વિભીષણ - રાવણનો ભાઈ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

vibhisana_1  H  

વિભીષણ શ્રીરામને કહે છે, ‘હે પ્રભુ રામ ! રાવણની નાભિમાં અમૃતકુંભ છે, તેમાંથી અમૃતનો સાથ રાવણથી છૂટે તો તેનો નાશ અવશ્ય છે.’

 
વિભીષણ વૈશ્રવા અને કૈકસીનો સૌથી નાનો પુત્ર. તેના ભાઈઓ રાવણ અને કુંભકર્ણની સાથે એણે પણ ગોકર્ણ તીર્થ પર તપશ્ર્ચર્યા કરી હતી. વિભીષણે બ્રહ્માને પ્રસન્ન કરી વરદાન માગતાં કહ્યું, ‘હે ભગવાન ! મેં તપશ્ર્ચર્યા કરી હતી. મારી બુદ્ધિ સર્વદા સર્વદા ધર્મમાં સ્થિર રહો.’ બ્રહ્માના આશીર્વાદથી રાક્ષસકુળમાં જન્મ થવા છતાં વિભીષણ ધર્મપરાયણ મહાત્મા થયા હતા. રાવણ અને કુંભકર્ણથી વિપરીત લક્ષણોવાળા આ મહાત્મા ભાઈ માટે રાવણને હંમેશા ઘૃણા રહેતી.
 
લંકાપતિ રાવણ સીતાનું હરણ કરીને અશોક વાટિકામાં સીતાની સુરક્ષા ગોઠવે છે. વિભીષણને આ ગમ્યું નહીં. વિભીષણ તેની પત્ની સરમા તથા ભાભી મંદોદરીની સાથે રાવણને અનેકવાર ધર્મના માર્ગે વળવા વિનંતી કરે છે. પણ રાવણ તેમની કોઈ વાત માનતો નથી.
 
સીતાની શોધમાં શ્રી હનુમાન જલધિ લાંઘીને લંકામાં પ્રવેશે છે. તે પોતાની શક્તિનો પરચો આપે છે, પણ સીતાજી ક્યાં છે તેની ભાળ મળતી નથી. છેવટે હનુમાનજીને લંકામાં શ્રીરામ ! શ્રીરામ&નું રટણ સંભળાય છે. હનુમાનજીને થયું લંકામાં પણ પ્રભુ રામનો ભક્ત ક્યાંથી ? અહીં વિભીષણ તથા હનુમાનજીનો ભેટો થાય છે. હનુમાનજી સર્વે હકીકત જાણે છે. વિભીષણ સીતા વિશે બધી માહિતી આપે છે. ત્યાર બાદ હનુમાનજી તેમના પરાક્રમથી લંકામાં આગ લગાડે છે અને સીતાજીને શ્રીરામની વીંટી આપી તરત વાનરસેનામાં શ્રીરામને સીતાજી અંગે સઘળી બાબતો જણાવે છે. એક વાનર દ્વારા શ્રીલંકામાં આવો ભય ફેલાવાતાં રાવણને આશ્ર્ચર્ય થાય છે. રાવણે જાણ્યું કે તેના ભાઈ વિભીષણે આ વાનરને સઘળી બાબતો જણાવીને મને દગો કર્યો છે. તેથી રાવણ વિભીષણને પ્રહસ્ત જેવા સેનાપતિની હાજરીમાં અપમાનિત કરે છે. વિભીષણે અંતે રાવણને સમજાવ્યો અને ધર્મના માર્ગે વળવા વિનંતી કરી. વિભીષણે કહ્યું, ‘ભાઈ ! આ વાનર એ શ્રીરામનો પરમભક્ત છે. તેની શક્તિનો પરચો મો છે. તો શ્રીરામ કેટલા શક્તિશાળી હશે તેની કલ્પના પણ નહીં આવે !’ વિભીષણનાં વચનો સાંભળી રાવણ કોપાયમાન થયો અને બોલ્યો, ‘વિભીષણ ! રાવણ કોણ છે તે તને હજુ સમજાયું નથી. રાવણને કોઈની બીક નથી. રામ સીતાને ત્રણ કાળમાં પણ પાછી મેળવી શકશે નહીં. તારો રામ ભલે બધા દેવોને લઈને મારી સામે આવે. હવે હું તમારા સૌથી કંટાળી ગયો છું. કોઈકાળે હવે સીતાનું નામ લેશો નહીં.’ છેવટે વિભીષણ પણ ભાઈ રાવણ તથા લંકાનો ત્યાગ કરી દરિયાકિનારે એકાંતમાં શ્રીરામની પ્રતીક્ષા કરતાં-કરતાં શેષ જીવન વિતાવવા લાગે છે.
 
