મુલકાસુર - કુંભકર્ણનો પુત્ર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

mulkasur_1  H x 
 

‘‘હું તારી મૃત્યુચંડી છું. તેં મારા પક્ષપાતી બ્રાહ્મણને મારી નાખ્યો છે. હવે હું તને મારીને ઋણ ઉતારીશ.’’

ભગવાન શ્રી રામ રાજદરબારમાં બેઠા હતા ત્યારે અચાનક વિભીષણ આવ્યા અને બોલ્યા, હે શ્રી રામ ! મને બચાવી લો. કૃપા કરીને મને બચાવી લો. કુંભકર્ણના પુત્ર મુલકાસુર રાક્ષસે આતંક ફેલાવી દીધો છે. આ એ જ રાક્ષસ છે જેને કુંભકર્ણે જંગલમાં છોડી દીધો હતો, પણ મધમાખીઓએ તેને સાચવી લીધો હતો. તે તરુણ થયો પછી તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા. પછી તેણે તેમની પાસેથી વરદાન પણ લીધું. હવે તેને એ વાતનું અભિમાન આવી ગયું છે એટલે તે હવે બધાને હેરાન કરી રહ્યો છે.’’ થોડીવાર રોકાઈને વિભીષણ બોલ્યા, ‘‘મુલકાસુરને એવી ખબર પડી છે કે તમે લંકા જીતી લીધી છે અને મને રાજ્ય સોંપી દીધું છે. તેથી તેણે તેના પાતાળવાસી સાથીઓને લઈને મારા પર આક્રમણ કરી દીધું છે. ગમે તેમ કરીને મેં છ મહિના સુધી તો યુદ્ધ કર્યું. ગઈકાલે રાત્રે એક સુરંગમાંથી હું, મારી પત્ની અને મંત્રીઓ તમારી પાસે અહીં આવ્યા છીએ. આ રાક્ષસ એવું બોલી રહ્યો હતો કે તે પહેલાં પિતામહ વિભીષણ એટલે કે હું અને પછી ભગવાન શ્રી રામ એટલે કે તમારો વધ કરી નાખશે.
 
ભગવાન શ્રી રામે તેની વાત શાંતિથી સાંભળી તો લીધી. તેમણે વિભીષણને મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે પુત્રો લવ-કુશને અને લક્ષ્મણને સેના સાથે તૈયાર થઈ જવાનું કહ્યું. તેમણે વાનરસેના પણ તૈયાર કરાવી દીધી. પછી બધા પુષ્પક વિમાનમાં બેસીને લંકા તરફ જવા નીકળી પડ્યા. લંકામાં ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ સાત દિવસ સુધી ચાલ્યું. ઘણી મુશ્કેલી ઊભી થઈ ગઈ. તેથી અયોધ્યાના સુમંત સહિતના મંત્રી પણ લંકા પહોંચી ગયા.
 
આ બાબતે રામ ચિંતામાં હતા ત્યારે અચાનક જ બ્રહ્માજી ભગવાન શ્રી રામ પાસે આવ્યા અને બોલ્યા, ‘‘હે રઘુનંદન ! મેં આ રાક્ષસને કોઈ સ્ત્રી દ્વારા વધ થશે તેવું વરદાન આપ્યું છે. આ ઉપરાંત હજી એક વાત સાંભળી લો. એકવાર તે મુનિઓની વચ્ચે જઈને સીતાજી વિશે એલફેલ બોલવા લાગ્યો હતો. મુલકાસુર સીતાજીને ચંડી કહી તેનો ઉપહાસ કરતો હતો. તેથી એક મુનિ તેના પર ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપી દીધો કે હે દુષ્ટ! તેં જે સ્ત્રીને ચંડી કહી છે તે સીતા જ તારો જીવ લેશે. તે જ તારા મૃત્યુનું કારણ બનશે. તે મુનિની આવી વાત સાંભળીને તે રાક્ષસે મુનિનો પણ વધ કરી નાખ્યો. તેથી બાકી બધા મુનિઓ ડરીને ત્યાંથી ભાગી ગયા.’’
 
થોડીવાર પછી બ્રહ્માજી બોલ્યા, ‘‘હું એટલું જ કહેવા માંગું છું કે તમારી એક પણ મહેનત કામમાં આવશે નહીં. તમારે સીતાજીને કહેવું પડશે, કારણ કે સીતાજી જ મુલકાસુરનો વધ કરવા સક્ષમ છે, તેથી તમે સીતાજીને બોલાવીને મુલકાસુરનો વધ કરવા માટે કહો.’’
 
આટલું કહીને બ્રહ્માજી ચાલ્યા ગયા. પછી ભગવાન શ્રી રામે તરત જ હનુમાનજીને આદેશ આપ્યો કે તે સીતાજીને પુષ્પક વિમાનમાં સુરક્ષિત રીતે લઈ આવે.
 
સીતાજી ભગવાન શ્રી રામના વિરહમાં જીવન વિતાવી રહ્યાં હતાં ત્યાં જ હનુમાનજી અને ગરૂડ તેમની પાસે આવ્યા. પતિનો સંદેશ સાંભળીને સીતાજી તરત જ તેની સાથે નીકળી પડ્યાં.
 
ત્યાર બાદ ભગવાન શ્રી રામે સીતાજીને મુલકાસુર વિશે વાત કરી. આ બધી વાત સાંભળીને તો ભગવતીને ગુસ્સો આવી ગયો. તેમના શરીરમાંથી એક અલગ જ પ્રકારની તામસી શક્તિ નીકળવા લાગી. તેમનો અવાજ પણ ભયંકર થઈ ગયો. સીતાજી તરત જ લંકા તરફ ચાલી નીકાં. સીતાજીને જોઈને મુલકાસુરે કહ્યું, ‘‘તું અહીંથી ભાગી જા. હું સ્ત્રી પર હાથ નથી ઉપાડતો.’’
 
સીતાજીએ કહ્યું, ‘‘હું તારી મૃત્યુચંડી છું. તેં મારા પક્ષપાતી બ્રાહ્મણને મારી નાખ્યો છે. હવે હું તને મારીને ઋણ ઉતારીશ.’’ આટલું કહીને સીતાજીએ તેના પર પાંચ બાણ ચલાવ્યાં. સામે મુલકાસુરે પણ બાણ ચલાવવાનાં શરૂ કર્યાં.
 
અંતે ચંડિકાસ્ત્ર ચલાવીને સીતાજીએ મુલકાસુરનું માથું જ ઉડાવી દીધું. તેનું માથું લંકાના દરવાજા પર જ પડી ગયું. બાકી બધા રાક્ષસ પણ ડરીને ભાગી ગયા. સીતાજી ફરીથી તેમના અસલ સ્વરૂપમાં આવી ગયાં.