રાવણ - લંકાપતિ - લંકેશ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ravan_1  H x W:
 

રાવણે કહ્યું, ‘મને કોઈ મારી શકશે નહીં.’ તેથી હું માનવ, દેવ-દાનવ, ગંધર્વ, યક્ષ તથા દસેય દિશાઓમાં વિજય મેળવીશ અને દશાનન કહેવાઈશ.

 
ત્રેતાયુગમાં રામ અને રાવણના જન્મ સાથે રસપ્રદ કથા વર્ણવાયેલી છે. રાવણનું જીવન અધર્મનું પ્રતીક છે, જ્યારે રામ ધર્મનું પ્રતીક છે. રામાયણ ગ્રંથમાં રાવણના જન્મથી માંડી મૃત્યુ સુધીના જીવનકાળમાં વર્ણવાયેલી ઘટનાઓનું વર્ણન છે. રાવણનો રાક્ષસ કુળમાં જન્મ થવાની ઘટના પણ રસનો વિષય છે.
 
જય-વિજય નામના બે પાર્ષદો વૈકુંઠમાં ચોકીદાર તરીકે નિયુક્ત હતા. એક વેળા સનતકુમારો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા પધાર્યા. એ વખતે આ બંને ચોકીદારોએ તેમને અટકાવ્યા હતા. ત્રણે લોકોમાં સનતકુમારોને કોઈ અટકાવી શકતું નહીં. તેઓ ગમે તેના કક્ષમાં કે મહેલ-રાજ્યમાં વિના અનુમતિથી પ્રવેશી શકતા. અહીં વૈકુંઠમાં પાર્ષદોએ તેમને અટકાવ્યા તેથી તેમણે આ પાર્શદોને શ્રાપ આપતાં કહ્યું કે, ‘પૃથ્વીલોકમાં તમે બંને ત્રણ વાર રાક્ષસ યોનિમાં જન્મ લેશો.’
 
પરિણામ-સ્વરૂપ પહેલા જન્મમાં આ જય-વિજય પાર્ષદો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં તે રાવણ અને કુંભકર્ણ થયા. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થયા.
 
જ્યારે સનતકુમારે આ બંને પાર્ષદોને શ્રાપ આપ્યો ત્યારે તેના નિવારણ માટે તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને સાંત્વના આપતાં કહ્યું, ‘હે સેવાનિષ્ઠ પાર્ષદો ! ચિંતા કરશો નહીં. તમે જ્યારે પૃથ્વીલોકમાં જન્મ લેશો ત્યારે તમારો ઉદ્ધાર કરવા હું પણ પૃથ્વીલોકમાં અવતરીશ.’ આમ ત્રેતાયુગમાં જય નામનો પાર્ષદ એ જ રાવણ અને તેના ઉદ્ધાર માટે મનુષ્યદેહ અવતરેલ ભગવાન વિષ્ણુ એ જ શ્રીરામ છે. આમ રામ અને રાવણના સંદર્ભે જ રામાયણ મહાગ્રંથનું નિર્માણ થયું હોય તેવું નથી લાગતું ! રાવણ વિષે ત્રેતાયુગમાં જન્મથી માંડી મૃત્યુ સુધીના પ્રસંગો તથા ઘટનાક્રમો રાવણને એક અધર્મના પ્રતીક સમા પ્રતાપી રાક્ષસ તરીકે ત્રેતાયુગમાં રામાયણ મહાગ્રંથમાં તેના રચયિતા વાલ્મીકિએ વર્ણવ્યા છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ તેમના તુલસીકૃત રામાયણમાં રાવણ વિશે લખ્યું છે.
 
