વિરાધ - કુબેરના શાપે જેને રાક્ષસ બનાવ્યો હતો

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

 viradha_1  H x
 

એ મનુષ્યો, તમે હજી આ વિરાધ નામના રાક્ષસને ઓળખતા નથી ? આમ કહી રાક્ષસે ભયંકર ત્રાડ નાખી. આખુંય વન કંપી ઊઠ્યું.

વનવાસ દરમ્યાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા દંડાકારણ્યમાં ચાલ્યા જતા હતા ત્યારે તેમને એક ભયાનક રાક્ષસ મો. લક્ષ્મણ પાસે આવીને રામ તથા સીતા એ ભયંકર રાક્ષસને જોવા લાગ્યાં. પર્વતના શિખર જેવો એ લાગતો હતો. પોતાના કાને અવાજ પડતાં રાક્ષસે આ તરફ જોયું. એની આંખો ભયંકર હતી.
 
રામ તથા લક્ષ્મણે ધનુષ ઉપર બાણ ચડાવ્યાં. આ જોઈને રાક્ષસ ખડખડ કરતો હસી પડ્યો. એણે કહ્યું : ‘એ મનુષ્યો, તમે હજી આ વિરાધ નામના રાક્ષસને ઓળખતા નથી ?’ આમ કહી રાક્ષસે ભયંકર ત્રાડ નાખી. આખુંય વન કંપી ઊઠ્યું. ઝાડ ઉપરનાં પક્ષીઓ પણ નિષ્પ્રાણ થઈને જમીન ઉપર પડવા લાગ્યાં. શ્રી રામે તેમના પર બાણ ચલાવ્યા. રાક્ષસને વીંધીને રામનાં એ સાતેય બાણ આરપાર નીકળી ગયાં, પણ રાક્ષસ તો હતો એવો ને એવો જ હતો. ઊલટાનો એ હસવા લાગ્યો અને રામ અને લક્ષ્મણને લઈને ભાગવા લાગ્યો.
 
સીતાને આક્રંદ કરતાં જોઈને રામનું હૃદય વલોવાઈ ગયું. ખભા ઉપર બેઠે બેઠે લક્ષ્મણને એમણે સાનમાં સમજાવી દીધો. ભયંકર ક્રોધ લાવીને બંને ભાઈઓએ દાંત ભીંસીને સર્ર્ર્ કરતી તલવારો ખેંચી એકી સાથે વિરાધના બાહુઓ ઉપર ઝીંકી. વિરાધના બેઉ હાથ ખચોખચ કપાઈ ગયા. રામ-લક્ષ્મણ જમીન ઉપર કૂદી પડ્યા.
 
વિરાધ આ બે મનુષ્યો સામે નવાઈ સાથે તાકી રહ્યો. એણે પૂછ્યું : ‘અરે ઓ દેવરૂપ મનુષ્યો, કોણ છો તમે ?’
 
રામે પોતાની ઓળખાણ આપી. આ દરમિયાન સીતા પણ હરિણીની જેમ દોડતાં દોડતાં આવી પહોંચ્યાં. આવતાં જ રામને એ વળગી પડ્યાં. રામનું નામ જાણીને વિરાધ રાજી રાજી થઈ ગયો. એણે કહ્યું : ‘રામ, હું પોતે અસલમાં તો તુંબુરુ નામનો ગંધર્વ છું, પણ કુબેરના શાપથી રાક્ષસ થઈ જન્મ્યો છું.’
 
વિરાધના બેઉ ખભાઓમાંથી ધોધમાર લોહી વહેતું હતું. અશક્તિને લીધે એ જમીન ઉપર બેસી ગયો. એણે કહ્યું : ‘કુબેરે મને કહ્યું હતું કે વિષ્ણુ ભગવાન પૃથ્વી ઉપર રામના નામથી જન્મશે. એના હાથે તારો ઉદ્ધાર થશે. એટલે હવે હું તમારી કૃપાથી શાપમાંથી છૂટીશ. હે રામ, હું હવે મારો દેહ છોડી દઈશ. તમે મારા દેહને બાજુના આ ખાડામાં નાખીને સુખેથી તમારા રસ્તે પડજો. હે રામ, અહીંથી થોડાક જ અંતર ઉપર શરભંગ ઋષિનો આશ્રમ છે. સૂર્યાસ્ત થતા પહેલાં તમે ત્યાં સુખેથી પહોંચી જશો. તમારું કલ્યાણ થાઓ !’