શૂર્પણખા અને ખર, દૂષણ - રાવણની બહેન અને પિતરાઈ ભાઈઓ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

khar and dushan_1 &n
 
 

ખર અને દૂષણ ગુસ્સે થઈ ૧૪ હજાર રાક્ષસોને લઈને બહેનનાં અપમાનનો બદલો લેવા નીકળ્યા.

 
વનવાસ દરમિયાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ કુટિર બનાવીને રહેતા હતાં. એકવાર શ્રી રામ અને લક્ષ્મણ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. બરાબર ત્યારે જ એક રાક્ષસી આવી ચડી. તે રાવણની બહેન શૂર્પણખા હતી. તેણી તો શ્રી રામને જોઈને તેના પર મોહિત થઈ ગઈ. તેથી તે તરત જ શ્રી રામ પાસે જઈને બોલી, ‘‘આ વન રાક્ષસોનું છે. તમે તપસ્વી લાગો છો. તમે અહીં કેવી રીતે પહોંચી ગયા ? તમે કોણ છો ?’’
 
શ્રી રામ વિનમ્રતાથી બોલ્યા, ‘‘હું અયોધ્યાના રાજા દશરથનો પુત્ર રામ છું. આ મારો ભાઈ લક્ષ્મણ છે. તેમજ કુટિરમાં દેખાતી પેલી સ્ત્રી મારાં પત્ની સીતા છે. હું મારા પિતાના આદેશથી ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા અહીં આવ્યો છું. તમારું નામ શું છે ? તમે અહીં શા માટે આવ્યાં છો ?’’
 
‘‘હું શૂર્પણખા છું. હું આ વનમાં ફરતી રહું છું. લંકાના રાજા રાવણ મારા ભાઈ છે. તે અત્યંત બળવાન છે. મારા નાના ભાઈનું નામ વિભીષણ છે. તેમજ કુંભકર્ણ, ખર અને દૂષણ પણ મારા ભાઈઓ છે. મારા બધા ભાઈઓની સામે કોઈ જીતી શકતું નથી. આ પંચવટીના માલિક ખર અને દૂષણ જ છે.’’
  
શ્રી રામ બોલ્યા, ‘‘ઠીક છે. હવે અમે કુટીરમાં જઈએ.’’
 
ત્યાં જ શૂર્પણખા બોલી, ‘‘થોભી જાઓ રામ ! મને તમારું રૂપ બહુ જ ગમી ગયું છે. મેં તમને મનથી પતિરૂપે સ્વીકારી લીધા છે. હવે તમે પણ મને સ્વીકારી લો.’’
 
શ્રી રામ તો આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તે બોલ્યા, ‘‘પણ હું તો પરણેલો છું. મારી સાથે મારાં પત્ની પણ છે. હું તમારી સાથે લગ્ન ન કરી શકું.’’
 
શૂર્પણખા બોલી, ‘‘આ તમારો ભાઈ પણ અત્યંત તેજસ્વી અને સુંદર છે. તમે એને મારી સાથે પરણવાનું કહો.’’
 
શ્રી રામે વિનયપૂર્વક જવાબ આપ્યો, ‘‘દેવી, હું મારા ભાઈને એવો આદેશ ન આપી શકું. તમે જાતે જઈને એને પૂછી શકો. જો એની ઇચ્છા હોય તો તે આપનો સ્વીકાર કરી શકે છે.’’
 
શૂર્પણખા કામદેવના તીરથી ભાન ભૂલી ગઈ હતી. તેથી તેણી લક્ષ્મણ પાસે જઈને પોતાનો પરિચય આપી બોલી, ‘‘મને તમારું રૂપ પણ બહુ જ ગમે છે. ચાલો, આપણે બંને લગ્ન કરી લઈએ. આપણે સુંદર અને સુખી જીવન જીવીશું.’’
તેની આવી વાત સાંભળીને લક્ષ્મણજી બોલ્યા, ‘‘તમે તો લંકાપતિ રાવણનાં બહેન છો. હું તો શ્રી રામનો એક મામૂલી સેવક છું. જો તમે મારી સાથે લગ્ન કરશો તો કોઈ યશ નહીં મળે. તેના કરતાં તમે શ્રી રામ સાથે જ લગ્ન કરો.’’
 
શૂર્પણખા લક્ષ્મણની વાતમાં પણ આવી ગઈ. તેથી તે શ્રી રામ પાસે જઈને ગુસ્સામાં બોલી, ‘‘હવે તો તમે મારી સાથે લગ્ન કરી જ લો. પેલી કદરૂપી સીતાને કારણે તમે મારી સાથે લગ્ન નથી કરી રહ્યા. હું હમણાં જ તેનો વધ કરી નાખું છું. પછી તો તમારે મારી સાથે લગ્ન કરવાં જ પડશે ને.’’
 
શૂર્પણખાની આવી વાત સાંભળતાં જ લક્ષ્મણજી ક્રોધે ભરાઈ ગયા. તે તેની ભાભી વિશે આવી વાત કઈ રીતે સાંભળી શકે ? તેથી તેમણે તરત બાણ ચલાવીને શૂર્પણખાના કાન અને નાક કાપી નાખ્યાં.
 