પૃથ્વીલોકમાં રાક્ષસયોનિમાં રાવણના જન્મની કથા રસપ્રદ છે. પૂર્વે પુલત્સ્ય નામના ઋષિ હતા. તેમને વિશ્રવા નામે એક પુત્ર હતો. ઋષિ તથા તેમનો પુત્ર જંગલમાં આશ્રમ બનાવી તપશ્ર્ચર્યા કરતા હતા. જંગલમાં રાક્ષસો પણ નિવાસ કરતા હતા. ઋષિકુળમાં જન્મેલ ઋષિપુત્ર વિશ્રવાને જોઈ જંગલના બળવાન રાક્ષસરાજ સુમાલી આકર્ષાયા. તેમણે પોતાની પુત્રી કૈકસીને આ ઋષિકુમાર સાથે પરણાવી. વિશ્રવા અને સુમાલીથી ચાર સંતાન થયા જે રામાયણનાં મહત્ત્વનાં પાત્રો : રાવણ, કુંભકર્ણ, વિભીષણ તથા શૂર્પણખા. આમ રાવણના પિતાનું કુળ ઋષિકુળ અને રાક્ષસકુળ હતું તેથી રાવણમાં ઋષિગુણો જોવા મળે છે, સાથે સાથે રાક્ષસગુણ પણ જણાય છે.
 
રાવણની માતા કૈકસી રાક્ષસપુત્રી હોવા છતાં બહુ ભલી હતી. કૈકસી તેના ત્રણે પુત્રોને ગોદાવરી અને નર્મદા નદી વચ્ચેનો જંગલપ્રદેશ જે સ્થાન દંડકારણ્ય કહેવાતું હતું તેમાં તપશ્ર્ચર્યા કરવા મોકલે છે. ત્રણે પુત્રો ઘોર તપશ્ર્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ ત્રણેને વરદાન આપે છે - માગો ! જે માગો તે આપું. તપશ્ર્ચર્યાથી પોતાનું શરીર ગાળી નાખનાર રાવણે કહ્યું, હે બ્રહ્માજી ! મારું કદી મૃત્યુ ન થાય એ જ વરદાન માગું છું. બ્રહ્માજીએ વિસ્મય સાથે પ્રત્યુત્તર આપતાં કહ્યું, બેટા રાવણ ! મૃત્યુ એ તો માનવીનો નહીં પણ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ હક છે. કોઈનો એ હક્ક છીનવી લેવો તે સૃષ્ટિના આદિ સંકલ્પથી વિરુદ્ધ છે. બેટા ! આ સિવાય બીજું કંઈક માગ. રાવણે પણ બ્રહ્માજીને તેમના આ વચનથી સામો જવાબ આપતાં કહ્યું, ‘હે પિતામહ ! મારે મન તો એમ હતું કે, મારા કુળના પિતામહ વરદાન આપવામાં તપસ્વીઓમાં પણ જગવિખ્યાત છે. તે કદી પાછીપાની કરે નહીં ! આજે આપને મારા માટે સૃષ્ટિનો આદિ સંકલ્પ યાદ આવ્યો એ મારું દુર્ભાગ્ય છે.’
 
બ્રહ્માજીએ રાવણને કહ્યું, ‘બેટા રાવણ, એમ દુઃખ ન લગાડ. તારી માતાએ કેવા કેવા કોડ સાથે તને આ જંગલમાં તપશ્ર્ચર્યા કરવા મોકલ્યો છે તે હું જાણું છું. તને તારા તપનું ફળ આપવાના પ્રસંગને મારું અહોભાગ્ય માનું છું. પણ બેટા ! તું જે પૃથ્વીલોકમાં અવતર્યો છે ત્યાં કોઈને પણ અમરપણું મળવું શક્ય નથી. ખુદ બ્રહ્માને પણ શક્ય નથી ! મૃત્યુ એ તો પરમાત્માની આપેલી અમૂલ્ય ભેટ છે. જગતમાંથી મૃત્યુ ક્ષણભર પણ અદૃશ્ય થાય તો આખુ જગત ગંધાઈ ઊઠે. મૃત્યુ જ જગતના પ્રવાહને નિરંતર સ્વચ્છ રાખે છે. જન્મ અને મૃત્યુ જીવાત્મા સાથે અનેક યોનિઓ સુધી જોડાયેલાં હોય છે, પણ એક વરદાન તને મૃત્યુ વિશે આપું છું કે કોઈ દેવ, દાનવ, યક્ષ કે ગંધર્વ તને મારી શકશે નહીં.’ આવું વરદાન આપી બ્રહ્માજી અંતર્ધાન થયા.
 
