મારીચ - સીતાહરણમાં રાવણની મદદ કરનાર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

marich_1  H x W
 
 
મારીચ રામાયણનો માયાવી રાક્ષસ હતો. તે તાડકા રાક્ષસી અને સુન્દ રાક્ષસનો પુત્ર હતો. કહેવાય છે કે, ભલે તે રાક્ષસ કુળમાં જન્મ્યો હતો, પરંતુ તે ધર્મપ્રિય હતો અને શ્રીરામનો મોટો ભક્ત હતો. રામાયણમાં શૂર્પણખાના નાક-કાન કાપવાનો અને ખરદૂષણના વધનો બદલો લેવા માટે રાવણ મહામાયાવી મારીચ પાસે જાય છે, અને સીતાહરણ માટે મદદ કરવાની અપીલ કરી. મારીચે આ વાત સાંભળી રાવણને સમજાવતાં કહ્યું કે, ‘દશાનન, તમે શ્રીરામ સાથે સંઘર્ષમાં ઊતરવાનું દુસાહસ ના કરશો. હું તેમનાં પરાક્રમોને જાણું છું. જગતમાં એવું કોઈ નથી જે શ્રીરામનાં બાણોનો સામનો કરી શકે.’ મારીચની વાત સાંભળી રાવણ ગુસ્સે થયો અને તેને મારી નાંખવાની ધમકી આપી. આથી મારીચે વિચાર્યું આમેય રાવણ જેવા દુષ્ટનાં હાથે મરવું એ કરતાં ભગવાન શ્રીરામના હાથે કેમ ના મરવું. આમ તે રાવણનો સાથ આપવા તૈયાર થયો. રાવણે એને સુવર્ણ મૃગ બની સીતાને લલચાવવાની સમગ્ર યોજના સમજાવી.
 
બધું જ રાવણની યોજના પ્રમાણે થયું. સીતાએ સુવર્ણમૃગથી આકર્ષાઈ શ્રીરામને મૃગ લાવી આપવાની જીદ કરી. શ્રીરામ તીર ચડાવી સીતાની સુરક્ષાની જવાબદારી લક્ષ્મણને સોંપી માયાવી મારીચ પાછળ ભાગી તેના પર અમોઘ બાણ ચલાવે છે ત્યારે યોજના મુજબ તે શ્રીરામના અવાજમાં લક્ષ્મણને મદદ મદદે બૂમો પાડે છે. લક્ષ્મણની ના છતાં માતા સીતા તેને પરાણે શ્રીરામની મદદ માટે મોકલે છે અને રાવણ માતા સીતાની એકલતાનો લાભ લઈ તેમનું અપહરણ કરવામાં સફળ થાય છે. જ્યારે રામના હાથે હરણરૂપી મારીચ હણાય છે પછી તે તેના અસલી સ્વરૂપમાં આવીને ભગવાનને કહે છે કે, ‘પ્રભુ, આપનાં હાથે મૃત્યુ પામવા જ મેં આ કૃત્ય કર્યું હતું. ભુલ થઈ હોય તો ક્ષમા કરશો.’