શ્રીરામની ખિસકોલી - સેતુ નિર્માણમાં શ્રીરામની મદદ કરનાર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ram ni khiskoli_1 &n
 
તમે લંકાયુદ્ધની કથા સાંભળતી વખતે ખિસકોલી અને ભગવાન શ્રી રામની વાર્તા તો સાંભળી જ હશે. એવું કહેવાય છે કે સમુદ્ર પર જ્યારે સેતુ બની રહ્યો હતો ત્યારે વાનરો અને રીંછો ગિરિશિખર અને વૃક્ષો લઈને સેતુ બનાવવામાં મદદ કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે એક નાની એવી ખિસકોલી મર્યાદા પુરુષોત્તમની મદદ કરવા માટે વૃક્ષ પરથી નીચે આવી ગઈ. તેણે પણ પોતે કરી શકે તેવું એક કામ શોધી લીધું. તે વારંવાર સમુદ્રમાં સ્નાન કરવા જતી અને પછી રેતીમાં આળોટતી. પછી તે સેતુ પર દોડીને તે રેતીને ખંખેરી નાખતી. બસ આ કામ ખિસકોલી સતત કર્યે રાખતી હતી.
 
ખિસકોલીનું આ કાર્ય જોઈ પ્રભુ શ્રીરામે તેને પૂછ્યું, ‘‘તમે સેતુ પર શું કરી રહ્યાં હતાં ? તમને ડર નહોતો લાગતો ? તમે મોટા વાનરો કે રીંછના પગ નીચે દબાઈ ગયાં હોત તો ?’’
 
ખિસકોલી તો ભગવાન શ્રી રામને જોઈને જ ખુશ થઈ ગઈ હતી. તેણે પૂંછડી ઉઠાવીને શ્રી રામની હથેળી પર રાખી અને બોલી, ‘‘મૃત્યુ બે વાર આવતું નથી. તમારા સેવકોના ચરણોથી મારું મૃત્યુ થઈ જાત તો તે તો મારું પરમ સૌભાગ્ય કહેવાત. સેતુમાં તો બહુ જ મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બહુ જ મહેનત કરવા છતાં પણ સેતુ સમથળ થઈ રહ્યો નથી. જો તમે આવી અસમથળ જમીન પર ચાલશો તો તમારા કોમળ પગમાં લાગશે. તેથી જ હું જે પથ્થરમાં ખાડા છે તેમાં રેતી ભરીને તેને સમથળ કરવાનો પ્રયત્ન કરી રહી છું.’’
 
ખિસકોલીની આવી વાત સાંભળીને ભગવાન શ્રી રામે ખુશ થઈ પોતાના હાથ પર ખિસકોલીને બેસાડી દીધી. નાની એવી ખિસકોલીને એવું આસન આપવામાં આવ્યું હતું જેની કલ્પના ત્રણેય લોકમાં કોઈ કરી પણ ન શકે. ભગવાન શ્રી રામે પોતાના ડાબા હાથથી ખિસકોલીની પીઠ થાબડી. એટલે જ એવું કહેવાય છે કે શ્રી રામની આંગળીઓના નિશાન રૂપે જ ખિસકોલીની પીઠ પર ત્રણ રેખાઓ બની ગઈ છે.