દંડકારણ્યમાં રાવણને કુંભકર્ણ તથા વિભીષણ પણ મળે છે. રાવણે કુંભકર્ણને કહ્યું, ‘ભાઈ ! બ્રહ્માજીએ તને વરદાનમાં શું આપ્યું ?’ કુંભકર્ણએ કહ્યું, ‘જ્યેષ્ઠ ! મેં તો જીવનમાં શાંતિ તથા સુખ માટે ઇન્દ્રાસન ઇચ્છ્યું હતું પણ જીભ લપસતાં મારાથી ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન બોલાઈ ગયું તેથી પિતામહે તથાસ્તુ ! કહ્યું તેથી મને નિદ્રાસન મું. હશે ભાગ્યમાં જે લખાયું છે તેમ થયું.’ ત્યાર બાદ વિભીષણે પણ રાવણને કહ્યું, ‘ભાઈ ! માતા કૈકસીએ તો મને પિતા વિશ્રવાની જેમ ધર્મપરાયણ થવાના સંસ્કાર આપ્યા હતા તેથી મેં બ્રહ્માજી પાસે જીવનમાં ધર્મનું પાલન થાય, ધર્મ હંમેશા જીવનમાં પડખે રહે તેવું વરદાન માગ્યુ તેથી બ્રહ્માજીએ તથાસ્તુ ! કહી ધર્માત્મા થવા પ્રેરણા આપી.’
 
રાવણે બંને ભાઈઓને બ્રહ્માજીના વરદાન સંદર્ભે કહ્યું, ‘અરે મૂર્ખાઓ, તમે શું માગ્યું ? ધૂળ જેવાં વરદાન માગી આપણા કુળને લજવ્યું છે.’ આમ કહી રાવણે બંને ભાઈઓને ઉતારી પાડ્યા. આ સાંભળી વિભીષણથી રહેવાયું નહીં. તેણે રાવણને સંબોધતાં કહ્યું, ‘ભાઈ ! તમે શું માગ્યું ?’ રાવણે કહ્યું, ‘હે વીરાઓ ! મેં તો જગતમાં અમર રહેવાનું વરદાન માગ્યું. મને કોઈ મારી શકશે નહીં.’ તેથી હું દેવ-દાનવ, ગંધર્વ, યજ્ઞ તથા સર્વે રાજાઓ ઉપર દશે દિશાઓમાં પરાક્રમથી વિજય મેળવીશ અને દશાનન કહેવડાવીશ. પૃથ્વીનાં સર્વે સુખોને ભોગવીશ. તેમાં તમને પણ ભાગીદાર બનાવીશ. આપણા રાક્ષસકુળનો ચારે દિશામાં ડંકો વગાડીશ આપણો દિગ્વિજય થશે. દેવો, દાનવો, ગંધર્વો તથા રાજાઓ આપણી સેવાચાકરી કરશે. તેમનું સર્વસ્વ લૂંટીને એક નગરી બનાવીશું જેને સોનાથી મઢીશું. આમ રાવણ અભિમાનમાં ચકચૂર થઈ ભાઈઓ સામે બડાશ મારવા લાગ્યો. ત્યાં વિભીષણથી રહેવાયું નહીં. તેણે રાવણને કહ્યું, ભાઈ, અભિમાન તો કોઈનું રહ્યું નથી તથા કોઈ જીવ મૃત્યુથી વંચિત રહી શકે નહીં. તમે જે વરદાન માગ્યું તેમાં બ્રહ્માજીએ સૃષ્ટિની કંઈક મર્યાદા મૂકી હોય તેમ લાગે છે. તમને કોઈ દેહધારી મનુષ્ય મારશે તેવી ખાત્રી પિતામહ પાસેથી લીધી છે ? રાવણે કહ્યું, ‘ઓ ધર્મની પૂંછડી ! મને દેવો તથા શક્તિમાન રાજાઓ મારી શકશે નહીં તો એવો કયો દેહધારી મનુષ્ય મારી શકે ? અરે માનવજાતને તો હું કચડી નાખીશ. મારી સામે લડવા કોઈ મનુષ્ય હિંમત પણ કરી શકશે નહીં.’
 
