મા! તમે ક્યાં અને ભાગ્યવશ જેને પરણી છું તેવા અભિમાની તમારા ભાઈ લંકાપતિ રાવણ ક્યાં ? પતિના દુરાચારી, અભિમાની, ઘમંડી અને રાક્ષસી કૃત્યો જોતાં મને તેમનો વિનાશ થશે તેના ભણકારા વાગે છે. શ્રીલંકાની પટ્ટરાણીનો વૈભવ મને પોકળ તથા દુઃખદાયક લાગે છે. જગતની સ્ત્રીઓને સંદેશો આપવાનું મન થાય છે કે, ‘હે સ્ત્રીઓ ! બહારના વૈભવની જાળમાં ફસાઈ સુખ મેળવશો નહીં ! તેના કરતાં શુદ્ધ, સદાચારી ગરીબનું ખોરડું સુખદાયક રહેશે.’ મંદોદરીના સદ્ઉપદેશોની અસર રાવણ પર થતી નથી. મંદોદરી તેના અરણ્યરુદનથી રાવણને અનેક પ્રસંગોએ સત્યના માર્ગે વળવા ચેતવે છે, છતાં રાવણ હંમેશા અભિમાનમાં જ ચકચૂર રહે છે.
 
રામાયણ મહાગ્રંથમાં સતી મંદોદરી અને સતી સીતાના મિલનનો પ્રસંગ પણ અદ્ભુત રીતે વર્ણવાયો છે. અશોકવાટિકામાં સીસમના ઝાડ નીચે સતી સીતા અયોધ્યામાં પતિ શ્રીરામની આતુરતાથી રાહ જોતાં ભૂખ અને તરસ વેઠીને વ્યાકુળ અવસ્થામાં બેઠાં છે. સીતાજીને કોઈ મળે નહીં તેવી ચુસ્ત-કડક સૂચના રાવણે સીતાજીની મુખ્ય રક્ષક ત્રિજટાને આપી હતી. રાવણની આ સૂચનાને અવગણી મંદોદરી સીતાજીનાં પ્રથમ દર્શને આવે છે. ત્રિજટાની આનાકાની છતાં મંદોદરીની વિનંતીથી બંને સતીઓનું મિલન થાય છે. સીતાજી જાણે યોગનિદ્રામાંથી જાગીને મંદોદરીને આવકારે છે. સીતાજીએ ત્રિજટાને કહ્યું, ‘હે ત્રિજટા ! સાચે જ આજે મને આ રાક્ષસોની વચ્ચે સતીનાં દર્શન થયાં છે. મને લાગતું હતું કે લંકાની પટ્ટરાણી રાવણનો કોઈ સંદેશો લાવ્યાં હશે. પણ આ સતી નારીએ તો મને શ્રીરામ આવશે અને મુક્તિ મળશે તેવી હૈયાધારણ આપી છે. મારામાં એક નવીન ચેતનાનો સંચાર થયો છે. મંદોદરીએ રાવણના વિનાશ માટે જ મને નિમિત્ત ગણાવી મને આશ્ર્વાસન આપ્યું છે. શ્રીરામ તેમની વાનરસેનાથી શ્રીલંકા પર વિજય મેળવશે અને પતિ દશાનનનો વિનાશ થશે એમ કહેનારી આ સૌભાગ્યવતી હિંમતવાળી સ્ત્રી સતી નારીનાં સત્યવચનોએ મારામાં નૂતન પ્રાણનો સંચાર કર્યો છે.’
 
રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ- રાવણના યુદ્ધમાં રાવણનો સંહાર થાય છે. રણક્ષેત્રમાં રાવણના મસ્તકને પોતાના ખોળામાં મૂકીને મંદોદરીના વિલાપનું પણ અદ્ભુત વર્ણન છે. મંદોદરી વિલાપ કરતાં કહે છે, ‘મહારાજ લંકાપતિ ! હું આપને કહેતી હતી કે સતી સીતાજીને શ્રીરામને શરણે સોંપીને પાપમુક્ત થઈ જાય. દાનવકુળમાં જન્મેલ અનેક મહાત્માઓની જેમ ઋષિજીવન જીવીએ, છતાં આપ માન્યા નહીં. હે નાથ ! તમે અધર્મનો માર્ગ છોડી શક્યા નહીં તેનું મને દુઃખ છે, પણ શ્રીરામના બાણથી તમારી નાભિમાંના અમૃતકુંભના છેદનથી તમે જરૂર પવિત્ર થયા છો. શ્રીરામના હાથે તમારો મોક્ષ જરૂર થયો છે. જરૂર તમે તમારા ધર્મના સ્થાનને પામ્યા હશો. તમે વીરને મોતે ગયા છો. જગન્નિયંતાએ ન્યાય કર્યો છે. શ્રીરામે લંકાનું રાજ્ય તમારા ભાઈ મહાત્મા વિભીષણને આપ્યું છે. અધર્મના રાજ્યમાં રામરાજ્ય સ્થપાયું છે જેનું સંચાલન વિભીષણ કરશે.’ રણક્ષેત્રમાં લંકાપતિ રાવણનું શબ મંદોદરીના ખોળામાં પડ્યું છે. વિભીષણ તથા સ્વજનો મંદોદરીના ખોળામાંથી લઈ રાવણના શબનો અગ્નિસંસ્કાર કરે છે. રણમેદાનમાં વિલાપ કરતી મંદોદરી શ્રીલંકામાં પુનઃ પાછી વળે છે. ત્યાર બાદ આ સતી મંદોદરીનું શું થયું તેનું રહસ્ય આજ દિન સુધી જાણી શકાયું નથી.