શબરી - શ્રીરામની અનન્ય ભક્ત

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

shabari_1  H x
 

‘‘શ્રમણા ! જે રામની તું નાનપણથી સેવા-પૂજા કરે છે, તે શ્રી રામ સાક્ષાત્ રૂપમાં આજે તારી સામે આવ્યા છે. તું આજે તેમની મન ભરીને સેવા કરી લે.’’

શબરી પોતે તાપસી હતી. વનવાસી જાતિની હતી. તેનું મૂળ નામ શ્રમણા હતું. શ્રમણા નાનપણથી જ ભગવાન શ્રી રામની ભક્ત હતી. શ્રમણાને જ્યારે પણ સમય મળે ત્યારે તે ભગવાન શ્રી રામની સેવા-પૂજા કરવા લાગતી. જો કે ઘરના સભ્યોને તેનું આવું વર્તન ગમતું નહોતું. મોટા થઈ ગયા પછી શ્રમણાનાં લગ્ન કરી દેવામાં આવ્યાં, પણ અફસોસ, શ્રમણાની ઇચ્છા મુજબનું તેને કંઈ જ મું નહીં. શ્રમણાના સાસરાના લોકો ખૂબ જ અનાચારી અને દુરાચારી હતા. આવા ખરાબ માહોલમાં શ્રમણા જેવી સાત્ત્વિક સ્ત્રીનું રહેવું અઘરું બની ગયું હતું. એકવાર તક મળતાં શ્રમણા માતંગ ઋષિના આશ્રમે પહોંચી ગઈ. શ્રમણા આશ્રમ સુધી તો પહોંચી ગઈ. ઋષિએ શ્રમણાને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું. તેથી શ્રમણાએ બધી જ વાત જણાવી દીધી. માતંગ ઋષિ વિચારમાં પડી ગયા. થોડીવાર વિચાર્યા બાદ તેમણે શ્રમણાને પોતાના આશ્રમમાં રહેવાની આજ્ઞા આપી દીધી.
 
શ્રમણા પોતાના વર્તન અને કામથી બહુ જલદી આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ. આ સમય દરમિયાન જ્યારે શ્રમણાના પતિને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તે શ્રમણાને ઉઠાવી જવા માટે તેના કેટલાક સાથીઓને લઈને આશ્રમમાં પહોંચી ગયો. માતંગ ઋષિને આ વાતની ખબર પડી ગઈ. શ્રમણા ફરીથી તે વાતાવરણમાં જવા માંગતી નહોતી. તેથી તેણીએ કરુણ દૃષ્ટિથી ઋષિની સામે જોયું. ઋષિએ તેની આસપાસ અગ્નિ પેદા કરી દીધો. જેવો તેનો પતિ આગળ વધ્યો કે તરત જ આગ વધવા લાગી, તેથી તે ડરીને ત્યાંથી ભાગી ગયો.
 
આ ઘટના પછી તે ક્યારેય શ્રમણાને લેવા માટે આવ્યો નહીં. દિવસો વીતવા લાગ્યા. ભગવાન શ્રી રામ સીતાજીને શોધતા શોધતા માતંગ ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. માતંગ ઋષિ તરત જ તેમને ઓળખી ગયા. તેમણે બંને ભાઈઓનું સ્વાગત કર્યું અને પછી શ્રમણાને બોલાવીને કહ્યું, ‘‘શ્રમણા ! જે રામની તું નાનપણથી સેવા-પૂજા કરે છે, તે શ્રી રામ સાક્ષાત્ રૂપમાં આજે તારી સામે આવ્યા છે. તું આજે તેમની મન ભરીને સેવા કરી લે.’’
 
શ્રમણા તરત જ કંદમૂળ લેવા જતી રહી. થોડીવાર પછી તે પાછી ફરી. તેણી કંદમૂળની સાથોસાથ જંગલી બોર પણ લઈ આવી હતી. તેણે કંદમૂળ તો ભગવાન શ્રી રામની સામે રાખી દીધાં, પણ બોર મૂકવાનું સાહસ ન કરી શકી. શ્રમણાને બોર ખાટાં કે ખરાબ નીકળશે તેવો ડર હતો.
 
તેથી શ્રમણાએ બધાં બોર ચાખવાનાં શરૂ કરી દીધાં. શ્રમણા સારાં બોર કોઈ પણ જાતના સંકોચ વગર શ્રી રામને આપવા લાગી. શ્રી રામ તેની સરળતાથી મંત્રમુગ્ધ થઈ ગયા. પ્રભુ શ્રી રામે પ્રેમથી શ્રમણાનાં એંઠાં બોર પણ ખાઈ લીધાં.
ફળાહાર બાદ શ્રી રામે કહ્યું : ‘હે પવિત્ર દિલની તાપસી, તું હવે અમને ઋષ્યમૂક પર્વતનો માર્ગ દેખાડ.’
 
શબરીએ રામને વિગતપૂર્વક માર્ગ દેખાડ્યો. અંતમાં કહ્યું : ‘ભગવન, તમે હવે એક થોડીક જ વાર થોભી જાઓ. મેં આ મઢી આગળ ચિતા ખડકી છે ત્યાં તમે આવી બેસો. તમારા દેખતાં હું બળતી ચિતામાં પ્રવેશ કરીશ. અગ્નિની શિખાઓ વચ્ચે હું તમારાં દર્શન કર્યા કરીશ ને મારા ગુરુઓના આશીર્વાદથી હું દિવ્યરૂપ ધરીને મારા ગુરુઓ પાસે બ્રહ્મલોકમાં પહોંચી જઈશ. હે પ્રભુ, તમે પણ પછી સુખેથી ઋષ્યમૂક તરફ પ્રયાણ કરજો.’
 
રામ-લક્ષ્મણ બેઉ જણ મઢીની ઓસરીમાં આવી ઊભા. સામે જ ચિતા ભડભડ કરતી બળી રહી હતી. શબરી ચિંતામાં પ્રવેશી અને દિવ્યરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં પહોંચી ગઈ.
 
બેઉ ભાઈઓએ શબરીના આશ્રમને નમસ્કાર કર્યા. પછી પશ્ર્ચિમ દિશામાં આવેલા પંપા સરોવર તરફ ચાલવા લાગ્યા.