રાવણ દંડકારણ્યમાં તપશ્ર્ચર્યા કરી કુબેર પાસેથી લંકાનું રાજ્ય પડાવી લે છે. લંકાની આસપાસના રાજાઓ, ગંધર્વો, યજ્ઞોની કન્યાઓને ઉપાડી લાવે છે. મદિરાના પાન સાથે મોટા મોટા મહેલોમાં નર્તકીઓના નર્તનમાં મશગૂલ રહે છે. રામાયણમાં રાવણની વૈભવશાળી દુષ્ટ જીવનશૈલીનું વર્ણન છે. તેના રાજ્યમાં પ્રજાને સ્વતંત્રતા નથી. રાવણ બહેન શૂર્પણખાને ભાઈનું સુખ આપે છે. કુંભકર્ણ માટે આલિશાન ભોંયરું બનાવે છે. વિભીષણને પણ અતિ સુંદર મહેલ બાંધી આપે છે. રાવણનાં મંદોદરી સાથે લગ્ન થાય છે. યક્ષરાજ કુબેરને હરાવી મેળવેલું કુબેરનું પુષ્પક નામનું વિમાન લઈ આકાશગમનથી અન્ય રાજાઓએ યોજેલા સ્વયંવરોમાં જઈ, તેનું પરાક્રમ બતાવી સ્વયંવરની શરતો પ્રમાણે જીત મેળવી તેમની કન્યાઓને સ્વયંવરમાં જીતી લઈ લંકાની પટરાણીઓ તથા દાસીઓ બનાવવા લાગ્યો હતો.
 
મિથિલાનગરીના રાજા જનકે પુત્રી સીતાનો સ્વયંવર રચ્યો હતો. તેમાં રાવણની હાર થઈ. તે શિવજીનું ધનુષ્ય હલાવી પણ શક્યો નહીં, પણ શ્રીરામે શિવના ધનુષ્યનો ભંગ કરી સ્વયંવર મંડપમાં આશ્ર્ચર્ય રચ્યું. સીતા રામને વરમાળા પહેરાવે છે. આ પ્રસંગે રામ અને રાવણ વચ્ચે દુશ્મનાવટનાં બીજ રોપાયાં. લક્ષ્મણ રાવણની બહેન શૂર્પણખાનાં નાક-કાન કાપી અધમૂઈ કરી, તેની ઇચ્છા પૂર્ણ કર્યા વિના તેને પાછી મોકલે છે. શૂર્પણખા ભાઈ રાવણ પાસે આવે છે તેથી રાવણ સાધુવેશે સીતાનું હરણ કરે છે. જટાયુનો સંહાર કરી સીતાને ઉપાડી રાવણ અશોકવાટિકામાં લાવે છે વગેરે પ્રસંગો રામાયણમાં રાવણના પરાક્રમની સાક્ષી પૂરે છે. આ અગાઉ સીતાના હરણ માટે તાડકાનો પુત્ર મારીચ જે સુબાહુનો ભાઈ થાય તેનો ઉપયોગ કરી શ્રીરામને મોહપાશમાં નાખવા સોનાના મૃગનું રૂપ ધારણ કરાવે છે. આ પ્રસંગ રાવણની દુષ્ટતા તથા કપટવૃત્તિ કેવી હતી તેનો પરિચય કરાવે છે.
 
