વાલી-સુગ્રીવ ક્રિષ્કિન્ધાનગરીના રાજા

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

vali and sugriva_1 &
 
 

લોહીની નદી વહેતી જોઈને સુગ્રીવે વિચાર્યું કે માયાવીએ વાલીનો વધ કરી નાખ્યો છે.

 
કિષ્કિન્ધાના રાજા વાલી એક મહાશક્તિશાળી અને પરાક્રમી વાનર હતા. વાલીના નાના ભાઈનું નામ સુગ્રીવ હતું. વાલીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મું હતું કે જે વ્યક્તિ તેની સાથે યુદ્ધ કરશે તેનું અડધું બળ તેનામાં આવી જશે. તેથી જ બધા લોકો તેનાથી ડરતા હતા. એકવાર રાવણે પણ વાલી સાથે યુદ્ધ કરવાનું સાહસ કર્યું હતું. ત્યારે વાલીએ તેને હરાવીને એક મહિના સુધી પોતાની બગલમાં ભરાવીને રાખ્યો હતો. ત્યારથી જ વાલીનો યશ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો હતો. દેવો, યક્ષ, દાનવ બધા વાલીથી ડરી ગયા હતા.
 
એકવાર મયદાનવના દીકરા માયાવી રાક્ષસે વાલી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. વાલી તો તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. વાલીને આવતા જોઈને જ માયાવી એટલો ડરી ગયો કે તે તરત જ ભાગી ગયો. વાલી તો તેને પકડવા પાછળ ભાગ્યા. એ સમયે સુગ્રીવ પણ તેની સાથે જ હતા.
 
ભાગતાં ભાગતાં માયાવી એક ગુફામાં સંતાઈ ગયો ત્યારે વાલીએ સુગ્રીવને કહ્યું, સુગ્રીવ ! હું માયાવીનો વધ કરવા માટે ગુફાની અંદર જાઉં છું. તમે ગુફાની બહાર મારી રાહ જોજો. જો હું ૧૫ દિવસમાં પાછો ન ફરું તો સમજી લેજો કે માયાવીએ મને મારી નાખ્યો છે. આટલું કહીને વાલી ગુફામાં ચાલ્યા ગયા અને સુગ્રીવ બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યા.
 
પંદર દિવસને બદલે એક મહિનો વીતી ગયો, આમ છતાં વાલી બહાર ન આવ્યા. તેને બદલે ગુફામાંથી લોહી બહાર વહેવા લાગ્યું. લોહીની નદી વહેતી જોઈને સુગ્રીવે વિચાર્યું કે માયાવીએ વાલીનો વધ કરી નાખ્યો છે. હવે તે બહાર આવી કિષ્કિંધાને ખેદાન-મેદાન કરી નાખશે તેટલા માટે સુગ્રીવે ગુફાદ્વાર પાસે મોટી શિલા મૂકી ગુફા બંધ કરી દીધી અને તે કિષ્કિંધા પહોંચી દુઃખી હૃદયે રાજ કરવા લાગ્યો, પરંતુ ગુફામાં વાલી નહીં પેલો રાક્ષસ હણાયો હતો. વાલીને લાગ્યું કે સુગ્રીવે મારી સાથે કપટ કરી રાજ પડાવી લીધું છે. સુગ્રીવની અનેક દલીલો છતાં તેને કિષ્કિંધામાંથી નિષ્કાસિત કરી દીધો એટલું જ નહીં તેણે સુગ્રીવની પત્નીને પણ બળજબરીથી પોતાની પાસે રાખી લીધી. સુગ્રીવને જ્યારે અહીં શ્રીરામ આવ્યાની જાણ થાય છે ત્યારે તે શ્રીરામ પાસે મદદ માંગવા ગયો. જો કે વરદાન પ્રમાણે શ્રીરામ સામી છાતીએ વાલીનો વધ કરી શકે તેમ ન હોવાથી તેઓએ યોજનાપૂર્વક વાલી અને સુગ્રીવનું યુદ્ધ કરાવડાવ્યું અને ઝાડીઓ પાછળ છુપાઈ વાલી પર તીર ચલાવી તેનો વધ કર્યો.