ત્રિજટા - વિભીષણનાં પુત્રી

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

trijata_1  H x
 
દુષ્ટ રાવણે માતા સીતાનું અપહરણ કર્યા બાદ તેમને અશોક વાટિકામાં કેદ કર્યાં હતાં અને તેમના પર નજર રાખવા માટે અનેક હથિયારધારી રાક્ષસીઓને તૈનાત કરી હતી. આ તમામ રાક્ષસીઓ માતા સીતાને રાવણને વશ થઈ જવા સતત પરેશાન કરતી હતી. તે વખતે એક રાક્ષસી હતી તે હંમેશાં માતા સીતાનો પક્ષ લઈ તેઓને અન્ય રાક્ષસીઓના ત્રાસથી બચાવતી હતી અને તેનું નામ હતું ત્રિજટા.
 
રામચરિત માનસ અને રામાયણ અનુસાર ત્રિજટા વિભીષણની પુત્રી હતી. તે પણ પિતા વિભીષણની જેમ ભગવાન શ્રીરામની ભક્ત હતી. એવું પણ કહેવામાં આવે છે કે રાવણનાં પટરાણી મંદોદરીએ જ ત્રિજટાને માતા સીતાની દેખભાળ અને સેવા કરવા માટે રાખી હતી. ત્રિજટા ન માત્ર સીતાજીને અન્ય રાક્ષસીઓના ત્રાસથી બચાવતી હતી, સાથે સાથે માતા સીતાને સાંત્વના આપી તેમની હિંમત પણ વધારતી હતી.
 
લંકામાં શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ત્યારે ત્રિજટા તેનાં સૂત્રો પાસેથી મળી રહેલી તમામ માહિતી સીતા સુધી પહોંચાડતી હતી. રાવણ આ દરમિયાન બે વખત અકળાઈને સીતા માતાનો વધ કરવા તલવાર ખેંચે છે ત્યારે તે જ રાવણને સમજાવી માતા સીતાને બચાવે છે. એક વખત રાવણ માતા સીતાનું મનોબળ તોડવા માયાવી ભગવાન શ્રીરામનું કપાયેલું મસ્તક સીતાજી સમક્ષ રજૂ કરે છે ત્યારે તેણે જ સીતા માતાને રાવણની ચાલની વાત કરી નાસીપાસ ન થવા જણાવ્યું હતું. એક વખત માતા સીતાએ રાક્ષસીઓ અને રાવણનો ત્રાસ અને ભગવાન શ્રીરામનો વિરહ સહન ન થતાં પોતે જીવ છોડવાની વાત કરી અને ત્રિજટા સમક્ષ ચિતા માટે લાકડાંની માંગણી કરી ત્યારે તેણે સીતાજીને બુદ્ધિપૂર્વક સમજાવી લીધાં હતાં.