અશોક વનમાં રાવણે અશોકવાટિકામાં સીતાજીને રાખ્યાં હતાં. સીતાજીને વશ કરવા રાવણના પ્રયત્નો, તથા સીતાના સતીત્વનો પરચો, પત્ની મંદોદરી તથા ભાઈ વિભીષણ અને અન્ય સ્વજનોની વિનંતી કે સીતાજીને શ્રીરામને સોંપવા, અશોકવાટિકામાં રક્ષક ત્રિજટાનું ઉત્તમ ચરિત્ર, હનુમાનજીનું સીતાજીની શોધમાં લંકા આવવું તથા શ્રીરામના દૂતની શક્તિનો પરચો આપવો. લંકાદહનની ઘટના વગેરે અનેક પ્રસંગો રાવણના જીવનમાં નોંધાયા છે. રામાયણના આ પ્રસંગો કથાકારો શ્રોતાઓને રસપૂર્વક સંભળાવે છે. રાવણ ભાઈ વિભીષણનો ત્યાગ કરે છે. શ્રીરામ તેમની વાનરસેના સાથે રાવણ સામે યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં રાવણ હિંમત હારી જાય છે. તે કુંભકર્ણને નિદ્રામાંથી જગાડે છે. રાવણે કુંભકર્ણને કહ્યું, ‘ભાઈ મને પિતામહ બ્રહ્માજીના વરદાનમાં જે ઊણપ લાગતી હતી તેનો ભય સતાવે છે. આ સાધુવેશધારી મનુષ્ય કોઈ ચમત્કારી લાગે છે. તેનો વધ કરવો પડશે.’ આ સાંભળી કુંભકર્ણે કહ્યું, ‘મોટાભાઈ ! મેં તમને અગાઉ ચેતવ્યા હતા કે સીતાજીને તમે કોઈ એવા અપશુકને લાવ્યા છો ત્યારથી તમને નિરાંત મળી નથી. તમે સીતાજીને શ્રીરામને સોંપ્યા નહીં તે તમારી ભૂલ છે. છતાં મોટાભાઈ ! તમારી કીર્તિને જાળવી રાખવા તથા તમારો દુશ્મન મારો દુશ્મન જ છે, તે ભલે ભગવાન પણ કેમ ન હોય? હું તમારી ખાતર યુદ્ધમાં જઈશ. વીરગતિને પામીશ તો તમે દુઃખી થશો નહીં.’
 
શ્રીરામ સાથેના યુદ્ધમાં રાવણનો ભાઈ કુંભકર્ણ, પુત્ર ઇન્દ્રજિત તથા વીરયોદ્ધાઓ છે. રાવણને પણ પોતાનો કાળ સમીપ આવ્યો હોવાનું ભાન થાય છે. અંતે રાવણ પોતે શ્રીરામ સામે યુદ્ધે ચઢે છે. શ્રીરામ દશેરાના દિવસે રાવણની નાભિમાં રહેલ અમૃતકુંભનો નાશ કરે છે તેથી રાવણ વીરગતિને પામે છે. આમ વિષ્ણુ ભગવાન તેમના વચન પ્રમાણે ત્રેતાયુગમાં શ્રીરામસ્વરૂપે મનુષ્ય અવતાર ધારણ કરી વૈકુંઠના તેમના પાર્ષદ જપને મોક્ષગતિ આપે છે.
 
રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ પછી બીજા ક્રમના પાત્રમાં રાવણ છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ રાવણ જેવા અધર્મીનું જીવન તથા તેના અધર્મી દુરાચારની પરાકાષ્ઠા વર્ણવી છે. રામાયણમાં રાવણના અભિમાન વિશે જે વર્ણન થયું છે તેનાથી એક કહેવત પણ પ્રચલિત થઈ છે : અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી ! તેમ છતાં રાવણ ઋષિકુળ પિતાના વંશીયગુણો ધરાવતો હતો. રાવણ શિવભક્ત હતો. રાવણનું શિવતાંડવ સ્તોત્ર પ્રચલિત છે. રાવણે આદ્યશક્તિની પણ ઉપાસના કરી હતી.