શ્રીરામ લંકા પર ચઢાઈ કરે છે. રામ સામે યુદ્ધ કરવા રાવણની મદદે કુંભકર્ણને જગાડવામાં આવે છે. કુંભકર્ણે જાણ્યું કે વિભીષણે લંકાનો ત્યાગ કર્યો છે અને રામની પડખે જઈ રાવણ પર વિજય મેળવી શ્રીલંકાના રાજા બનવા માગતો હોય તેવું લાગે છે. તેથી રણસંગ્રામમાં આવતાં તેણે વિભીષણને સંબોધતાં બૂમ મારી કહ્યું, ‘વિભીષણ, ઓ વિભીષણ ! લંકાના નવા રાજા ! મારે તારાં દર્શન કરવાં છે. તેં વિશ્રવાના કુળને કલંક લગાડ્યું છે. સગાભાઈનો ત્યાગ કરીને દુશ્મન પાસે જતાં શરમ ન આવી ?’ વિભીષણે કુંભકર્ણને પણ ધર્માચરણ માટે સંબોધન કરતાં કહ્યું, ‘મોટાભાઈ ! મેં તમને સૌને અધર્મ કરતાં ચેતવ્યા હતા, પણ તમે માન્યા નહીં અને અધર્મને જાણી શક્યા નહીં. તેનું મને ભારે દુઃખ છે, તો પછી મારો દોષ શું છે? મેં તમને બંને ભાઈઓને પ્રેમ આપી અધર્મને સાથ આપ્યો, પણ જ્યારે આ અધર્મ અસહ્ય થયો ત્યારે જ હું છૂટો થયો અને ધર્મના પક્ષે ઊભો છુ. મોટાભાઈ ! તમારે મને જે સજા કરવી હોય તે કરો પણ પ્રભુ શ્રીરામનું શરણ જ મારું અંતિમ ધ્યેય છે.’
 
વિભીષણના ઉપદેશની અવગણના કરતાં કુંભકર્ણ તાડૂક્યો : રાવણ ગમે તેવા અધર્મ કરે તો પણ એ તારો ભાઈ છે. રામ ગમે તેટલો ધર્મી હોય તો પણ તે આખરે તો આપણો દુશ્મન જ છે. હે ભાઈ ! તને અમે બાળપણથી ઉછેરી લાડ લડાવ્યાં છે. મારું માની અમારી સાથે પાછો આવી જા. રાવણની છાતીએ તને લગાડું. આપણા પૂર્વજોની યશગાથા અવિરત ચાલુ રાખીએ.’ કુંભકર્ણની ધાક-ધમકીને વશ ન થતાં વિભીષણ સર્વેને યુદ્ધભૂમિમાંથી છોડી એકાંતવાસમાં ચાલ્યો જાય છે. તેનાથી રામ-રાવણના ભીષણ યુદ્ધની ભયાનકતા સહન થતી નથી. યુદ્ધમાં મૃત્યુ પામનાર યોદ્ધાઓની વિધવા પત્નીઓનાં રુદન તેનાથી સંભળાતાં નથી.
 
શ્રીલંકામાં રામ-રાવણના ભીષણ યુદ્ધથી સર્વત્ર હાહાકાર મચે છે. દેવો, ગંધર્વો, યજ્ઞો, પ્રજાપતિઓ તથા ત્રણે લોકના સમાચાર-માધ્યમકર્મીઓ પણ આ યુદ્ધને નિહાળે છે. શ્રીરામ યુદ્ધના અંતે દશાનન રાવણના દશ માથાનો ક્રમશઃ શિરઃચ્છેદ કરે છે. છતાં રાવણ મરતો નથી. શ્રીરામને રાવણના અંતનો ઉપાય સૂઝતો નથી. એવામાં વિભીષણ શ્રીરામને સલાહ આપતાં કહે છે, ‘હે પ્રભુ રામ ! રાવણની નાભિમાં અમૃતકુંભ છે, તેમાંથી અમૃતનો સાથ રાવણથી છૂટે તો તેનો નાશ અવશ્ય છે.’ છેલ્લે રામ આદ્ય-શક્તિનું સ્મરણ કરી રાવણની નાભિમાં આસો સુદ દશમ - દશેરાના દિવસે અમોઘ બાણ છોડી રાવણની નાભિમાં રહેલ અમૃતકુંભને ફોડીને લંકાનરેશ રાવણનો ઉદ્ધાર કરે છે. સર્વત્ર યુદ્ધ પછીની શાંતિ છવાઈ જાય છે.
 
લંકાપતિ રાવણના ઉદ્ધાર પછી શ્રીરામ વિભીષણનો લંકામાં રાજ્યાભિષેક કરે છે. શ્રીરામે ભાઈ લક્ષ્મણને કહ્યું, ‘ભાઈ લક્ષ્મણ ! હવે આપણે અયોધ્યા જઈએ. ત્યાં સૌ આપણી રાહ જોતાં હશે. મને મારી માતૃભૂમિ સૌથી પ્રિય છે. ત્યાં જ આપણે શેષ જીવન વ્યતીત કરી, અયોધ્યાની પ્રજા તથા આપણા સ્વજનોની સેવા કરીશું.’ રામાયણ મહાગ્રંથના રચયિતા વાલ્મીકિજીએ વિભીષણમાં રહેલ ધર્મ-અધર્મની પરખનાં દર્શન કરાવ્યાં છે. ગમે તેટલાં કષ્ટ પડવા છતાં જે વ્યક્તિ ધર્મને સાથે રાખે છે તે અંતે ચિરશાંતિ - સુખને પામે છે. પરમાત્મા હંમેશા આવી ધર્માત્મા વ્યક્તિની પડખે રહી તેનાં દુઃખ દૂર કરે છે.