શૂર્પણખાના ચહેરા પર લોહીની ધાર વહેવા લાગી. તે પીડાથી હેરાન થતી થતી તેના ભાઈઓ ખર અને દૂષણ પાસે ચાલી ગઈ અને સમગ્ર વિગત જણાવી.
 
શૂર્પણખાની વાત સાંભળીને ખર અને દૂષણ ગુસ્સે થઈ ગયા. તેઓએ તેના ચૌદ હજાર રાક્ષસ વીરોને પોતાની સાથે લઈ લીધા અને તેમની બહેનના અપમાનનો બદલો લેવા માટે નીકળી પડ્યા. સૈન્યના ચાલવાથી આકાશમાં ધૂળનો વંટોળિયો છવાઈ ગયો.
 
રાક્ષસોને આવતા જોઈને શ્રી રામ બોલ્યા, ‘‘લક્ષ્મણ ! મને લાગે છે કે શૂર્પણખા તેના રાક્ષસોનું દળ લઈને આવી રહી છે. તમે સીતાને લઈને કંદરામાં ચાલ્યા જાવ. હું જ્યાં સુધી ન કહું, ત્યાં સુધી ત્યાંથી બહાર ન આવતા.’’
 
લક્ષ્મણે ધનુષ્ય હાથમાં લીધું અને સીતાજીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. શ્રીરામ પાસે આવીને ખર બોલ્યો, ‘‘તુચ્છ માનવ ! તેં અમારી બહેનનું નાક અને કાન કાપીને ભયંકર અપરાધ કર્યો છે. અમે તને દંડ આપવા આવ્યા છીએ. જો તું તારું હિત ઇચ્છતો હો તો તારી સ્ત્રી અમને સોંપી દે. નહીંતર અમારા કહેવાથી કોઈ જ બચશે નહીં.’’
 
શ્રી રામ હસતાં હસતાં બોલ્યા, ‘‘અમે ક્ષત્રિય છીએ. શત્રુ અમને ભયભીત ન કરી શકે. જો કાળ પણ અમારી સામે આવે તો અમે તેનાથી પણ ન હારીએ. જો તમારામાં બળ અને પૌરુષની ખામી હોય તો તમે યુદ્ધ કર્યા વગર પાછા ફરી જાવ. સંગ્રામમાં પીઠ ફેરવી નાખે તેવા લોકોને હું મારતો નથી.’’
 
શ્રી રામની વાત સાંભળીને ખર અને દૂષણ અત્યંત ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘‘હે વનવાસી ! હજુ સુધી તો અમે તને પ્રેમથી સમજાવી રહ્યા હતા, પણ તું તો અહંકારી અને દુષ્ટ વ્યક્તિ લાગે છે. હવે અમે તારો વધ કરી નાખીશું અને તારી સ્ત્રીને અહીંથી લઈ જઈશું.’’
 
આટલું કહીને ખરે યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. ભયંકર રાક્ષસ યોદ્ધાઓએ બાણ, તોમર, શુલ, કટાર અને ફરસી હાથમાં લઈને શ્રી રામ પર હુમલો કરી દીધો. શ્રી રામે હસતાં હસતાં ધનુષ્ય હાથમાં લીધું. તેનો ટંકાર એટલો તીવ્ર, કઠોર અને ભયંકર હતો કે ક્ષણભરમાં તો બધા જ રાક્ષસો બધીર અને વ્યાકુળ થઈ ગયા. તે સમયે બધાએ પોતાનું ભાન ગુમાવી દીધું. થોડીવાર બાદ તેઓએ ફરીથી અસ્ત્રો-શસ્ત્રોનો વરસાદ ચાલુ કરી દીધો. શ્રી રામે તેમનાં બધાં જ હથિયારો જાણે ઘાસનાં તણખલાં હોય તે રીતે કાપી નાખ્યાં. તેમનાં બાણોથી રાક્ષસ સેના ડરી ગઈ.
 
આ યુદ્ધ બધા જ દેવો, ઋષિ-મુનિઓ, ગંધર્વો, યક્ષો જોઈ રહ્યા હતા. એક તરફ શ્રી રામ એકલા હતા તો બીજી તરફ રાક્ષસોની આખી સેના હતી. આમ છતાં શ્રી રામ ડરી રહ્યા નહોતા. પછી તો માયાપતિ રામે એવી માયા રચી કે રાક્ષસોને એકબીજામાં જ શ્રી રામ દેખાવા લાગ્યા. તેથી તેઓએ એકબીજાને જ મારી નાખ્યા.
 
પોતાની સેનાને આ રીતે મરતી જોઈને ખર અને દૂષણ મેદાનમાં આવ્યા. તેઓ પણ વધુ વાર સુધી ટકી શક્યા નહીં. તેમનો પણ વધ કરી નાખવામાં આવ્યો. રાક્ષસોનો આ રીતે વિનાશ થતો જોઈને ભગવાન શ્રી રામનો જયજયકાર થઈ ગયો.
આ રીતે ભગવાન શ્રી રામે એકલા પંચવટીના બધા જ રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો. આવી હતી શ્રી રામની માયાશક્તિ.